દિલ્હીના જંતરમંતર પરથી કુસ્તીબાજોને હઠાવાયાં, સાક્ષી મલિકે કહ્યું, 'અમે ફરી પાછાં આવીશું'

દિલ્હીના જંતરમંતર પર દિવસોથી પ્રદર્શન કરી રહેલાં કુસ્તીબાજ વીનેશ ફોગટ, સાક્ષી મલિક અને બજરંગ પૂનિયા રવિવારે જ્યારે જંતરમંતરથી નવી સંસદ સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યાં હતાં ત્યારે પોલીસ સાથે ઘર્ષણનાં દૃશ્યો જોવાં મળ્યાં હતાં.

વિરોધ કરી રહેલાં કુસ્તીબાજોએ નવા સંસદભવન સામે મહિલા સન્માન મહાપંચાયતનું આયોજન કરવા માગતાં હતાં.

અમુક દિવસો પહેલાં વિરોધ કરી રહેલાં કુસ્તીબાજો જંતરમંતરથી ઇન્ડિયા ગેટ પર ગયાં હતાં. કુસ્તીબાજોએ કુસ્તી સંઘના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહ પર જાતીય સતામણીનો આક્ષેપ કર્યો છે. બ્રિજભૂષણ શરણ સિંહની સામે બે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. કુસ્તીબાજો બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડ સુધી ધરણાં ખતમ ન કરવા પર અડગ હતાં.

શરૂઆતથી જ કુસ્તી સંઘના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહ પોતાના પર લાગેલા જાતીય સતામણીના આક્ષેપોને ફગાવી ચૂક્યા છે.

નવા સંસદભવનના ઉદ્ઘાટનના કારણે રવિવારે પોલીસે દિલ્હીમાં બંદોબસ્ત કડક કર્યો હતો. વિરોધ કરી રહેલાં કુસ્તીબાજોએ નવા સંસદભવનની સામે મહિલા સન્માન મહાપંચાયતનું આયોજન કર્યું હતું. પરંતુ તે તરફ જ્યારે કુસ્તીબાજો આગળ વધ્યાં ત્યારે પોલીસ સાથે ઘર્ષણ શરૂ થયું હતું.

ઑલિમ્પિક, એશિયન ગેમ્સ અને કૉમનવેલ્થમાં મેડિલ જીતી ચૂકેલાં કુસ્તીબાજો જેમકે સાક્ષી મલિક, વીનેશ ફોગટ અન્ય પ્રદર્શનકારીઓનો આક્ષેપ છે કે તેમને ધક્કા મારવામાં આવ્યા અને તેમને ખેંચીને બસમાં ચડાવવામાં આવ્યાં હતાં. આ વખતે મોટી સંખ્યામાં મહિલા પોલીસ કર્મીઓને પણ તહેનાત કરવામાં આવ્યાં હતાં.

જંતરમંતર પર 23 એપ્રિલથી મહિલા પહેલવાનો ધરણાં પર બેઠાં છે જેમાં ઑલિમ્પિક્સ, એશિયન ગેમ્સ, કૉમનવેલ્થ ગેમ્સ જેવી આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં મેડલ જીતેલાં કુસ્તીબાજો સામેલ છે.

દિલ્હી પોલીસે શું કહ્યું

દિલ્હીમાં કાયદોવ્યવસ્થાનું નિરીક્ષણ કરી રહેલા સ્પેશિયલ કમિશનર ઑફ પોલીસે દીપેન્દ્ર પાઠકે કહ્યું કે, "અમે ખેલાડીઓનું સન્માન કરી છીએ પરંતુ અમે સંસદના નવા ભવનના ઉદ્ઘાટનસમારોહમાં કોઈ પણ અડચણ નહીં આવવા દઈએ."

દિલ્હીમાં આજે જ્યાં વડા પ્રધાન મોદી નવા સંસદભવનનું ઉદ્ધાટન કરી રહ્યા હતા ત્યારે છેલ્લા કેટલાક સમયથી જંતરમંતર ખાતે પ્રદર્શન કરી રહેલાં મહિલા ખેલાડીઓએ સંસદના નવા ભવન સામે 'મહિલા સન્માન મહાપંચાયત' કરવાની અપીલ કરી હતી.

માનવામાં આવી રહ્યું છે કે મહિલા સન્માન મહાપંચાયત માટે ઘણા રાજ્યોની ખાપ પંચાયતો સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ભાગ લઈ રહ્યા છે.

જેને ધ્યાનમાં રાખીને દિલ્હીની સિંઘુ બૉર્ડર, ટિકરી બૉર્ડર, અંબાલા બૉર્ડર અને ગાઝીપુર બૉર્ડર પર મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.

'એક તરફ લોકશાહીના નવા ભવનનું ઉદ્ધાટન અને બીજી બાજુ...'

કુસ્તીબાજ વીનેશ ફોગાટે આ અવસર પર કહ્યું કે "જંતરમંતર પર ખુલ્લેચોક લોકશાહીની હત્યા થઈ રહી છે, એક તરફ વડા પ્રધાનજીએ લોકશાહીના નવા ભવનનું ઉદ્ઘાટન કર્યું છે બીજી તરફ અમારા લોકોની ધરપકડ થઈ રહી છે. "

તેમણે પોતાના ટ્વિટર હૅન્ડલ પર એક વીડિયો સંદેશમાં આ વાત કહી.

તેમણે કહ્યું, " બધાને નમસ્કાર, જેમકે તમે જાણો છો કો કે આજે આપણી નવી સંસદની સામે મહિલા સન્માન પંચાયત સમારોહ કરવાનો પ્રોગ્રામ છે. જેટલાં પણ ખેડૂત સંગઠન છે, વિદ્યાર્થી સંગઠન છે, જેટલી પણ ખાપ પંચાયતના વડીલો છે, બધાની પોલીસે અટકાયત કરી છે. "

"જેટલા પણ મોટા નેતાઓ છે, બધાની અટકાયત કરાઈ છે, કાલે રાતથી જ તેમની અટકાયત ચાલુ છે. અને અમને કેદ કરવામાં આવી રહ્યાં છે જેમ જેલમાં નાખ્યાં હોય. આખી દિલ્હીને મોરચામાં ફેરવી નાખી છે. આજે નવી સંસદનું ઉદ્ઘાટન ચાલી રહ્યું છે. "

વીનેશ ફોગાટે કહ્યું, "દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન કરી રહ્યા છે. એક તરફ લોકશાહીની હત્યા થઈ રહી છે. દેશની દીકરીઓ ન્યાય માટે રસ્તાઓ પર છે. તેમને ન્યાય મળવાને બદલે, તેમને એવી રીતે પ્રસ્તુત કરાઈ રહ્યાં છે જેમકે તેઓ દોષી છે અને તેમણે ગુનો કર્યો છે. બિલકુલ છાવનીમાં ફેરવી નાખવામાં આવ્યું છે. "

"દેશ આ વાતને યાદ રાખશે, જ્યારે નવી સંસદનું નિર્માણ થઈ રહ્યું હતું, બંધારણીય નિર્માણની વાત થઈ રહી હતી તે સમયે દેશની દીકરીઓ જે ન્યાય માટે લડી રહી હીત. તેને દબાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો. બંધારણની હત્યા થઈ રહી હતી. એક જ દેશમાં બે પ્રકારની વાત થઈ રહી હતી અને દેશના ઇતિહાસમાં આ વાત યાદ રાખવામાં આવશે."

"જંતરમંતર પર મોરચો ઉખાડવાનું શરૂ" -સાક્ષી મલિક

જંતરમંતર પર ધરણાં પર બેઠાં કુસ્તીબાજોને ત્યાંથી હટાવવાની પ્રક્રિયા દિલ્હી પોલીસે શરૂ કરી દીધી છે.

કુસ્તીબાજ સાક્ષી મલિકે આ દાવો કર્યો છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું છે, "બધાં કુસ્તીબાજો અને વડીલ માતાઓને અટાકયતમાં લીધા બાદ હવે પોલીસે જંતરમંતર પર અમારો મોરચો ઉખાડવાનું શરૂ કર્યું છે. અમારો સામાન હટાવાઈ રહ્યો છે.આ કેવી ગુંડાગર્દી છે?"

બજરંગ પૂનિયાએ એક ટ્વીટમાં લખ્યું કે,, "શું કોઈ સરકાર પોતાના દેશના ચૅમ્પિયન્સ સાથે આવું વર્તન કરે ? અમે એવો શું ગુનો કર્યો છે ?"

સાક્ષી મલિકે વધુ એક ટ્વીટ કર્યું જેમાં તેમણે એક વીડિયો શૅર કર્યો છે. તેમણે લખ્યું, "ચૅમ્પિયન્સ સાથે આવું વર્તન થાય છે. દુનિયાની નજર આપણા પર છે."

અગાઉ એક ટ્વિટમાં સાક્ષી મલિકે કહ્યું હતું કે, “તમામ કુસ્તીબાજો અને વૃદ્ધ મહિલાઓને અટકાયતમાં લીધા બાદ હવે પોલીસે જંતર-મંતર પર અમારા મોરચાને ઉખેડી નાખવાનું શરૂ કર્યું છે. અમારો સામાન ઉપાડવામાં આવી રહ્યો છે. આ કેવી ગુંડાગીરી છે?

સાક્ષી મલિકે કુસ્તીબાજો સાથેની ગેરવર્તણૂકનો વીડિયો પણ ટ્વિટર પર શેર કર્યો છે. આ અંગે ટિપ્પણી કરતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટર પર કહ્યું, "દેશનું નામ રોશન કરનારા ખેલાડીઓ સાથે આવો વ્યવહાર અત્યંત નિંદનીય છે."

ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને ભારતીય રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ પર મહિલા રેસલર્સે જાતીય સતામણી સહિત અનેક ગંભીર આરોપો લગાવ્યા છે. દિલ્હી પોલીસ આ આરોપોની તપાસ કરી રહી છે. બ્રિજ ભૂષણ તેમના પર લાગેલા તમામ આરોપોને ફગાવી રહ્યા છે.

મીડિયા સાથે વાત કરતા ઓલિમ્પિક મેડલ વિજેતા કુસ્તીબાજ બજરંગ પુનિયાએ કહ્યું, “અમારા લોકોની અટકાયત કરવામાં આવી રહી છે. હરિયાણામાં અને દિલ્હીમાં લોકોને પકડવામાં આવ્યા છે.

અન્ય એક ટ્વિટમાં સાક્ષી મલિકે કહ્યું કે, “ભારતીય રમતગમત માટે આ દુઃખદ દિવસ છે. યૌન શોષણ કરનાર ગુંડો બ્રિજ ભૂષણ આજે સંસદમાં બેઠો છે અને અમને રસ્તા પર ઢસડવામાં આવી રહ્યા છે.

જંતર-મંતર પર વિરોધ કરી રહેલી મહિલા કુસ્તીબાજોએ રવિવારે દિલ્હીમાં મહિલા મહાપંચાયત યોજવાનું એલાન કર્યું હતું. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જ નવનિર્મિત સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું.

કુસ્તીબાજોના એલાનને કારણે દિલ્હીમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી અને દિલ્હી તરફ જતાં રસ્તાઓ બ્લોક કરી દેવામાં આવ્યા હતા.

અટકાયત બાદ પહેલવાનોને અલગ-અલગ જગ્યાએ મોકલી દેવાયાં

ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા ભારતના ઍથ્લિટ નીરજ ચોપરાએ પહેલવાનો પર પોલીસ કાર્યવાહીનો વીડિયો શેર કરીને દુઃખ વ્યક્ત કર્યું છે. નીરજ ચોપરાએ કહ્યું કે તેમની સાથે સારી રીતે વ્યવહાર કરવો જોઈતો હતો.

અગાઉ, પોલીસની ટીમો કુસ્તીબાજો અને દેખાવકારોને અટકમાં લીધા બાદ અલગ-અલગ પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.

ઘણા પ્રદર્શનકારીઓને દિલ્હીના વસંત વિહાર પોલીસ સ્ટેશનમાં પણ લાવવામાં આવ્યા છે. મેરઠથી આવેલ એક મહિલા ગીતા ચૌધરીએ બીબીસીને કહ્યું, “મેરઠની અમે પાંચ-છ મહિલાઓ કુસ્તીબાજોને સમર્થન આપવા શનિવારે રાત્રે આઠ વાગ્યે જંતર-મંતર પર આવી હતી. પોલીસ અમારા બાકીના સાથીઓને જુદા જુદા પોલીસ સ્ટેશનમાં લઈ ગઈ છે.

તેણે કહ્યું, “પોલીસે આજે જે કર્યું તે ખોટું છે. અમને ઢસડવામાં આવ્યા. મોદી સરકાર તાનાશાહી કરી રહી છે, જ્યાં સુધી કુસ્તીબાજોને ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ ઘરે પાછા નહીં જાય.

દિલ્હીના વસંત કુંજ પોલીસ સ્ટેશનમાં હાજર હરિયાણાના રહેવાસી ડૉ. સિક્કિમ નૈને બીબીસી હિન્દીને જણાવ્યું કે પોલીસે આ પોલીસ સ્ટેશનમાં લગભગ 20 મહિલાઓ અને લગભગ 50 પુરુષોને કસ્ટડીમાં રાખ્યા છે. જ્યાં સુધી ખેલાડીઓને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અમારો વિરોધ ચાલુ રાખીશું. પોલીસ દ્વારા અમારા સાથીઓને અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા છે. સરકાર દ્વારા આજે જંતર-મંતર ખાતે દીકરીઓ સાથે કરાયેલું વર્તન યાદ રહેશે.

હાથમાં ત્રિરંગો, જમીન પર કુસ્તીબાજ

કુસ્તીબાજ વિનેશ ફોગટની તિરંગો હાથમાં લઈને જમીન પર પડેલી એક તસવીર પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

આ વાયરલ તસવીરને ટ્વિટર પર શેર કરતા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ લખ્યું, “ખેલાડીઓના મેડલ આપણા દેશનું ગૌરવ છે. તે મેડલ સાથે ખેલાડીઓની મહેનતને કારણે દેશનું સન્માન વધે છે. ભાજપ સરકારનો ઘમંડ એટલો વધી ગયો છે કે સરકાર નિર્દયતાથી આપણી મહિલા ખેલાડીઓના અવાજને કચડી રહી છે. આ તદ્દન ખોટું છે. આખો દેશ સરકારનો ઘમંડ અને આ અન્યાય જોઈ રહ્યો છે.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ દિલ્હી પોલીસની કાર્યવાહીની ટીકા કરી છે.

કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ કરીને કુસ્તીબાજો પર કરવામાં આવેલી કાર્યવાહી પર પણ સવાલો ઉઠાવ્યા છે. પાર્ટીના પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે કહ્યું, "એક મહિનાથી વધુ સમય સુધી આ દીકરીઓ શાંતિથી બેઠી હતી, આજે તેઓ વિરોધ કરવા માંગતી હતી અને તેમની સાથે આવું વર્તન કરવામાં આવ્યું."

જ્યારે પત્રકારોએ શ્રીનેતને પૂછ્યું કે શું કોંગ્રેસ આ મુદ્દે રાજનીતિ કરી રહી છે, તો તેમણે કહ્યું, "આ દેશની અડધી વસ્તીની ઓળખનો પ્રશ્ન છે. આ મહિલા અધિકારોનો મુદ્દો છે, રાજકીય મુદ્દો નથી. આ વિપક્ષની એકતાનો મુદ્દો નથી , ન રાજકારણનો. આ મુદ્દે રાજનીતિ કરવી એ આ દીકરીઓની ગરિમાને કચડી નાખવા જેવી છે."

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એક ટ્વિટમાં કહ્યું, "સાક્ષી મલિક, વિનેશ ફોગાટ અને અન્ય કુસ્તીબાજો સાથે દિલ્હી પોલીસ દ્વારા મારપીટ કરવામાં આવી છે. આપણા ચેમ્પિયન સાથે આ પ્રકારનું વર્તન શરમજનક છે. લોકશાહી સહિષ્ણુતામાં વસે છે પરંતુ નિરંકુશ તાકાતો અસંમતિને દબાવવાથી ખીલે છે.. હું કુસ્તીબાજોની સાથે છું અને દિલ્હી પોલીસને તેમને તાત્કાલિક મુક્ત કરવાની માંગ કરું છું."

ગાઝીપુર બોર્ડર પર ખેડૂતોનું પ્રદર્શન

ખેડૂત નેતા રાકેશ ટિકૈતે પ્રદર્શનકારીઓ પર પોલીસ કાર્યવાહીની ટીકા કરી છે અને દિલ્હીની ગાઝીપુર બોર્ડર પર ખેડૂતો સાથે પ્રદર્શન કર્યું છે.

રાકેશ ટિકૈતે ટ્વીટર પર લખ્યું, “કેન્દ્ર સરકાર, જે કુસ્તીબાજ દીકરીઓને બળજબરીથી રસ્તા પર ખેંચી લાવી હતી, તે જ સરકાર સંસદીય મર્યાદાઓનું આહ્વાન કરીને ગર્વ અનુભવી રહી છે, પરંતુ આજે દીકરીઓની ચીસો શાસકોને સંભળાઇ નથી. જ્યાં સુધી અમારી દીકરીઓને કસ્ટડીમાંથી મુક્ત કરવામાં આવશે નહીં અને ન્યાય નહીં મળે ત્યાં સુધી ખેડૂતો ગાઝીપુર બોર્ડર પર અડગ રહેશે.

જો કે, મોડી સાંજે, ટિકૈતે ગાઝીપુર બોર્ડર પર વિરોધ સમાપ્ત કરવાની જાહેરાત કરતા કહ્યું કે પોલીસ કુસ્તીબાજોને મુક્ત કરી રહી છે, તેથી તેઓ વિરોધ સમાપ્ત કરી રહ્યા છે.

ટિકૈતે બોલાવ્યા બાદ મોટી સંખ્યામાં ખેડૂતો ગાઝીપુર બોર્ડર પર પહોંચ્યા હતા અને પ્રદર્શન કર્યું હતું.

ગાઝીપુર બોર્ડર પર સહારનપુરથી આવેલા પદમ સિંહ સેનાનીએ કહ્યું, “દીકરીઓ સાથે ગેરવર્તન સહન કરવામાં આવશે નહીં. અમે ન્યાય મેળવવા આવ્યા છીએ. જ્યાં સુધી દીકરીઓને છોડવામાં નહીં આવે ત્યાં સુધી ઘરે જશે નહીં. એક બહેરી અને મૂંગી સરકાર સત્તામાં આવી છે, જે કોઈનું સાંભળતી નથી.

બીજી તરફ રાષ્ટ્રીય લોકદળે એક નિવેદનમાં કહ્યું છે કે કુસ્તીબાજોને સમર્થન આપવા દિલ્હી જઈ રહેલા તેના કાર્યકરોની ધરપકડ કરવામાં આવી રહી છે.

એક ટ્વિટમાં લોકદળે કહ્યું, “અમને રાષ્ટ્રીય લોકદળના કાર્યકરો અને અન્ય સંગઠનોના કાર્યકરોની ધરપકડના સમાચાર મળી રહ્યા છે જેઓ કુસ્તીબાજોને સમર્થન આપવા જઈ રહ્યા છે, આ આંધળી અને બહેરી સરકાર ફરી સાંભળી લે કે, અમે ડર્યા નથી અને ડરશું પણ નહીં. ”