ગુજરાત : જેન-ઝી આંદોલન વખતે નેપાળની જેલ તોડી, અમદાવાદ રહેતો આરોપી આ રીતે પકડાયો

    • લેેખક, રૉક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા

અમદાવાદ ક્રાઇમ બ્રાંચે નેપાળમાં ડ્રગ પૅડલિંગના એક કેસમાં નેપાળની જેલથી જેન ઝી આંદોલન સમયે ફરાર થયેલા આરોપીને પકડીને નેપાળ પાછો મોકલી દીધો છે.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જાન્યુઆરી 27 જાન્યુઆરીના રોજ ધર્મેશ ચુનારા (32)ને અમદાવાદના કાગડાપીઠ વિસ્તારથી પકડી લીધા છે. પોલીસ પ્રમાણે ધર્મેશ પર આંતરરાષ્ટ્રીય ડ્રગ પૅડલિંગનો આરોપ છે.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પ્રમાણે, જુલાઈ 2025માં કાઠમાંડુ ઍરપૉર્ટથી ચુનારાની ધરપકડ થઈ હતી, બૅંગકૉંકથી કાઠમંડુ પરત ફરતી વખતે તેમની પાસેથી આશરે 13 કિલો હાઇબ્રિડ ગાંજો કાઠમાંડુ પોલીસને મળ્યો હતો, જેની આંતરાષ્ટ્રીય બજારમાં કિંમત આશરે રૂપિયા 13 કરોડની આંકવામાં આવે છે.

નેપાળ પોલીસે તેમને જુલાઈ 2025માં ડ્રગ સ્મગલિંગના કેસમાં ધરપકડ કર્યા બાદ ત્યાંની ભદ્ર જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા.

જૉઇન્ટ કમિશનર ઑફ પોલીસ (અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ) શરદ સિંઘલે પત્રકારો સાથે વાત કરતા કહ્યું હતું કે "વિવિધ સેન્ટ્રલ એજન્સીઓએ મોકલેલા આંતરરાષ્ટ્રીય ડ્રગ પૅડલરનાં નામોમાં તેનું નામ હતું અને ડ્રગનો કેસ હોવાથી આ કેસની તપાસ ખૂબ છીણવટથી કરવામાં આવી હતી."

નેપાળથી ભાગીને આરોપી અમદાવાદમાં રહેવા લાગ્યો

જોકે બીબીસી ગુજરાતીએ તેમના પારસનગરસ્થિત ઘરની મુલાકાત લઈને તેમના પરિવાર સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ઘર બંધ હતું અને કોઈ વ્યક્તિ તેમના વિશે વાત કરવા માટે તૈયાર ન હતા.

પોલીસ સાથેની પોતાની વાતચીત દરમિયાન ધર્મેશે પોલીસને જણાવ્યું હતું કે તેમના પર દેવું વધી જતાં આ પ્રકારે ડ્રગ પૅડલિંગ મારફતે તે વધુ પૈસા કમાવવા માગતા હતા. નેપાળમાં થયેલા જેન-ઝી વિરોધપ્રદર્શન અને તેના કારણે નેપાળની જેલો તોડીને અનેક આરોપીઓ ફરાર થઈ ગયા હતા, તેમાં ધર્મેશ પણ ભાગી ગયા હતા.

પોલીસને મળતી માહિતી પ્રમાણે ધર્મેશ જેલથી ભાગીને સનોલી બૉર્ડર થઈને ભારતમાં પ્રવેશ કરીને અમદાવાદમાં આવીને રહેવા લાગ્યા હતા.

પોલીસ પ્રમાણે ધર્મેશનાં લગ્ન થઈ ગયાં છે અને તેમનો પરિવાર ઠક્કરબાપાનગર રોડ પરની પારસનગર સોસાયટીમાં રહેતો હતો અને ત્યાર બાદ તેઓ પોતાનાં સાસુના ઘરે કાગડાપીઠમાં રહેવા આવ્યા હતા.

નેપાળમાં જ્યારે નવી સરકાર બની ત્યાર બાદ આવા 'ભાગેડુ આરોપીઓ'ની યાદી ભારત સરકારને સોંપવામાં આવી હતી, જેમાં ગુજરાતથી ધર્મેશ ચુનારાનું નામ હતું. આ યાદી બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ મારફતે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સુધી પહોંચી હતી.

જોકે ત્યાર બાદ પોલીસે પોતાના હ્યુમન ઇન્ટેલિજન્સ નેટવર્કને સતર્ક કરતા ધર્મેશ વિશે માહિતી મળી હતી, તેમના ઘરે ભાળ ન મળતા તેમનાં સાસુના ઘરે તેમની ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસે આરોપીને કેવી રીતે પકડ્યો?

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં તપાસ અધિકારી અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની સ્પેશિયલ ઑપરેશન ગ્રૂપના પોલીસ ઇન્સ્પેક્ટર ડીપી ઉનડકટે જણાવ્યું હતું કે, "તેની આસપાસ રહેતા લોકો દ્વારા જ માહિતી મળી હતી કે નેપાળમાં પકડાયેલો આરોપી ત્યાંની સરકાર બદલાયા બાદથી અહીં પાછો આવી ગયો છે."

તેમણે ઉમેર્યું કે તેની પર ભારતમાં કોઈ જ કેસ નથી, પરંતુ તે કોના માટે કામ કરતો હતો, કેવી રીતે આ ડ્રગનો વેપાર કરતો હતો, તે અંગેની તપાસ કરવામાં આવી છે. સિંઘલે મીડિયાને જણાવ્યું હતું કે આરોપી ભારત આવ્યા બાદ અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં તેનાં સાસુના ઘરે છૂપાઈને રહેતો હતો.

તેમણે કહ્યું, "પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આરોપી સોનાલી બૉર્ડર મારફતે ભારત પ્રવેશ્યો હતો અને સીધો અમદાવાદ આવી ગયો હતો."

પોલીસે શરૂઆતમાં આરોપીનાં ઘર અને કેટલાંક સ્થળોએ તપાસ કરી હતી, પરંતુ તેઓ ત્યાં હાજર ન હતા. અંતે, મળેલી ચોક્કસ માહિતીના આધારે ક્રાઇમ બ્રાંચની ટીમે કાગડાપીઠ વિસ્તારમાં દરોડો પાડી તેમને પકડી લીધા.

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ધર્મેશ ચુનારાનું ભારતમાં કોઈ સક્રિય ડ્રગ નેટવર્ક નથી. જોકે, તેમનો સંપર્ક અને નેટવર્ક બૅંગકૉકમાં હોવાનું જાણવા મળ્યું છે.

ક્રાઇમ બ્રાંચ હવે તપાસ કરી રહી છે કે શું આરોપીને અમદાવાદમાં કોઈ સ્થાનિક મદદ મળી હતી અથવા કોઈ સંપર્કો દ્વારા તેમને છુપાવવામાં સહાય કરાઈ હતી કે કેમ.

જેન-ઝી પ્રદર્શન બાદ નેપાળની જેલોમાંથી હજારો કેદી ભાગ્યા

આ ધરપકડને નેપાળની જેલ-વ્યવસ્થામાં થયેલી મોટી ઘટના સાથે પણ જોડવામાં આવી રહી છે.

ઑક્ટોબર 2025માં ન્યૂઝ એજન્સી પીટીઆઇના અહેવાલ મુજબ, નેપાળમાં જેન-ઝી સરકારવિરોધી પ્રદર્શન દરમિયાન જેલોમાંથી અનેક કેદીઓ ફરાર થઈ ગયા હતા.

અહેવાલમાં જણાવ્યા અનુસાર, 9 સપ્ટેમ્બર, 2025ના રોજ પ્રદર્શનના બીજા દિવસે નેપાળની વિવિધ જેલોમાંથી 13,000થી વધુ કેદીઓ ભાગી ગયા હતા.

આમાં લગભગ 540 ભારતીય નાગરિકો તેમજ અન્ય દેશોના 108 કેદીઓ પણ સામેલ હતા. નેપાળના ડિપાર્ટમેન્ટ ઑફ પ્રિઝન મૅનેજમૅન્ટે પીટીઆઇને આ માહિતી આપી હતી.

અમદાવાદ ક્રાઇમ બ્રાંચના જણાવ્યા અનુસાર, આ યાદીમાં ગુજરાતમાંથી ધર્મેશ ચુનારા તેમજ સુરતની એક વ્યક્તિનું નામ છે, જે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન