વિસ્તારા અને ઍર ઈન્ડિયાના વિલીનીકરણથી સિંગાપોર ઍરલાઈન્સ અને ટાટા સન્સને શું લાભ થશે?

ઇમેજ સ્રોત, ANI
સિંગાપોર ઍરલાઈન્સે મંગળવારે જણાવ્યું હતું કે વિસ્તારા ઍરલાઈન્સનું ટાટા સન્સની ઍર ઈન્ડિયા સાથે વિલીનીકરણ કરવામાં આવશે.
સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, ટાટા સન્સ હાલમાં વિસ્તારા ઍરલાઈન્સમાં 51% અને સિંગાપોર ઍરલાઈન્સમાં 49% શેરહોલ્ડિંગ ધરાવે છે.
સિંગાપોર ઍરલાઇન્સ લિમિટૅડ (એસઆઈએ) અને ટાટા સન્સ વચ્ચે આ સોદા અંગે થયેલા કરાર હેઠળ, એસઆઈએ પાસે ઍર ઇન્ડિયામાં 25.1 ટકા હિસ્સો રહેશે.
એસઆઈએના એક નિવેદનમાં કહ્યું છે કે આ કરાર હેઠળ કંપની ઍર ઈન્ડિયામાં 2058 કરોડ રૂપિયાનું રોકાણ કરશે.
રેગ્યુલેટર્સની મંજૂરી મળ્યા બાદ એવી ધારણા કરવામાં આવી રહી છે કે આ ડીલ માર્ચ 2024 સુધીમાં પૂર્ણ થઈ જશે. વિલીનીકરણ બાદ એવું માનવામાં આવે છે કે ભારતમાં ઍરલાઇન સેક્ટરમાં પ્રભુત્વ ધરાવતી ઈન્ડિગો જેવી કંપનીઓને ભારે સ્પર્ધાનો સામનો કરવો પડશે.

ઉડ્ડયન બજાર

ઇમેજ સ્રોત, ANI
સિંગાપોર ઍરલાઇન્સ ભારતના સ્થાનિક બજારમાં પગદંડો જમાવવા માટે ઘણા સમયથી પ્રયાસ કરી રહી હતી. પરંતુ આ સમજૂતી બાદ તેને વિશ્વના સૌથી ઝડપથી વિકસતા ઉડ્ડયન બજારમાં સ્થાન જમાવવામાં મદદ મળશે.
આ કરારથી ટાટા સન્સને પણ ઘણો ફાયદો જોવાઈ રહ્યો છે. કંપનીને આશા છે કે આ કરારથી ઍર ઈન્ડિયા અને ઓછી કિંમતની ઍરલાઈન ઍર ઈન્ડિયા એક્સપ્રેસની સ્થિતિમાં સુધારો થશે.
ન્યૂઝ એજન્સી રૉયટર્સના અહેવાલ અનુસાર ઍર ઈન્ડિયા એક્સપ્રેસનું ઍર એશિયા ઈન્ડિયા સાથે વિલીનીકરણ થવા જઈ રહ્યું છે. ટાટાએ ઍર એશિયા ઇન્ડિયાને તેના જૂના ભાગીદાર ઍર એશિયા પાસેથી પહેલેથી જ ખરીદી લીધું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સિંગાપોર ઍરલાઈન્સે જણાવ્યું છે કે જો ઍર ઈન્ડિયાને આગામી બે નાણાકીય વર્ષમાં ભંડોળની જરૂર હોય તો તે વધુ મૂડી રોકાણ કરવા ટાટા સાથે સંમત થઈ છે.
એસઆઈએને 25.1 ટકા હિસ્સા માટે 61.5 કરોડ ડૉલર સુધીનો ખર્ચ કરવો પડી શકે છે, પરંતુ આ રકમ વિલીનીકરણ પછી જ ચૂકવવાની છે.
કંપનીએ કહ્યું છે કે તે તેના આંતરિક સંસાધનોનો ઉપયોગ વિકાસ યોજનાને વધારવા માટે કરશે.
કરાર પર ટિપ્પણી કરતા એસઆઈએના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ગોહ ચુન ફોંગે જણાવ્યું હતું કે, "અમે ઍર ઈન્ડિયાની પરિવર્તન યોજનાને આગળ વધારવા, તેની સંભાવનાઓને જમીન પર ઉતારવા અને તેને વૈશ્વિક મંચ પર અગ્રણી ઍરલાઈન તરીકે સ્થાન આપવા માટે સાથે મળીને કામ કરવા આતુર છીએ."
એસઆઈએ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં, ટાટા સન્સના ચૅરમૅન નટરાજન ચંદ્રશેકરનને ટાંકીને કહેવામાં આવ્યું છે કે તેમની કંપની ઍર ઈન્ડિયાને મજબૂત કરવા માટે સિંગાપોર ઍરલાઈન્સ સાથેની ભાગીદારીને લઈને ઉત્સાહિત છે.

ઍર ઈન્ડિયાનું સંપાદન

ઇમેજ સ્રોત, ANI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મીઠાથી સૉફ્ટવેર સુધીનો વેપાર કરતા ટાટા જૂથે અગાઉ ગયા વર્ષે ઓક્ટોબરમાં દેવા હેઠળ દબાયેલી સરકારી ઍરલાઇન્સ કંપની ઍર ઇન્ડિયામાં 18,000 કરોડ રૂપિયામાં 100% હિસ્સો ખરીદી લીધો હતો.
નોંધનીય છે કે સાત કંપનીઓએ ઍર ઈન્ડિયાને ખરીદવામાં રસ દાખવ્યો હતો.
ઍર ઈન્ડિયાને ખરીદવાની રેસમાં ટાટા સન્સે સ્પાઈસ જેટના પ્રમોટરને માત આપી દીધી. કિંમત તરીકે, એવું નક્કી કરવામાં આવ્યું હતું કે ટાટા સન્સ ઍર ઈન્ડિયાનું રૂ. 15,300 કરોડનું દેવું પોતાને માથે લઈ લેશે અને બાકીની રકમ રોકડમાં ચૂકવશે.
ઍર ઈન્ડિયાની 'ઘર વાપસી'ને આવકારતાં, રતન ટાટાએ પછી કહ્યું, "ઍર ઈન્ડિયાની બિડ જીતવી એ ટાટા જૂથ માટે સારા સમાચાર છે. અમારે ઍર ઈન્ડિયાને ફરીથી ઊભું કરવા માટે ઘણા પ્રયત્નો કરવા પડશે. અમને આશા છે કે અમે માનીએ છીએ કે ઉડ્ડયન ઉદ્યોગમાં ટાટા જૂથની હાજરીથી મજબૂત વ્યાપારિક તકો ઊભી થશે."
"ભાવનાત્મક રીતે કહીએ તો જેઆરડી ટાટાના નેતૃત્વ હેઠળ ઍર ઈન્ડિયાએ એક સમયે વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત ઍરલાઈન્સ પૈકીની એકનો દરજ્જો હાંસલ કર્યો હતો. ટાટા જૂથે સંપાદન કર્યા બાદ ઍર ઈન્ડિયાને તેના પ્રારંભિક વર્ષોમાં મળેલી વિશ્વસનીયતા અને સન્માનને પુનઃસ્થાપિત કરવાની તક મળી છે.
જો જેઆરડી ટાટા આપણી વચ્ચે હોત તો તેઓ ખૂબ ખુશ થયા હોત. ખાનગી ક્ષેત્ર માટે પસંદગીના સૅક્ટરને ખોલવા માટે અપનાવેલી તાજેતરની નીતિ બદલ સરકારનો આભાર માનીએ છીએ. વેલકમ બૅક, ઍર ઈન્ડિયા."
સરકારે ઍર ઈન્ડિયાને વેચવા માટે અગાઉ ઘણી વખત પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમને માટે કોઈ ખરીદદાર મળ્યા ન હતા. આ વખતે સરકારે ઍર ઈન્ડિયાને વેચવાની શરતોમાં ઘણા ફેરફાર કર્યા હતા.
ઍર ઈન્ડિયાનું આટલું આકર્ષણ કેમ છે?
ખોટમાં ચાલવા છતાં ઍર ઈન્ડિયા પાસે ઘણી સંપત્તિ છે. લંડનના હીથ્રો ઍરપોર્ટ પર તેનો પોતાનો સ્લૉટ છે. હજારો પ્રશિક્ષિત પાઇલટ અને ક્રૂ સાથે 130 ઍરક્રાફ્ટનો કાફલો છે.
આ સોદા સાથે, ટાટા જૂથને દેશના ઍરપોર્ટ પર 4400 સ્થાનિક અને 1800 આંતરરાષ્ટ્રીય લૅન્ડિંગ અને પાર્કિંગ સ્લૉટ અને વિદેશમાં 900 સ્લૉટ મળ્યા છે.
આ સિવાય ઍર ઈન્ડિયા પાસે કરોડો ડૉલરની રિયલ એસ્ટેટ છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયના જણાવ્યા અનુસાર, માર્ચ 2020 મહિનામાં તેનું મૂલ્ય 6 અબજ ડૉલર થયું હતું.
ઍર ઇન્ડિયા પાસે સ્પેનિશ કલાકાર સાલ્વાડોર ડાલી દ્વારા ભેટમાં આપેલી એશટ્રે સહિત 40 હજાર કલાકૃતિઓનો સંગ્રહ છે.
ભારતનું ઉડ્ડયન ક્ષેત્ર વાર્ષિક 20 ટકાના દરે વૃદ્ધિ કરી રહ્યું છે. વિશ્લેષકોનું કહેવું છે કે ભારતીય બજારની સંપૂર્ણ ક્ષમતાનો હજુ ઉપયોગ કરવામાં આવ્યો નથી. નિષ્ણાતોનું કહેવું છે કે ઍર ઈન્ડિયામાં ટાટા જૂથ માટે ઘણી સંભાવનાઓ છે.














