You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દિલ્હીના એ મહોલ્લાની કહાણી જ્યાં 'અંગ્રેજોએ 1400 લોકોને મારી નાખ્યા'
- લેેખક, જય શુક્લ
- પદ, બીબીસી ગુજરાતી
“આ શહેર રેગિસ્તાન બની ગયું છે. ખુદાના સોગંદ, દિલ્હી હવે શહેર નથી, લશ્કરની છાવણી છે. ન કિલ્લો છે, ન શહેર, ન બજાર, ન હુન્નર. કશું જ નથી બચી શક્યું. તેના માટે કહેવાય છે કે તે એક સમયે હિન્દુસ્તાનનું કોઈ શહેર હતું.”
1857ના વિપ્લવ બાદ અંગ્રેજો દ્વારા દિલ્હી પર કરાયેલા કબજા પછી વેરાન થયેલા શહેરની હાલતનું વર્ણન મશહૂર શાયર મિર્ઝા ગાલિબે એક પત્રમાં આ રીતે કર્યું હતું.
ગાલિબ મુઘલ વંશના આખરી બાદશાહ બહાદુરશાહ ઝફરના બહુ ઓછા દરબારીઓ પૈકીના એક હતા. જેઓ અંગ્રેજોની તલવારથી બચી જવા પામ્યા હતા.
ગાલિબે જાન્યુઆરી, 1862માં દિલ્હીની હાલત પર એક પત્ર તેમના મિત્રને લખ્યો હતો.
તેઓ લખે છે, “અપદસ્થ બાદશાહના પુરુષ વારસદારો જે તલવારથી બચી જવા પામ્યા છે તેઓ મહિનાના પાંચ-પાંચ રૂપિયા મેળવે છે. મહિલાઓ જે ડોશી થઈ ગઈ છે તે કૂટણખાને બેઠી છે અને જે યુવાન છે તે તવાયફ બની ગઈ છે.”
આ પત્રનો ઉલ્લેખ સ્કોટિશ લેખક અને ઇતિહાસકાર તથા સંશોધક વિલિયમ ડેલરિંપલે તેમના પુસ્તક ‘લાસ્ટ મુઘલ- ધ ફૉલ ઑફ ડાયનેસ્ટી, દિલ્હી 1857’માં કર્યો છે.
વિલિયમ ડેલરિંપલ લખે છે, “1850ની શરૂઆતથી જ બ્રિટિશ અધિકારીઓ મુઘલોને દરબારમાંથી હાંકી કાઢવાના પ્રયાસોમાં હતા. હિન્દુસ્તાન પર ન માત્ર બ્રિટિશ કાયદાઓ અને ટેક્નૉલૉજી, પરંતુ ખ્રિસ્તી ધર્મ પણ થોપવાની ભરપૂર કોશિશ કરતા હતા. ચાલી આવેલી આ અસંવેદનશીલતાની નિરંતરતાની પરાકાષ્ઠા 1857માં વિપ્લવ રૂપે સામે આવી.”
એશિયાની સૌથી મોટી આધુનિક ફોજ બંગાળ આર્મીના સૈનિકોએ પોતાના બ્રિટિશ માલિકો સામે વિદ્રોહ કર્યો. બંને તરફે અત્યાચારો કરવામાં આવ્યા. પરંતુ ઇતિહાસકારોના મત પ્રમાણે અંગ્રેજોના અત્યાચારોની કોઈ સીમા નહોતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દિલ્હી આ વિપ્લવનું મુખ્ય કેન્દ્ર હતું. ઇતિહાસકારો આ વિપ્લવને પહેલો સ્વતંત્રતા સંગ્રામ પણ કહે છે.
11મી મે, 1857માં વિદ્રોહ પર ઊતરી આવેલા સૈનિકો દિલ્હીમાં જમા થવા લાગ્યા.
વિલિયમ ડેલરિંપલ લખે છે, “એક સવારના રોજ મેરઠથી દિલ્હી આવેલા લગભગ 300 ઘોડેસવારોએ જે દેખાય તે ખ્રિસ્તી પુરુષ કે અંગ્રેજ મહિલા અને બાળકોને મારવાનું શરૂ કર્યું. ઝફરને તેમણે પોતાના બાદશાહ ઘોષિત કર્યા. ઝફર બ્રિટિશરોના મિત્ર નહોતા. પરંતુ સાથે તેઓ વિદ્રોહી પણ નહોતા. જેથી મજબૂરીમાં તેઓ આ વિદ્રોહીઓના સરદાર બની ગયા."
