સરદાર@150: શું સરદાર પટેલ ઇચ્છતા હતા કે મુંબઈ ગુજરાતને મળે અને મોરારાજી દેસાઈની શું ભૂમિકા હતી?

    • લેેખક, ઉર્વીશ કોઠારી
    • પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે

'લોખંડી પુરુષ', 'ભારતના બિસ્માર્ક', 'ભારતની એકતાના શિલ્પી', 'વિશ્વનું સૌથી ઊંચું પૂતળું જેમનું બન્યું છે તે નેતા'—આવી અનેક પ્રચલિત ઓળખો સરદાર વલ્લભભાઈ પટેલનો સાચો પરિચય મેળવવા માટે સાવ અપૂરતી ગણાય.

તેમના જીવનનાં મહત્ત્વનાં પાસાંનો અંતરંગ અને આધારભૂત પરિચય આપવાના આશયથી, સરદારના જન્મના 150મા વર્ષના આરંભથી અંત સુધી આ શ્રેણી અંતર્ગત દર મહિને એક લેખ પ્રગટ થશે.

થોડા સમય પહેલાં રાજ ઠાકરેએ એક સભામાં દાવો કર્યો હતો કે મુંબઈ પર ઘણાં વર્ષોથી ગુજરાતીઓનો ડોળો છે. 'વલ્લભભાઈ પટેલે પણ કહ્યું હતું કે મુંબઈ મહારાષ્ટ્રને મળવું ન જોઈએ'—એમ કહીને ઠાકરેએ સરદાર ઉપરાંત મુંબઈ રાજ્યના તત્કાલીન મુખ્ય પ્રધાન મોરારજી દેસાઈની પણ ટીકા કરી હતી.

આવાં ભાષણો એકાદ ઐતિહાસિક સચ્ચાઈનો આધાર લઈને તેની પર પ્રાંતવાદી ઉશ્કેરણીની આખી ઇમારત ચણી કાઢતાં હોય છે.

પરંતુ એ હકીકત છે કે મુંબઈનો મહારાષ્ટ્રમાં સમાવેશ અત્યારે લાગે એટલો સ્વાભાવિક ન હતો. તેની પાછળ ઘણાં સામાજિક-આર્થિક-ઐતિહાસક કારણો જવાબદાર હતાં.

અલગ દરજ્જાની શરૂઆત

અંગ્રેજોએ ભારતના વહીવટ માટે વિવિધ એકમો (પ્રેસિડેન્સી) બનાવ્યાં. તેમાંનો એક હતો બૉમ્બે પ્રેસિડેન્સી. તેમાં હાલના ગુજરાત અને મહારાષ્ટ્ર ઉપરાંત કર્ણાટકના કેટલાક હિસ્સાનો પણ સમાવેશ થતો હતો.

ગાંધીજીના આગમન અને કૉંગ્રેસમાં તેમની સક્રિયતા પછી, કૉંગ્રેસના સંગઠનને ભાષાવાર પ્રાંત પ્રમાણે વહેંચવાનું નક્કી કરવામાં આવ્યું.

નાગપુરમાં 1920માં ભરાયેલા અધિવેશનમાં કૉંગ્રેસનું નવું બંધારણ મંજૂર થયું. તેની પાંચમી કલમ પ્રમાણે દેશને વિવિધ પ્રાંતો કે ઘટકોમાં વહેંચવામાં આવ્યો હતો. ત્યારે ગુજરાતીભાષી ગુજરાત અને મરાઠીભાષી મહારાષ્ટ્ર ઉપરાંત મુંબઈ શહેરને અલગ રાખવામાં આવ્યું હતું.

એટલે કે, મુંબઈની પ્રાંતિક કૉંગ્રેસ સમિતિ મહારાષ્ટ્ર અને ગુજરાતની પ્રાંતિક કૉંગ્રેસ સમિતિઓથી અલગ-સ્વતંત્ર હતી. અલગ મુંબઈ શહેરની ભાષા મરાઠી અને ગુજરાતી ગણાવવામાં આવી હતી.

નોંધપાત્ર છે કે તે વ્યવસ્થામાં ફક્ત મરાઠીભાષી હોય એવા મહારાષ્ટ્ર ઉપરાંત બીજા બે ભાગ પણ સામેલ હતાઃ નાગપુરમાં મુખ્ય મથક ધરાવતો મધ્ય પ્રાંત અને અમરાવતીમાં મુખ્ય મથક ધરાવતો બેરાર (વરાડ).

આમ, છેક 1920થી બે બાબત કૉંગ્રેસની મૂળભૂત નીતિનો હિસ્સો બનીઃ ભાષાવાર પ્રાંતરચના અને મુંબઈનું ગુજરાત-મહારાષ્ટ્રથી અલગ, નગરરાજ્ય (સિટી-સ્ટેટ) તરીકેનું અસ્તિત્વ.

વિભાજન પછીની વિમાસણ

આઝાદી મળ્યા પછી સ્વાભાવિક રીતે જ ભાષાવાર પ્રાંતરચનાની માગણી ઊભી થવા લાગી. ગાંધીજીએ ઑક્ટોબર 1947ના રોજ કાકાસાહેબ કાલેલકર પરના એક પત્રમાં લખ્યું હતું કે હવે ભાષાઆધારિત પ્રાંતોની ફેરગોઠવણીમાં ઝડપ કરવી જોઈએ.

તેમણે એમ પણ લખ્યું કે જુદી-જુદી ભાષા એટલે જુદી-જુદી સંસ્કૃતિ એવો કામચલાઉ ભ્રમ હોઈ શકે છે, પરંતુ એક વાર ભાષાવાર પ્રાંતોની રચના થઈ ગયા પછી તે અદૃશ્ય જાય એ શક્ય છે.

અલબત્ત, વડા પ્રધાન જવાહરલાલ નહેરુ અને નાયબ વડા પ્રધાન સરદાર પટેલના વિચાર બદલાયા હતા. મૂળ સિદ્ધાંતનો સ્વીકાર હતો, પણ ભાગલાને કારણે સર્જાયેલા અશાંત વાતાવરણમાં ભાષાવાર વિભાજન વધુ દીવાલો ઊભી કરશે એવી તેમને આશંકા હતી. ગાંધીજી પણ પછી એવી લાગણી અનુભવતા થયા.

આખરે, બંધારણસભાએ 17 જૂન 1948ના રોજ એક જાહેરનામા દ્વારા 'ધ લિંગ્વિસ્ટિક્સ પ્રોવિન્સીસ કમિશન' (ભાષાવાર પ્રાંત પંચ)ની રચના કરી. જસ્ટિસ એસ.કે. ધરની આગેવાની હેઠળના પંચનું કામ ભાષાના આધારે આંધ્ર, કેરળ, કર્ણાટક અને મહારાષ્ટ્ર પ્રાંતોની રચના અને તેનાથી વિવિધ ક્ષેત્રોમાં થનારી અસરો વિશે અભ્યાસ કરવાનું હતું.

પંચે 10 ડિસેમ્બર 1948ના રોજ રજૂ કરેલા અહેવાલમાં પંચે ભાષાકીય પ્રાંતોની વિરુદ્ધમાં અભિપ્રાય આપ્યો અને દલીલમાં એમ પણ કહ્યું કે અંગ્રેજ સરકાર સામેની લડતમાં મદ્રાસ, મુંબઈ, મધ્ય પ્રાંત અને વરાડ જેવા મિશ્રભાષી રાજ્યોના લોકોએ એકજૂથ થઈને અસરકારક લડત આપી જ છે.

જસ્ટિસ દરના પંચે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે ભાષાકીય પ્રાંતરચના દેશના વ્યાપક હિતમાં નથી. પ્રાંતો જે વહીવટી મુશ્કેલી અનુભવી રહ્યા છે તેનો ઝડપી ઉકેલ જરૂરી છે.

એક વાર દેશની સ્થિતિ થાળે પડી જાય તે પછી ભાષાકીય પ્રાંતોની રચના વિશે વિચારી શકાય, એવું પંચે તારણમાં નોંધ્યું. તેમ છતાં, ભાષાવાર પ્રાંતરચનાની માગણી શાંત પડી નહીં.

મરાઠીભાષી લોકો અલગ મહારાષ્ટ્ર ઇચ્છતા હતા અને તેમાં સ્વાભાવિક રીતે જ મુંબઈનો પણ સમાવેશ થતો હતો.

જેવીપી સમિતિનો નન્નો

ભાષાવાર પ્રાંતની ચર્ચા શમી નહીં, એટલે ડિસેમ્બર 1948માં જયપુરમાં, આઝાદી પછી યોજાયેલા કૉંગ્રેસના પહેલા વાર્ષિક અધિવેશનમાં, જવાહરલાલ, વલ્લભભાઈ અને પટ્ટાભિ સીતારામૈયાની 'જેવીપી કમિટી' રચવામાં આવી.

સમિતિએ 1 એપ્રિલ, 1949ના રોજ રજૂ કરેલા અહેવાલમાં કહ્યું કે આઝાદી પછી વિભાજક બળોની બોલબાલાને કારણે ભાષાવાર પ્રાંતરચના થોડાં વર્ષ માટે મોકૂફ રાખવી જોઈએ.

જેવીપી સમિતિના અહેવાલમાં મુંબઈ વિશેની ગરમાગરમ ચર્ચાઓનો પણ ઉલ્લેખ થયો. પરંતુ સમિતિએ કહ્યું કે મુંબઈ વિશે કશી ચર્ચાને અવકાશ હોય એવું લાગતું નથી.

વેપારઉદ્યોગના કેન્દ્ર જેવા એ બહુભાષી, પચરંગી શહેરને કોઈ એક ભાષાકીય જૂથ સાથે જોડી શકાય નહીં. સમિતિએ કહ્યું કે મુંબઈની વસ્તીમાં મરાઠીઓની બહુમતી નથી અને જો તે થોડી બહુમતીમાં હોય તો પણ તેનાથી મુંબઈનું પચરંગી, વૈવિધ્યપૂર્ણ અસ્તિત્વ સમાપ્ત થઈ જતું નથી.

સમિતિએ ભારપૂર્વક ભલામણ કરી હતી કે ભવિષ્યમાં મુંબઈ પ્રાંતનું વિભાજન કરવાનું થાય ત્યારે મુંબઈ શહેરને અલગ રાજકીય એકમ તરીકે રાખવું જોઈએ. તેની સાથે એ હકીકત પણ ટાંકવામાં આવી હતી કે કૉંગ્રેસે છેક 1920થી મુંબઈને અલગ એકમ ગણ્યું છે. અલબત્ત, મુંબઈ શહેરની હદો વધારીને, તેને બૃહદ્ મુંબઈ બનાવવાની વાતને જેવીપી સમિતિએ સમર્થન આપ્યું હતું.

આવેદનપત્રોનું શાબ્દિક યુદ્ધ

ભારત સરકારે 1953માં 'રાજ્ય પુનઃરચના પંચ'ની (સ્ટેટ રિઑર્ગેનાઇઝેશન કમિશન) રચના કરી, ત્યારે સરદાર હયાત ન હતા. પરંતુ ભાષાવિવાદ વકરી ચૂક્યો હતો.

તેલુગુભાષી આંધ્રની રચના માટે પોટ્ટી શ્રીરામુલુએ 1952માં આમરણ ઉપવાસ કર્યા અને ઉપવાસના 58મા દિવસે તેમનું અવસાન થયું. તેના પગલે તોફાનો ફાટી નીકળ્યાં. ત્યાર પછી મદ્રાસના મુખ્ય મંત્રી રાજગોપાલાચારી અને વડા પ્રધાન નહેરુએ અલગ આંધ્રની માગણી સ્વીકારવી પડી.

તે સમયે ફરી ભડકેલી બીજાં રાજ્યોની માગણીને સંતોષવાનો 'રાજ્ય પુનઃરચના પંચ'નો આશય હતો. તેમાં સ્વાભાવિક રીતે જ મુંબઈ સહિતના મહારાષ્ટ્રની માગણી પણ સામેલ હતી.

'ધ બૉમ્બે સિટીઝન્સ કમિટી' જેવું નામ ધરાવતી મુંબઈની એક સંસ્થાએ 1954માં પંચ સમક્ષ નકશા, કોઠા અને સંદર્ભસૂચિ સહિતનું વિગતવાર આવેદનપત્ર રજૂ કર્યું. મુખ્યત્વે પારસી-ગુજરાતી વેપારીવર્ગની બનેલી આ સમિતિની મુંબઈ-વિષયક દલીલો જેવીપી સમિતિને મળતી હતી.

પરંતુ જેવીપી સમિતિનો આશય આખો મામલો થોડા સમય માટે ટાળવાનો હતો, જ્યારે 'ધ બૉમ્બે સિટીઝન્સ કમિટી'ના સભ્યોનાં સીધાં આર્થિક હિતો આખા મામલા સાથે સંકળાયેલાં હતાં.

તેમણે સૂચવ્યું કે મુંબઈ રાજ્યમાંથી ભાષાકીય પ્રાંતોની રચના થાય, ત્યારે મુંબઈ શહેરને અલગ રાજકીય દરજ્જો મળવો જોઈએ. તેમણે એક દલીલ એવી પણ મૂકી હતી કે ગુજરાત મુંબઈ રાજ્યનો મહત્ત્વનો હિસ્સો હોવા છતાં અને મુંબઈ શહેરના વિકાસમાં ગુજરાતીઓનો મોટો ફાળો હોવા છતાં, ગુજરાતીઓએ મુંબઈ ગુજરાતમાં હોવું જોઈએ એવી માગણી મૂકી નથી, જ્યારે મહારાષ્ટ્રે ઇતિહાસ, ભૂગોળ અને સંસ્કૃતિના આધારે મુંબઈ પર દાવો કર્યો છે.

હકીકતમાં મુંબઈની વસ્તીમાં મરાઠીભાષીઓ લઘુમતીમાં છે. મુંબઈને કોઈ એક ભાષાની બહુમતી ધરાવતા રાજ્ય સાથે જોડવામાં આવશે, તો બાકીની ભાષા બોલનારા બહુમતી લોકોને ભેદભાવ અને અન્યાયનો સામનો કરવો પડશે.

સંયુક્ત મહારાષ્ટ્ર પરિષદના નેતાઓ પણ ગાંજ્યા જાય તેમ ન હતા. તેમણે વળતું વિગતવાર આવેદનપત્ર આપીને તેમનો પક્ષ મૂક્યો.

મોરારજી દેસાઈની ભૂમિકા

ભાષાવાર પ્રાંતોની રચના મોરારજી દેસાઈને યોગ્ય લાગતી ન હતી. તેઓ માનતા હતા કે મુંબઈ પ્રાંત મહારાષ્ટ્ર-ગુજરાત-મુંબઈના સંયુક્ત રાજ્ય તરીકે જ રહેવો જોઈએ.

પોતાના અભિપ્રાયો વિશે આગ્રહી મોરારજી દેસાઈએ 1949માં જાહેર કર્યું કે ડાંગની ભાષા મરાઠી છે. તેના વિરોધમાં અને ડાંગ ગુજરાતનું ગણાય એ મુદ્દે અમદાવાદમાં 'મહાગુજરાત સમિતિ'ની રચના થઈ. તેના એક સભ્ય તરીકે વિદ્યાનગરના સ્થાપક અને કુશળ લોકસેવક ભાઈલાલ પટેલ (ભાઈકાકા) હતા.

1952ની લોકસભા ચૂંટણી પછી વલ્લભ વિદ્યાનગરમાં 'મહાગુજરાત સીમા પરિષદ'ની સ્થાપના કરવામાં આવી. તેના ઉપક્રમે આબુ પર ગુજરાતનો દાવો રજૂ કરતી પુસ્તિકા ઉપરાંત 'મુંબઈ ગુજરાતનું છે' એવી પુસ્તિકા પણ પ્રકાશિત કરવામાં આવી હતી.

ભાઈકાકાએ નોંધ્યું છે કે 'મુંબઈ ગુજરાતનું છે' એ પુસ્તિકા કસ્તૂરભાઈ લાલભાઈને ગમી ન હતી. તેમને લાગ્યું હતું કે એ માગણી વધારે પડતી હતી અને મંજૂર થાય એવી માગણી જ મુકવી જોઈએ.

ત્યાર પછી મુંબઈ પર ગુજરાતનો દાવો પડતો મુકવામાં આવ્યો. તેમ છતાં, મુંબઈ મહારાષ્ટ્રમાં ભળે કે નહીં, તે સવાલ 'રાજ્ય પુનઃરચના પંચ' સમક્ષ ઊભો રહ્યો.

અહેવાલ, અમલ, અશાંતિ અને અંત

'રાજ્ય પુનઃરચના પંચે' ઑક્ટોબર 1955માં રજૂ કરેલા અહેવાલમાં મુંબઈના દ્વિભાષી રાજ્યને યથાવત્ રાખવાનું સૂચવાયું હતું અને મરાઠીભાષીઓની લાગણી સંતોષવા માટે કેટલાક મરાઠીભાષી વિસ્તારોના બનેલા અલગ વિદર્ભ રાજ્યનું સૂચન કરવામાં આવ્યું હતું.

મુંબઈના સાંસદ એસ.કે. પાટિલે સંસદમાં થયેલી ચર્ચામાં ફરી એ જ વાત કરી કે પંચે મુંબઈ માટે અલગ રાજકીય દરજ્જો સૂચવવાની જરૂર હતી.

મુંબઈ સહિતનું અલગ મહારાષ્ટ્ર ન મળતાં સંયુક્ત મહારાષ્ટ્રની ચળવળ તેજ બની. તેની પ્રતિક્રિયારૂપે ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિની એક બેઠક 25 ઑક્ટોબર 1955ના રોજ મહેમદાવાદમાં સેવાદળમાં થઈ.

ત્યાં અલગ ગુજરાત, મુંબઈ અને મહારાષ્ટ્ર, એમ ત્રણ એકમોની માગણી કરતો ઠરાવ પસાર કરવામાં આવ્યો.

મહાગુજરાત અને સંયુક્ત મહારાષ્ટ્ર, એ બંનેની માગણીને ઠુકરાવતાં સરકારે 6 ઑગસ્ટ 1956ના રોજ નવા દ્વિભાષી રાજ્યની જાહેરાત કરી, જેમાં ત્યાં સુધી અલગ રહેલાં સૌરાષ્ટ્ર અને કચ્છને પણ મુંબઈ રાજ્યમાં ભેળવી દેવાયાં હતાં.

સંયુક્ત દ્વિભાષી રાજ્યના વ્યાપક વિરોધ અને પુરબહારમાં ચાલતા મહાગુજરાત આંદોલનની વચ્ચે ઉમાશંકર જોશીએ લખ્યું હતું :

'રાજ્ય પુનઃરચના પંચ દ્વારા રાજકારણીઓએ દેશની રહીસહી એકતાને છેક ચૂંથી નાખી, તેમાંથી મુંબઈનું બૃહદ રાજ્ય એક આશાસ્પદ અપવાદરૂપે બચી જવા પામ્યું છે. ભવિષ્યમાં પશ્ચિમ મંડળ (વેસ્ટ ઝોન) રૂપે એ વિકસશે અને હિંદમાં એવાં બીજાં ચારપાંચ મંડળોની રચના માટે પ્રેરણારૂપ બનશે એવી વધુ આશા રાખીએ.'

પરંતુ તેમની આશા ફળી નહીં. મહાગુજરાત અને સંયુક્ત મહારાષ્ટ્ર એ બંને આંદોલનો હિંસક બન્યાં મુંબઈમાં તોફાનો ફાટી નીકળ્યાં. ગુજરાતીઓની દુકાનો લૂંટાવાના અને તેમનાં વાહનો બાળવાના કિસ્સા પણ બન્યા.

તોફાનો કાબૂમાં લેવા માટે પોલીસે કરેલા ગોળીબારમાં, તત્કાલીન મુખ્ય મંત્રી મોરારજી દેસાઈના અંદાજ પ્રમાણે, 70-80 લોકો માર્યા ગયા. તેના કારણે મહારાષ્ટ્રના નેતાઓ માટે મોરારજી દેસાઈ ખલનાયક લેખાયા.

તે વિશે મોરારજી દેસાઈએ તેમની આત્મકથામાં લખ્યું છે,'ફરજ તરીકે મારે આટલું કરવું જ જોઈતું હતું એમાં મને ત્યારે શંકા ન હતી અને આજે પણ નથી.'

એવી જ રીતે, દ્વિભાષી રાજ્ય વિરુદ્ધના મહાગુજરાત આંદોલનને સખ્તાઈથી કચડી નાખવાની જાહેરાતને કારણે ગુજરાતમાં પણ મોરારાજીભાઈ અળખામણા બન્યા.

આખરે, ચારેક વર્ષની અશાંતિ પછી 1 મે 1960ના રોજ ગુજરાત અને મહારાષ્ટ્રનાં અલગ રાજ્યો અસ્તિત્વમાં આવ્યાં. ત્યાં સુધીમાં મુંબઈ અલગ રહી શકે કે નહીં, એ ચર્ચા સાવ ટળી ગઈ હતી. સંભવતઃ આંદોલનોનો હિંસક મિજાજ જોતાં મુંબઈને મહારાષ્ટ્રથી અલગ રાખવાનો વિકલ્પ નેતાઓ સમક્ષ રહ્યો ન હતો.

એટલે, ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યોની જાહેરાત થઈ ત્યારે મહારાષ્ટ્રમાં મુંબઈનો સમાવેશ એવી સહજતાથી થયો, જાણે તેના વિશે કદી કોઈ વિવાદ થયો જ ન હોય.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન