સોનાના ભાવો ભારતમાં કેવી રીતે નક્કી થાય છે, કયાં કારણોને લઈને ભાવો રોજ વધે છે કે ઘટે છે?

    • લેેખક, અજિત ગઢવી
    • પદ, બીબીસી સંવાદદાતા

સોના અને ચાંદીના ભાવ અત્યારે ભારત સહિત આખી દુનિયામાં ચર્ચામાં છે. ખાસ કરીને સોનાએ છેલ્લા એક વર્ષમાં જે વળતર આપ્યું છે તેના કારણે ઘણા લોકોને રોકાણની તક ચૂકી ગયાની લાગણી થાય છે.

સોનાએ છેલ્લા એક વર્ષમાં લગભગ 45 ટકા વળતર આપ્યું છે, જ્યારે 30 શૅરના સેન્સેક્સમાં એક વર્ષમાં છ ટકા કરતાં પણ ઓછું વળતર મળ્યું છે.

દરમિયાન, તાજેતરમાં સોનામાં ઘટાડો પણ જોવા મળ્યો છે. મલ્ટિ કૉમૉડિટી ઍક્સચેન્જ (એમસીઍક્સ) પર સોનાનો ભાવ 1.32 લાખ રૂપિયાની ઑલ-ટાઇમ હાઈ સપાટી પર પહોંચ્યા પછી તેમાં 12,700 રૂપિયાનો ઘટાડો થયો છે. એટલે કે સોનાનો ભાવ ટોચ પરથી 10 ટકા જેટલો ગગડ્યો છે.

બીજી તરફ ઘણા લોકોને એવો સવાલ થાય છે કે સોનાનો ભાવ રોજેરોજ શેના આધારે નક્કી થાય છે, ભારતમાં સોનાનો ભાવ કઈ રીતે બદલાય છે અને હવે આગળ શું થશે?

બીબીસી ગુજરાતીએ નિષ્ણાતો સાથે વાત કરીને જાણવાનો પ્રયાસ કર્યો કે દરરોજ સોનાના ભાવ કઈ રીતે નક્કી થાય છે અને તેના પર કયા પરિબળો અસર કરે છે?

સોનાના આંતરરાષ્ટ્રીય ભાવ કઈ રીતે નક્કી થાય?

આંતરરાષ્ટ્રીય બજારમાં મોટાં કૉમૉડિટી ઍક્સચેન્જિસ દ્વારા સોનાના ભાવ નક્કી થાય છે અને તેમાં ચોવીસે કલાક ટ્રેડિંગ થાય છે. ખાસ કરીને લંડન બુલિયન માર્કેટ ઍસોસિયેશન (એલબીએમએ) અને કૉમૅક્સ અગ્રણી છે. આવા ઍક્સચેન્જિસ સોનાના ભાવનો એક બેન્ચમાર્ક નક્કી કરે છે.

એચડીએફસી સિક્યૉરિટીઝના કૉમૉડિટી માર્કેટના ઍનાલિસ્ટ સૌમિલ ગાંધીએ બીબીસી ગુજરાતીને કહ્યું કે, "સોનાના સ્પોટ ભાવ (હાજર બજારના ભાવ) લંડન બુલિયન મેટલ ઍસોસિયેશન (એલબીએમએ)ના આધારે નક્કી થાય છે, જેને આંતરરાષ્ટ્રીય ફ્યૂચર માર્કેટના ભાવ પરથી દિશા મળે છે. LBMA લંડનના સમય પ્રમાણે દરરોજ દિવસમાં બે વખત - સવારે 10.30 વાગ્યે અને અને બપોરે 3.00 વાગ્યે - સોનાના ભાવ જાહેર કરવામાં આવે છે.આ ભાવ 995 શુદ્ધતા ધરાવતા એક ઔંસ (લગભગ 28.35 ગ્રામ) સોનાના હોય છે."

ન્યૂયૉર્કસ્થિત કૉમૅક્સ (કૉમૉડિટી ઍક્સચેન્જ) પર સોનાના ફ્યૂચરના સોદા થાય છે, જે હાજર બજારના ભાવને દિશા આપે છે.

સૌમિલ ગાંધી કહે છે કે, "કૉમૅક્સ પર સોનાના ફ્યૂચરના ભાવ કરતાં લંડન બુલિયનનો ફિઝિકલ માર્કેટનો ભાવ 50થી 100 ડોલર પ્રતિ ઔંસ નીચો હોય છે."

હાલમાં સોનાના ભાવની તેજી માટે ઘણાં કારણો જવાબદાર છે જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ટેરિફ વૉર, આર્થિક અનિશ્ચિતતાઓ, યુએસ ડૉલરની મજબૂતી વગેરે સામેલ છે.

સૌમિલ ગાંધી કહે છે, "કોઈ જગ્યાએ મોટું યુદ્ધ ચાલતું હોય અથવા અશાંતિ હોય તો સોનાના ફ્યૂચરના ભાવ પર તેની અસર પડશે અને તે પ્રમાણે હાજરના ભાવ પણ બદલાશે. ઘણી વખત ફ્યૂચર માર્કેટની સરખામણીમાં સોનામાં પ્રીમિયમ અથવા ડિસ્કાઉન્ટ પણ હોઈ શકે છે. ઉદાહરણ તરીકે અમેરિકા સોના પર ઇમ્પૉર્ટ ડ્યૂટી નાખશે તેવા અહેવાલોના પગલે સોનાની માંગ વધી ગઈ. તેથી ફ્યૂચર માર્કેટની સરખામણીમાં સોનામાં પ્રીમિયમ બોલતું હતું. તે સમયે એટલી બધી ડિમાન્ડ હતી કે ખરીદદારો ગમે તેટલી ઊંચી કિંમત આપવા તૈયાર હતા."

તેઓ કહે છે કે, "યુએસ ફેડ દ્વારા વ્યાજદરમાં ફેરફાર થાય અથવા ઈટીએફમાં સોનાની ડિમાન્ડમાં વધઘટ થાય ત્યારે પણ સોનાના ભાવને અસર થાય છે."

આ ઉપરાંત જ્વેલરી બનાવવા, ઔદ્યોગિક વપરાશ માટે સોનાની કેટલી ડિમાન્ડ છે અને સોનાની ખાણોમાં કેટલું ઉત્પાદન થાય છે, તે પણ ભાવને અસર કરે છે.

સોનાના સૌથી મોટા ઉત્પાદકોમાં ચીન, રશિયા, ઑસ્ટ્રેલિયા, કૅનેડા અને અમેરિકાનો સમાવેશ થાય છે. વિશ્વના કુલ ગોલ્ડ ઉત્પાદનમાં આ દેશો 40 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે.

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના એક અહેવાલ પ્રમાણે માનવીએ જમીનમાંથી સોનું કાઢવાની શરૂઆત કરી ત્યાર બાદ અત્યાર સુધીમાં 2.16 લાખ ટનથી વધારે સોનું કાઢવામાં આવ્યું છે. તેમાંથી બે તૃતિયાંશ કરતાં વધુ સોનું તો માત્ર 1950 પછી કાઢવામાં આવ્યું છે.

અમેરિકન જિયોલોજિકલ સર્વે મુજબ 2024માં આખી દુનિયામાં કુલ 3300 ટન સોનાનું ઉત્પાદન થયું હતું, જ્યારે 2023માં દુનિયાભરની ખાણોમાંથી 3,250 ટન સોનું કાઢવામાં આવ્યું હતું.

ભારતમાં સોનાના ભાવ શેના આધારે નક્કી થાય?

આંતરરાષ્ટ્રીય બજારમાં ડૉલરમાં સોનાનો જે ભાવ ચાલતો હોય તેને રૂપિયામાં રૂપાંતરિત કરો એટલે ભારતનો ભાવ મળી જાય એવું નથી.

ભારતમાં ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ ઍસોસિયેશન (આઈબીજેએ) દ્વારા દરરોજ સોનાના ભાવ નક્કી થાય છે. તેમાં ઇમ્પૉર્ટ ડ્યૂટી, ટૅક્સ અને ડૉલરના ભાવને ધ્યાનમાં લેવામાં આવે છે.

સ્થાનિક બજારમાં રૂપિયા અને ડૉલરના ઍક્સચેન્જ રેટ ઉપરાંત સરકારના ટૅક્સ, સોનાનો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ, સ્થાનિક બુલિયન ઉદ્યોગના દર વગેરે અસર કરે છે.

કૉમૉડિટી ઍનાલિસ્ટ સૌમિલ ગાંધી કહે છે કે "આંતરરાષ્ટ્રીય બજાર, એટલે કે એલબીએમએમાં સોનાનો જે ભાવ હોય તેને રૂપિયામાં કન્વર્ટ કરવામાં આવે. તેના પર ઇમ્પૉર્ટ ડ્યૂટી ઉમેરો અને માંગ-પુરવઠાની ગણતરી કરો, એટલે ભારતનો ભાવ મળે. ભારતમાં ઊંચા ભાવે સોનાની ડિમાન્ડ ન હોય, તો આંતરરાષ્ટ્રીય બજાર કરતાં ડિસ્કાઉન્ટ ભાવે પણ મળી શકે."

અમદાવાદના માણેકચોક ચોકસી મહાજનના સભ્ય હેમંત ચોકસીએ જણાવ્યું કે, "આખા દેશમાં સોનાનો 10 ગ્રામ દીઠ કોઈ એક ભાવ નથી હોતો. સોનાની ડિમાન્ડ અને સપ્લાયના આધારે અને ફ્યૂચરમાં કેટલો ભાવ રહેવાનો છે તેના આધારે ભાવ બદલાતા રહે છે. સોનાનો ભાવ સવારે અલગ હોય અને બપોર પછી અલગ હોય એવું પણ બનતું હોય છે."

ભારતમાં દરેક ઝવેરી બજારમાં સોનાના ભાવમાં તફાવત હોય છે. એટલે કે અમદાવાદ, દિલ્હી, મુંબઈ, કોલકાતા જેવાં શહેરોમાં એક જ સમયે સોનાનો ભાવ અલગ-અલગ હોઈ શકે છે.

સોનાના સિક્કાના ભાવ પણ દરેક જ્વેલર અથવા બૅન્ક દીઠ અલગ અલગ હોઈ શકે છે, કારણ કે દરેકના ઘડામણ ચાર્જ અલગ હોય છે.

સોનામાં ખરીદીનો ટ્રૅન્ડ કેવો છે, ભાવ ઘટશે કે વધશે?

ચોકસી મહાજનના સભ્ય હેમંત ચોકસીનું કહેવું છે કે "આ વર્ષે સોનામાં ઊંચા ભાવ હોવાના કારણે વૉલ્યુમમાં ઘટાડો થયો, પરંતુ ભાવની દૃષ્ટિએ વેચાણ સારું રહ્યું હતું."

સીએનબીસીએ ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ ઍસોસિયેશન (આઈબીજેએ)ને ટાંકીને જણાવ્યું છે કે દિવાળીના પાંચ દિવસના તહેવાર દરમિયાન ભારતમાં 700 અબજ રૂપિયાથી 1000 અબજ રૂપિયા સુધીનું સોનું વેચાયું હતું. એકલા ધનતેરસે 40 ટન સોનું વેચાયું હોવાનો અંદાજ છે. વૉલ્યુમની દૃષ્ટિએ ગઈ દિવાળી કરતાં આ વખતે પાંચ ટકાનો ઘટાડો થયો હતો.

કૉમૉડિટી ઍનાલિસ્ટ સૌમિલ ગાંધી કહે છે કે "આંતરરાષ્ટ્રીય બજારમાં સોનામાં પ્રતિ ઔંસ 4,381 ડૉલરની હાઈ સપાટી બની હતી, ત્યારથી તે ઘટીને 3900 ડૉલર થયું છે. એટલે કે સોનું 10થી 11 ટકા જેટલું ઘટી ગયું છે. આગામી દિવસોમાં 3700થી 3500 ડૉલર પ્રતિ ઔંસનો બેઝ જોવા મળી શકે."

એટલે કે સોનામાં હજુ પાંચથી સાત ટકા ઘટાડો થઈ શકે. તે સમયે સોનું ખરીદવાની સારી તક હશે એમ માને છે.

સૌમિલ ગાંધી કહે છે કે, "સ્થાનિક બજારમાં 10 ગ્રામ સોનાનો ભાવ એક લાખથી નીચે જાય તેવી શક્યતા બહુ ઓછી છે. 1.09 લાખથી 1.12 લાખનો મજબૂત બેઝ બનશે."

(સ્પષ્ટતાઃ આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારીના હેતુસર છે અને તેને નાણાકીય સલાહ ગણવી ન જોઈએ. રોકાણના કોઈ પણ નિર્ણયો લેતા પહેલાં પોતાના નાણાકીય સલાહકારની મદદ લેવી.)

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન