ગુજરાતમાં SIR : મતદારયાદીમાંથી હજારો 'મુસ્લિમો-દલિતોનાં નામ' કમી કરવાના પ્રયાસના આરોપ કેમ લાગી રહ્યા છે?

    • લેેખક, રૉક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા

પાછલા લગભગ ત્રણેક માસથી ગુજરાત સહિત દેશનાં અન્ય રાજ્યોમાં ભારતના ચૂંટણીપંચ દ્વારા મતદારયાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ની પ્રક્રિયા હાથ ધરાઈ છે. હાલ આ કામગીરી તેના અંતિમ તબક્કા તરફ આગળ વધી રહી છે.

જોકે, SIRની કામગીરી અંગે ગુજરાત સહિત સમગ્ર દેશમાં વારંવાર વિવાદો અને રાજકીય આક્ષેપ-પ્રત્યાક્ષેપ થતા જોવા મળી રહ્યા છે.

એક તરફ કૉંગ્રેસ સહિતનાં વિપક્ષી દળો આ સમગ્ર પ્રક્રિયાને જાતભાતના સવાલ ઉઠાવી રહ્યા છે, તો બીજી તરફ, ભારતનું ચૂંટણીપંચ તેને મતદારયાદીની શુદ્ધિ અને દરેક લાયક નાગરિકનો મતાધિકાર સુનિશ્ચિતિ કરવાની પ્રક્રિયા ગણાવી છે.

હવે જ્યારે આ SIRની પ્રક્રિયા તેના અંતિમ તબક્કા તરફ આગળ વધી રહી છે ત્યારે 'મતદારયાદીમાંથી લાયક મતદારોનાં નામ કમી કરવા અથવા સામેલ કરવા સામે વાંધો રજૂ' કરવા માટે 'લાખોની સંખ્યામાં ખોટી અરજીઓ' કરાઈ રહ્યો હોવાનો વિવાદ શરૂ થયો છે.

કૉંગ્રેસનો આક્ષેપ છે કે ત્રાહિત પક્ષ દ્વારા મતદારયાદીમાંથી નામ કમી કરાવવા માટેનું ફૉર્મ-7 ભરીને રાજ્યમાં લગભગ દસ લાખ લાયક મતદારોનાં નામ કાઢી નાખવાના પ્રયાસ કરાઈ રહ્યા છે.

ખોટા નામ કે સંપર્ક નંબરથી ફૉર્મ-7 ભરીને ચોક્કસ વિસ્તારોમાં રહેતા લોકોનાં નામ કમી કરવાની અરજીઓ અંગેની ફરિયાદો સતત ચૂંટણીપંચને મળી રહી હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે.

તાજેતરમાં જ ગુજરાતના જાણીતા હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડ તથા જેમને પદ્મશ્રી મળવાનું એલાન થયું એ લોક કલાકાર 'હાજી રમકડું'નું નામ કમી કરવા માટે થયેલી આ પ્રકારની અરજી બાદ આ મુદ્દો ચર્ચામાં છે.

આ વિશે કૉંગ્રેસ-આપ સહિતના વિરોધ પક્ષોના આરોપો છે કે તેમના મતદારોનાં નામ મતદારયાદીમાંથી દૂર કરી દેવા માટે આવા પ્રયત્નો થઈ રહ્યા છે. જ્યારે બીજી તરફ ચૂંટણીપંચના અધિકારીઓનું કહેવું છે કે આ આક્ષેપો અંગે તપાસ કરવામાં આવશે.

'લાખોની સંખ્યામાં ફૉર્મ-7 ભરાયાં'

મોરબીમાં રહેતા સલમાન હુસૈન એક સમાજસેવક છે અને તેમનું તથા તેમનાં બહેનનું નામ 2026ની યાદીમાંથી નીકળી ગયું છે.

તેઓ કહે છે કે, "અમને મળેલી માહિતી મુજબ કોઈએ અમારું નામ રદ કરવા માટે ફૉર્મ-7 ભરીને અધિકારીને આપ્યું છે. તેના કારણે મારું નામ કાઢી નાખવામાં આવ્યું છે, એવું મને કહેવામાં આવ્યું છે. હું તમામ દસ્તાવેજો આપવા તૈયાર છું, પરંતુ હજી સુધી મને કોઈ યોગ્ય જવાબ મળ્યો નથી."

અમદાવાદના મિર્ઝાપુરમાં રહેતા લિયાકત મેમણનો કિસ્સો તો વિચિત્ર છે. ફોર્મ-7 હેઠળ એવી અરજી કરવામાં આવી છે કે લિયાકત મેમણનું મૃત્યુ થઈ ગયું છે, આથી તેમનું નામ રદ કરી દેવામાં આવે.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં લિયાકતભાઈ કહે છે કે, "મારા ભાઈ અબ્દુલ ગફર માટે પણ આવી જ રીતે અરજી કરવામાં આવી છે. અમારા પરિવારના બીજા લોકોનાં નામ યથાવત્ છે."

આ વિસ્તારના આગેવાન નોમનભાઈએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું હતું કે, "આ પ્રકારે હજારોની સંખ્યામાં ફૉર્મ માત્ર દરિયાપુર વિધાનસભામાં ભરવામાં આવ્યાં છે. હાલમાં અમે આ અંગે દરેક અધિકારીને મળી લોકો જીવિત છે કે સ્થળાંતરિત નથી થયા તેના પુરાવા આપી રહ્યા છીએ."

આ વિસ્તારના BLO (બૂથ લેવલ ઑફિસર) તેમજ ERO (ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઑફિસર) સાથે બીબીસી ગુજરાતીએ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમણે આ મુદ્દે કંઈપણ બોલવાનો ઇનકાર કરી દીધો હતો અને કહ્યું હતું કે આ અંગેની માહિતી ચીફ ઇલેક્શન ઑફિસરની કચેરીમાંથી મળશે.

સુરેન્દ્રનગરમાં દલિતો-મુસ્લિમોનાં નામ કમી કરવાના પ્રયત્નો?

ફૉર્મ-7 ભરીને મતદારોનાં નામ કમી કરવા માટેની હજારો અરજીઓ મળી હોય તેવી ફરિયાદો સુરેન્દ્રનગરમાંથી પણ મળી છે. સુરેન્દ્રનગરના દસાડા વિધાનસભા બેઠકના કૉંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ આ મુદ્દે બીબીસી ગુજરાતી સાથે વાત કરી હતી.

તેમણે કહ્યું હતું કે, "અમે ચૂંટણીપંચ પાસે સતત એ માગ કરી રહ્યા છીએ કે અમને દરેક વિધાનસભામાં જે ફૉર્મ ભરાયાં હોય તેની કૉપી આપવામાં આવે અથવા તો અમને તે ફૉર્મ જોવાની પરવાનગી અપાય, જેથી અમને ખબર પડે કે હજી કેટલા લોકોનાં ખોટી રીતે નામ કાઢવા માટેના પ્રયત્નો થયા છે. જોકે, હજુ સુધી અમને કોઈ ફૉર્મ જોવા મળ્યું નથી."

તેમને ભય છે કે આવી અરજીઓેને લીધે સુરેન્દ્રનગરના ચોટીલા તેમજ થાનગઢમાં દલિત અને મુસ્લિમ સમાજના અનેક લોકોનાં નામ મતદારયાદીમાંથી નીકળી જશે.

પ્રખ્યાત હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડનું નામ કમી કરવા કોઈએ અરજી કરી હોવાની વાત બહાર લાવનાર ચોટીલાના કૉંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા સાથે પણ બીબીસી ગુજરાતીએ વાત કરી હતી.

તેમણે કહ્યું હતું કે, "17 કે 18મી જાન્યુઆરીએ માત્ર ચોટીલા અને થાનગઢમાં 20 હજારથી વધારે ફૉર્મ-7 ભરાયાં હોવાની માહિતી અમને મળી હતી. અમે ચૂંટણી અધિકારી પાસે તેની યાદી માગી. અમને એ યાદી મળી ત્યારે ખબર પડી કે મુસ્લિમ, ઓબીસી અને દલિત સમાજના અનેક લોકોનાં નામ કાઢવા માટેની અરજીઓ થઈ છે. અમારા કાર્યકર્તાઓનાં નામ કાઢવા માટેની પણ અરજીઓ થઈ છે. અમે ઝીણવટથી યાદી જોઈ ત્યારે જ શાહબુદ્દીન રાઠોડ અંગેની અરજી અમને મળી હતી."

સુરેન્દ્રનગરના થાનગઢના ચૂંટણી અધિકારી નિલેશ પટેલે બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે શાહબુદ્દીન રાઠોડનું ફૉર્મ ખોટું હોવાની તપાસમાં પુરવાર થાય છે એટલે તેમનું નામ નહીં નીકળે.

જોકે, તેમણે એમ પણ કહ્યું હતું કે હજુ આ પ્રકારનાં ઓફલાઇન ફૉર્મ તેમને મળી રહ્યાં છે. તે ફૉર્મ ચકાસીને જો તેમાં કોઈ તથ્ય હશે તો તેની ઓનલાઇન નોંધ કરવામાં આવશે.

ઋત્વિક મકવાણા કહે છે કે, "અમારી પ્રથમ માંગણી તો એ છે કે આ પ્રકારનાં ફૉર્મ જથ્થાબંધ રીતે ભરાઈ રહ્યાં છે, તે અંગે ચૂંટણીપંચ તપાસ કરીને તેમની સામે કાયદેસરની ફરિયાદ કરીને ગુનેગારને સજા કરે. લોકોનાં નામ નીકળશે કે નહીં નીકળે તે તો પછીનો પ્રશ્ન છે, પ્રથમ તો એ શોધવાની જરૂર છે કે એ કોણ લોકો છે, જે હજારોની સંખ્યામાં આ ફૉર્મ ભરી રહ્યાં છે."

બીબીસી ગુજરાતીએ આ અંગે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી હારિત શુક્લા સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો. બીબીસીએ તેમને મોકલેલા ટેક્સ્ટ મૅસેજનો પણ કોઈ જવાબ મળ્યો ન હતો. જોકે. ચૂંટણીપંચના એક અધિકારીએ પોતાનું નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે હજી સુધી રાજ્યભરમાં આશરે 12.53 લાખ જેટલાં ફૉર્મ-7 મળ્યાં છે.

મોટી સંખ્યામાં ફૉર્મ-7 ભરાઈ રહ્યાં હોવાનો મુદ્દો કેવી રીતે સામે આવ્યો?

ગુજરાતભરમાં આ પ્રકારે ખોટાં નામ કે સંપર્ક નંબરથી ફૉર્મ-7 ભરાઈ રહ્યાં છે, તેવું જમાલપુર વિધાનસભાના કૉંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના ધ્યાને આવ્યું હતું.

ઇમરાન ખેડાવાલા કહે છે કે, "ઘણા લોકો અમારી પાસે આવ્યા અને આ સમસ્યા વિશે જણાવ્યું હતું. લોકોએ કહ્યું હતું કે તેમનાં નામે કોઈ અજાણી વ્યક્તિએ ફૉર્મ-7 ભરી દીધું છે અને હવે તેમનું નામ નીકળી જવાની ભીતિ છે. પછી અમે તપાસ કરી તો જાણવા મળ્યું કે હજારોની સંખ્યામાં આ પ્રકારે ફૉર્મ ભરાયાં હતાં."

ઇમરાન ખેડાવાલાનો દાવો છે કે માત્ર જમાલપુર વિધાનસભા બેઠકમાં આશરે 28500 જેટલાં ફૉર્મ-7 ભરાયાં છે.

તેઓ કહે છે કે, "હાલમાં આ પ્રકારની માહિતી દરેક વિધાનસભા બેઠકોમાંથી લેવામાં આવી રહી છે. એક વખત તમામ દસ્તાવેજો અમારી પાસે આવી જશે, ત્યાર બાદ અમે સુપ્રીમ કોર્ટમાં પણ જઈશું. કારણ કે આ પ્રક્રિયામાં ચોક્કસ વર્ગના લોકોને બાકાત કરવાનું ષડ્યંત્ર ચાલી રહ્યું છે."

દસાડાના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ જણાવ્યું હતું કે, "વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને 76344 મત મળ્યા હતા, જ્યારે મને 74165 મત મળ્યા હતા. એ ઉમેદવાર માત્ર 2179 મતથી એટલે કે 1.32 ટકા વધુ મત મેળવીને જીત્યા હતા. આવી સ્થિતિમાં જો આ પ્રકારે પાંચથી 15 હજાર મત નીકળી જાય, તો ભાજપ સિવાય બીજી કોઈ પાર્ટી તો જીતી જ ન શકે."

તેમણે કહ્યું હતું કે, "મને શંકા છે કે આ મોટું ષડ્યંત્ર છે કારણ કે ફૉર્મ-7માં કૉંગ્રેસતરફી મત આપનારા બૂથમાંથી મતદારોનાં નામો કાઢવાની અરજીઓ વ્યાપક પ્રમાણમાં થઈ છે. "

ગુજરાત ભાજપના મુખ્ય પ્રવક્તા ડૉ.અનિલ પટેલે આ આરોપોને કૉંગ્રેસની નિષ્ફળતા ગણાવી હતી.

તેમણે કહ્યું હતું કે, "કૉંગ્રેસ પાસે કોઈ મુદ્દો નથી. આવતી ચૂંટણીમાં કૉંગ્રેસનું પ્રદર્શન સારું ન રહે તો શું જવાબ આપવો તેની તૈયારી કૉંગ્રેસ કરી રહી છે."

ફૉર્મ-7 હેઠળ ખોટી માહિતી આપો તો શું થાય?

ચૂંટણીપંચના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ની પ્રક્રિયાના પ્રથમ તબક્કા બાદ કોઈપણ વ્યક્તિ પોતાનું, પોતાના પરિવારજનોનું કે બીજા કોઈ પણ વ્યક્તિનું નામ કમી કરવા માટે ફૉર્મ-7 ભરીને ચૂંટણીપંચને રજૂઆત કરી શકે છે.

દેશભરમાં જ્યારે જ્યારે આ પ્રક્રિયા થઈ છે, ત્યારે આ ફૉર્મ-7 દ્વારા નામો કમી કરવામાં આવ્યાં છે. પરંતુ આ વખતના આંકડાને 'ચોંકાવનારા' ગણાવાઈ રહ્યા છે.

અલ્પેશ ભાવસાર અને સંતોષસિંહ રાઠોડ નામના બે લોકો દ્વારા કરવામાં આવેલી એક માહિતી અધિકારની અરજીના જવાબમાં તેમને જાણવા મળ્યું હતું કે SIRની છેલ્લી પ્રક્રિયા (2002)માં રાજ્યભરમાંથી ચૂંટણીપંચને માત્ર 3355 વાંધા અરજીઓ મળી હતી, જેમાંથી 1295 મંજૂર થઈ હતી.

જ્યારે આ વખતની પ્રક્રિયામાં તો ઘણી વિધાનસભા બેઠકો પર 1500 થી 25 હજાર સુધી નામો કમી કરવા માટેની અરજીઓ કરવામાં આવી છે. કુલ આંકડો લાખોમાં હોવાનું કહેવાઈ રહ્યું છે.

ફૉર્મ-7ની અરજી EROને કરવાની હોય છે. તેમાં પ્રથમ અરજી કરનારે પોતાનું સંપૂર્ણ નામ, મોબાઇલ નંબર તેમજ પોતાના ઇલેક્ટર્સ ફોટો આઇડેન્ટિટી કાર્ડ (EPIC) નંબરની વિગત ભરવાની હોય છે. ત્યાર બાદ અરજી કરનારે પોતાનું કે જેનું નામ કમી કરવાની રજૂઆત કરવાની હોય એ વ્યક્તિનું લખીને તેનાં કારણો લખવાનાં હોય છે.

જેમ કે, મૃત્યુ, સ્થળાંતર, 18 કરતાં ઓછી ઉંમર, ગેરહાજર, ભારતીય નાગરિક ન હોવું કે બીજે ક્યાંય નામ નોંધાયું છે વગેરે વિકલ્પોમાંથી કોઈ એક બૉક્સ પર ટીક કરવાનું હોય છે. ત્યાર બાદ જે-તે વ્યક્તિનું નામ અને તેનું EPIC નંબર મતદારયાદી પ્રમાણે ઉમેરવાનું હોય છે.

છેલ્લે, અરજદારે એવી જાહેરાત કરવાની હોય છે કે તેમને ખબર છે કે ખોટી માહિતી આપવી એ રિપ્રેઝેન્ટેશન ઑફ પીપલ ઍક્ટ, 1950ની કલમ 13 મુજબ ગુનો છે, અને જો તેમની માહિતી ખોટી સાબિત થાય તો તેમની સામે કાયદેસરનાં પગલાં લેવામાં આવશે. તેમાં એક વર્ષની સજા તેમજ દંડની જોગવાઈ હોય છે. અંતમાં અરજદારે સહી કરવાની હોય છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન