ટીનએજર્સ વચ્ચે સહમતીથી બંધાતો સેક્સ સંબંધ ભારતમાં ગુનો કેમ છે?

કિશોર વયના છોકરા-છોકરીઓની વસ્તીની બાબતમાં ભારત વિશ્વમાં મોખરે છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કિશોર વયના છોકરા-છોકરીઓની વસ્તીની બાબતમાં ભારત વિશ્વમાં મોખરે છે
    • લેેખક, ગીતા પાંડે
    • પદ, બીબીસી ન્યૂઝ
બીબીસી ગુજરાતી

સારાંશ

  • બાળકોની જાતીય સતામણીમાં જંગી વધારો થતાં પોક્સો જેવો કડક કાયદો જરૂરી હતો
  • પશ્ચિમ બંગાળ, આસામ અને મહારાષ્ટ્રમાં 2016થી 2020 દરમિયાન પોક્સો કોર્ટે આપેલા 7,064 ચુકાદાનો અભ્યાસ કર્યો હતો
  • યુનિસેફ કિશોર વયના લોકો વચ્ચેના સેક્સનું અપરાધીકરણ નહીં કરવાનું દબાણ ભારત પર કરી રહ્યું છે
  • “બાળકોને તેમના અંગત સંબંધની સાથે ખુદના રક્ષણ, સત્યનિષ્ઠા, આત્મગૌરવ અને સહભાગિતાનો અધિકાર છે"
બીબીસી ગુજરાતી

બાળકોની જાતીય સતામણીના કિસ્સાઓ સાથે કામ પાર પાડવા માટે ભારતમાં એક દાયકા પહેલાં આકરો કાયદો ઘડવામાં આવ્યો હતો, પરંતુ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સુઅલ એબ્યુઝ એક્ટ (પોક્સો) નામના એ કાયદામાં 18 વર્ષથી ઓછી વયના બાળકો દ્વારા તમામ જાતીય પ્રવૃત્તિને ગુનો ગણવામાં આવી હોવાથી સંમતિથી સંબંધ બાંધતા કિશોર વયના ઘણા છોકરાઓ માટે સમસ્યા સર્જાય છે.

હવે ‘સંમતિની વય’ બાબતે નવેસરથી વિચારણા કરવાની અને ટીનેજર્સ દ્વારા સેક્સને ગુનો ન ગણવાની માગ વધી રહી છે.

દિલ્હીના ગુનાખોરીગ્રસ્ત વિસ્તારમાં મહિલાઓની સલામતી વધારવા માટે પોલીસ દ્વારા મહિલા બીટ કોન્સ્ટેબલને ગોઠવવા વિશેના એક રિપોર્ટ બાબતે થોડા વર્ષો પહેલાં હું કામ કરી રહી હતી, ત્યારે મારી મુલાકાત 16 વર્ષની એક છોકરી સાથે કરાવવામાં આવી હતી, તેના પર કથિત રીતે બળાત્કાર કરવામાં આવ્યો હતો.

મહિલા પોલીસે મને જણાવ્યું હતું કે, “તે બળાત્કારનો ભોગ બનેલી છે.”

પેલી છોકરીએ ભારપૂર્વક કહ્યું હતું કે, “હું મારી મરજીથી ગઈ હતી.”

છોકરીની માતાએ તેના પર બરાડવાનું શરૂ કર્યું, એટલે મહિલા પોલીસ મને બહાર લઈ ગઈ હતી.

તેણે જણાવ્યું હતું કે, “છોકરીના માતા-પિતાએ પાડોશી તરુણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને એ છોકરા સામે બળાત્કાર બદલ કાર્યવાહી કરવામાં આવશે.”

વર્ષો પહેલાંનો આ કિસ્સો એવા હજારો કિસ્સા પૈકીનો એક છે, જેમાં કિશોર વયની કન્યાઓએ સંમતિથી બાંધેલા જાતીય સંબંધને બળાત્કારમાં ખપાવવામાં આવે છે.

બાળકોની જાતીય સતામણીમાં જંગી વધારો થતાં પોક્સો જેવો કડક કાયદો જરૂરી હતો. 2007ના સરકારી અભ્યાસના તારણ મુજબ, પોતાની કોઈને કોઈ રીતે જાતીય સતામણી થયાનું 53 ટકા બાળકોએ જણાવ્યું હતું.

આ કાયદામાં સંમતિની વય 16 વર્ષથી વધારીને 18 વર્ષ કરવામાં આવી હતી. તેના પરિણામે કિશોર વયના લાખો છોકરા-છોકરીઓ, જો તેઓ સેક્સ માણે તો ગુનેગાર બની જતા હતા.

બીબીસી ગુજરાતી

ભારતમાં ટીનેજર્સની સંખ્યા 25.2 કરોડથી વધુ છે

"1,715 કેસ ‘રોમેન્ટિક’ કેટેગરીના હતા"

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, "1,715 કેસ ‘રોમેન્ટિક’ કેટેગરીના હતા" (પ્રતીકાત્મક તસવીર)
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ભારતમાં ટીનેજર્સની સંખ્યા 25.2 કરોડથી વધુ છે અને કિશોર વયના છોકરા-છોકરીઓની વસ્તીની બાબતમાં ભારત વિશ્વમાં મોખરે છે. લગ્ન પહેલાં સેક્સ વર્જિત ગણાતું હોવા છતાં અનેક ટીનેજર્સ જાતીય રીતે સક્રિય હોવાનું સર્વેક્ષણનું તારણ જણાવે છે.

તાજેતરનું રાષ્ટ્રીય પરિવાર આરોગ્ય સર્વેક્ષણ (એનએફએચએસ-5) સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલું અત્યંત વ્યાપક સર્વેક્ષણ છે. એનએફએચએસ-5માં 39 ટકાથી વધુ મહિલાઓએ જણાવ્યું હતું કે, “તેઓ 18 વર્ષની થઈ તે પહેલાં તેમણે સેક્સ માણ્યું હતું. 25થી 49 વર્ષના વયજૂથની 10 ટકા સ્ત્રીઓએ જણાવ્યું હતું કે તેઓ 15 વર્ષની થઈ એ પહેલાં જ આવું કરી લીધું હતું.”

તેથી સંમતિની વયમર્યાદા, દક્ષિણ એશિયાના ઘણા દેશો અને વિશ્વના બાકીના દેશોની માફક, ઘટાડીને 16 વર્ષ કરવાની માગ કરવામાં આવી રહી છે.

બાળઅધિકાર કર્મશીલો કહે છે કે, “પોતાની દીકરીઓની જાતીયતા પર અંકુશ રાખવા અને તેમને સંબંધ બાંધતી અટકાવવા માટે માતા-પિતા ફોજદારી ન્યાય વ્યવસ્થાનો ઉપયોગ કરે છે.”

તેમના જણાવ્યા મુજબ, “સંમતિથી બાંધવામાં આવતા જાતીય સંબંધને ગુનો બનાવવો તે લાખો લોકોનું જીવન રોળી નાખવા અને મોટો બોજો ધરાવતી ફોજદારી ન્યાય વ્યવસ્થા પરનો બોજો વધારવા જેવું છે.”

હવે આ સમસ્યા કેટલી મોટી છે, તેના આંકડા સૌપ્રથમ વાર બહાર આવ્યા છે.

બાળઅધિકારની સખાવતી સંસ્થા એન્ફોલ્ડ પ્રોએક્ટિવ હેલ્થ ટ્રસ્ટના સંશોધકોએ ત્રણ ભારતીય રાજ્ય – પશ્ચિમ બંગાળ, આસામ અને મહારાષ્ટ્રમાં 2016થી 2020 દરમિયાન પોક્સો કોર્ટે આપેલા 7,064 ચુકાદાનો અભ્યાસ કર્યો હતો. એ પૈકીના અડધોઅડધ કેસો 16થી 18 વર્ષની છોકરીઓના હતા.

આ સપ્તાહની શરૂઆતમાં બહાર પાડવામાં આવેલા તે સર્વેક્ષણનો અહેવાલ જણાવે છે કે, “કુલ પૈકીના એક ચતુર્થાંશ એટલે કે 1,715 કેસ ‘રોમેન્ટિક’ કેટેગરીના હતા.”

અહેવાલ જણાવે છે કે, “સમગ્ર ભારતમાંથી આંકડા એકત્ર કરવામાં આવે તો આ પ્રમાણ ઘણું વધારે હશે, કારણ કે દર વર્ષે પોક્સો હેઠળ નોંધાતા હજારો કેસમાં જણાવવામાં આવ્યું હતું કે, “ગુનેગારો દોસ્તો અથવા ઓનલાઈન ફ્રેન્ડ કે લગ્નના બહાને લિવ-ઈનમાં રહેતા પાર્ટનર્સ હતા.”

બીબીસી ગુજરાતી

“કિશોર વયના છોકરા-છોકરીઓમાં જાતીય પ્રવૃત્તિ સામાન્ય બાબત છે”

87.9 ટકા કિસ્સામાં છોકરીઓએ સ્વીકાર્યું હતું કે, તેઓ આરોપી સાથે પ્રેમમાં હતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 87.9 ટકા કિસ્સામાં છોકરીઓએ સ્વીકાર્યું હતું કે, તેઓ આરોપી સાથે પ્રેમમાં હતી

એન્ફોલ્ડનાં મુખ્ય સંશોધક સ્વાગત રાહાએ બીબીસીને કહ્યું હતું કે, “કિશોર વયના છોકરા-છોકરીઓમાં જાતીય પ્રવૃત્તિ સામાન્ય બાબત છે અને તેને ગુનાનું સ્વરૂપ આપવું તે દર્શાવે છે કે, કાયદો વાસ્તવિકતાથી ઘણો દૂર છે.”

અહેવાલમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે, જે છોકરી ઘરેથી ભાગી ગઈ હોય અથવા ગર્ભવતી થઈ ગઈ હોય તેના માતા-પિતા તથા સગાંઓએ મોટા ભાગની ફરિયાદો નોંધાવી હતી અને મોટા ભાગના કિસ્સામાં પોલીસે બળાત્કાર, જાતીય હુમલા, જાતીય સતામણી અથવા અપહરણના આરોપ મૂક્યા હતા.

“એવાં યુગલો ફોજદારી ન્યાય વ્યવસ્થામાં ફસાઈ જાય છે,” એમ જણાવતાં સ્વાગત રાહાએ ઉમેર્યું હતું કે, “આવા અપરાધીકરણનું છોકરા તથા છોકરી બન્ને માટે “માઠું પરિણામ” આવી શકે છે.”

તેમણે એમ પણ કહ્યું હતું કે, “છોકરીઓને અપમાનિત તથા કલંકિત કરવામાં આવે છે અને તેઓ તેમના માતા-પિતાના ઘરે પાછા જવાનો ઇનકાર કરે તો તેમને આશ્રયસ્થાનોમાં મોકલી આપવામાં આવે છે. છોકરાઓ સાથે કાયદા સાથે સંઘર્ષમાં ઊતરેલાં બાળકો અથવા આરોપી જેવો વ્યવહાર કરવામાં આવે છે અને ઘણા છોકરાઓને લાંબા સમય સુધી ઓબ્ઝર્વેશન હોમ કે જેલમાં લાબાં સમય સુધી ગોંધી રાખવામાં આવે છે.”

“એ પછી પણ તેમણે તપાસ, અટકાયત અને ખટલાનો સામનો કરવો પડે છે. દોષી સાબિત થાય તો તેને 10થી 20 વર્ષ સુધીની જેલ સજા થઈ શકે છે,” એમ તેમણે ઉમેર્યું હતું.

જોકે, આ કાળા વાદળાની રૂપેરી કોર એ છે કે, 1,715 પૈકીના મોટા ભાગના કેસમાં આરોપી નિર્દોષ પૂરવાર થયા હતા.

અહેવાલ જણાવે છે કે, “રોમેન્ટિક કેસીસ એટલે કે પ્રેમ પ્રકરણના કિસ્સામાં સામાન્ય રીતે આરોપીને મુક્ત કરવામાં આવ્યા હતા. 1,609 અથવા 93.8 ટકા કેસો કાઢી નાખવામાં આવ્યા હતા, જ્યારે માત્ર 106 એટલે કે 6.2 ટકા કેસમાં જ આરોપીને સજા કરવામાં આવી હતી.”

સજાના આ નીચા પ્રમાણનું કારણ એ છે કે, 87.9 ટકા કિસ્સામાં છોકરીઓએ સ્વીકાર્યું હતું કે તેઓ આરોપી સાથે પ્રેમમાં હતી, 81.5 ટકા કિસ્સામાં છોકરીઓએ તેમના પાર્ટનર વિશે કશું વાંધાજનક કહ્યું ન હતું અને કેટલાક કિસ્સામાં છોકરીઓએ કહ્યું હતું કે, તેમના પર પરિવારનું દબાણ છે.

આરોપીને નિર્દોષ છોડી મૂકવાનું ઊંચું પ્રમાણ એ પણ દર્શાવે છે કે, ‘રોમેન્ટિક’ કેસીસમાં અદાલત ઉદાર વલણ અપનાવતી હોય છે. ભારતની ઉચ્ચ ન્યાય પાલિકાએ પણ, કિશોર વયનાં બાળકો વચ્ચે સહમતીથી બંધાતા જાતીય સંબંધના અપરાધીકરણ બાબતે છેલ્લા કેટલાંક વર્ષોમાં ચિંતા વ્યક્ત કરી છે.

એક ટીનેજરને દોષી ઠરાવતા ચુકાદાને 2019માં પલટાવતાં મદ્રાસ હાઈ કોર્ટના ન્યાયાધીશ વી પાર્થિબને જણાવ્યું હતું કે, “યુવા વયસ્કો અને સગીર કે સગીર ન હોય તેવા લોકો વચ્ચેનો સંબંધ “અકુદરતી નથી, પરંતુ પ્રાકૃતિક શારીરિક આકર્ષણ છે.” તેમણે સંમતિની વયની સમીક્ષાની ભલામણ કરી હતી.”

દેશના વડા ન્યાયમૂર્તિ ધનંજય ચંદ્રચુડે પણ સંમતિની વય બાબતે પુનર્વિચાર કરવા સંસદને હાકલ કરી હતી.

યુનિસેફ પણ કિશોર વયના લોકો વચ્ચેના સેક્સનું અપરાધીકરણ નહીં કરવાનું દબાણ ભારત પર કરી રહ્યું છે. સંસ્થાના ભારતમાંના બાળ સંરક્ષણ વિભાગના વડા સોલેડાડ હેરેરોએ બીબીસીને કહ્યું હતું કે “બાળકોને તેમના અંગત સંબંધની સાથે ખુદના રક્ષણ, સત્યનિષ્ઠા, આત્મગૌરવ અને સહભાગિતાનો અધિકાર છે.”

“તેમના રક્ષણ અને તેમનામાં ઊભરતી સ્વાયતતા બાબતે સંતુલન સાધવાની જરૂર છે,” એમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે, “બાળકોના અધિકાર વિશેની સંયુક્ત રાષ્ટ્રસંઘની સમિતિએ આ બાબત પર ભાર મૂક્યો છે.”

સ્વાગત રાહાએ કહ્યું હતું કે, “રોમેન્ટિક કેસના સંદર્ભમાં નવો દૃષ્ટિકોણ અપનાવવાની જરૂરિયાતનો તેમજ સંસદે આ બાબતે પુનર્વિચાર કરવાની જરૂર હોવાનો ન્યાયતંત્ર તથા ફોજદારી ન્યાય વ્યવસ્થામાંના લોકોએ “સ્વીકાર કર્યો છે.”

તેમણે એમ પણ કહ્યું હતું કે, “અમે કિશોર વયના છોકરા-છોકરી વચ્ચે સંમતીથી બંધાતા જાતીય સંબંધનું અપરાધીકરણ નહીં કરવાની હાકલ કરીએ છીએ. આપણે ભારત માટે ઉપયોગી હોય તેવા મોડેલ વિશે વિચારવું જોઈએ. તેની સાથે એ પણ સ્વીકારવું જોઈએ કે કિશોરાવસ્થાની સેક્સુઆલિટી નોર્મલ બાબત છે.”

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી