એનડીટીવીમાં શું ચાલી રહ્યું છે? પ્રણય રૉય અને રાધિકા રૉયે હોલ્ડિંગ કંપનીમાંથી રાજીનામુ આપ્યું

ઇમેજ સ્રોત, Getty Images

સારાંશ
- પ્રણય રૉય અને રાધિકા રૉય એ આરઆરપીઆર હોલ્ડિંગ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર પદેથી રાજીનામું આપ્યું છે
- સુદીપ્તા ભટ્ટાચાર્, સંજય પુગલિયા અને સેંથિલ ચેંગલવારાયણને પ્રમોટર ગૃપના નવા ડિરેક્ટર તરીકે નિમણૂક કરાયાં
- આ બદલાવ પ્રમોટર ગૃપ આરઆરપીઆર હોલ્ડિંગ પ્રાઇવેટ લિમિટેડમાં થયા છે, પ્રણય રૉય હાલ એનડીટીવીના એક્ઝિક્યૂટિવ કો-ચૅરપર્સન છે
- અદાણી ગૃપનો એનડીટીવી પર માલિકીના હકની તૈયારી, એનડીટીવીમાં વધારાનો 26 ટકા હિસ્સો ખરીદવા માટે ઓપન ઑફર લાવ્યું છે.

પ્રણય રૉય અને રાધિકા રૉયે આરઆરપીઆર હોલ્ડિંગ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર્સના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ કંપની એનડીટીવીનું પ્રમોટર ગૃપ સાધન છે.
મંગળવારે એનડીટીવી દ્વારા બૉમ્બે-સ્ટૉક ઍક્સચેન્જને લખવામાં આવેલા પત્રમાં જણાવ્યું હતું કે, “એનડીટીવીના પ્રમોટર ગૃપ આરઆરપીઆર (રાધિકા રૉય-પ્રણય રૉય) હોલ્ડિંગ પ્રાઇવેટ લિમિટેડે જણાવ્યું છે કે, 29 નવેમ્બરે બોર્ડ ઑફ ડિરેક્ટર્સની બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે કે સુદીપ્તા ભટ્ટાચાર્ય, સંજય પુગલિયા અને સેંથિલ ચેંગલવારાયણ હવે આરઆરપીઆરએચના બોર્ડનાં નવાં નિદેશક હશે અને ડૉ. પ્રણય રૉય અને રાધિકા રૉયે આરઆરપીઆરએચનાં બોર્ડ ઑફ ડિરેક્ટર્સનાં પદ પરથી તાત્કાલિક રાજીનામું આપી દીધું છે.”
આ તમામ બદલાવ એનડીટીવીની પ્રમોટર ગૃપ કંપની દ્વારા થયા છે, જોકે એનડીટીવી અનુસાર, પ્રણય રૉય અને તેમનાં પત્ની રાધિકા રૉય એનડીટીવીનાં એક્ઝિક્યૂટિવ કો-ચૅરપર્સન છે.
આ નિર્ણય ત્યારે લેવામાં આવ્યો છે, જ્યારે એક દિવસ પહેલાં જ આરઆરપીઆર હોલ્ડિંગ પ્રાઇવેટ લિમિટેડે તેના ઇક્વિટી શૅરની માહિતી આપી હતી. જેમાંથી 99.5 ટકા ઇક્વિટી શૅર વિશ્વ પ્રધાન કૉમર્શિયલ પ્રાઇવેટ લિમિટેડ પાસે છે, આ એ કંપની છે જેનું અધિગ્રહણ અદાણી ગૃપની મીડિયા કંપની એએમજી મીડિયા નેટવર્ક્સે કર્યું છે. આ સાથે અદાણી ગૃપ પાસે હવે એનડીટીવીની 29.18 ટકા ભાગીદારી છે.
અદાણી ગૃપ વધારાના 26 ટકા હિસ્સા માટે ઓપન ઑફર લઈને આવ્યું છે, આ હેઠળ કંપનીએ એનડીટીવીના એક કરોડ 67 લાખ શૅર ખરીદવાની પહેલ કરી છે. ઓપન ઑફરની અંતિમ તારીખ 5 ડિસેમ્બર છે.
આ ઓપન ઑફર માટે અદાણી ગૃપે શૅર દીઠ 294 રૂપિયાની કિંમત લગાવી છે.

ઇમેજ સ્રોત, BSE

શું છે અદાણીની યોજના?

ઇમેજ સ્રોત, Reuters
પોર્ટ, ઍરપૉર્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને ઘણાં ક્ષેત્રોમાં કારોબાર કરી રહેલા અને એશિયાની સૌથી ધનાઢ્ય વ્યક્તિ ગૌતમ અદાણીએ મીડિયામાં મોટી ભાગીદારી મેળવીને બધાને ચોંકાવી દીધા છે. કેટલાક લોકોએ તેને એનડીટીવી મૅનેજમૅન્ટની ઇચ્છા વિરુદ્ધ કંપની પર કબજો કરવાનો પ્રયાસ એટલે કે હોસ્ટાઇલ ટેકઓવર ગણાવ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે ગૌતમ અદાણીએ તાજેતરમાં જ ફાઇનાન્સિયલ ટાઇમ્સને આપેલા ઇન્ટરવ્યૂમાં એનડીટીવીના સોદા વિશે કહ્યું હતું કે, “ફાઇનાન્સિયલ ટાઇમ્સના મુકાબલે કોઈ પણ ચેનલ ભારતમાં નથી. એક મીડિયા હાઉસને સમર્થન આપીને સ્વતંત્ર બનાવી શકીએ છીએ, જેની ગ્લોબલ ફૂટપ્રિન્ટ હોય. સ્વતંત્રનો અર્થ છે કે જો સરકારે કંઈ ખોટું કર્યું છે, તો તેને ખોટું કહેવું જોઈએ, પરંતુ જ્યારે સરકાર કંઈક સારું કરી રહી હોય તો તે અંગે પણ ખુલ્લેઆમ કહેવાની હિંમત રાખવી જોઈએ.”
અદાણીએ કહ્યું છે કે, તેમના ગૃપ માટે એક ગ્લોબલ મીડિયા ગૃપ તૈયાર કરવાની કિંમત ‘ઘણી ઓછી’ છે અને તેમણે એનડીટીવીના પ્રમુખ પ્રણય રૉયને પદ પર રહેવાની ઑફર આપી હતી.
આ વર્ષે અદાણીની મીડિયા કંપનીએ બિઝનેસ ન્યૂઝ પ્લેટફોર્મે બ્લૂમબર્ગ ક્વિન્ટને પણ ખરીદી લીધું હતું.

આ બધુ ઑગસ્ટમાં કેવી રીતે થયું શરૂ?

ઇમેજ સ્રોત, Getty Images
આ વર્ષના ઑગસ્ટ મહિનામાં અદાણી ગૃપે મીડિયા કંપની એનડીટીવીમાં પરોક્ષ રીતે 29.18 ટકા હિસ્સો ખરીદ્યો હતો.
અદાણીએ જેવી રીતે એક અજાણી કંપની દ્વારા એનડીટીવીનો હિસ્સો ખરીદ્યો, એ જાણીને ‘હોસ્ટાઇલ ટેકઓવર’ એટલે કે મૅનેજમૅન્ટની ઇચ્છા વિરુદ્ધ કંપની પર કબજો કરવાનો પ્રયાસ ગણવામાં આવ્યો હતો.
જોકે અદાણી ગૃપે ઍક્સચેન્જને જણાવ્યું હતું કે, “તેમણે વિશ્વપ્રધાન કૉમર્શિયલ પ્રાઇવેટ લિમિટેડ એટલે કે વીસીપીએલને ખરીદી લીધી છે. અદાણીએ 100 ટકા ભાગ આશરે 114 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.”
મીડિયા અને કન્સલ્ટન્સી બિઝનેસ સાથે સંકળાયેલા વીસીપીએલનાં ખાતાંની તપાસમાં જાણવા મળ્યું છે કે, વીસીપીએલએ એનડીટીવીની એક પ્રમોટર ગૃપ કંપની આરઆરપીઆર હોલ્ડિંગ્સ પ્રાઇવેટ લિમિટેડના 29.18 ટકા ઇક્વિટી શૅર ગિરો મૂક્યા હતા.

શું હોય છે ઓપન ઑફર

ઇમેજ સ્રોત, NDTV
આ વર્ષના નવેમ્બર મહિનામાં અદાણી ગ્રૂપને સેબી તરફથી એનડીટીવીના 26 ટકા સ્ટૉક ખરીદવા માટે ઓપન ઑફર લાવવાની મંજૂરી મળી હતી. એ બાદ 22 નવેમ્બરે અદાણી ગૃપ ઓપન ઑફર લઈને આવ્યું જે 5 ડિસેમ્બર સુધી ચાલશે.
શૅરબજારની નિયામક સંસ્થા સેબીના નિયમોનુસાર, દેશમાં લિસ્ટેડ કોઈ પણ કંપની જેની પાસે 25 ટકા અથવા તેનાથી વધારે શૅર છે. તેની પાસે વધુ હિસ્સેદારી ખરીદવા માટે ઓપન ઑફર લાવવી અનિવાર્ય હોય છે, જેનાથી કંપનીના લઘુમતી શૅરધારકો પૂર્વ-નિર્ધારિત કિંમતે તેમના શૅર પોતાની ઇચ્છાથી નવા રોકાણકારોને વેચી શકે.

કોની પાસે કેટલો હિસ્સો છે?

ઇમેજ સ્રોત, Getty Images
એનડીટીવીના પ્રમોટર્સ પ્રણય રૉયના નામે કંપનીમાં 15.94 ટકા હિસ્સો છે, જ્યારે તેમનાં પત્ની અને રાધિકા રૉયનો કંપનીમાં 16.32 ટકા હિસ્સો છે. પ્રણય રૉય અને રાધિકા રૉય જ આરઆરપીઆરનાં પ્રમોટર્સ હતાં, આ કંપની પાસે એનડીટીવીના 29.18 ટકા શૅર હતા. તેના જ 99.5 ટકા શેર હવે અદાણી ગૃપ પાસે છે.
રિટેલ રોકાણકારો પાસે કંપનીના 12.57 ટકા શૅર છે, કૉર્પોરેટ સંસ્થાઓ પાસે એનડીટીવીનો 9.61 ટકા હિસ્સો છે, જ્યારે ફૉરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ એટલે કે એફપીઆઈ પાસે 14.7 ટકા શેર છે. અન્ય પાસે કંપનીનો 1.67 ટકા હિસ્સો છે.