દિલ્હી રાતોરાત બન્યું જંગનું મેદાન
અંગ્રેજો બહુ ચાલાકીથી મુઘલ બાદશાહની તાકતને ધીરે-ધીરે મિટાવી રહ્યા હતા. આ બધું થતું હતું ત્યારે દિલ્હીનો દરબાર એશોઆરામમાં મગ્ન હતો.
વિલિયમ ડેલરિંપલ લખે છે, “મુઘલ દરબાર ગઝલોની તાન અને ઉર્દૂ શેરોની ખૂબસૂરતીમાં મસ્ત હતો. દરબાર બાગ-બગીચાની સહેલગાહ, મુશાયરાની મોજ, તવાયફો અને શેરોની મહેફિલોમાં તથા સૂફી શ્રદ્ધા અને પીરોની મજારો પર હાજરી આપવામાં ખોવાયેલો હતો. દિલ્હીના દરબારમાં રાજનૈતિક વિવિધતાની જગ્યા સાહિત્યિક અને ધાર્મિક ઉમંગ અને ઉન્માદે લઈ લીધી હતી.”
આવા સમયે વિખેરાયેલી અને સૈન્ય અધિકારીઓના નેતૃત્વ વિનાની તથા પગારભથ્થાં ન મેળવતી આ દેહાતી સેના વિશ્વની સૌથી શક્તિશાળી મનાતી ફોજ સામે લડવા નીકળી હતી.
બગાવતી સિપાહીઓની મદદ કરનારું કોઈ નહોતું. તેમની પાસે ન તો પ્રશિક્ષિત ફોજ હતી, ન શસ્ત્રસરંજામ. ન તેમની પાસે પૈસા હતા, ન ખાવા માટે રૅશન.
આમ છતાં બંને પક્ષો નીચું નમવા તૈયાર નહોતા. બંને પક્ષે અનેક લોકો માર્યા ગયા. લડનારા તમામ હદ વટાવી ગયા.
આખરે 14મી સપ્ટેમ્બર, 1857ના રોજ અંગ્રેજોએ શીખ અને પઠાણ ફોજની મદદથી હુમલો કરીને શહેરનો કબજો મળવવાની શરૂઆત કરી. દિલ્હીમાં ખૂબ લૂંટફાટ મચી, લોકોની કત્લેઆમ કરવામાં આવી. દિલ્હીના એક મોહલ્લા કૂચા ચેલાનમાં અંગ્રેજોની સેનાએ 1,400 લોકોને મારી નાખ્યા હોવાનું નોંધાયું છે.
વરિષ્ઠ ઇતિહાસકાર અને પદ્મભૂષણ પુરસ્કૃત ઇરફાન હબીબે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું, “કૂચા ચેલાન હોય કે અન્ય જગ્યાએ, અંગ્રેજોએ જે નરસંહાર કર્યો, જે દમન કર્યું તે ભયાનક હતાં."
"તેમણે તેમની સામે અવાજ ઉઠાવનારાઓને ડામવા માટે અને તેમને પાઠ ભણાવવાના આશયથી આમ કર્યું."
કૂચા ચેલાનમાં નરસંહાર
20મી સપ્ટેમ્બરે અંગ્રેજોની ફોજે દિલ્હી બૅન્કની બરબાદ ઇમારત પરથી લાલ કિલ્લા પર હુમલો કરવાનું શરૂ કર્યું.
વિલિયમ ડેલરિંપલ લખે છે, “ઍડવર્ડ વાઇબર્ટ એ અંગ્રેજ અધિકારી હતા જેમણે આ કત્લેઆમમાં ભાગ લીધો. તેમણે તેમના કાકા ગાર્ડનને એક પત્ર લખ્યો જેમાં તેમણે આ ખૂનખરાબા તથા તેમના જુલમોનો અહેસાસ કરતું વર્ણન હતું. તેમણે લખ્યું : છેલ્લા કેટલાક દિવસોમાં મેં ભયંકર દૃશ્યો જોયાં છે, ઇશ્વર મને તે ક્યારેય ન દેખાડે. અમે તમામ ઘરો ખાલી કરાવી દીધાં અને આદેશ આપ્યો કે તમામ લોકોને ગોળી મારીને મોતને ઘાટ ઉતારવામાં આવે. મેં ખુદ મારી આંખ સામે 30-40 લોકોને મરતા જોયા. આ ખુલ્લી કત્લેઆમ હતી. મહિલાઓને છોડી મૂકવામાં આવ્યાં પરંતુ તેઓ તેમનાં પતિ અને બાળકોને આંખ સામે મરતાં જોઈને તેઓ જે ચીસો પાડતાં હતાં તે ભયાનક હતી.”
ઍડવર્ડ વાઇબર્ટ 1957માં 54મી બંગાળની નેટિવ ઇન્ફેન્ટ્રીમાં દિલ્હીમાં કમાન્ડર હતા. તેમના પિતા કાનપુરમાં ઘોડેસવારની ફોજમાં હતા જેઓ કાનપુરની લડાઈમાં માર્યા ગયા હતા.
દિલ્હીમાં તે સમયે ચારે તરફ લાશોના ઢગલા હતા. મકાનોને લૂંટવામાં આવ્યાં.
કૂચા ચેલાન નામના મહોલ્લામાં તો બદથી બદતર હાલત હતી. આ મહોલ્લોમાં રહેલા નવાબ મહમદ અલીખાને લૂંટમાર રોકવાની કોશિશ કરી હતી. આમ કરતા તેમણે ત્રણ અંગ્રેજ સિપાહીને ગોળી મારી.
ત્યારબાદ અંગ્રેજોના સિપાહીઓ તેમની હવેલી પર આખી રેજિમેન્ટ સાથે ત્રાટક્યા. તેઓ સાથે તોપ પણ લઈ આવ્યા અને તેમની હવેલી ધ્વસ્ત કરી નાખી.
જ્યારે અંગ્રેજ અને તેમના સાથી સિપાહીઓ તલવારથી બધાને મારતા થાકી ગયા ત્યારે લગભગ 40 લોકોને યમુના નદી કિનારે લઈને તેમને એક કતારમાં ઊભા રાખીને ગોળી મારી દીધી.
આ આખી કત્લેઆમનું વર્ણન બાદશાહ બહાદુરશાહ ઝફરના દરબારી ઝહીર દેહલવીએ તેમના પુસ્તક ‘દાસ્તાન-એ-ગદર’માં કર્યું છે.
ઝહીર દહેલવી 13 વર્ષની ઉંમરથી મુઘલ દરબારમાં કામ કરતા હતા. 1857માં તેમની ઉંમર 22 વર્ષની હતી. તેઓ તે સમયે દરોગાના પદ પર હતા. તેઓ બહુ સુસંસ્કૃત અને લાયક દરબારી હતા. તેઓ શાયર પણ હતા અને બહાદુરશાહ ઝફરના ઉસ્તાદ ઝૌક ઉર્ફે શેખ ઇબ્રાહીમ જૌકના શિષ્ય હતા.
દાસ્તાન-એ-ગદર પુસ્તક ત્યારે લખવામાં આવ્યું જ્યારે દહેલવી મરવાની અણી પર હતા. તેઓ દિલ્હીની આ લડાઈ બાદ ભાગીને જેમ તેમ વાયા રામપુર, અલવર અને જયપુર થઈ હૈદરાબાદમાં નિઝામના દરબારમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે એક ઇન્સાનની ઊજડી ગયેલી દુનિયાનું સંવેદનશીલ અને માર્મિક વિવરણ કર્યું છે. તેમણે ખૂલીને મુઘલ દરબારના સિપાહીઓ અને અંગ્રેજોની ભૂલો મામલે પણ પ્રકાશ પાડ્યો છે. 18મી માર્ચ, 1911માં તેમનું મૃત્યુ થયું.
ઇતિહાસકાર, પત્રકાર અને લેખક મણિમુગ્ધ શર્મા બીબીસી ગુજરાતી સાથે વાતચીત કરતા કહે છે, “ઝાહીર દેહલવી જેમ તેમ ત્યાંથી ભાગ્યા હતા. 14મી સપ્ટેમ્બરથી અંગ્રેજોએ દિલ્હીના કબજાની શરૂઆત કરી હતી ત્યારથી લઈને તેમણે દિલ્હીના તમામ ગલી મોહલ્લા, કૂચામાં જે મળ્યું તેને મારી નાખ્યા.”
ઇતિહાસકાર મખ્ખનલાલ બીબીસી સાથે વાતચીત કરતા જણાવે છે, “આર્કાઇવ્ઝ, દેહલવીના પુસ્તકમાં અને અન્ય પુસ્તકોમાં પણ દિલ્હીના નરસંહારનું વિવરણ છે.”
તેઓ ગાલિબના પુસ્તક દસ્તંબૂનો ઉલ્લેખ કરતા કહે છે, “દિલ્હીમાં અંગ્રેજોએ લોકોને કેટલી નિર્દયતાથી માર્યા તેનું વર્ણન ગાલિબે પણ તેમના પુસ્તક દસ્તંબૂમાં કર્યું છે.”
મણિમુગ્ધ શર્મા કહે છે, “તે વખતે પાંચ લાખની વસ્તી હતી. શહેરની બહાર જવાના રસ્તા અંગ્રેજોએ બંધ કરી દીધા હતા. કૂચા ચેલાનમાં થયું તેનો રેકૉર્ડ અંગ્રેજો પાસે પણ નથી, કોઈ પાસે નથી. પરંતુ હકીકત એ છે કે અહીં બહુ મોટા પ્રમાણમાં નરસંહાર થયો હતો.”
કૂચા ચેલાન બુદ્ધિજીવીઓનો મહોલ્લો હતો
કૂચા ચેલાનમાં થયેલા આ નરસંહારનું વર્ણન કરતા બાદશાહ ઝફરના દરબારી ઝહીર દેહલવી લખે છે, “તેઓ જાણીતા અને અમીર લોકો હતા. જેમના પર દિલ્હીને માન હતું. અહીં મિયાં અમીર પંજાકશ હતા. મશહૂર શાયર મૌલવી ઇમામ બક્ષ સહબાઈ અને તેમના બે પુત્ર, મીર નયાઝ અલી કે જેઓ કૂચા ચેલાનના મશહૂર દાસ્તાનગો (ઉર્દૂના પરંપરાગત કહાણીકાર) હતા. આ મહોલ્લાના લગભગ કુલ 1400 લોકોને મારી નાખવામાં આવ્યા. કેટલાકને યમુના કિનારે રાજઘાટ પાસે લઈ જવાયા અને ત્યાં ગોળી મારી દેવાઈ. તેમના મૃતદેહો નદીમાં ફેંકી દેવામાં આવ્યા.”
“ઘણી મહિલાઓ આ દૃશ્યો જોઈને એટલી વિચલિત થઈ ગઈ કે તેઓ પોતાનાં બાળકોને લઈને કૂવામાં કૂદી પડી. ઘણા મહિના સુધી કૂચા ચેલાનના કૂવાઓ મૃતદેહોથી ભર્યા પડ્યા હતા."
શાયર સહબાઇના ભાણેજ કાદિરઅલી તેમાં બચી જવા પામ્યા. કાદિર તેમના મામા સહબાઈ સાથે કૂચા ચેલાનમાં જ રહેતા હતા. તેમણે ઇતિહાસકાર રાશિદુલ ખૈરીને તેમની બચી જવાની કહાણી સંભળાવી હતી.
કાદિરના હવાલેથી વિલિયમ ડેલરિંપલ લખે છે, “અંગ્રેજોના સૈનિકોએ અમને (કાદિર અને તેમના મામા સહબાઈને) બંદૂક દેખાડી. તેમણે અમને કહ્યું કે એક તરફ નદી છે અને બીજી તરફ મોત. તેથી જેમને તરતા આવડતું હતું તેઓ નદીમાં કૂદી પડ્યા. હું સારો તરવૈયો હતો પરંતુ સહબાઈ અને તેમના પુત્ર મૌલાના સોઝ તરવાનું જાણતાં નહોતાં. હું તરીને ભાગી શક્યો પરંતુ તેઓ નહીં. જ્યારે તરતાં તરતાં મેં પાછળ જોયું તો કતારમાં ઊભેલા સેંકડો લોકોને ગોળીએ દેવાયા.”
મણિમુગ્ધ શર્મા જણાવે છે, “લોકોને તોપના નાળચે બાંધીને પણ ઉડાવી દેવામાં આવ્યા.”
તેઓ કહે છે, “કૂચા ચેલાનમાં કદાચ 1400થી વધારે લોકો પણ માર્યા હોય.”
જ્યારે વિદ્રોહી સૈનિકોએ દિલ્હીમાં અંગ્રેજોને માર્યા હતા ત્યારે દેહલવીના સસરાએ ત્રણ અંગ્રેજ મહિલાઓને શરણ આપીને તેમનો જીવ બચાવ્યો હતો. તેમને આશા હતી કે તેમના પરિવારને અંગ્રેજો સુરક્ષા આપશે. પરંતુ તેઓ પણ અંગ્રેજોની સેનાના હાથે માર્યા ગયા.
વિલિયમ ડેલરિંપલ લખે છે, “જે રાતે કત્લેઆમ થઈ રહી હતી તે રાત્રે અંગ્રેજો દીવાન-એ-ખાસમાં મિજબાની કરી રહ્યા હતા.”
ઇરફાન હબીબ કહે છે, “અંગ્રેજોનો તેમના કર્યા પર શા માટે પસ્તાવો કે શરમ હોઈ શકે? તેઓ અહીં વ્યાપાર નિયંત્રણ કરવા આવ્યા હતા, તેઓ હકૂમત સ્થાપવા માટે આવ્યા હતા, તે માટે તેમણે જેટલું શોષણ કે દમન કરવું હોય તે કર્યું.”
21મી સપ્ટેમ્બરની સવારે એક શાહી બ્યૂગલ વાગવાની શાથે દિલ્હીવાસીઓને ખબર પડી ગઈ કે દિલ્હી હવે બ્રિટીશ તાજના કબજામાં છે.
મુઘલોનું અજીમોશ્શાન શહેર દિલ્હી હવે બરબાદ અને કબ્રસ્તાન બની ગયું હતું.
મણિમુગ્ધ શર્મા જણાવે છે, “ચાંદની ચોક પાસે આજે જ્યાં ટાઉનહૉલ છે ત્યાં પહેલાં ઘંટાઘર હતું. ત્યાંથી ઘોડાને બહાર લાવવા માટે મૃતદેહો પરથી ચલાવીને લઈ જવા પડતા હતા તેવી સ્થિતિ હતી. ચારે તરફ ગંધાતા અને ફૂલી ગયેલા અને કૂતરાં દ્વારા ફાડી ખાધેલા મૃતદેહો પડ્યા હતા.”
'ખૂની દરવાજા' પર શહેજાદાઓને નગ્ન કરી ગોળી મારી દેવાઈ'
દિલ્હી પર અંગ્રેજોનો કબજો થયો. ઝફરે શરણાગતિ સ્વીકારી.
જ્યારે ઝફરની ધરપકડ બાદ અંગ્રેજો તેમને રથમાં બેસાડીને લઈ જતા હતા ત્યારે ખૂની દરવાજા પાસે ત્રણ શહેજાદાઓને રથમાંથી ઊતરવાનું કહેવામાં આવ્યું.
વિલિયમ ડેલરિંપલ લખે છે, “ત્રણેય શહેજાદાઓને વિલિયમ હૉડસને નગ્ન થવાનું કહ્યું. પછી એક કૉલ્ટ રિવોલ્વર કાઢીને ક્રૂરતાપૂર્વક નજીકથી વારાફરતી તમામને ગોળી મારી. તેમના મૃતદેહો પરથી અંગૂઠી, બાજુબંધ ઉતારીને પોતાના ખિસ્સામાં મૂકી દીધાં. તેમની રત્નો જડેલી તલવારો પર પણ કબજો કરી લીધો.”
હૉડસને આ ઘટનાક્રમ બાદ બીજા દિવસે તેમની બહેનને પત્ર લખ્યો હતો. આ પત્રના દસ્તાવેજના હવાલે વિલિયમ ડેલરિંપલ લખે છે, “મને (હૉડસનને) બહુ ખુશી થઈ. મેં અમારી નસલના દુશ્મનોને સફળતાથી વંચિત કરી દીધા. હવે મારી કોમ તેની ખુશી મનાવશે.”
શાહજાદાઓના મૃતદેહને નગ્ન અવસ્થામાં જ કોતવાલી પાસે રાખવામાં આવ્યા જેથી શહેરવાસીઓ તેને જોઈ શકે.
વિલિયમ ડેલરિંપલ લખે છે, “કુલ મળીને શાહી ખાનદાનના 29 વારસદારોને ખતમ કરી નાખવામાં આવ્યા, જેને કારણે ગાલિબે મહેલનું નામ ‘કિલા-એ-મુબારક’ની જગ્યાએ ‘કિલા-એ-નામુબારક’ રાખી દીધું.”
ફાંસી આપતાં આપતાં જલ્લાદનો જીવ પણ કંપી ઊઠ્યો'
વિલિયમ ડેલરિંપલ લખે છે કે ફાંસી આપવામાં મોડું કરવા માટે જલ્લાદો લાંચ પણ લેતા હતા.
તેઓ લખે છે, “એક જલ્લાદે પોતાના કામમાંથી રાજીનામું આપતા પહેલાં ઓછામાં ઓછા 400-500 લોકોને ફાંસી પર ચઢાવ્યા હતા. કેટલાક જલ્લાદો કેદીઓને ફાંસી પર ચઢાવવામાં કલાત્મક રીતો અપનાવતા હતા, જેમ કે તેમને આઠ અંકના રૂપમાં મારવા.”
મખ્ખનલાલ કહે છે, “તે સમયે લાલ કિલ્લાથી જામા મસ્જીદ સુધી ઘણી ગલીઓ હતી જેમાં વસ્તી રહેતી હતી. વિલિયમ હૉડસનની નજર જ્યાં સુધી ગઈ તે બધું તેમણે સાફ કરી નાખ્યું.”
જે પ્રકારે દિલ્હીમાં નરસંહાર થયો હતો તેને કારણે કલકત્તામાં ગવર્નર જનરલ લૉર્ડ કેનિંગની તકલીફો વધી ગઈ હતી. દસ્તાવેજોના આધારે વિલિયમ ડેલરિંપલે લૉર્ડ કેનિંગે રાણી વિક્ટોરિયાને લખેલા પત્રની વિગતો તેમના પુસ્તક ‘આખરી મુઘલ’માં ટાંકી છે.
લૉર્ડ કેનિંગે રાણી વિક્ટોરિયાને લખ્યું, “ઘણા અંગ્રેજોના દિલમાં તમામ વર્ગના હિન્દુસ્તાનીઓ સામે હિંસાપૂર્ણ નફરત વ્યાપેલી છે. તેમના મગજ પર એક ઝનૂની બદલો લેવાની ભાવના સવાર છે. આ બધું જોઈને પોતાની કોમ પર શરમ ન અનુભવવી અશક્ય છે. દસ લોકો પૈકી એક પણ એવું નથી વિચારતા કે 40,000 કે 50,000 વિદ્રોહીઓ અને તે ઉપરાંત અન્ય લોકોને ફાંસી આપવી કે બંદૂકથી ઠાર મારવા એ યોગ્ય સિવાય બીજું કશું હોઈ શકે.”
અંગ્રેજો દ્વારા આ નરસંહારને વાજબી ઠેરવવાના આ પ્રકારના પ્રયાસો વિશે મણિમુગ્ધ શર્મા કહે છે, “આ કોઈ વાજબી ઠેરવવાનો પ્રયાસ કેવી રીતે હોઈ શકે? આજના જમાનામાં આ યુદ્ધ અપરાધ છે.”
ઇરફાન હબીબ દિલ્હી પર ફરી કરાયેલા અંગ્રેજોના કબજા વિશે પોતાનું મંતવ્ય આપતા કહે છે, “આ કોઈ અંગ્રેજોની જીત નહોતી. તેમની સેનાના સિપાહીઓ તો ભારતીયો જ હતા. અંગ્રેજોની સંખ્યા કેટલી હતી? ભારતીયોને જ ભારતીયો સામે લડાવીને તેઓ જીત્યા.”
ગાલિબ કેવી રીતે બચી ગયા?
ગાલિબ એ બહુ ઓછા મુસલમાનો પૈકીના એક હતા જેઓ આ કત્લેઆમથી બચી જવા પામ્યા હતા. તેમના ઘણા બધા મિત્રો માર્યા ગયા હતા અથવા તો ભાગી ગયા હતા.
તેઓ બલ્લીમારનમાં રહેતા હતા જ્યાં હકીમ અને અંગ્રેજોના વફાદાર પટિયાલા મહારાજના દરબારીઓ રહેતા હતા.
પટિયાલાના મહારાજાએ અંગ્રેજોને આ લડાઈમાં ઘણી મદદ કરી હતી. તેથી આ મોહલ્લામાં લૂંટમારથી બચવા માટે પહેરેદારોની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
આ પહેરેદારોને કારણે ઝફરના એક માત્ર દરબારી ગાલિબ જેના ઘરે કોઈ હુમલો નહોતો થયો અને તેમની મિલ્કત સુરક્ષિત હતી.
આમ છતાં તેમની પરેશાની ઓછી નહોતી.
તેમણે તેમના પુસ્તક ‘દસ્તંબૂ’માં લખ્યું, “ધીરે-ધીરે ભોજનની સામગ્રી ઓછી થતી હતી. પાણીની ભારે તકલીફ હતી. એક વાટકી પાણી પણ બચ્યું નહોતું. એક દિવસ વરસાદ પડ્યો ત્યારે ચાદર ફેલાવીને તેનું પાણી નીચે ભેગું કર્યું.”
શાહી ખાનદાનની મહિલાઓની હાલત અને બદકિસ્મતી જોઈને ગાલિબને મોટો ધક્કો લાગ્યો હતો.
વિલિયમ ડેલરિંપલ લખે છે, “એ વાત જે ગાલિબે નહોતી કરી તે એ છે કે શહેરની બરબાદી બાદ મોટા પાયે મહિલાઓ પર બળાત્કારો થયાં હતાં. ઘણી બેગમો વેશ્યાવૃત્તિ ચલાવવા મજબૂર થઈ હતી. એ માનવું રહ્યું કે વિદ્રોહ સમયે શરૂઆતમાં અંગ્રેજ મહિલાઓ સાથે પણ જબરજસ્તી કરવામાં આવી હતી. જોકે આ એક અફવા હતી જે બાદમાં ખોટી સાબિત થઈ હતી. અંગ્રેજોએ જે તપાસ કરાવી તેમાં નોંધ છે કે અંગ્રેજ સિપાહીઓ દ્વારા જે બળાત્કાર કરવામાં આવ્યો તેને રોકવા માટે અંગ્રેજ અધિકારીઓએ કોઈ પગલાં નહોતાં લીધાં. સેન્ડર્સ નામના અધિકારીએ કરેલી તપાસમાં જોવા મળ્યું કે એક તરફ જ્યાં વિદ્રોહીઓને બળાત્કારના આરોપમાંથી મુક્ત કરવામાં આવ્યા જ્યારે બીજી તરફ શાહી ખાનદાનની લગભગ 300 બેગમો કે જેમાં મહેલની ભૂતપૂર્વ રખાતો સામેલ નહોતી, તેમને દિલ્હીના પતન બાદ અંગ્રેજોના સિપાહીઓ ઉઠાવીને લઈ ગયા હતા.”
1859માં ગાલિબ ફરિયાદો કરતા હતા કે કિતાબપસંદ શહેર દિલ્હીમાં એક પણ પુસ્તકોની દુકાન નથી. પુસ્તકાલયો લૂંટાઈ ચૂક્યાં હતાં. મદરેસા બંધ થઈ ગઈ હતી. બેશકિંમતી પાંડુલિપિઓ ગુમ થઈ ગઈ હતી.
ગાલિબ લખે છે, “મનમૂન ક્યાં છે, જૌક ક્યાં છે અને મોમિન ક્યાં છે? માત્ર બે શાયર બચ્યા છે. એક આજુર્દા કે જેઓ ખામોશ છે. બીજા ગાલિબ કે જેઓ સન્ન છે. ન કોઈ શાયરી કહેનારું રહ્યું, ન કોઈ તેના કદરદાન.”
ગાલિબની પણ ઘણી શાયરીઓ તેમની જિંદગીની સૌથી મોટી ઉપલબ્ધી હતી તે ખોવાઈ ગઈ હતી. તેમણે આ શાયરીઓની પ્રત રાખી નહોતી. જે બે લાઇબ્રેરીઓમાં તેમની શાયરીઓ અને ગઝલોને તેમના મિત્રોએ રાખી હતી તેને અંગ્રેજોની સેનાએ લૂંટીને બરબાદ કરી નાખી હતી.
ગાલિબે તેમની પુસ્તક દસ્તંબૂને નિરાશા સાથે પૂર્ણ કર્યું.
તેમણે અંતમાં લખ્યું, “મેરે ગમ લાઇલાજ હૈ, મેરે જખ્મ કભી નહીં ભર સકતે. લગતા હૈ જૈસે મેં પહેલે હી મર ચૂકા હૂં.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન