ગુજરાતમાં દેખા દેનાર ગાલપચોળિયાં શું છે અને તે કેવી રીતે થાય?

ગાલપચોળિયાં

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, જયદીપ વસંત
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગુજરાતીમાં કહેવાય છે કે 'એકલાં-એકલાં ખાય તેને ગાલપચોળિયાં થાય,' બાળકો ઉપરાંત મોટેરાઓની વચ્ચે પણ ગમ્મતમાં આ શબ્દપ્રયોગ થતો હોય છે, પરંતુ વાસ્તવમાં તેના માટે મમ્પ્સ વાઇરસ જવાબદાર છે. છેલ્લા કેટલાક દિવસથી આ બીમારીએ રાજ્યમાં દેખા દીધી છે.

ચાલુ સિઝન દરમિયાન અમદાવાદ, વડોદરામાંં બાળકોમાં ગાલપચોળિયાંના કેસ નોંધાઈ રહ્યા છે. આ સિવાય અન્ય શહેરોમાં જોવા મળી રહ્યા છે. તબીબો આ ઉછાળાને ચિંતાજનક ટ્રૅન્ડ માને છે.

ગાલપચોળિયાંનાં લક્ષણ બાળકના ચહેરા ઉપર જોવા મળે છે, પરંતુ મર્યાદિત કિસ્સામાં તેના કાન, સ્વાદુપિંડ અને પ્રજનન અવયવોને પણ નુકસાન પહોંચાડી શકે છે. કેટલીક સાવચેતી રાખીને બાળકોમાં થતો આ ચેપીરોગ ફેલાતો અટકાવી શકાય છે.

છેલ્લાં કેટલાંક વર્ષોથી ગુજરાત સરકાર દ્વારા રસીકરણના અભિયાનમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જેના કારણે બાળકોમાં આ બીમારીએ ફરી દેખા દીધી હોવાની શક્યતા છે. નિષ્ણાતો સરકારના રસીકરણના કાર્યક્રમમાં સુધાર માટે ભલામણ કરે છે.

ઈ.સ. પૂર્વે છઠ્ઠી સદીમાં ભારતીય ચિકિત્સકે તેના પુસ્તકમાં ગાલપચોળિયાંનો ઉલ્લેખ કર્યો છે અને તેનાં લક્ષણ પણ જણાવ્યાં છે, અલબત્ત તેનું નામ અલગ છે.

ગાલપચોળિયાં: કેમ અને ક્યારે થાય?

ગાલપચોળિયાં

ઇમેજ સ્રોત, SCIENCE PHOTO LIBRARY

પાંચથી લઈને 15 વર્ષની ઉંમરનાં બાળકોમાં ગાલપચોળિયાં જોવા મળે છે, જોકે કેટલાક કિસ્સામાં પુખ્તોમાં પણ તે જોવા મળી શકે છે. સામાન્ય સંજોગોમાં તે સ્વ-મર્યાદિત અને ખૂબ જ સામાન્ય લક્ષ્ણ ધરાવે છે.

મોરબીસ્થિત બાળરોગ નિષ્ણાત ડૉ. મનિષ સનારિયાના કહેવા પ્રમાણે, "ગાલપચોળિયાંએ મહદઅંશે શિયાળામાં જોવા મળતી એક પ્રકારની વાઇરલ બીમારી છે. જે ઉધરસ, છીંક કે વાતચીતના માધ્યમથી પણ સામેના બાળકની શ્વસનપ્રણાલી મારફત તેના શરીરમાં પ્રવેશી શકે છે."

"ગાલપચોળિયાંમાં બાળકની લાળગ્રંથિ ઉપર સોજો આવે છે, જેના કારણે તેના ગાલનો ભાગ ઉપસી જાય છે. કેટલીક વખત બંને ગાલ પર તેની અસર જોવા મળે છે. બાળક જમવાનું ગળે નથી ઉતારી શકતું અને પાણી સુદ્ધા પીવામાં તકલીફ અનુભવે છે. જેની અસર પાચન પર પણ થાય છે."

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

"આ સિવાય બાળકમાં તાવ, ગળું દુખવું, કળતર જેવાં લક્ષણ પણ જોવાં મળે છે. છોકરીઓમાં પેડુમાં દુખાવો જોવા મળી શકે છે. તેનાં લક્ષણ ધીમે-ધીમે દેખાવાનાં શરૂ થાય છે અને સામાન્ય સંજોગોમાં લગભગ બે અઠવાડિયાંમાં તે મટી જાય છે. બહુ થોડા કિસ્સામાં તે ગંભીર સ્વરૂપ ધારણ કરે છે."

ડૉ. સનારિયા ઉમેરે છે, "જો તેનું ઇન્ફેક્શન મગજ, સ્વાદુપિંડ, કાન, છોકરાઓમાં વૃષણ કે છોકરીઓમાં ઑવરી સુધી પહોંચે તો તે ગંભીર સ્થિતિ ઊભી કરી શકે છે. કાનના ઇન્ફૅક્શનને કારણે બહેરાશ, વૃષણમાં ચેપને કારણે નપુંસકતા, ઑવરીમાં ફેલાવાથી ગર્ભધારણને લગતી જટિલતાઓ ઉદ્દભવી શકે છે."

તેઓ ચેપગ્રસ્ત બાળકને સ્કૂલે નહીં મોકલવા અને જો એવું કોઈ બાળક શાળાએ આવ્યું હોય તો તેનાથી દૂર રહેવા ભલામણ કરે છે. આ સિવાય માસ્ક શ્રેષ્ઠ બચાવકર્તા હોવાનું જણાવે છે.

ગાલપચોળિયાંમાં બાળકને ઘરનો બનાવેલો તાજો અને સાદો ખોરાક આપવાની ભલામણ કરવામાં આવે છે. જે નરમ હોય. આ સિવાય પ્રવાહી પણ આપવામાં આવે છે.

આ સિવાય પુખ્તાવસ્થામાં સ્ત્રી કે પુરુષને ઓરી, અછબડાં કે ગાલપચોળિયાં થાય તો એટલા દિવસો દરમિયાન શારીરિકસંબંધ ન બાંધવાની ભલામણ કરવામાં આવે છે. બાળકોની સરખામણીમાં પુખ્તોને આ ચેપી બીમારીઓને કારણે વધુ પીડા થાય છે.

સંરક્ષણ, સાવચેતી, સારવાર

ગાલપચોળિયાં

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, એમએમઆર રસી બાળકોને ઓરી, ગાલપચોળિયાં અને નૂરબીબી સામે રક્ષણ આપે છે

મોટાભાગની વાઇરસજન્ય બીમારીની જેમ ગાલપચોળિયાંની કોઈ ચોક્કસ સારવાર નથી. તેમાં બાળકના લક્ષ્ણના આધારે દવા આપવામાં આવે છે. આ સિવાય મલ્ટી-વિટામિન અને મલ્ટી-મિનરલ્સ પણ આપવામાં આવે છે. જોકે, તમામ તબીબો એકસૂરે રસી મૂકાવાની ભલામણ કરે છે.

વડોદરાસ્થિત પીડિયાટ્રિશિયન ડૉ. ભાવિક કાનાબારના કહેવા પ્રમાણે, "તાજેતરમાં વડોદરામાં ગાલપચોળિયાંના કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે શિયાળામાં નવેમ્બરથી ફેબ્રુઆરી મહિના સુધી જોવા મળતો હોય છે."

"તે જીવલેણ નથી, પરંતુ જો મગજ સુધી ચેપ પહોંચે તો ઇંસેફેલાઇટિસ(વિષાણુજ મસ્તિષ્કશોથ) નું સ્વરૂપ ધારણ કરે છે. તેની જટિલતા વધે તો મૃત્યુ પણ થઈ શકે છે. જે ડેંગ્યુ, મલેરિયા કે ચિકનગુનિયાના કિસ્સામાં પણ થઈ શકે છે. એટલું જ નહીં સારવાર ન કરવામાં આવે તો ટાઇફૉઇડ પણ ઘાતક નિવડી શકે છે."

"જો બાળકને એમએમઆરની રસીના બે ડોઝ અને ત્રીજો બુસ્ટર ડોઝ આપવામાં આવ્યો હોય તો આ બીમારી સામે સંરક્ષણ મળી રહે છે. આ સિવાય બાળપણમાં જો એક વખત બીમારી થઈ ગઈ હોય તો કુદરતી રીતે રોગપ્રતિરોધક ક્ષમતા કેળવાય જતી હોય છે અને જીવનપર્યંત થવાની શક્યતા લગભગ નથી રહેતી."

ડૉ. કાનાબાર ઍકેડમી ઑફ પીડિયાટ્રિક્સની વડોદરા પાંખના અધ્યક્ષ અને પીડિયાટ્રિક ઇન્ફૅક્શિયસ ડિસીઝના સભ્ય છે. તેઓ ગાલપચોળિયાંના લક્ષણ જોવા મળ્યે ઘરગથ્થું ઉપચાર કે ઢીલ કરવાના બદલે તત્કાળ ડૉક્ટરને દેખાડવાની ભલામણ કરે છે.

એમએમઆર બાળકને અનુક્રમે મિઝેલ્સ (ઓરી), મમ્પ્સ (ગાલપચોળિયાં) અને રુબેલા (નૂરબીબી) સામે રક્ષણ આપે છે. અન્ય કોઈ રસીની જેમ જ એમએમઆર આપ્યા પછી એક-બે દિવસ માટે બાળકને થોડો તાવ કે દુખાવાની ફરિયાદ થઈ શકે છે, જેને સામાન્ય બાબત માનવામાં આવે છે. જોકે, ખાનગી તબીબો દ્વારા આપવામાં આવતી રસી અને સરકારી રસીકરણમાં તફાવતને કારણે ગાલપચોળિયાંનો ફેલાવો અટકાવી નથી શકાતો.

રસીકરણ : સરકારી વિ. ખાનગી

એમએમઆર રસી બાળકોને ઓરી, ગાલપચોળિયાં અને નૂરબીબી સામે રક્ષણ આપે છે

ઇમેજ સ્રોત, Getty Images

ભારત દ્વારા છેલ્લાં લગભગ 45 વર્ષથી યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશનપ્રોગ્રામ ચલાવવામાં આવે છે, જેમાં બાળકોને પોલિયો, રોટ્ટાવાઇરસ, ઓરી, નૂરબીબી, ન્યૂમોનિયા, ધનુર્વા, ટીબી, હિપેટાઇટિસ-બી અને ડિપ્થૅરિયા સહિત નવ રોગ સામે રાષ્ટ્રીયસ્તરે રસી આપવામાં આવે છે.

આ સિવાય કેટલાંક રાજ્યોમાં ફેલાવાના આધારે અન્ય ત્રણ બીમારીની રસી આપવામાં આવે છે. સંખ્યાની દૃષ્ટિએ વિશ્વની લગભગ 60 ટકા કરતાં વધુ રસીનું ઉત્પાદન ભારતમાં છ જેટલા નિર્માતાઓ દ્વારા થાય છે.

વૅક્સિનેશનની ક્ષમતાએ જ ભારતને કોરોના સામે વૅક્સિન બનાવવામાં અને વિશ્વના સૌથી મોટા રસીકરણમાં સફળતા અપાવવામાં મદદ કરી હોવાનું નિષ્ણાતોનું માનવું છે.

ખાનગી તબીબો દ્વારા બાળકોને એમએમઆર રસીના બે અને છેલ્લા કેટલાક સમયથી ત્રીજો બૂસ્ટર ડોઝ પણ આપવામાં આવે છે. જ્યારે સરકારી વૅક્સિનમાં એમઆર વૅક્સિન જ આપવામાં આવે છે, જે ઓરી અને નૂરબીબી સામે તો રક્ષણ આપે છે, પરંતુ ગાલપચોળિયાં સામે રક્ષણ નથી આપતી.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, વર્ષ 2016થી ગુજરાત સરકાર દ્વારા એમઆરની જ રસી આપવામાં આવે છે. પ્રતિલાખ બાળકે રોગની સંખ્યા અને ઘાતકતાની સમીક્ષાના આધારે સમયાંતરે રસીકરણના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવે છે.

ખાનગીમાં રસીકરણની સરખામણીમાં સરકારી વૅક્સિન લેનારાઓનું પ્રમાણ અનેકગણું વધારે હોવાથી તાજેતરના ગાલપચોળિયાં ફેલાવાને તેની સાથે જોડીને જોવામાં આવે છે.

ઇન્ટિગ્રૅટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામ હેઠળ હજુ સુધી 38મા અઠવાડિયા સુધીના અહેવાલ ઉપલબ્ધ છે એટલે ગુજરાતના કેટલા બાળકોને તેનો ચેપ લાગ્યો છે અને તે કયા-કયા વિસ્તારમાં ફેલાયો છે, તે નક્કરપણે કહેવું મુશ્કેલ છે. આ રિપોર્ટ જમ્મુ-કાશ્મીરના શોપિયાં તથા ઓડિશાના કંધમાલમાં ગાલપચોળિયાંના કેસ નોંધાયા હતા.

આ સિવાય ગાલપચોળિયાંને 'સામાન્ય બીમારી' ગણીને ઘરગથ્થું ઈલાજ કરવામાં આવે છે. નહીં નોંધાયેલા તબીબો અને વૈકલ્પિક સારવાર આપનારાઓ પાસે પણ લોકો જતાં હોવાથી નક્કર આંકડો નથી મળતો અને ત્રુટિપૂર્ણ ચિત્ર જોવા મળે છે.

ટીબીના રિપોર્ટિંગની સરખામણીએ ગાલપચોળિયાંની સાથે તાવ, રેશિઝ, લાલ ચકામા કે ચાંદા જેવા ગંભીર લક્ષણ દેખાતા ન હોય, ત્યાર સુધી તેના વિશે જાણ કરવાનું તબીબો ટાળતા હોય છે.

ઍકેડમી ઑફ પીડિયાટ્રિક્સની ગુજરાત પાંખના પદનામિત અધ્યક્ષ ડૉ. તુષાર શાહના કહેવા પ્રમાણે, "ઓરીની સામે સરકારે અસરકારક અભિયાન ચલાવ્યું હતું. રસીકરણ કૅમ્પ યોજવામાં આવ્યા હતા અને શાળાઓમાં જઈને રસીઓ આપવામાં આવી હતી, પરંતુ તેમાં મમ્પ્સની રસી આપવામાં નહોતી આવી."

"હવે, ગાલપચોળિયાંના કેસ વડોદરા, અમદાવાદ તથા અન્ય શહેરોમાં જોવા મળી રહ્યા છે, એવું અમારા ધ્યાનમાં આવ્યું છે. સરકારે તેના રસીકરણના કાર્યક્રમમાં એમઆરના બદલે એમએમઆર રસીને સામેલ કરવાની જરૂર છે. તેનાથી ખર્ચમાં ખાસ કોઈ ફરક નથી પડતો અને રસી આપવા માટે કોઈ વધારાના પ્રયાસ કરવાની જરૂર નથી પડતી."

"અમારું સંગઠન આ અંગે રાજ્ય સરકારને પત્ર લખીને પરિસ્થિતિથી વાકેફ કરશે અને શા માટે ત્રણેય રોગ સામે રક્ષણ આપતી રસીની જરૂરિયાત ઉપર ભાર મૂકશે."

એઓપીએ રાષ્ટ્રીયસ્તરે આના વિશે કેન્દ્ર સરકારના પરિવાર અને બાળ કલ્યાણ મંત્રાલયને રજૂઆતો કરી છે. ડૉ. શાહ ન કેવળ બાળકોમાં પરંતુ પુખ્તોમાં પણ રસીકરણની જરૂરિયાત ઉપર ભાર મૂકે છે. આ માટે તેમણે 'ઍડલ્ટ ઇમ્યુનાઇઝેશન ઇન ઓફિસ પ્રૅક્ટિસ' નામનું પુસ્તક લખ્યું છે.

ગાલપચોળિયાંના ક...ખ...ગ...

પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને પોલિયોની રસી આપીને ભારતે આ રોગને નાથવામાં સફળતા મેળવી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને પોલિયોની રસી આપીને ભારતે આ રોગને નાથવામાં સફળતા મેળવી

ગાલપચોળિયાંનો ઉલ્લેખ સુશ્રુતસંહિતામાં જોવા મળે છે. જેને આરોગ્યક્ષેત્રના ભારતના પ્રાચીન અને મૂળભૂત ગ્રંથોમાંથી એક માનવામાં આવે છે. ઈસુ પૂર્વે છઠ્ઠી સદીમાં સુશ્રુતે અનેક રોગના નામ, તેમના લક્ષ્ણ અને સારવારના 'શ્રુતિ અને સ્મૃતિ જ્ઞાન' તથા તેમના અનુભવોને તેમાં ગ્રંથસ્થ કર્યા.

સુશ્રુતસંહિતામાં (પેજનંબર 282) કર્ણફેર તરીકે મમ્પ્સનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેના લક્ષ્ણ તરીકે ગાલ ફૂલી જવા અને તાવ આવવો એવું નોંધવામાં આવ્યું છે.

સુશ્રુતની એક સદી પછી ઈસુની પાંચમી સદીમાં મહાન ચિકિત્સક હિપોક્રૅટ્સ ગ્રીકમાં થઈ ગયા અને તેમને 'આયુર્વિજ્ઞાનીય ચિકિસ્તાના પિતા' માનવામાં આવે છે. હિપોક્રૅટ્સના નામ ઉપરથી આધુનિક તબીબોને સેવા માટેના શપથ અપાવવામાં આવે છે. તેમણે પણ મમ્પ્સનો ઉલ્લેખ કર્યો હતો.

હિપોક્રૅટ્સના વર્ણન પ્રમાણે, 'કેટલાક કિસ્સામાં કાનની બંનેમાંથી એક બાજુએ અથવા ઘણા ખરા કિસ્સામાં બંને બાજુએ સોજા જોવા મળે છે.' જે ગાલપચોળિયાંના મોટાભાગના કિસ્સામાં જોવા મળતું લક્ષ્ણ છે. જેના કારણે તેને આ અંગ્રેજી નામ મળ્યું હોવાનું માનવામાં આવે છે.

બ્રિટનનું સંસ્થાન હોવાને કારણે અંગ્રેજી નામ 'મમ્પ્સ' ભારતમાં પ્રચલિત બન્યું, પરંતુ તેને આવું વિચિત્ર નામ મળ્યું, તેના ઉદ્દભવની સ્પષ્ટ સંદર્ભ નથી મળતો.

જૂની અંગ્રેજીમાં મોં બગાડવા માટેનો એક શબ્દ 'મમ્પ' છે. આઇલૅન્ડમાં પૂરેપૂરા ભરાયેલા મોઢા માટે 'મમ્પા' શબ્દ છે. જેને ગાલપચોળિયાં થયા હોય તેને બોલવામાં તકલીફ પડે છે અને અસ્પષ્ટ બોલે છે. ડચમાં તેના માટે 'મમ્બલ' શબ્દ છે. આ તમામને મમ્પ્સ સાથે જોડીને જોવામાં આવે છે.

પશ્ચિમી દેશોમાં હેમ્પ્સ્ટર નામનું ઉંદર જેવું પ્રાણી જોવા મળે છે. તેના જેવો ચહેરો થઈ જતો હોવાથી 'મમ્પ્સ' શબ્દ ચલણમાં આવ્યો હોવાની ગેરમાન્યતા છે.

રસીની રસપ્રદ વાતો

કોવિડ-19

ઇમેજ સ્રોત, Getty Images

વર્ષ 1796માં અંગ્રેજ ફિઝિશિયન ઍડવર્ડ જેનરે શીતળાની રસી શોધી તે પછી વિશ્વમાં અનેક ચેપી, ભયંકર બીમારીઓ અને મહામારીઓની રસી શોધાવા લાગી. વર્ષ 1885માં લુઈ પાશ્વરે શોધેલી હડકવાની રસીને તબીબીજગતમાં ક્રાંતિ તરીકે જોવામાં આવે છે.

આ પછી વર્ષ 1937 પીતજવરની રસી શોધાઈ, જેને અંગ્રેજીમાં યેલો ફિવર તરીકે ઓળખવામાં આવે છે. આ પછી ઊંટાટિયા (1939), ઇન્ફ્લુએન્ઝા (1945), પોલિયોની (1952-55) રસીઓ શોધાઈ. પોલિયોની વધુ એક પ્રકારની રસી વર્ષ 1960માં શોધાઈ, તો વર્ષ 1969માં હિપેટાઇટિસ-બીની રસી બજારમાં આવી.

આ પહેલાં વર્ષ 1963માં મિઝેલ્સ એટલે કે ઓરીની, વર્ષ 1967માં મમ્પ્સ (ગાલપચોળિયા) અને રુબેલાની (વર્ષ 1969) રસીઓ શોધાઈ. વર્ષ 1971માં અમેરિકામાં ત્રણેય રસીને સંકલિત કરીને એમએમઆર રસી મૂકવાને મંજૂરી આપવામાં આવી. અમેરિકામાં એમએમઆરવી રસી પણ મૂકવામાં આવે છે, જે વારિસેલા સામે પણ રક્ષણ આપે છે.

આ પછીનાં વર્ષો દરમિયાન અનેક રસીઓની શોધ થઈ અને તેને બાળકોના વૅક્સિનેશન શિડ્યુલમાં સામેલ કરવામાં આવી.

ભારતમાં વર્ષ 1978થી બાળકો માટે રસીકરણ માટેનો રાષ્ટ્રીય કાર્યક્રમ ચાલે છે, પરંતુ વર્ષ 2020માં ચીનના વુહાન પ્રાંતમાંથી વિશ્વભરમાં ફેલાયેલા કોવિડ-19 વાઇરસની સામે રક્ષણ આપવા માટે પુખ્તોને રસી આપવાની જરૂર ઊભી થઈ હતી અને આ બીમારી સામે વિશ્વનો સૌથી મોટો વૅક્સિનેશન કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો.