You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાજકોટ સત્યાગ્રહ : સરદાર પટેલનું એ આંદોલન, જેની સામે રાજાઓએ 'કાવતરાં' ઘડ્યાં
- લેેખક, જય શુક્લ
- પદ, બીબીસી સંવાદદાતા
અંગ્રેજકાળમાં સૌરાષ્ટ્રનાં વિવિધ રજવાડાંમાં કેટલાંક પ્રજામંડળો કે પ્રજાપરિષદો કે પછી પ્રતિનિધિસભા પણ હતાં. આ પ્રજામંડળો ધારાસભાની માફક કામ નહોતાં હતાં, પરંતુ મહદંશે અંગ્રેજોથી આઝાદીના ઉદ્દેશથી રચાયાં હતાં. તેમાં આઝાદીની લડતમાં જોતરાવા સિવાય પ્રજાના પ્રશ્નો મામલે રાજાને રજૂઆતો પણ થતી હતી અને જો ઉકેલ ન આવે તો લડત પણ ચલાવાતી.
સ્વાતંત્ર્યસેનાનીઓએ 'કાઠિયાવાડ રાજકીય પરિષદ'ની સ્થાપના કરી હતી. આ પરિષદના સૌરાષ્ટ્રની અલગ-અલગ નવ જગ્યાએ સંમેલનો ભરાયાં હતાં. આ રાજકીય પરિષદનો ઘણાં ખરાં રજવાડાં વિરોધ કરતાં હતાં.
વિરોધ છતાં રાજકોટના તત્કાલીન રાજા લાખાજીરાજે 1921માં આ પરિષદનું પહેલું સંમેલન રાજકોટમાં મળે તેની પરવાનગી આપી હતી. આ પરિષદનો મુખ્ય હેતુ અંગ્રેજો સામેની લડત જ નહોતો, પરંતુ રાજા પ્રજાહિતમાં કામ કરે છે કે નહીં તે જોવાનો પણ હતો.
અન્ય રજવાડાંના વિરોધ છતાં લાખાજીરાજે જાન્યુઆરી, 1925માં ભાવનગરમાં મહાત્મા ગાંધીના પ્રમુખપદે ભરાયેલી કાઠિયાવાડ રાજકીય પરિષદના ત્રીજા અધિવેશનમાં હાજરી પણ આપી હતી. જ્યારે એ જ વર્ષે ફેબ્રુઆરીમાં ગાંધીજીએ રાજકોટની મુલાકાત લીધી ત્યારે લાખાજીરાજે ગાંધીજીને બાજુમાં બેસાડીને સન્માન કર્યું હતું અને રાષ્ટ્રીય શાળા ખોલી હતી.
આ પ્રસંગનો ઉલ્લેખ કરતા ગાંધીજીના પૌત્ર રાજમોહન ગાંધી તેમના પુસ્તક પટેલ- અ લાઇફમાં લખે છે, "તે વખતે લાખાજીરાજે ગાંધીજીને કહ્યું હતું કે 'હું તમારો લેફ્ટનન્ટ થવા માગું છું. હું તમારા અનુયાયી કરીકે વલ્લભભાઈ પટેલને વટાવી જવા માગું છું.' પરંતુ તેમને ખબર નહોતી કે તેમના (લાખાજીરાજના) પુત્ર આ બંને સામે પડવાના છે."
લાખાજીરાજનું મૃત્યુ થયું એટલે તેમના પુત્ર ઠાકોર ધર્મેન્દ્રસિંહજી ગાદીએ આવ્યા.
રાજકોટ રાજ્યના દીવાન વીરાવાળાએ રાજ્યમાં લોકશાહીની સ્થાપના માટેની સરદાર અને ગાંધી એમ બંનેની 'મહેનત પર પાણી ફેરવી દીધું.'
પ્રજામંડળોની સરદાર પટેલે લીધી આગેવાની
કૉંગ્રેસના હરિપુરા સંમેલન બાદ પક્ષે દેશી રાજા-રજવાડાં જોડે સીધા સંઘર્ષમાં ન પડવાની નીતિ બનાવી હતી. જોકે, કૉંગ્રેસના કોઈ કાર્યકર્તા કે નેતા પ્રજાહિત માટે આંદોલનમાં સામેલ થાય તો તેને સામેલ થવાની છૂટ હતી, પરંતુ તેમાં કૉંગ્રેસના બૅનર કે નામનો ઉપયોગ કરવાની મનાઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હરિપુરા કૉંગ્રેસ સંમેલન બાદ અનેક રાજ્યોમાં પ્રજામંડળો સ્થપાયાં હતાં. તેમનાં કેટલાંક સંમેલનોમાં સરદાર પટેલ પ્રમુખપદે હાજર હતા. સરદાર પટેલ પોતે કાઠિયાવાડ રાજકીય પરિષદના પ્રમુખ પણ થયા હતા.
રાજમોહન ગાંધી લખે છે, "રાજા-મહારાજાઓ જોડે ઘર્ષણમાં ન ઊતરવાની કૉંગ્રેસની નીતિનો આમાં અનાદર થતો હતો. પણ રાજા-પ્રજા વચ્ચેના ઘર્ષણમાં તટસ્થ રહેવાનું વલ્લભભાઈ માટે છેવટે અશક્ય બની ગયું."
"લાખાજીરાજના દીકરા ધર્મેન્દ્રસિંહ રાજકોટના નબળા રાજવી હતા. રાજ્યની આગલી બચત ખલાસ કરી નાખનાર તેઓ વીરાવાળા(રાજકોટના દીવાન)ના હાથનું રમકડું બની ગયાં હતાં. રાજ્યની ખાલી તિજોરી ભરવા વીરાવાળાએ ચોખા, દિવાસળી, સાકર, સિનેમાની ટિકિટોના ઇજારા લિલામથી આપવા માંડ્યા. રાજ્યની માલિકીની કાપડ-મિલનો ઇજારો પણ લિલામથી વેચાયો અને રાજકોટનું પાવર હાઉસ ધિરાણે મૂકવાનો વિચાર પણ તેમણે મૂક્યો. કાપડ-મિલના મજૂરોને 14-14 કલાક કામ કરાવવાનો આગ્રહ સેવ્યો. જુગારના પાટલાનો ઇજારો પણ લિલામથી વેચાયો."
ખાલી તિજોરીને ભરવા માટે લાદવામાં આવેલા જાતભાતના વેરાથી રાજકોટની પ્રજા પરેશાન થઈ ગઈ.
કાઠિયાવાડનાં 222 રજવાડાંની વચ્ચે રાજકોટના ઠાકોરનું કોઈ વિશેષ મહત્ત્વ નહોતું. પરંતુ લૉર્ડ વેલેઝ્લીની સહાયક સંધી અંતર્ગત બ્રિટિશ રેસિડેન્ટની નિયુક્તિ રાજકોટમાં કરવામાં આવી હતી.
લેખક દિનકર જોશી તેમના પુસ્તક 'સરદાર મહામાનવ'માં લખે છે, "આ સંધી અંતર્ગત રજવાડાંએ સામે ચાલીને પોતાના કાંડા કાપીને અંગ્રેજોની થાળીમાં ધરી દીધાં હતાં. રાજકોટસ્થિત રેસિડેન્ટને સરદાર ચોકીદાર કહેતા હતા."
દિનકર જોશી લખે છે, "કાઠિયાવાડમાં ત્યારે કાઠિયાવાડ રાજકીય પરિષદ હતી. તે જનતાના અધિકાર માટે જાગૃતિ લાવવા સંબંધિત કામો કરતી હતી. ઉછંગરાય ઢેબર તેના અધ્યક્ષ હતા."
પ્રજાએ તેનો વિરોધ કર્યો. ઉછંગરાય ઢેબર કે જેઓ આઝાદી પછી સૌરાષ્ટ્ર રાજ્યના પહેલા મુખ્ય મંત્રી બન્યા હતા, તેમની આગેવાનીમાં રાજકોટમાં પ્રજા રસ્તા પર ઊતરી આવી. વીરાવાળાએ ઢેબર સહિતના લોકોની ધરપકડ કરી.
આ સત્યાગ્રહીઓને પોતાનો ટેકો જાહેર કરવા સરદાર પટેલ સપ્ટેમ્બર, 1938માં રાજકોટ આવ્યા.
તેમણે રાજકોટ રાજ્ય પ્રજા પરિષદના સંમેલનમાં ભાષણ કર્યું, "અમારે રાજાને પદભ્રષ્ટ કરવો નથી. અમારે તેની સત્તા મર્યાદિત કરવી છે. ખેડૂતો ભૂખે મરતા હોય ત્યારે જેનો રાજા નાચગાનમાં પૈસાની બરબાદી કરે તે રાજ્ય ન ટકી શકે... તમે મક્કમ હો તો બધાં રાજ્યો ભેગાં થાય તો પણ તમારી પ્રગતિ રોકી શકશે નહીં."
વીરાવાળા સરદાર પટેલની તાકત જાણતા હતા. તેથી તેમણે તેમને ચાપાણી માટે આમંત્રણ આપ્યું. સરદાર સાથે ભલે તેમણે મીઠી-મીઠી વાતો કરી, પરંતુ તેમણે અંગ્રેજોની મદદ માગી.
દિનકર જોશી લખે છે, "વીરાવાળાએ સમજી લીધું કે જનતા સરદાર સાથે છે. એવી હાલતમાં જનતાની જાગૃતિને કચડવી હોય તો સરદાર સાથે સંઘર્ષ કરવાના બદલે બ્રિટિશ રેસિડેન્ટને આગળ રાખીને ધર્મેન્દ્રસિંહના નામ પર પોતે કામ પાર પાડે. તેથી તેમણે ધર્મેન્દ્રસિંહ મારફતે આગ્રહ કરાવડાવ્યો કે હવે વીરાવાળાની તબિયત ઠીક નથી તેથી તેમને દીવાનપદેથી દૂર કરવામાં આવે."
વીરાવાળા દીવાનપદેથી નિવૃત્ત થઈ ગયા, પરંતુ તેઓ ઠાકોર ધર્મેન્દ્રસિંહના સલાહકાર બની ગયા. અંગ્રેજોએ પૅટ્રિક કૅડલને દીવાનપદે મોકલ્યા.
વીરાવાળાએ વિચાર્યું હતું કે કૅડલ તેમનું ધાર્યું કરશે, પરંતુ અંગ્રેજોએ મોકલેલા કૅડલ વીરાવાળાની અપેક્ષાએ અલગ જ નીકળ્યા. તેમણે ઠાકોર ધર્મેન્દ્રસિંહને પત્ર લખીને અનેક ફરિયાદો કરી. તેમણે આરોપ લગાવ્યો કે 'ધર્મેન્દ્રસિંહ પ્રજાનાં કામોમાં રસ ધરાવતા નથી.'
સત્યાગ્રહીઓ પર અત્યાચાર
આંદોલન ગામેગામ પહોંચી ગયું હતું. રોજ સ્વયંસેવકોને પકડીને તેમને ઢોર માર મારવામાં આવતો હતો. તેમના હાથ-પગ બાંધીને દૂર છોડી મૂક્વામાં આવતા હતા. ક્યારેક તેમને નિર્વસ્ત્ર પણ કરી દેવામાં આવતા હતા. રાજકોટથી દૂર સરાધાર ગામે એક અવાવરું મકાનમાં જેલ બનાવીને લોકોને ત્રાસ આપવામાં આવતો હતો.
દરમિયાન કૅડલે ઢેબરને મુક્ત કર્યા. વીરાવાળા અને ધર્મેન્દ્રસિંહને આ ન ગમ્યું.
આ વિશે રાજમોહન ગાંધી લખે છે, "વેસ્ટર્ન ઇન્ડિયા સ્ટેટ્સ એજન્સીનું થાણું રાજકોટ ખાતે હતું. તેના રેસિડેન્ટ ગીબ્સન પર લખાયેલા પત્રમાં 'ઢેબરભાઈના સત્કાર માટે લગભગ દસેક હજાર માણસોની મોટી સભા થઈ' તે બાબતમાં ઠાકોરે અફસોસ દર્શાવ્યો હતો. અંતે કૅડલની નોકરીનો અંત આણવાની રજા માગી. અંગ્રેજ સરકારે વીરાવાળાની વિદાય કરવાની માગ કરી. આ અંગત સલાહકાર ઠાકોરનાં કામોનું સંચાલન કરતા હતા અને તેમનાં કાગળોના મુસદ્દા ઘડતા હતા તે અંગ્રેજોના ધ્યાને હતું."
વીરાવાળાની ઇચ્છા વિરુદ્ધ કૅડલ રાજકોટમાં જ રહ્યા અને તેમને જવું પડ્યું. જોકે, પ્રજાનો સંઘર્ષ યથાવત્ રહ્યો. સત્યાગ્રહ યથાવત્ રહેતા કૅડલે ઢેબરભાઈ સહિત ઘણાની ધરપકડ કરી.
ભાગનગરના દીવાન અનંતરાય પટ્ટણીએ રાજકોટ આવીને સમાધાનના પ્રયાસો શરૂ કર્યા. તેમણે ધર્મેન્દ્રસિંહ અને પૅટ્રિક કૅડલ સાથે મળીને સમાધાનની શરતો તૈયાર કરી, પરંતુ સરદારને મધ્યસ્થ તરીકે રાખવાના તેમના પ્રયાસનો રેસિડન્ટ ગીબ્સને વિરોધ કર્યો. ગીબ્સને સરદારને બહારના ગણાવ્યા.
તેમણે કહ્યું કે "સરદાર કૉંગ્રેસમાં સૌથી અવિશ્વસનીય વ્યક્તિ છે."
આ વિરોધનો જવાબ આપતા સરદારે કહ્યું, "અલ્યા, મને બહારનો કહેનાર તું કોણ? પાંચ હજાર માઈલ દૂરથી તું અહીં આવીને અમારો ઘણી થઈને બેસનારો તું કોણ? તારું અહીં કોઈ સ્થાન નથી, આ અમારો મામલો છે, અમે પતાવીશું."
વીરાવાળાનું સરદાર સામે 'કાવતરું'
સરદારે 11મી નવેમ્બરે તેમનાં પુત્રી મણિબેનને મોકલ્યા. 5મી ડિસેમ્બરે તેમની પણ ધરપકડ કરવામાં આવી.
બીજી તરફ વીરાવાળા ભલે રાજકોટની બહાર હતા, પરંતુ તેમણે 'કાવતરું' કરવામાં કોઈ કસર ન છોડી. તેમણે સરદારને ખુશામત કરતો પત્ર લખ્યો. આ પત્ર સિવાય તેમણે કૅડલની જાણ બહાર સમાધાનની મૌખિક ઑફર ઠાકોર ધર્મેન્દ્રસિંહ વતી કરી.
રાજમોહન ગાંધી લખે છે, "આ લુચ્ચાઈભરી દરખાસ્તથી વલ્લભભાઈની રાષ્ટ્રીય ભાવનાને પોષણ મળ્યું."
જવાબમાં સરદારે લખ્યું, "તમારા કે તમારી પ્રજાના શુભેચ્છક તરીકે આપણા જેટલી વૃત્તિ કોઈ પરદેશીને ન હોઈ શકે."
ધર્મેન્દ્રસિંહના આમંત્રણથી સરદાર રાજકોટ ગયા. ગાંધીજીએ તેમને સલાહ આપી હતી કે રાજકોટના રેસિડેન્ટને મળીને આ બધી નિખાલસ વાતો કરજો, પરંતુ રાજમોહન ગાંધી લખે છે કે 'સરદારે ગાંધીજીની સલાહ ન માની.'
કદાચ, ગાંધીજીની સલાહ ન માનવાની કેવી અસર થશે તે સરદારને ત્યારે ખબર નહોતી.
સરદાર જોડે આઠ કલાક વાત કરીને ઠાકોરે સરદાર સાથે સમાધાન પર સહી કરી. નક્કી થયું કે સુધારણા માટે એક સમિતિ નીમવામાં આવશે. આ સમિતિમાં જે સભ્યો હશે તે પૈકી સાતનાં નામોની ભલામણ સરદાર કરશે અને ત્રણ સભ્યો ઠાકોર તરફથી હશે.
મણિબહેન સહિતનાં કેદીઓને ઠાકોરે છોડી મૂક્યાં. અંગ્રેજો હરકતમાં આવી ગયા. તેમને સમજાતું નહોતું કે આટલું ઝડપભેર સમાધાન કેવી રીતે થઈ ગયું.
વીરાવાળાએ સરદાર પટેલ વિરુદ્ધ ગીબ્સનના કાન ભર્યા.
દિનકર જોશી લખે છે, "તેમણે ગીબ્સનને કહ્યું કે, સાહેબ કંઈ રસ્તો કાઢો, ઠાકોરસાહેબે સરદાર સાથે સમાધાન કરીને મોટી ભૂલ કરી છે."
બીજી તરફ સમાધાન બાદ રાજી થઈ ગયેલા સરદારે સત્યાગ્રહ પરત ખેંચવાની જાહેરાત કરી, પરંતુ તેમને ખબર નહોતી કે વીરાવાળા તેમની સામે 'ખતરનાક ષડ્યંત્ર' ઘડી રહ્યા છે.
એક તરફ વીરાવાળાએ સરદાર જોડે સમાધાન કર્યું તો બીજી તરફ તેણે કૅડલ અને ગીબ્સનને 'સરદાર વિશ્વાસપાત્ર નથી' તેવી ખાતરી કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ગીબ્સન સાથેની બેઠકમાં સરદારનું અપમાન થયું.
રાજમોહન ગાંધી લખે છે, "વલ્લભભાઈ અને સરકારી અધિકારી વચ્ચે ફૂટ પડાવ્યા બાદ સરદાર જોડે સમાધાનમાંથી પીછેહઠ કરવા માટે વીરાવાળાએ ઠાકોરને તૈયાર કર્યા."
જાન્યુઆરી, 1939માં ધર્મેન્દ્રસિંહે કૅડલને રવાના કરીને ફરીથી વીરાવાળાને દીવાનપદે મૂકવાની પરવાનગી રેસિડન્ટ જોડે મેળવી લીધી.
'વીરાવાળાએ મારો ઉપયોગ કર્યો'
રાજમોહન ગાંધી લખે છે, "સરદારે વિચાર્યું કે કેટલાક લોકો મને કહે છે કે વીરાવાળાએ મને કૂંડાળામાં નાખ્યો અને તેમણે કૅડલને કાઢવામાં મારો ઉપયોગ કર્યો."
જોકે, વલ્લભભાઈએ આ વાત જાહેરમાં ક્યારેય ન કરી. સરદારે જેમની સાથે આ વિશે નિખાલસ વાતો કરી હતી તે ઘનશ્યામદાસ બિરલાના કહેવા પ્રમાણે, "મોડે-મોડે સરદાર સમજ્યા કે વીરાવાળા પર વિશ્વાસ રાખીને અને કૅડલ અને ગીબ્સનને ખલનાયક ગણીને તેમનાથી મોટી ભૂલ થઈ છે."
બિરલાના કહેવા પ્રમાણે, "સરદાર વીરાવાળાના આ મુકાબલામાં ઊણા ઊતર્યા."
સરદારને વીરાવાળાની આ રમત વિશે સમજણ પડવા લાગી ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું.
પાછળથી વલ્લભભાઈએ કબૂલ કરેલું કે "ગાંધીજી મને કહેતા કે કાઠિયાવાડીઓ જીભે બહુ મીઠા હોય છે, પણ તેમની પાઘડીમાં હોય છે તેટલા આંટા કે વળ તેમના પેટમાં હોય છે."
ઠાકોર ધર્મેન્દ્રસિંહે સરદાર સાથેનું સમાધાન રદ કર્યું
આખરે વીરાવાળાનું જ ચાલ્યું અને ઠાકોરે સરદાર સાથેનું સમાધાન રદ કર્યું.
દિનકર જોશી લખે છે, "ઠાકોરના નામ પર સરદારને મોકલેલા પત્રમાં લખવામાં આવ્યું હતું કે રાજ્યના ભાયાતો, મુસ્લિમો અને દલિત વર્ગ તરફથી પણ તેમને આવેદન મળ્યાં છે કે તેમનું પ્રતિનિધિત્વ આ સમિતિમાં હોય."
દરમિયાન મુસ્લિમ લીગના નેતાઓ સક્રિય હતા. દલિત વર્ગ તરફથી ડૉ. ભીમરાવ આંબેડકર રાજકોટ આવીને આ મામલે ચર્ચા કરી ગયા. મુસ્લિમ લીગ તરફથી ઇબ્રાહીમ ચુંદરીગર (જે થોડો સમય પાકિસ્તાનના વડા પ્રધાન પણ બન્યા) પણ રાજકોટ આવી ગયા.
દિનકર જોશી લખે છે, "કાઠિયાવાડમાં જાતિવાદ અને સંપ્રદાયવાદનાં બીજ રોપાઈ ચૂક્યાં હતાં."
સમાધાન રદ કરવામાં આવતા પરાજય ભોગવનાર સરદારે 'ઠાકોર નામ માત્રનો રાજા છે' તેવું કહ્યું. તેમની પાસે માત્ર એક જ માર્ગ હતો- ફરીથી આંદોલન શરૂ કરવાનો.
રાજકોટનું રાજ ત્રણ લોકોના હાથમાં હતું. એક વીરાવાળા, બીજા તેમના ભાણેજ વાલેરાવાળા અને ત્રીજા પોલીસ અધિકારી ફત્તેહ મોહમ્મદ ખાન.
વલ્લભભાઈ પટેલના આંદોલનના આહ્વાનની સામે 'આ ત્રણ લોકોએ ઉઘાડી સિતમગીરી આદરી.' સત્યાગ્રહ માટેની સભાઓ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો. છાપાં બહાર રાખવામાં આવ્યાં. પ્રતિબંધોનો ભંગ કરનાર લોકોને ઢોર માર મારવામાં આવ્યો, તેમની સંપત્તિ જપ્ત કરાઈ.
રાજકોટ સત્યાગ્રહમાં કસ્તૂરબાએ ઝંપલાવ્યું
મણિબહેન અને મૃદુલા સારાભાઈ સાથે કસ્તૂરબા રાજકોટ આવ્યાં. ફેબ્રુઆરીની શરૂઆતમાં જ ત્રણેય મહિલાઓની ધરપકડ કરી લેવામાં આવી. તેમને 'ગંદી જગ્યા'એ રાખવામાં આવ્યાં.
જેલમાં અને જેલ બહાર લોકો પર ભયંકર અત્યાચાર કરવામાં આવે છે તેવી ફરિયાદો સાંભળીને ફેબ્રુઆરીના અંતમાં ગાંધીજી પોતે રાજકોટ આવ્યા.
ગાંધીજી જ્યારે રાજકોટ આવ્યા ત્યારે વીરાવાળાએ તેમને દંડવત્ પ્રણામ કર્યા. ઠાકોર તરફથી આવકારનો પત્ર લઈને ફત્તેહ મહોમ્મદ ખાન પોતે હાજર હતા, પરંતુ ગાંધીજીને ઠાકોર ધર્મેન્દ્રસિંહને મળવા ન દેવાયા. તેથી ગાંધીજીએ જાહેરમાં બળાપો ઠાલવ્યો કે 'રાજકોટનો અસલી રાજા તો વીરાવાળા છે.'
રાજકોટમાં થઈ રહેલા અત્યાચારને જોઈને ગાંધીજીએ ત્રીજી માર્ચથી ઉપવાસ શરૂ કર્યા. તેમણે વાઇસરોય લીન્લીથગોને પત્ર લખીને સરદાર સાથે કરેલી સમજૂતીનું પાલન કરવા માટે ઠાકોર પર દબાણ કરવાનો અનુરોધ કર્યો.
દરમિયાન કૉંગ્રેસનું ત્રિપુરી ખાતે અધિવેશન હતું. ગાંધીજીએ સરદારને રાજકોટને બદલે ત્યાં જવાનું સૂચન કર્યું અને પોતે ત્યાં રોકાયા. સરદારને જ્યારે ખબર પડી કે ગાંધીજીએ આ સમસ્યાના સમાધાન માટે વાઇસરૉયને લખ્યું છે ત્યારે તેમને અફસોસ થયો.
દિનકર જોશી લખે છે કે "સરદારને લાગ્યું કે ગાંધીજીના આ પ્રયાસથી કાઠિયાવાડની પ્રજા જે મામલો જીતી ચૂકી હતી અને જે સંઘર્ષમાં માત્ર બે જણા- રાજા અને પ્રજા સામેલ હતા, તેમાં ગાંધીજીએ અંગ્રેજોને જોડીને મોટી મૂંઝવણ ઊભી કરી છે."
આખરે કસ્તૂરબા, મણિબહેન અને મૃદુલા સારાભાઈને છોડી મૂકવામાં આવ્યાં. વાઇસરોય લીન્લીથગોએ વડા ન્યાયાધીશ સર મૉરીસ ગ્વાયરને 'ઠાકોર દ્વારા વચનભંગ'ની ચકાસણી સોંપવામાં આવી.
ગાંધીજીએ ઉપવાસ છોડ્યા. સરદારે ન્યાયાધીશ ગ્વાયર સમક્ષ પોતાનો પક્ષ રજૂ કર્યો અને વીરાવાળાએ પોતાનો. સરદારે આ સમાધાન મામલે 'લુચ્ચાઈ, દબાણ અને છેતરામણી' કરવામાં આવી હોવાની રજૂઆત કરી.
ગ્વાયરે ચુકાદો સરદારના પક્ષે આપ્યો. ત્રીજી એપ્રિલે જાહેર કરેલા ચુકાદામાં તેમણે ઠાકોરને પોતાનું વચન પાળવાનો હુકમ કર્યો.
પહેલા દાવમાં વીરાવાળા જીત્યા હતા તો બીજા દાવમાં વલ્લભભાઈ અને ગાંધીની જીત થઈ.
સરદાર સમજતા હતા કે હવે તેમની જીત થઈ છે, પરંતુ તેમને ખબર નહોતી કે તેમની આ માન્યતા ખોટી પડવાની હતી.
સરદારે જે નામો મોકલ્યાં હતાં તે નામો છાપાંમાં છપાયાં અને વીરાવાળાને સરદાર પર નિશાન તાકવાની તક મળી. તેમણે કહ્યું કે સરદારે જે નામો મોકલ્યાં છે તેમાં ત્રણ નામો મુસ્લિમ હોવા જોઈએ તેવી માગ તેમને મળી છે.
સરદાર નામો લીક થવાને લઈને વીરાવાળા પર ગુસ્સે ભરાયા હતા, પરંતુ તેઓ આ મામલે કશું કરી શકે તેમ નહોતા.
વીરાવાળાએ 'ધર્મ અને જાતિવાદ'નો ઉપયોગ કર્યો
આમ વીરાવાળાએ છેલ્લો દાવ રમ્યો.
તેમણે ધર્મ અને જાતિવાદનું કાર્ડ ખેલ્યું. તેને કારણે મુસ્લિમો, ગરાસિયાઓ તથા ભાયાતો ઉશ્કેરાઈ ગયા. તેમણે જાહેર કર્યું કે "સરદાર આ સમાધાન અંતર્ગત જે નામો રજૂ કરશે તેને કારણે તેમનું હિત જોખમાશે."
16મી એપ્રિલે રાજકોટમાં ગાંધીજીની પ્રાર્થનાસભાને મુસ્લિમો તથા તલવાર સાથે આવેલા ભાયાતોએ ઘેરી લીધી.
હકીકતમાં તેમનું લક્ષ્યાંક ગાંધીજી નહીં, પરંતુ સરદાર હતા. તેઓ સરદારને શોધતા હતા, પરંતુ સરદાર પ્રજામંડળના કામ માટે અમરેલી ગયા હતા. પ્રાર્થના પૂરી થઈ ત્યારે ગાંધીજી તોફાનીઓ તરફ ચાલ્યા. તેમણે અન્યોને પોતાની જગ્યાએ જ ઊભા રહેવા કર્યું.
કેટલાક તોફાનીઓ ઉઘાડી તલવારે ગાંધીજી સમક્ષ ધસી ગયા. પણ ગાંધીજીએ દિશા ન બદલી. એક યુવાન ભાયાતનો હાથ પકડીને તેઓ તેમના નિવાસસ્થાને પહોંચ્યા.
સરદારની સામે માત્ર રાજકોટના રાજામાં જ નહીં, પરંતુ સૌરાષ્ટ્રના ઘણાખરા રાજાઓમાં રોષ હતો.
રાજમોહન ગાંધી લખે છે, "અમરેલીથી રાજકોટ આવી રહેલા સરદાર કયા રૂટ પરથી આવે છે તે બાબતમાં દુષ્ટતાભર્યું કુતૂહલ બતાવવામાં આવ્યું. બાજુનો રાજા વલ્લભભાઈનું ખૂન કરવા માગે છે તેવી શંકા વ્યક્ત કરવામાં આવી."
રાજકોટમાં ખેલાયેલા લઘુમતીકાર્ડ સામે ગાંધીજીની પહેલી પ્રતિક્રિયા એ હતી કે તેમને આપી શકાય તેટલી છૂટછાટો આપીને નવો ખરડો તૈયાર કરો.
ગાંધીજીએ નવી ફૉર્મ્યૂલા પ્રમાણે સમાધાન ન થાય તો ઉપવાસની તૈયારી બતાવી, પરંતુ સરદારે ગાંધીજીની આ દરખાસ્તનો વિરોધ કર્યો.
ગાંધીજીએ સરદારને કહ્યું, "મારી અનેક મૂર્ખામીનાં પરિણામો તમારે ભોગવવા પડ્યાં છે તે હું જાણું છું."
સરદારે વધુમાં કહ્યું અત્યાર સુધી કોઈ મૂર્ખાઈ થઈ નથી, પરંતુ હાલ તમે જે કાગળો મોકલો છો તે ખરેખરી બેવકૂફી છે."
ગાંધીજી હસ્યા અને કાગળો ફાડી નાખ્યા. પાછળથી ગાંધીજીએ કહેલું કે આ પગલું ભર્યું હોત તો 'આત્મહત્યા' કરવા જેવું હોત.
દરમિયાન વીરાવાળા ગાંધીજીને મળ્યા અને કહ્યું, "તમે પ્રજાના નામે રાજા-પ્રજા વચ્ચે અંતર ઊભું કરી રહ્યા છો. રાજા તરફથી જે સદ્ભાવપૂર્વક મળે છે તેને તમે કડવાહટ તરફ ખેંચી રહ્યા છો."
ગાંધીજીએ આ બાદ જે પગલું લીધું તે આશ્ચર્યજનક હતું. સન 1939ના મે માસમાં તેમણે ગ્વાયર પાસેથી મેળવેલો પોતાની હકનો ચુકાદો અને વાઇસરૉયની બાંયધરીના હકને જતો કરવાની જાહેરાત કરી.
તેમણે જાહેર કર્યું, "હું હાર્યો." પરંતુ તેમની આ હારમાં માન્યતા લાંબા ગાળાની જીત હતી તે બહુ ઓછાને ખબર હતી.
ગાંધીજીએ કહ્યું, "આ ચુકાદાથી મારો માર્ગ સરળ થવાને બદલે મુસ્લિમો અને ભાયાતોના ગુસ્સાનું કારણ બન્યો હોત. લોકશાહીને કારણે કોમવાદી ઝઘડા ઊભા થયા હોત."
સરદારે ગાંધીના હક જતો કરવાનો નિર્ણય સ્વીકાર્યો
સરદાર ગાંધીના નિર્ણયને બરાબર સમજતા હતા. તેમને ખબર હતી કે ગાંધીજીએ આ નિર્ણય કેમ લીધો હતો. તેથી જ તેમણે કોઈ પણ દલીલ કર્યા વગર જીતેલી બાજીને હારી હોવાનો સ્વીકાર કરી લીધો.
રાજમોહન ગાંધી લખે છે, "વીરાવાળાની જીત થઈ. આ દીવાનનો એક માત્ર ઉદ્દેશ સત્તા જાળવી રાખવાનો હતો. તેમણે માત્ર ગાંધીવાદીઓ જોડે લડવાનું હતું જ્યારે ગાંધી અને સરદારે એકસાથે સામંતશાહી, સામ્રાજ્યવાદ અને કોમવાદ સામે લડવાનું હતું."
"એક મોરચે મળેલી જીત, બીજા મોરચે ભાગવવાના નુકસાનથી સરભર થઈ જતી હતી. એક દુશ્મનને હરાવવા જતા બીજાની મદદ લેવી પડતી હતી."
"રાજકોટના અનુભવ વિશે ભારત તરફી લૉર્ડ લોધિયને કરેલી ટીકા સાચી નીવડી."
તેમણે આગાહી કરી હતી કે "આ લોકોને પ્રતિનિધિરૂપ સંસ્થાઓનો કશો અનુભવ નહોતો. કૉંગ્રેસ વધારે પડતું જોર કરે, તો મુસ્લિમો ભારતની બહાર જતા રહેશે."
"આ ચુકાદો જો સ્વીકારવામાં આવ્યો હોત તો હિંદી રાજા સામે લડવા માટે અંગ્રેજ રાજની મદદ લેવી પડે. લોકશાહીના હક માટેના પ્રયાસથી મુસ્લિમો નારાજ થતા હતા. તેવું ગાંધીજી અને વલ્લભભાઈને જણાયું."
"રાજકોટના અનુભવ વિશે ભારત તરફી લૉર્ડ લોધિયને કરેલી ટીકા સાચી નીવડી."
તેમણે આગાહી કરી હતી કે "આ લોકો(કૉંગ્રેસના લોકો)ને પ્રતિનિધિરૂપ સંસ્થાઓનો કશો અનુભવ નહોતો. કૉંગ્રેસ વધારે પડતું જોર કરે, તો મુસ્લિમો ભારતની બહાર જતા રહેશે."
"આ આગાહી સાચી અને નિરાશાજનક પણ રહી"
લૉર્ડ લોધિયનની ટીકા ભારતના ભાગલા પડ્યા તેના સંદર્ભમાં સાચી ઠરી હોવાનો ઘણાનો મત હતો.
વીરાવાળાને 'વિજયી' બનાવવાનો ગાંધીજીનો નિર્ણય જ્યારે વલ્લભભાઈએ વિના વિરોધે સ્વીકાર્યો ત્યારે બધાને એવું લાગ્યું હોવું જોઈએ કે તેઓ મુસ્લિમોને કે અન્ય કોમોને નારાજ કરવા માગતા નહોતા.
જોકે, ગાંધી-સરદારની હારથી અંગ્રેજ સરકાર પણ ખુશ થઈ. સાથે વીરાવાળાને સાથ આપનારા જામનગરના રાજા જામસાહેબ જેવા રાજાઓ પણ આનંદ પામ્યા.
રાજમોહન ગાંધી લખે છે, "એક સત્યાગ્રહીએ કહ્યું કે જામસાહેબ અને ગીબ્સને મળીને સરદારને નામોશીભર્યો પરાજય ચખાડ્યો. રાજકોટમાં પ્રજામંડળના એક કાર્યકરે જ્યારે વીરાવાળાને 'રાક્ષસ' સાથે સરખાવ્યો ત્યારે વલ્લભભાઈએ તેનું મોં બંધ કરતો જવાબ આપ્યો કે 'મને બાપુ ન મળ્યા હોત તો હું પણ વીરાવાળા જેવો જ બન્યો હોત."
રાજકોટ સત્યાગ્રહના પડઘા અન્ય રાજ્યોમાં
રાજકોટના રંગ બીજાં રાજ્યોમાં પણ દેખાયા. 1939ના મે મહિનામાં ભાવનગરમાં સરદાર પર મુસ્લિમોએ હુમલો કર્યો હતો. વડોદરામાં રાજા મરાઠીભાષી હતા ત્યાં મરાઠીઓની લઘુમતી હતી. ત્યાં વલ્લભભાઈના દુશ્મનોએ ભાષાકીય ઉશ્કેરણી કરી. તેમણે અફવા ફેલાવી કે ગુજરાતીઓ મરાઠીઓના હક ઝૂંટવી લેશે. વલ્લભભાઈનું વડોદરામાં જ્યાં ભાષણ થવાનું હતું તે મંડપ તોડી પાડવામાં આવ્યો.
મંડપ બાળી નાખવામાં આવ્યો અને વલ્લભભાઈની કાર પર પથ્થરમારો થયો. લીંબડીમાં પણ પ્રજામંડળમાં વણિક લોકો સક્રિય હોવાને કારણે એવો પ્રચાર કરાયો કે આ 'વાણિયામંડળ' છે. મૈસુરમાં પણ બબાલ થઈ. મહારાષ્ટ્રના ઔંધમાં રાજાએ સામે ચાલીને લોકોને વહીવટ સોંપી દીધો.
રાજમોહન ગાંધી લખે છે કે "એકંદરે જોઈએ તો રજવાડાંમાં લોકશાહી સ્થાપવાનો પ્રયાસ નિષ્ફળ નીવડ્યો, છતાં આ કામમાં મળેલો અનુભવ આઝાદી પછી ઉપયોગી થઈ પડ્યો."
આ સત્યાગ્રહથી સરદારને ઘણું શીખવા મળ્યું. ખુદ ગાંધીજીએ જ કહ્યું હતું કે 'રાજકોટ સત્યાગ્રહ તેમના માટે એક પ્રયોગશાળા જેવો હતો.'
નરહરિ પરીખ પોતાના પુસ્તકમાં લખે છે, "દેશનાં ઘણાં રાજ્યોમાં જવાબદાર રાજ્યતંત્ર મેળવવાની ચળવળો ચાલી. તેમાં સરદારે આગળ પડતો ભાગ લીધો. આ ચળવળોનું પરિણામ તત્કાળ સંતોષજનક ન દેખાયું, પરંતુ સરદારને દેશી રાજાઓનો અને પ્રજાઓનો અનુભવ થઈ ગયો. 1947ની આઝાદી બાદ દેશી રાજ્યોનો ઉકેલ લાવવામાં આ અનુભવ સરદારને બહુ કામ આવ્યો."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન