અદાણી પૉર્ટ: કેરળ પ્રોજેક્ટ પર હિંસક વિરોધ, ડઝનબંધ પોલીસ અધિકારીઓ ઘાયલ

ઇમેજ સ્રોત, KB JAYACHANDRAN
- લેેખક, અશરફ પદાન્ના દ્વારા
- પદ, રિપૉર્ટર, ત્રિવેન્દ્રમ, કેરળ
કેરળમાં રવિવારે રાત્રે એક ટોળાએ એક પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો, જેમાં 36 પોલીસ અધિકારીઓ ઘાયલ થયા હતા. હુમલાનું કારણ હતું, અદાણી પૉર્ટ પ્રોજેક્ટ સામે મહિનાઓ સુધી ચાલેલો વિરોધ આખરે હિંસામાં પરિણમ્યો.
આ બંદરનું નિર્માણ એશિયાના સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણીની માલિકીની અદાણી પૉર્ટ્સ ઍન્ડ એસઈઝેડ લિમિટેડ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
વિરોધ પ્રદર્શન કરી રહેલા મોટે ભાગે સ્થાનિક માછીમારો છે અને તેમણે એવો આક્ષેપ કર્યો છે કે સાત હજાર કરોડ રૂપિયા કરતાં વધુ મૂલ્યનો આ પ્રોજેક્ટ દરિયાકાંઠાના ધોવાણનું કારણ બની રહ્યો છે અને તેમની આજીવિકા છીનવી રહ્યો છે.
જોકે, કંપનીએ આરોપોને નકારી કાઢ્યા છે.
વિરોધ પ્રદર્શન 100 દિવસથી વધુ સમયથી ચાલી રહ્યું છે પરંતુ અત્યાર સુધી તે મોટાભાગે શાંતિપૂર્ણ રહ્યું હતું. ઘણા પ્રદર્શનકર્તાઓનું કહેવું છે કે તેમના ઘરો દરિયાકાંઠાના ધોવાણથી નાશ પામ્યા છે, જેના કારણે તેઓને કામચલાઉ આશ્રયસ્થાનોમાં રહેવાની ફરજ પડી છે.

સરકારનો બળપ્રયોગ?

ઇમેજ સ્રોત, Reuters
જોકે કંપનીએ કહ્યું છે કે આ પ્રોજેક્ટ પર્યાવરણીય કાયદાઓનું પાલન કરે છે અને દરિયાઈ ધોવાણ જળવાયુ પરિવર્તનને કારણે થઈ રહ્યું છે.
ગયા અઠવાડિયે કેરળ હાઇકોર્ટે કહ્યું હતું કે વિરોધકર્તાઓએ પ્રોજેક્ટ સાઇટ પર "વિના વિરોધ આવન-જાવન" માટેના તેના અગાઉના આદેશનું પાલન કરવું.
પરંતુ સપ્તાહના અંતે, વિરોધકર્તાઓએ કંપનીના વાહનોને બાંધકામ સાઇટમાં પ્રવેશતાં અટકાવ્યાં, પોલીસને તેમાંથી કેટલાકની ધરપકડ કરવાનો આદેશ કરાયો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રવિવારે રાત્રે સેંકડો પ્રદર્શનકર્તાઓએ સ્થાનિક પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો, જેના કારણે પોલીસ સાથે ઘર્ષણ થયું હતું.
રાજ્યના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ પત્રકારોને જણાવ્યું હતું કે, "સાંજે પોલીસ સ્ટેશનમાં એક ટોળું એકત્ર થયું હતું અને અન્ય કેસમાં ધરપકડ કરાયેલા કેટલાક લોકોની મુક્તિની માંગ કરી હતી," તેમણે ઉમેર્યું હતું કે તેઓએ આ વિસ્તારમાં લગભગ 900 પોલીસ કર્મચારીઓને તૈનાત કરાયા છે.
કેટલાક પ્રદર્શનકર્તાઓ પણ ઘાયલ થયા હતા, અને કેટલાક પોલીસ વાહનોને નુકસાન થયું હતું. હિંસાના સંબંધમાં પોલીસ દ્વારા લગભગ ત્રણ હજાર લોકો પર આરોપનામું મૂકવામાં આવ્યું છે.
જોકે પ્રદર્શનકર્તાના સંયોજકોમાંના એક એવા વિકર જનરલ (ખ્રિસ્તી ધર્મગુરુની એક પદવી) યુજીન એચ પરેરાએ પ્રદર્શનકર્તાઓને ઉશ્કેરવા માટે પોલીસને દોષી ઠેરવ્યા હતા. તેમણે કહ્યું હતું કે "કોઈપણ મુશ્કેલી ઊભી કર્યા વિના પ્રદર્શનકર્તાઓ વિસ્તાર છોડવા માટે તૈયાર હતા".
તેમણે આરોપ લગાવ્યો કે, "રાજ્ય સરકાર હિંસા માટે જવાબદાર છે. તેઓ પ્રદર્શનકારીઓને બળજબરીથી બહાર કાઢવા માટેનું બહાનું શોધી રહ્યા હતા."

"આંતરરાષ્ટ્રીય પરિવહન માટે ભારતનું પ્રવેશદ્વાર"

ઇમેજ સ્રોત, Reuters
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
રાજ્યના એક મંત્રીએ આ આરોપને નકારી કાઢ્યો હતો અને તેમણે સરકાર પ્રદર્શનકારીઓની માંગણીઓ પૂરી કરવા માટે સંમત થયા પછી પણ પ્રદર્શનકર્તાઓએ પ્રોજેક્ટને અટકાવવાનો આરોપ લગાવ્યો હતો.
તેમણે બીબીસીને કહ્યું, "તેઓ ઇચ્છે છે કે આગળના તબક્કે પહોંચી ગયેલો બંદર પ્રોજેક્ટ સાવ પડતો મૂકવામાં આવે. પરંતુ તેનાથી તેમને કોઈ ફાયદો થશે નહીં."
હિંસા પછી, અદાણી જૂથે કેરળની હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા અને સોમવારે હાઈકોર્ટે આ મુદ્દે સરકારને અહેવાલ રજૂ કરવા આદેશ કર્યો છે.
અદાણીના એક અધિકારીએ નામ નહીં આપવાની શરતે બીબીસીને જણાવ્યું હતું કે 104 દિવસથી વધુ સમયથી ચાલી રહેલા નાકાબંધીને કારણે કંપનીને અત્યાર સુધીમાં લગભગ 80 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
ભારતના સૌથી મોટા પૉર્ટ ઑપરેટર અદાણી પોર્ટ્સે તિરુવનંતપુરમમાં વિઝિંજમ ખાતે બંદર બનાવવા માટે 2015માં કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
કંપની સમગ્ર ભારતમાં નવ ફીડર પૉર્ટનું સંચાલન કરે છે અને વિઝિંજમ પૉર્ટ ખાતે તમામ ટ્રાન્સશિપમેન્ટ જરૂરિયાતોની આપૂર્તિ થવાની અપેક્ષા રાખી રહી છે.
તેમણે કહ્યું છે કે પૉર્ટ બંધાઈ જશે પછી તે આંતરરાષ્ટ્રીય શિપિંગ રૂટ નજીક હોવાના કારણે "આંતરરાષ્ટ્રીય પરિવહન માટે ભારતનું પ્રવેશદ્વાર" બનશે.
પહેલા 2019માં આ બંદર શરૂ કરવાનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો હતો, પરંતુ 2017માં કેરળમાં આવેલા વિનાશક ચક્રવાતને પગલે અને બાંધકામ સામગ્રીની અછતને કારણે કામમાં વિલંબ થયો હતો. આ બંદરને હવે સપ્ટેમ્બર 2023માં ખુલ્લું મુકવાની તૈયારી ચાલી રહી છે.
આ સોદા પર હસ્તાક્ષર કરવામાં આવ્યા ત્યારે વિપક્ષ કૉંગ્રેસ પાર્ટી સત્તામાં હતી અને તેમણે આક્ષેપ કર્યો હતો કે વર્તમાન સરકારે વિસ્થાપિત લોકો માટેના પુનર્વસન પેકેજની "અવગણના" કરી હતી જે મૂળ કરારનો ભાગ હતો.
કૉંગ્રેસ પાર્ટીના નેતા વીડી સતીસે કહ્યું, "મેં આ આશ્રયસ્થાનોની મુલાકાત લીધી છે અને વિસ્થાપિતો અહીં મારા જીવનમાં જોયેલી સૌથી દયનીય પરિસ્થિતિમાં જીવી રહ્યા છે."














