સાહેબગંજનો સનસનીખેજ હત્યાકાંડ, મૃતદેહના 18 ટુકડા, ગામમાં શું સ્થિતિ છે?

ઇમેજ સ્રોત, ANAND DUTTA
- લેેખક, આનંદ દત્ત
- પદ, બીબીસી હિન્દી માટે, સાહેબગંજથી
ઝારખંડના સાહેબગંજ જિલ્લામાં એક મહિલાની હત્યાનો મામલો જોર પકડી રહ્યો છે. સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં મૃતદેહના કુલ 18 ટુકડા મળી આવ્યા છે.
આ બાબતનો પડઘો થોડા દિવસો પહેલાં સંસદમાં પણ સંભળાયો હતો, ભાજપના સાંસદોએ આ મામલો જોરજોરથી ઉઠાવ્યો હતો.
આ મહિલાની ઓળખ રેબિકા તરીકે થઈ છે, જે આદિવાસી સમુદાયનાં હતાં, તેમનાં લગ્ન એક મહિના પહેલાં મુસ્લિમ યુવક દિલદાર અન્સારી સાથે થયાં હતાં.
બંનેએ ઘરેથી ભાગીને લગ્ન કરી લીધાં હતાં. દિલદારનાં આ બીજા લગ્ન હતાં, પહેલા પત્ની સરેજા ખાતૂન પણ દિલદારના ઘરે રહેતાં હતાં.
પહાડિયા સમાજનાં રેબિકાને પાંચ વર્ષની દીકરી છે, જેનો જન્મ રાજીવ માલતો નામના યુવક સાથે લિવ-ઈન રિલેશનશિપ દરમિયાન થયો હતો.
આ કેસમાં પોલીસે દિલદાર સહિત કુલ 10 લોકોને પૂછપરછ બાદ જેલહવાલે કર્યા છે.
સાહેબગંજ ડીઆઈજી સુદર્શન મંડળે જણાવ્યું હતું કે, "રેબિકાની 16 ડિસેમ્બરની રાત્રે હત્યા થઈ હતી. પ્રથમ દૃષ્ટિએ પતિ દિલદારની સંડોવણી દેખાઈ રહી છે. જોકે થોડા દિવસો પહેલાં તેણે તેની પત્ની ગુમ થઈ હોવાનું કહીને ફરિયાદ નોંધાવવા સ્થાનિક બોરિયો પોલીસ સ્ટેશન આવ્યો હતો."
ડીઆઈજીએ કહ્યું, "રેબિકાની હત્યા કાવતરા હેઠળ કરવામાં આવી હતી. હત્યા કર્યા પછી શરીરનાં અંગો નજીકનાં આંગણવાડી કેન્દ્રમાં ફેંકી દેવામાં આવ્યાં હતાં."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હાલમાં, આ મામલાની તપાસ માટે એસપી અનુરંજન કિસપોટ્ટાના નેતૃત્વમાં એક વિશેષ તપાસ ટીમ (એસઆઈટી)ની રચના કરવામાં આવી છે અને પોલીસ તપાસ ચાલુ છે.

પુત્રી માતાની રાહ જોઈ રહી છે

ઇમેજ સ્રોત, ANAND DUTTA
રેબિકાનું ગામ ગોડા પહાડ રાંચી જિલ્લા મુખ્યાલયથી લગભગ 403 કિલોમીટર દૂર અને બોરિયો પોલીસ સ્ટેશનથી 13 કિલોમીટર દૂર છે.
લગભગ ત્રણ કિલોમીટર સુધી પહાડ ચડ્યા પછી ઘરના આંગણામાં સગાં-સંબંધીઓ અને ગામનાં મહિલાઓ બેઠાં જોવા મળ્યાં.
મહિલાઓ પહાડિયા ભાષામાં ગણગણી રહી છે અને રડી રહી છે. રેબિકાની પાંચ વર્ષની પુત્રી રિયા તેમનાં દાદી ચાંડી પહાડિન અને માસી શીલા પહાડિનને રડતી જોઈ રહી છે.
શીલા પહાડિને કહ્યું, "મારી માતા હિન્દી બોલી કે સમજી શકતી નથી, તમારી સાથે હું વાત કરીશ."

ઇમેજ સ્રોત, ANAND DUTTA
તેમણે કહ્યું, "દિલદારે તેમને તેમની બહેનના ગુમ થવા અંગે ફોન પર જાણ કરી હતી. તે જ દિવસે એટલે કે 17 ડિસેમ્બરની સાંજે પોલીસ સ્ટેશનમાંથી પણ ફોન આવ્યો કે એક મૃતદેહ મળી આવ્યો છે, ઓળખવા માટે આવો."
"તે રાત્રે પોલીસે મૃતદેહનો વીડિયો અને ફોટો મોકલ્યા, અમે જમણા હાથની આંગળી જોઈને ઓળખી ગયા. પછી બીજા દિવસે જ્યારે અમે પોલીસ સ્ટેશન ગયા, ત્યારે કપડાં જોઈને મને ખાતરી થઈ ગઈ કે તે મારી બહેન જ હતી."
તેઓ કહે છે, "રાજીવ માલતો સાથે લગ્ન નહોતાં થયાં, બંને સાથે રહેતાં હતાં. સાથે રહેતાં હતાં ત્યારે જ દીકરીનો જન્મ થયો હતો. પરંતુ તે જન્મ્યાના થોડા દિવસો પછી તે મારી બહેનને છોડીને ચાલ્યો ગયો હતો. હવે તેની માતા પણ છોડીને ચાલી ગઈ છે. હું કેવી રીતે આગળ તેનો ઉછેર કરીશ અને તેને કેવી ભણાવીશ."

ઇમેજ સ્રોત, ANAND DUTTA
શું તમારાં બહેન દિલદારના પરિવાર સાથેના ઝઘડા વિશે જણાવતાં હતાં?
શીલા કહે છે, "ના, તેણે ક્યારેય ઝઘડા વિશે જણાવ્યું નથી. ઊલટાની તે કહેતી હતી કે તે તેને ખૂબ સારી રીતે રાખે છે."
છ ભાઈ-બહેનમાં ત્રીજા નંબરના રેબિકા પહાડિનના પરિવારના સભ્યોને ન્યાય જોઈએ છે. નાના ભાઈ આરસન માલતોનું કહેવું છે કે જે લોકોએ મળીને તેમની બહેનની હત્યા કરી છે તે તમામને ફાંસીની સજા મળવી જોઈએ.
આ પરિવારની મુશ્કેલીઓનો અંત નથી આવી રહ્યો. રેબિકાની બે બહેનો, પ્રમિલા પહાડિન અને દુલેલી પહાડિન બાળસુધારગૃહમાં રહે છે.
સ્થાનિક અખબારોના અહેવાલ મુજબ, ગત 13 ડિસેમ્બરના રોજ પોલીસે બોરિયોની હોટલમાં દેહવ્યાપારની શંકાના આધારે દરોડા પાડ્યા હતા. અહીં બે છોકરીઓ ઉપરાંત એક છોકરો પણ હાજર હતો. ત્રણેયને બાળસુધારગૃહમાં મોકલી દેવામાં આવ્યાં હતાં.

ઇમેજ સ્રોત, ANAND DUTTA
શીલા કહે છે કે તેની બે બહેનને બાળસુધારગૃહમાં મોકલવામાં આવી છે.
આ વાતચીત દરમિયાન રેબિકાનાં એક માસી રડતાંરડતાં આવે છે. તેમને જોઈને આંગણામાં હાજર અન્ય તમામ મહિલાઓ રડવા લાગે છે.
અહીંથી પાછા ફરવા માટે અમે જંગલમાં થોડે આગળ ગયા હતા, ત્યારે પૂર્વ મંત્રી અને ભાજપનાં નેતા ડૉ. લુઈસ મરાંડી તેમના સાથીઓ સાથે આવતાં જોવા મળ્યાં.
શીલાએ ફરી એક વાર તેમને આખી વાત કહી. સાથે તેમણે બાળસુધારગૃહમાં બંધ તેની બે બહેનોને બહાર કાઢવા માટે પણ આજીજી કરી.
બીબીસી સાથે વાત કરતાં ડૉ. લુઈસ મરાંડીએ કહ્યું, "દીકરી રેબિકાનો શું વાંક છે? શું સ્ત્રી હોવું ગુનો છે? થોડા દિવસો પહેલાં જ દુમકા જિલ્લામાં અંકિતાકુમારીને પેટ્રોલ છાંટીને સળગાવી દેવામાં આવી હતી. જરમુંડી વિસ્તારમાં પેટ્રોલ છાંટીને મારુતિકુમારીને સળગાવી દેવામાં આવી હતી. દુમકામાં જ એક અન્ય આદિવાસી છોકરીને ઝાડ પર લટકાવી દેવાઈ હતી."

પોલીસ શું કરી રહી છે?

ઇમેજ સ્રોત, ANAND DUTTA
આશંકા છે કે રેબિકાની હત્યા આંતરિક કલહના કારણે કરવામાં આવી છે.
હાલમાં મૃતદેહના ટુકડાને પોસ્ટમૉર્ટમ માટે રાંચીના રિમ્સમાં મોકલવામાં આવ્યા છે. આગળની તપાસ ચાલુ છે.
નોંધાયેલી એફઆઈઆર મુજબ દિલદાર અંસારી (27 વર્ષ), મૈનુલ હક (53 વર્ષ), મહતાબ અંસારી (22 વર્ષ), ઝરીના ખાતૂન (48 વર્ષ), સરેજા ખાતૂન (25 વર્ષ), ગુલેરા ખાતૂન (29 વર્ષ), આમીર હુસૈન (23 વર્ષ), મુસ્તકિમ અંસારી (60 વર્ષ), મરિયમ નિશા (55 વર્ષ) અને સહરબાનો ખાતૂનને આરોપી ગણવામાં આવ્યાં છે.
સોમવારે સાંજે તેમની ધરપકડ કરીને જેલહવાલે કરી દેવામાં આવ્યાં હતાં.

ઇમેજ સ્રોત, ANAND DUTTA
એફઆઈઆર મુજબ, દિલદાર અંસારીના ભાઈ આમિર અંસારીએ પોલીસને જણાવ્યું છે કે, દિલદારના પહેલી શાદી સરેજા ખાતૂન સાથે થઈ છે. બે વર્ષ પહેલાં તેણે રેબિકા પહાડિન સાથે પણ શાદી કરી લીધી હતી, પરંતુ પરિવારના સભ્યોને તે પસંદ નહોતું. આ પછી દિલદાર તેમને લઈને બેંગ્લુરુ રહેવા ગયાં હતાં.
રેબિકાનાં બહેન શીલા પહાડિન કહે છે, "બેંગ્લુરુથી પાછા આવ્યા પછી જ્યારે દિલદારના ઘરમાં ઝઘડો વધવા લાગ્યો તો મારા પિતા સુરજા પહાડિયા તેને ઘરે લઈ આવ્યાં. પણ બજારમાં જતાં-આવતાં બંનેની મુલાકાત ફરી વધી અને પછી દિલદાર તેને પોતાના ઘરે લઈ ગયો."
એફઆઈઆર મુજબ, 'દિલદાર હવે પોતાના ઘરને બદલે બોરિયોમાં ભાડાના મકાનમાં રહેવા લાગ્યો. ઘટનાના 15-20 દિવસ પહેલાં દિલદાર રેબિકાને ઘરે લઈ ગયો. જે બાદ ઘરમાં ઝઘડો વધી ગયો.'

ઇમેજ સ્રોત, ANAND DUTTA
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પોલીસ દ્વારા દાખલ કરાયેલી એફઆઈઆર મુજબ, દિલદારનાં માતા મરિયમ નિશાએ આયોજનબદ્ધ કાવતરું ઘડીને રેબિકાનો કાંટો કાઢવા તેમને તેમના ભાઈ મૈનુલ અન્સારીનાં ઘરે મૂકી આવ્યાં. સાથે મૃતદેહને સગેવગે કરવા માટે તેના ભાઈને 20,000 રૂપિયા એડવાન્સમાં આપી દીધા. મૈનુલનું ઘર નજીકના વિસ્તાર ફાઝીલ ટોલામાં છે.
રેબિકાને મૈનુલના ઘરે લઈ ગયાં પછી મરિયમે અફવા ફેલાવી કે રેબિકા ગાયબ થઈ ગયાં છે. 17 ડિસેમ્બરે, સાંજે 5.45 વાગ્યે પોલીસને માહિતી મળી કે બોરિયા સંતાલી વિસ્તારમાં નિર્માણાધીન આંગણવાડી કેન્દ્ર પાસે કેટલાંક કૂતરાં લડી રહ્યાં છે, જ્યાં મૃતદેહ હોવાની શક્યતા છે. ત્યાં પહોંચતાં જ મૃતદેહના ઘણા ટુકડા જોવા મળ્યા.
ત્યારબાદ દિલદાર અંસારીને ફોન કરીને ઓળખ કરવા બોલાવ્યો તો તેણે આંગળીઓ અને પગ પર લાગેલી નેઇલપૉલીશ જોઈને મૃતદેહની ઓળખ કરી.
રેબિકાના શરીરના કેટલાક ભાગો નજીકના વિસ્તાર મોમીન ટોલામાં મળી આવ્યા હતા. ત્યાં દિલદારના મામા મૈનુલનું ઘર છે.
પોલીસને આ ઘરમાંથી લોહીથી ખરડાયેલાં કપડાં મળી આવ્યાં છે. ત્યાં પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ વિસ્તારની એક મહિલાએ નામ ન આપવાની શરતે કહ્યું કે મૈનુલે આખા વિસ્તારને બદનામ કરી દીધો છે.

મહોલ્લામાં સન્નાટો

ઇમેજ સ્રોત, ANAND DUTTA
દિલદારના બેલટોલાસ્થિત ઘરે કોઈ નથી. આઠ પોલીસકર્મીઓ પહેરો ભરી રહ્યા છે. સામે જ ગ્રાહકસેવા કેન્દ્રની એક દુકાન છે.
દુકાનદાર અને દિલદારના પાડોશી મુઝફ્ફર અંસારીએ બીબીસીને કહ્યું, "દિલદાર સ્વભાવે ગુનેગાર ન હતો. જોકે, આ આદિવાસી છોકરીના આવ્યા પછી ઘરમાં ઘણા ઝઘડાઓ થયા હતા. આ ઘટના અંગે અમે સામે રહેતા હોવા છતાં અમને કંઈ સાંભળવા કે જોવા મળ્યું નથી."
ગોડ્ડાના ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ સોમવારે સંસદના વર્તમાન શિયાળુ સત્રમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો.
તેમણે કહ્યું, "બાંગ્લાદેશી ઘૂસણખોરોએ અમારા વિસ્તાર પર કબજો જમાવી દીધો છે અને આ ઝારખંડ સરકારના સહયોગથી થઈ રહ્યું છે. પહાડિયા સમાજની એક છોકરી સાથે બળજબરીથી શાદી કરી લીધી. ત્યારબાદ તેમના 50 ટુકડા કરી નાખ્યા."
તેમણે કહ્યું, "જો દિલ્હી, કોલકાતા અથવા મુંબઈમાં આવું થયું હોત તો સમગ્ર દેશનું મીડિયા તેના પર તૂટી પડ્યું હોત, પરંતુ એવું નથી થઈ રહ્યું."
ઝારખંડ વિધાનસભામાં સીએમ હેમંત સોરેને આ મુદ્દે મીડિયા સાથે વાત કરી હતી.
તેમણે કહ્યું, "રેબિકા પહાડિયા હત્યા કેસ પર સાહિબગંજની વાત શા માટે? શું આવી ઘટનાઓ દિલ્હી, એમપી અને યુપીમાં નથી બનતી? ચોક્કસપણે સમાજમાં આવી વિકૃતિઓ ફેલાઈ રહી છે અને તે દરેક સમાજ માટે ચિંતાનો વિષય છે. લોકશાહીમાં આવી વાતોને કોઈ સ્થાન નથી. તેનું સમાધાન કેવી રીતે લાવવું તે ચર્ચાનો વિષય છે."
બોરિયા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય લોબિન હેમ્બ્રમે આ સમગ્ર મુદ્દે કહ્યું, "અત્યારે સત્ર ચાલી રહ્યું છે, તેથી હું પીડિત પરિવારને મળી શક્યો નથી. આ ખૂબ જ દર્દનાક અને શરમજનક ઘટના છે. આ સહ્ય નથી."
ભાજપનાં લુઈસ મરાંડી દાવો કરે છે કે, "પહાડીઓમાં રહેવાને કારણે સંથાલ પરગણા વિસ્તારમાં ગરીબી અને નિરક્ષરતા છે. પરંતુ આવી ઘટનાઓ પાછળ એક મોટું રૅકેટ કામ કરે છે."
"વેપારના માધ્યમથી લોકો આ વિસ્તારોમાં પહોંચે છે અને લોભામણી વાતો કરીને તેમને ફસાવવાનો પ્રયાસ કરે છે. ખાસ કરીને તેમની જમીન પર લોકોની નજર હોય છે."
બીજી તરફ સ્થાનિક ધારાસભ્ય લોબિન હેમ્બ્રમનું માનવું છે કે, 'બદમાશ ગુનેગાર લોકો આદિવાસી સમાજની છોકરીઓનું શોષણ કરે છે. સમાજે તેને ગંભીરતાથી લેવું જોઈએ.’
પહાડિયા આદિવાસી જનજાતિ ત્રણ પ્રકારની છે. એક પહાડિયા, બીજી માલ પહાડિયા અને ત્રીજી સૌરિયા પહાડિયા.
માલ પહાડિયા સામાન્ય રીતે પહાડની તળેટીવાળા વિસ્તારોમાં વધુ રહે છે. જ્યારે સોરિયા પહાડિયા મોટા ભાગે પહાડ ઉપર રહે છે. તેઓ મોટે ભાગે ઝારખંડના પાકુર, સાહેબગંજ, દુમકા અને ગોડ્ડામાં જોવા મળે છે.
પાકુરના પત્રકાર રમેશ ભગત કહે છે, "પહાડિયા સમુદાયના લોકો અન્ય આદિવાસીઓ કરતાં વધુ મિલનસાર અને ભરોસાપાત્ર છે. બિન-આદિવાસીઓ સાથે તેમનો સંપર્ક નવો નથી. તેઓ ઉગ્ર હોતા નથી, તેમની વસ્તી ઓછી છે, કદાચ આ સમગ્ર ઘટનાનું જોરશોરથી વિરોધ ન થવાનું આ એક કારણ છે."














