તમારા મોઢામાંથી દુર્ગંધ આવે છે? એ કોઈ બીમારીનું કારણ છે?

મોઢામાંથી આવતી દુર્ગંધ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ક્લાઉડિયા હેમન્ડ
    • પદ, બીબીસી સંવાદદાતા

"ઘણાં વર્ષો પહેલા હું રેડિયોમાં કામ કરતો હતો ત્યારે મારા સહકર્મીઓએ મને કામ સોંપ્યું હતું કે મારે શ્વાસમાંથી આવતી દુર્ગંધ માટેના ડૉક્ટરને મળવા જવાનું છે."

"મને કહેવામાં આવ્યું કે ત્યાં જઈને મારા શ્વાસની દુર્ગંધની તપાસ કરાવવાની છે અને પછી તે ડૉક્ટરનો ઇન્ટરવ્યૂ લેવાનો છે."

"શું હકીકતમાં મને આ કાર્ય સોંપવામાં આવ્યું છે કે પછી મારા સહકર્મીઓ મને કંઈક કહેવા માગે છે? રસ્તામાં મને એ જ વિચારો આવતા હતા."

"નસીબજોગે મારા શ્વાસમાંથી દુર્ગંધ આવતી ન હતી પરંતુ શ્વાસમાંથી આવતી દુર્ગંધ એ વ્યાપક સમસ્યા છે. તેના કારણે અનેક લોકોમાં ઘણા ભ્રમ પણ ફેલાય છે અને લોકો સમયસર તેનો ઇલાજ પણ નથી કરાવતા."

શ્વાસની દુર્ગંધથી પરેશાન લોકોએ સૌપ્રથમ આ ચાર માન્યતાઓ વિશે જાણવું જોઈએ.

શ્વાસની દુર્ગંધની ઓળખ કઈ રીતે કરવી?

મોઢામાંથી આવતી દુર્ગંધ

ઇમેજ સ્રોત, Getty Images

શ્વાસની દુર્ગંધને હેલિટોસિસ કહેવામાં આવે છે.

એક એવી માન્યતા છે કે શ્વાસને હથેળીમાં છોડવાથી આ દુર્ગંધની ખબર પડી જાય છે.

આ પદ્ધતિની સમસ્યા એ છે કે તમારા હાથમાં શ્વાસ લેવાથી તમારી જીભના પાછળના ભાગમાંથી શ્વાસ બહાર નીકળતો નથી. જ્યારે તમે વાત કરો છો ત્યારે એ બહાર નીકળે છે. તેથી જ્યારે તમે તમારા હાથમાં શ્વાસ છોડો છો ત્યારે તમે એ મુખ્ય સ્થાન ચૂકી જાઓ છો જ્યાંથી દુર્ગંધ આવે છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

શ્વાસની દુર્ગંધ માપવા માટે ડૉકટરો પાસે ત્રણ પદ્ધતિઓ છે. તેઓ નાકમાં માત્ર 5 સેમી (2 ઇંચ) અંદરથી શ્વાસનો નમૂનો લેવો, ચમચીને જીભ પર મૂકીને પછી તેને તપાસવી, લાળનો નમૂનો લેવો અને તેને 37 ડિગ્રી (99F) એ પાંચ મિનિટ મૂકીને પછી તેનું પરીક્ષણ કરવું.

ડૉક્ટરો પાસે નાના મૉનિટર પણ ઉપલબ્ધ હોય છે જે ચોક્કસ વાયુઓને ડિટેક્ટ કરી શકે છે. પરંતુ અહીં મર્યાદા એ છે કે તેમાં માત્ર અમુક વાયુઓનો જ સમાવેશ થાય છે. 'ગેસ ક્રોમેટોગ્રાફી' - વાયુઓના જટિલ મિશ્રણોને અલગ કરવાની ટેકનિક- એ હવામાં સલ્ફરની માત્રાને માપી શકે છે, પરંતુ તેમાં અમુક વિશિષ્ટ સાધનોનો સમાવેશ થાય છે. તે જૂજ ડૉક્ટરો પાસે જ ઉપલબ્ધ હોય છે.

ઘણા લોકોને લાગે છે કે તેમના શ્વાસમાંથી દુર્ગંધ આવે છે, પરંતુ આ હંમેશા સાચું નથી હોતું. હેલિટોસિસના કેસોમાં લોકો ધ્યાન આપતા નથી અને તેઓ સારવારથી પાછળ હઠી જાય છે અથવા તો તેનું ખોટું અર્થઘટન કરે છે. એક અભ્યાસ પ્રમાણે આવા લોકોનું પ્રમાણ 27 ટકા છે.

સમગ્ર વસ્તીના કેટલા પ્રમાણને વાસ્તવમાં હેલિટોસિસ છે તેના પર કોઈ ચોક્કસ આંકડાઓ નથી. પરંતુ અંદાજે 22થી 50 ટકા લોકો આ સમસ્યાથી પીડિત છે.

શું શ્વાસની દુર્ગંધનો મતલબ એવો છે કે તમને કોઈ બીમારી છે?

મોઢામાંથી આવતી દુર્ગંધ

ઇમેજ સ્રોત, Getty Images

મોટાભાગની દુર્ગંધ મોંમાંથી નીકળતા વૉલેટાઇલ સલ્ફર સંયોજનો, વિશિષ્ટ ગંધવાળા વાયુઓમાંથી આવે છે. હાઇડ્રોજન સલ્ફાઇડ જો મોંમાંથી નીકળે તો તેની દુર્ગંધ સડેલાં ઈંડાં જેવી આવે છે. તેનાથી પણ ખરાબ દુર્ગંધ એ ઇથાઇલ મરકૅપ્ટન નામનો વાયુ છે જેની દુર્ગંધને સડી ગયેલી કોબી તરીકે વર્ણવવામાં આવે છે. માનવ મૂત્રની ગંધ માટે પણ આ પ્રકારના વાયુઓ જ જવાબદાર હોય છે.

જ્યારે તમે કંઈ ખાઓ છો ત્યારે આ વાયુઓ અને બૅક્ટેરિયા જીભના પાછળના ભાગમાં જમા થઈ જાય છે અને શ્વાસમાં દુર્ગંધ પેદા કરે છે. પરંતુ આ દુર્ગંધ અસ્થાયી છે. ડુંગળી, લસણ અને ધૂમ્રપાન કરવાથી પણ આ સમસ્યા પેદા થઈ શકે છે.

શ્વાસની દુર્ગંધનાં સામાન્ય કારણોમાં દાંતની સમસ્યાઓ, પેઢામાં સોજો, સંક્રમણ અને જીભ પર ઊળનું જમા થવું પણ જવાબદાર છે.

ઘણા લોકોને શ્વાસની દુર્ગંધ પાછળ ઘણી ગેરસમજણો હોય છે. જો આપણા મળમાંથી દુર્ગંધ આવે છે તો આપણને એમ લાગે છે કે કંઈક ગડબડ છે અને આપણને કોઈ બીમારી છે.

એવું માનવામાં આવે છે કે શ્વાસની દુર્ગંધ નાક, કાન, ગળું, કિડની, ફેફસાં અને આંતરડાંમાં કોઈ સમસ્યા હોય તો તેના કારણે પેદા થાય છે. જોકે એ આ અંગો સંબંધિત કોઈ ગંભીર બીમારીનો એકમાત્ર સંકેત નથી.

શું માઉથવૉશ મદદરૂપ થઈ શકે?

મોઢામાંથી આવતી દુર્ગંધ

ઇમેજ સ્રોત, Getty Images

જ્યારે શ્વાસમાં દુર્ગંધ આવે છે ત્યારે ઘણા લોકો માઉથવૉશનો ઉપયોગ કરે છે. તે વિવિધ ફ્લેવર્સમાં ઉપલબ્ધ છે. પરંતુ ઘણા લોકો ફુદીનો કે લવિંગને પણ પસંદ કરે છે. માઉથવોશ અસ્થાયી રૂપે શ્વાસની દુર્ગંધને ઢાંકવામાં મદદ કરે છે.

મોટાભાગના માઉથવૉશ એવા બેક્ટેરિયાને મારી નાખે છે જે શ્વાસની દુર્ગંધ પેદા કરે છે. જોકે, માઉથવૉશનો સતત ઉપયોગ કરી શકાય કે કેમ તે અંગે ચર્ચા છે. કારણ કે માઉથવૉશમાં થોડા પ્રમાણમાં આલ્કોહૉલ હોય છે.

આલ્કોહૉલ શરીરને ડિહાઇડ્રેટ કરે છે. જો શરીરમાં પાણીની ઉણપ હોય તો શ્વાસની દુર્ગંધ વધી જાય છે.

બીજી પદ્ધતિ એ છે કે જીભ ટંગ ક્લીનર વડે જીભ સાફ કરવી. જોકે, યુકે સાયન્ટિફિક જર્નલ કૉહેરીનમાં પ્રકાશિત થયેલા સરવે અનુસાર આ પદ્ધતિથી લાંબો સમય ફાયદો થતો નથી. તમારી જીભ સાફ કરતી વખતે તમારે સાવચેત રહેવું જોઈએ કારણ કે આ પદ્ધતિ તમારી જીભને નુકસાન પહોંચાડી શકે છે.

ખાતરી કરો કે તમે જેનો ઉપયોગ કરો છો એ ટૂથબ્રશ નરમ છે.

શું મોંમાં રહેલા બધા બેક્ટેરિયા ખરાબ હોય છે?

મોઢામાંથી આવતી દુર્ગંધ

ઇમેજ સ્રોત, Getty Images

આ એક મોટી ગેરસમજ છે. દરેક માણસના મોંમાં 100થી 200 પ્રકારના બેક્ટેરિયા હોય છે.

લાખો વર્ષોથી માનવશરીરમાં રહેતા આ બેક્ટેરિયા માનવજીવન અને આરોગ્યમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જો આપણે આપણા મોંમાંથી તમામ પ્રકારના બેક્ટેરિયાને દૂર કરી દઇએ તો એ નુકસાન પહોંચાડશે.

મોઢામાં સારા બેક્ટેરિયા રાખવા અને ખરાબ બેક્ટેરિયાને કેવી રીતે દૂર કરવા તે અંગે વૈજ્ઞાનિકો સંશોધન કરી રહ્યા છે.

ટ્રાયલ 1 અને ટ્રાયલ 2 એ એવા બેક્ટેરિયાને દૂર કરવામાં સફળ રહ્યા હતા જે આપણા દાંતમાં સડો કરે છે. પરંતુ હૉસ્પિટલોમાં શ્વાસની દુર્ગંધ માટે પરીક્ષણ કરાવવાને બદલે લોકો એવા ઉત્પાદનો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે જે તેઓ ઘરે લઈ શકે અને જાતે ઉપયોગ કરી શકે.

શ્વાસની દુર્ગંધથી છુટકારો મેળવવા શું કરવું?

રોજ બે વખત બ્રશ કરવું જોઇએ અને વધુ માત્રામાં પાણી પીવું જોઈએ.

સિગરેટ અને તમાકુથી દૂર રહેવું જોઈએ અને એક સંતુલિત આહાર બનાવવો જોઈએ.

જો શ્વાસની દુર્ગંધ તમને પરેશાન કરી રહી છે તો દાંતના ડૉક્ટરની સલાહ લેવી જોઇએ, તમને કદાચ પેઢામાં કોઈ બીમારી હોઈ શકે.

દિવસભર વારંવાર તાજું પાણી પીવાને કારણે તમે શ્વાસની દુર્ગંધથી દૂર રહી શકો છો.