You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'પોલીસે મારપીટ કરી, બેનાં માથાં ફોડી નાખ્યાં' જંતરમંતર પર અડધી રાત્રે કુસ્તીબાજોનાં ધરણાંમાં શું થયું? પોલીસે શું કહ્યું?
- લેેખક, વાત્સલ્ય રાય
- પદ, બીબીસી સંવાદદાતા
ગુજરાતના અનેક ભાગોની જેમ દિલ્હીમાં પણ બુધવારના દિવસે વરસાદ વરસતો રહ્યો.
આકાશમાંથી વરસાદ બંધ થયો તો મહિલા પહેલવાનોની આંખોમાંથી પાણી વરસવા લાગ્યું. એ પણ અનરાધાર વરસાદની જેમ.
આંસુઓની સાથે ગુસ્સો, દુ:ખ અને ફરિયાદો પણ નીકળી રહી હતી.
આ બન્યું દિલ્હીના જંતરમંતર પર જ્યાં આશરે 11 દિવસથી ઑલિમ્પિક પદક વિજેતા સાક્ષી મલિક, બજરંગ પૂનિયા અને કૉમનવેલ્થ મેડલ જીતી ચૂકેલાં વીનેશ ફોગટની આગેવાનીમાં કેટલીક ચૅમ્પિયન પહેલવાનો કુસ્તી મહાસંઘના પ્રમુખ બ્રfજભૂષણ શરણસિંહ સામે મોરચો માંડ્યો છે.
ઑલિમ્પિક પદક વિજેતા સાક્ષી મલિકે બીબીસીને જણાવ્યું કે, "જુઓ, તમે હાલત જુઓ, આખો દિવસ વરસાદ હતો, અમે (સૂવા માટે) ખાટલા લાવતાં હતાં, પોલીસે મારપીટ કરી અને ગાળો આપી."
રાત્રે લગભગ 10.30 વાગ્યે થયેલી ઘટનાની જાણકારી આપતા સાક્ષી મલિકે આક્ષેપ કર્યો કે, "બે લોકોનાં માથા ફોડી નાખ્યાં."
"બહુ ખરાબ વહેવાર થયો. દેશની જનતાને અપીલ છે કે તમે અમારા સમર્થનમાં આવો , બહેન-બેટીઓનું સન્માન બચાવો."
જંતરમંતર પર પહેલવાન જ્યાં ધરણા પર બેઠાં છે ત્યાં પહોંચવા માટેના બે રસ્તાઓ પર લગભગ 50 મીટર પહેલાં જ બૅરિકેડ લગાવ્યા છે. પોલીસ આ બૅરિકેડની આગળ જવા નહોતી દેતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દિલ્હી મહિલા આયોગનાં અધ્યક્ષ સ્વાતિ માલીવાલ અને કૉંગ્રેસ સાંસદ દીપેન્દ્ર હુડ્ડાએ ધરણાસ્થળ પર પહોંચવાનો પ્રયાસ કર્યો પરંતુ પોલીસે તેમની અટકાયત કરી હતી.
પ્રદર્શનકારી પહેલાવાનોએ શું કહ્યું
રાતના લગભગ સાડા બાર વાગ્યે પ્રેસ કૉન્ફરન્સમાં વીનેશ ફોગટે રડતાં રડતાં સવાલ કર્યો, "શું આ જોવા માટે મેડલ લઈને આવ્યાં હતાં દેશ માટે?"
"હું પૂછવા માગું છું. બ્રિજભૂષણ મજાથી બૅડ પર સૂઈ રહ્યા છે, અમે (ફોલ્ડિંગ બૅડ લઈને આવી રહ્યા છીએ સૂવા માટે તો તેમાં પણ...."
"હમણાં એક પોલીસવાળાએ દુષ્યંતનું માથું ફોડી નાખ્યું. આ રાહુલ બેચારાને જુવો, આનું માથું ફૂટેલું છે."
"અમે માન-સન્માનની લડાઈ લડી રહ્યાં છીએ અને તેઓ ધક્કો મારી રહ્યાં છે છોકરીઓની ચેસ્ટ(છાતી) પર."
"શું અમે દેશના આટલા મોટાં ગુનેગાર છીએ? જેવો અમારો હાલ કર્યો છે એટલા ક્રિમિનલ નથી અમે."
"હું ઇચ્છીશ કે દેશનો કોઈ ખેલાડી મેડલ ન લાવે. આટલી દુર્દશા કરી છે અમારી. હજુ કોઈ અહીંયા જમ્યાં પણ નથી."
જંતર મંતર પર વિરોધ કરી રહેલાં પહેલવાનો ભારતીય કુસ્તી મહાસંઘના અધ્યક્ષ અને ભાજપ સાંસદ બ્રિજભૂષણ શરણસિંહની ધરપકડની માગ કરી રહ્યાં છે.
મહિલા પહેલવાનોના કથિત જાતીય સતામણીં મામલામાં દિલ્હી પોલીસે એફઆઈઆર દાખલ કરી છે. બ્રિજભૂષણ શરણસિંહ પોતાના પર લાગેલા આરોપોને ફગાવી ચૂક્યા છે.
જંતર-મંતર પર શું થયું
- બ્રિજભૂષણ શરણસિંહ સામે ધરણા પર બેઠાં મહિલા પહેલવાનોનો દિલ્હી પોલીસ સામે મારપીટનો આરોપ
- દિલ્હી પોલીસનો દાવો-આમ આદમી પાર્ટીના નેતા સોમનાથ ભારતી પરવાનગી વગર ફોલ્ડિંગ બૅડ લઈને આવ્યા હતા
- પોલીસ અનુસાર, જ્યારે સોમનાથને રોકવામાં આવ્યા ત્યારે પહેલવાનોના સમર્થકો અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ ગઈ
- પોલીસ અધિકારીઓ અનુસાર, આ ઘટનામાં કેટલાક પોલીસકર્મીઓ અને પહેલવાનોને ઈજા થઈ હતી
- પહેલવાનોએ દિલ્હી પોલીસના દાવાને ફગાવ્યો હતો. પહેલવાનોનો દાવો કે ખાટલા સોમનાથ ભારતી નહોતા લાવ્યા
- પહેલવાનો અનુસાર વરસાદને કારણે ગાદલાં ભીનાં થઈ ગયાં હતાં અને ધરણા પર બેઠાં પહેલવાનોએ બૅડ મંગાવવા પડ્યા હતા
- દાવો છે કે પોલીસે બૅડ ધરણાસ્થળ સુધી ન લઈ જવા દીધા અને પહેલવાનો સાથે મારપીટ અને અભદ્રતા કરી હતી
- આમાં બજરંગ પૂનિયાનાં પત્ની સંગીતા ફોગટના ભાઈ દુષ્યંત ફોગટ અને રાહુલને ઈજા થઈ છે
- બજરંગ પૂનિયાનો દાવો સીસીટીવી કૅમરાથી તેમના કહ્યાની પુષ્ટિ થઈ શકે છે
પોલીસની કડક વ્યવસ્થા
પહેલવાનો જ્યાં ધરણા દઈ રહ્યાં છે તે સ્થળ પર બૅરિકેડ્સ લગાવવામાં આવ્યાં છે. વીજળી ન હોવાને કારણે રાતના સમયે અંધારામાં મીડિયાના કૅમરાની લાઇટ્સથી કામ ચાલી રહ્યું હતું.
ઘટનાથી જોડાયેલા વીડિયો સોશિયલ મીડિયા પર આવ્યા બાદ પહેલવાનોના સમર્થક અને પત્રકાર સતત ધરણાસ્થળ પર પહોંચ્યા હતા પરંતુ પોલીસ અમુક પત્રકારો સિવાય કોઈને પહેલા બૅરિકેડ્સથી આગળ જવા નહોતી દેતી.
જે લોકો નહોતા જઈ શક્યા તેમને અટકાયતમાં લઈને બસમાં બેસાડવામાં આવ્યા.
વીનેશ ફોગટ અને બજરંગ પૂનિયાએ પત્રકારો સાથે વાતચીત કરતાં-કરતાં કેટલાય ફોન કૉલ્સ પણ અટેન્ડ કર્યા અને જંતર-મંતર પહોંચવા માટે કહી રહ્યાં હતાં.
પોલીસે કડક બંદોબસ્તના કારણે તેમના ખૂબ ઓછા સમર્થકો ત્યાં પહોંચી શક્યા હતા.
પહેલવાન રાહુલ માથાની ઈજા બતાવતા હતા અને રાતના એક વાગ્યે ઍમ્બ્યુલન્સ ત્યાં પહોંચી જે રાહુલને હૉસ્પિટલ લઈ ગઈ.
આની પહેલાં પહેલવાનોએ પ્રેસ કૉન્ફરન્સ કરી , સાક્ષી મલિકે માથું નમાવીને ઊભાં રહ્યાં. વીનેશ ફોગટ અને તેમના એક સંબંધીએ ઘટનાની માહિતી આપી.
પહેલવાનોની પ્રેસ કૉન્ફરન્સમાં વીનેશ ફોગટે કહ્યું કે, "તમે અંદર જઈને જોજો, પાણી ભરેલું છે, સૂવાની જગ્યા નથી. અમારી પાસે કે અન્ય કોઈ પાસે પણ. અમે વિચાર્યું કે ખાટલા (ફોલ્ડિંગ બેડ) મગાવીને સૂઈ જઈશું. બેડ આવવા લાગ્યા તો ધર્મેન્દ્ર (પોલીસકર્મી) જે પણ હોય તે, એકલો જ ધક્કા મારવા લાગ્યો, મહિલા પોલીસકર્મી નહોતી, તો પોતે જ ધક્કા મારવા લાગ્યો."
બજરંગ પૂનિયાએ આક્ષેપ કર્યો, "અમને પણ ધક્કા માર્યા છે, બે ત્રણ પોલીસકર્મી તો દારુ પીધેલા હતા."
વીનેશનો આરોપ હતો, "હું અંદર ઊભી હતી. મને (પોલીસકર્મી)એ ગાળો આપી."
"એક પોલીસકર્મીએ દુષ્યંતનું માથું ફોડી નાખ્યું. તે અત્યારે હૉસ્પિટલ ગયો. આ રાહુલને જુઓ , આનું માથું ફૂટેલું છે."
આ દરમિયાન ઈજાગ્રસ્ત થયેલા રાહુલ ચક્કર આવ્યા ને પડી ગયા તેમના સાથીઓ તેમને પકડવા પહોંચ્યા.
સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થશે તો...
જ્યારે પરિસ્થિતિ થોડી સારી થઈ, ત્યારે કુસ્તીબાજોને પૂછવામાં આવ્યું કે શું સોમનાથ ભારતી પરવાનગી વગર બેડ લાવ્યા હતા, જે અંગે બજરંગ પુનિયાએ કહ્યું કે, "અહીં સીસીટીવી કૅમેરા હશે, એકવાર તે ચકાસી લો, સોમનાથ ભારતી અહીં ઊભા હતા. ત્યાંથી બેડ તો 10-15 મિનિટ બાદ આવ્યો. અમે મંગાવ્યો હતો."
વીનેશે કહ્યું કે, "અમને કંઈ પણ આપી રહ્યાં નથી, જુઓ અમે કેવી રીતે તંબુ લગાવ્યા છે, શું અમે દેશના એટલા બધા ગુનેગાર છીએ? અમારી જેવી હાલત કરવામાં આવી છે, એટલા તો અમે ક્રિમિનલ નથી.”
વીનેશે આરોપ લગાવ્યો હતો કે, "તેઓ (પોલીસકર્મી) ડ્રિંક કરી રહ્યા હતા, જેમને માથું ફોડી નાખ્યું છે."
" અમારું જીવન દાવ પર લગાવી દીધું, અમે રસ્તા પર બેઠા છીએ, છતાં અમારા પર અત્યાચાર થઈ રહ્યો છે. તે લોકો બ્રિજભૂષણને કેમ પકડી રહ્યા નથી?"
બજરંગે આરોપ લગાવ્યો હતો કે, "માથું ફોડ્યા પછી, તેમના ડીસીપી કે એસીપી હતા, તેઓ (પોલીસકર્મીઓના) ડંડા છુપાવી રહ્યા હતા. હજુ સુધી નિવેદન લીધાં નથી. ખેલાડી નિવેદન આપી રહ્યાં નથી, તેઓ એવી ખોટી માહિતી ફેલાવી રહ્યા છે.”
ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી છે, તમે આ વાત મૂકશો, આ પ્રશ્ન પર વીનેશે વળતો જવાબ આપતાં પૂછ્યું કે, “સુપ્રીમ કોર્ટમાં આવતીકાલે સુનાવણી છે, આજે રાત્રે અમે ક્યાં જઈશું."
અન્ય એક મહિલા કુસ્તીબાજે કહ્યું હતું કે, "દરેક પોલીસકર્મીને પૂછીલો કે અમે કોઈની સાથે ગેરવર્તણૂક કરી હોય તો. અમે 10 દિવસથી ગાદલાં પર સૂઈ રહ્યાં છીએ."
"અમે બેડ લાવવાનું કહ્યું નથી. આજે વરસાદના કારણે બધાં ભીનાં થઈ ગયાં છે, ક્યાં સૂઈ જઈએ."
વીનેશ ફોગાટે મીડિયા દ્વારા પોતાના માટે સમર્થન માગ્યું હતું.
તેમણે રડતાં રડતાં અપીલ કરી હતી કે, "અમને બધાની જરૂર છે, જેટલા શક્ય હોય તેટલા લોકો આવી જાવ, બહુ ગેરવર્તણૂક થઈ છે,તેઓએ દીકરીઓની ઈજ્જત દાવ પર લગાવી દીધી છે, બધાને અપીલ છે કે બને એટલા લોકો આવી જાવ ભાઈ."
પોલીસે શું કહ્યું?
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, "આ સમગ્ર વિવાદ પરવાનગી વગર બૅડ લાવવા માટે થયો છે. પોલીસનો દાવો છે કે આ બૅડ સોમનાથ ભારતી લઈને આવ્યા છે."
દિલ્હી પોલીસના ડીસીપી પ્રણવ તાયલે જણાવ્યું છે કે, “જંતર મંતરની પ્રોટેસ્ટ સાઇટ છે, તેમાં સોમનાથ ભારતી કેટલાક ફોલ્ડિંગ બૅડ્સ લઈને આવ્યા હતા. અહીં પરવાનગી નથી, તેથી તેમને બૅડ લાવવાની ના પાડવામાં આવી હતી. પ્રદર્શનકારીના કુમસ્તીબાજોના સમર્થકો બૅરિકેડ્સ પર આવી ગયા હતા અને બૅડ્સ કાઢવાના પ્રયાસ કરી રહ્યા હતા. તેમાં વિવાદ થઈ ગયો હતો. કેટલાક પોલીસકર્મીઓ અને તેમના તરફ (કુસ્તીબાજો) થી પણ ઈજા થઈ છે."
જંતર-મંતર પર દિલ્હી પોલીસના એસીપી રવિકાંત કુમાર હાજર હતા. પ્રેસ કૉન્ફરન્સ બાદ કુસ્તીબાજો તરફથી તેમને લેખિત ફરિયાદ આપવામાં આવી હતી.
રવિકાંત કુમારે બીબીસીને જણાવ્યું હતું કે, "અમને ફરિયાદ મળી છે. અમે સીસીટીવી ફૂટેજ જોઈ રહ્યા છીએ અને તેના આધારે કુસ્તીબાજોના દાવાની ચકાસણી કરીશું."
રવિકાંત વચ્ચે-વચ્ચે ફોન દ્વારા અન્ય અધિકારીઓને ઘટનાની અપડેટ આપતા હતા. આ દરમિયાન જંતર-મંતર સ્થિત જેડીયૂ કાર્યાલયથી કિસાન મોરચાના કેટલાક સમર્થકોએ વિરોધસ્થળ પર આવવાનો પ્રયાસ કર્યો હતો.
દરવાજો બંધ હોવાને કારણે તેઓ ધરણાંસ્થળે પહોંચી શક્યા ન હતા. તેઓએ ત્યાં જ સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. બાદમાં પોલીસે કેટલાક લોકોને અંદર જવા દીધું હતું.