બિહાર : 'પતિ મજૂરી કરીને ગુજરાન ચલાવતા, હવે અમારું શું થશે?', ઝેરી દારૂએ ઉજાડ્યા અનેક પરિવાર

- લેેખક, ચંદનકુમાર જજવાડે
- પદ, બીબીસી સંવાદદાતા, બિહારમાં સારણના મશરખથી
બાર-તેર વર્ષની એક છોકરી હાથમાં પાણીની બૉટલ અને આધાર કાર્ડ લઈને મશરખની એક સરકારી સ્કૂલ બહાર એકઠી થયેલી ભીડ તરફ આગળ વધી રહી હતી.
તેને પૂછ્યું ત્યારે ખબર પડી કે તેના પિતા હરેન્દ્ર રામનું ઝેરી દારૂ પીવાને કારણે મોત થયું હતું અને તેને ઓળખપત્ર લઈને કૉમ્યુનિટી હેલ્થ સેન્ટર બોલાવવામાં આવી હતી, જેથી તેના પિતાનું ડેથ સર્ટિફિકેટ બનાવી શકાય.
બાજુમાં તેની બહેન છ વર્ષના ભાઈને ખોળામાં લઈને બેઠી હતી. એ નાના છોકરાએ પિતાના દાહ સંસ્કાર કર્યા હતા.
એ માસૂમે પિતાની અંતિમ ક્રિયા ન કરવી પડે એ શક્ય ન હતું? આ સવાલ મારા મનમાં હતો. પછી ખબર પડી કે મૃતક હરેન્દ્ર રામના ભાઈની તબિયત છેલ્લા કેટલાક દિવસોથી ખરાબ છે. એ કારણે તેઓ દાહ સંસ્કાર કરી શક્યા ન હતા.
હરેન્દ્ર રામનાં પત્નીએ બીબીસીને કહ્યું હતું કે “મારા પતિ પરિવારમાં કમાતી એક જ વ્યક્તિ હતા અને અમે ચાર ખાવાવાળા. મજૂરી કરીને ગુજરાન ચલાવતા હતા. હવે શું થશે તેની ખબર નથી. દારૂ પીવાથી મોત થયું છે. દારૂ ક્યાંથી આવ્યો હતો તેની પણ ખબર નથી. કશું જાણવાની તક પણ નથી મળી.”
આ ઘરની આસપાસ ચાર અન્ય લોકો પણ મૃત્યુ પામ્યાં છે.

દારૂબંધીવાળા બિહારમાં દારૂ પીવાથી મોત

બિહારના સારણ જિલ્લાના છપરામાં ઝેરી દારૂ પીવાથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 36 થઈ ગઈ છે. સિવિલ સર્જન, છપરા અને છપરા સદર હૉસ્પિટલની નોંધણી પ્રમાણે, અત્યાર સુધીમાં છપરામાં 33 અને પટણાની પીએમસીએચમાં રિફર કરેલા ત્રણ દર્દીનાં મોત થયાં છે.
છપરાના આ દારૂ કાંડમાં માર્યા ગયેલા મોટાભાગના લોકો દલિત સમુદાયના છે અથવા તો બહુ ગરીબ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ એ રાજ્યમાં બન્યું છે, જ્યાં ગત છ વર્ષથી દારૂબંધી અમલમાં છે. તેમ છતાં ઝેરી દારૂ પીવાથી થતાં મૃત્યુ અહીં કોઈ નવી વાત નથી.
સારણના મશરખ વિસ્તારમાં ઝેરી દારૂ પીવાથી અનેક લોકોનાં મોત થવાની આટલી મોટી ઘટના પહેલી વાર બની છે.
અહીં ઝેરી દારૂ પીવાને કારણે મૃત્યુ પામેલાં લોકો પૈકીના મોટા ભાગના મશરખ નગર પંચાયતના રહેવાસી છે.
મશરખની વચ્ચોવચ મશરખ તખ્ત વિસ્તાર આવેલો છે. લોકોનું કહેવું છે કે આખું મશરખ તેની આસપાસ વસેલું છે. મશરખ તખ્ત વિસ્તારમાં મોતનો માહોલ સ્પષ્ટ જોઈ શકાય છે.
સૌથી પહેલાં અમે અહીંના પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, જ્યાં કેટલાક સિપાહી મળ્યા, પરંતુ ઘટનાની જાણકારી આપવાવાળું કોઈ ન મળ્યું.
કેટલાક સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે સામેની ગલીમાં અનેક લોકો મૃત્યુ પામ્યાં છે.
ગલીમાં અમને એક સરકારી સ્કૂલ જોવા મળી, જ્યાં કેટલાક બાળકો અભ્યાસ કરી રહ્યાં હતાં, જ્યારે કેટલાક અન્ય બાળકો અભ્યાસ દરમિયાન બહારની ભીડમાં પણ સામેલ હતાં.

પહેલું મોત

એક યુવક અમને લાલઝરી દેવીના ઘરે લઈ ગયો હતો. સાંકડી અને કાચા રસ્તાવાળી ગલીમાંથી અમે તેમના ઘરે પહોંચ્યા ત્યારે ખબર પડી હતી કે મંગળવારે બપોરે ઝેરી દારૂ પીવાને કારણે મશરખ તખ્તમાં તેમના પતિ ચંદ્રમા રામનું સૌથી પહેલાં મોત થયું હતું.
ચંદ્રમા રામ ક્યારેક દારૂ પીતા હતા. એમ કરતા રોકવામાં આવે તો નારાજ થઈ જતા હતા. તેઓ બાળકોનો ઘરેલુ ઉપચાર કરતા હતા, પરંતુ પોતાનો ઈલાજ કરી શક્યા નહીં.
અહીં પાસે જ મોહનનું ઘર છે. તેમની મીઠાઈની દુકાન છે. તેમને સવારે જ ઉતાવળે છપરા લઈ જવામાં આવ્યા હતા.
પાડોશીએ જણાવ્યું હતું કે તેમના પૌત્રનાં લગ્ન હતાં. તેમને બુધવારથી જ બધું ઝાંખુ દેખાતું હતું. શું થયું છે, શા માટે થયું છે તેની પાક્કી ખબર કોઈને ન હતી.
આ વિસ્તારના લોકો દાવો કરી રહ્યા છે કે ઝેરી દારૂ પીવાને કારણે લગભગ 50 લોકો મૃત્યુ પામ્યાં છે, પરંતુ વહીવટીતંત્રે 36 લોકોનાં મોતની પુષ્ટિ કરી છે.
સારણના પોલીસવડાએ બીબીસીને જણાવ્યું હતું કે ક્યાંય સામૂહિક રીતે દારૂ પીવામાં આવ્યો હોવાની કોઈ માહિતી અમને મળી નથી.

વહીવટીતંત્રથી લોકો નારાજ, કેવી રીતે પહોંચ્યો દારૂ?

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વહીવટીતંત્રથી નારાજ કેટલાક લોકોએ અમને એવી ફરિયાદ કરી હતી કે સખત દારૂબંધી હોવા છતાં અહીં દારૂ કેવી રીતે વેચાઈ રહ્યો છે. અમે ગામના લોકોને એ જ સવાલ પૂછ્યો હતો કે દારૂ આવે છે ક્યાંથી. તેમનો જવાબ હતોઃ અમને ખબર નથી.
મુન્નાકુમાર તિવારી નામના સ્થાનિક નાગરિકે કહ્યું હતું કે “કોવિડ દરમિયાન લૉકડાઉન લાદવામાં આવ્યું હતું ત્યારે એક ચકલી સુધ્ધાં ઘરની બહાર નીકળી શકતી ન હતી, કારણ કે પ્રશાસન ટાઈટ હતું. તો પછી અહીં દારૂ કેવી રીતે વેચાઈ રહ્યો છે? વહીવટીતંત્ર નક્કી કરી લે તો અહીં દારૂનું વેચાણ થઈ જ ન શકે.”
આ વિસ્તાર સારણ જિલ્લાના મુખ્ય મથક છપરાથી લગભગ 35 કિલોમીટર દૂર આવેલો છે. 20,000ની વસ્તીવાળા મશરખમાં સરકારી સ્કૂલ પણ છે અને હૉસ્પિટલ પણ.
અહીંના સામુદાયિક આરોગ્યકેન્દ્રમાં અમને મોટી ભીડ અને ચિંતાતુર લોકો જોવા મળ્યા હતા.
રડતી એક મહિલા પાસેથી એ જાણવાનો પ્રયાસ કર્યો કે શું થયું છે, ત્યારે તેમની સાથેની એક વ્યક્તિએ બહુ ઓછું જણાવવાના અંદાજમાં કહ્યું હતું કે “કશું નથી થયું. આ મહિલાના પતિ સતત મોતના સમાચાર સાંભળીને થોડા ગભરાઈ ગયા છે. તેથી તેમને અહીંથી સદર હૉસ્પિટલ મોકલવામાં આવી રહ્યા છે.”

પોલીસ બેખબર

આશ્ચર્યની વાત એ છે કે કમસે કમ ચારથી પાંચ લોકોનાં મોત મશરખ પોલીસ થાણાથી લગભગ અડધો કિલોમીટરના અંતરે જ થઈ છે, પરંતુ પોલીસને દારૂ વેચાતો હોવાની ખબર સુધ્ધાં પડી નથી. કદાચ આ કારણસર જ મશરખ થાણાના પ્રભારી તથા ચોકીદારને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
અમે દારૂના તાંડવની માહિતી મેળવવા માટે છપરાની સદર હૉસ્પિટલે પહોંચ્યા હતા. શહેરમાં પોલીસ સતર્ક હતી અને હૉસ્પિટલની આસપાસ સલામતીની વ્યવસ્થા પણ હતી. અહીં સરકારી ગાડીઓ અને ઍમ્બ્યુલન્સની આવ-જા સતત જોવા મળતી હતી.
સદર હૉસ્પિટલમાં પણ દર્દીઓ અને દારૂકાંડની પીડિત પરિવારોના લોકોની ભીડ હતી, પરંતુ દારૂબંધી હોવાને કારણે દરેક વ્યક્તિ વાત કરવાનું ટાળતી હતી.
હૉસ્પિટલના ડૉક્ટર પંકજે બીબીસીને કહ્યું હતું કે “15 લોકોને તો મૃત્યુ બાદ અહીં લાવવામાં આવ્યા હતા. હાલ અહીં નવ લોકોની સારવાર ચાલી રહી છે અને 11ને પીએમસીએચ મોકલવામાં આવ્યા છે.”

સાચો મૃત્યુઆંક

ડૉક્ટર પંકજે એમ પણ કહ્યું હતું કે “મંગળવારે રાતે નવેક વાગ્યે હૉસ્પિટલમાં પહેલું મૃત્યુ નોંધાયું હતું. આ સિલસિલો ગઈ કાલથી ચાલુ છે. જે લોકોની સારવાર ચાલી રહી છે, તેમની આંખોનું તેજ ચાલ્યા જવાની શક્યતા છે. તેમની હાલત પણ સારી નથી.”
છપરામાં અનેક લોકો એવો દાવો પણ કરી રહ્યા છે કે મોતનો વાસ્તવિક આંકડો, સરકારી આંકડા કરતાં ઘણો વધારે છે.
ઘણા લોકોએ પોતાના મૃતક પરિવારજનની માહિતી આપી નથી. તેની પાછળનું કારણ એ છે કે બિહારમાં દારૂબંધી છે અને બીજું દારૂના સેવનને અહીં સામાજિક રીતે સારી વાત ગણવામાં આવતી નથી.
સારણના પોલીસવડા સંતોષકુમારે કહ્યું હતું કે “અમે લોકોને અપીલ કરી રહ્યા છીએ કે આવો કોઈ મામલો હોય તો તેઓ અમને જણાવે, જેથી દર્દીની સારવાર સારી રીતે કરી શકાય.”
“એ સિવાય અમે ટીમ બનાવીને લોકોને જાગૃત પણ કરી રહ્યા છીએ. તપાસ ચાલી રહી છે, દરોડા પાડવામાં આવી રહ્યા છે. અમે બે લોકોની ધરપકડ કરી છે અને સંદિગ્ધ પદાર્થ પણ જપ્ત કર્યો છે, જેથી તેની તપાસ કરાવી શકાય.”

દારૂબંધીના મુદ્દે રાજકારણ

સારણના મશરખથી દૂર રાજ્યના રાજધાની પટના તથા દેશની રાજધાની દિલ્હી સુધી આ બાબતે રાજકીય માહોલ ગરમ છે.
આ ઘટના માટે વિરોધ પક્ષ રાજ્ય સરકાર અને વહીવટીતંત્રને સતત જવાબદાર ઠરાવી રહ્યો છે.
ભારતીય જનતા પાર્ટી(ભાજપ)ના આઈટી વિભાગના વડા અમિત માલવીયે એક ટ્વીટ દ્વારા દાવો કર્યો હતો કે નીતીશકુમારના પહેલા 10 વર્ષ(2016માં દારૂબંધીનો અમલ થવા સુધી)માં દારૂના ધંધાનું ટર્નઓવર રૂ. 200 કરોડથી રૂ. 4,000 કરોડ થઈ ગયું હતું.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
બીજી તરફ બિહારના મુખ્ય મંત્રી નીતીશકુમારે ફરી એક વાર કહ્યું છે કે “દારૂબંધી સફળ છે અને તેનાથી લોકોનું જીવન બદલાયું છે. દારૂબંધી પછી અનેક લોકો સારો આહાર લઈ રહ્યા છે અને બીજી ચીજો પર ખર્ચ કરી શકે છે.”
સારણમાં ઝેરી દારૂ પીવાને કારણે થયેલાં મોત બાબતે નીતીશકુમારે કહ્યું છે કે “જે દારૂ પીશે તે મરશે જ. તેનું ઉદાહરણ આપણી સામે છે. આવી ઘટનાઓ બાબતે દુઃખ થવું જોઈએ અને લોકોને સમજાવવા જોઈએ.”
રાજ્યમાં દારૂબંધી કાયદાના મુદ્દે વિરોધ પક્ષની ટીકાનો સામનો કરી રહેલા નીતીશકુમારે મીડિયાને કહ્યું છે કે “ઝેરી દારૂથી તો લોકો મરે જ છે, આખા દેશમાં મરે છે. અહીં દારૂબંધી ન હતી ત્યારે પણ લોકો મરતા હતા.”
તેમણે ઉમેર્યું હતું કે “લોકોએ સચેત રહેવું જોઈએ કે જે પ્રતિબંધિત છે, તેનું વેચાણ કરવામાં આવી રહ્યું છે એટલે તેમાં કોઈ ગડબડ તો હશે જ. જે દારૂ પીશે તે મરશે જ. તેનું ઉદાહરણ આપણી સામે છે.”
નીતીશકુમારે એમ પણ કહ્યું છે કે “સમાજમાં ગમે તેટલું કામ કરો, પણ કેટલાક લોકો ગડબડ કરે જ છે. ગુનાખોરી રોકવા માટે સંખ્યાબંધ કાયદા બનાવવામાં આવ્યા હોવા છતાં લોકો હત્યા કરે જ છે. કેટલાક લોકો ગડબડ કરે જ છે, શું કરી શકાય?”

ઇમેજ સ્રોત, Getty Images
જે દારૂ પીશે તે મરશે જ, એવા નીતીશકુમારના નિવેદન બાબતે ભાજપના નેતા સુશીલકુમાર મોદીએ ગુરુવારે જણાવ્યું હતું કે દેશમાં કરોડો લોકો દારૂ પીએ છે. એ બધાએ મરી જવું જોઈએ?
સુશીલકુમાર મોદીએ જણાવ્યું હતું કે બિહારમાં દારૂનો ગેરકાયદે ધંધો એક સમાંતર અર્થતંત્ર બની ચૂક્યો છે.
તેમણે આક્ષેપ કર્યો હતો કે જેમને બિહારમાં દારૂબંધીના અમલની જવાબદારી સોંપવામાં આવી છે તે લોકો કરોડો રૂપિયાની કમાણી કરી રહ્યા છે.
બિહારના ભૂતપૂર્વ નાયબ મુખ્ય મંત્રી મોદીએ એમ પણ જણાવ્યું હતું કે ભાજપ દારૂબંધીને ટેકો આપે છે, પરંતુ આ નીતિ બાબતે પુનર્વિચારની માગણી અમારા નેતાઓ કરી રહ્યા છે.
ભાજપના સંસદસભ્ય અને બિહાર ભાજપના અધ્યક્ષ સંજય જયસ્વાલે આ મુદ્દો સંસદમાં ઉઠાવ્યો હતો.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
બીજી તરફ મહારાજગંજના સાંસદ જર્નાદનસિંહ સિગ્રીવાલે બીબીસી સાથેની વાતચીતમાં આક્ષેપ કર્યો હતો કે “મારી જાણકારી મુજબ 50 લોકોનાં મોત થયાં છે અને તેનાથી વધુ લોકોની હાલત ગંભીર છે, પરંતુ વહીવટીતંત્ર લોકોને ડરાવી-ધમકાવી રહ્યું છે, સાચા આંકડા છુપાવી રહ્યું છે. વહીવટીતંત્ર લોકો પર એવું દબાણ કરી રહ્યું છે કે સાચી માહિતી બહાર આવશે તો તેમના પર કેસ કરવામાં આવશે. દારૂની આ નીતિ ખોટી છે.”
જનાર્દનસિંહ સિગ્રીવાલના મતવિસ્તારમાં જ સૌથી વધુ લોકો ઝેરી દારૂ પીવાને કારણે મૃત્યુ પામ્યાં છે.
વિરોધ પક્ષના આક્ષેપ બાબતે બિહારના નાયબ મુખ્ય મંત્રી તેજસ્વી યાદવે જણાવ્યું હતું કે આ ઘટનાના સંદર્ભમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. સરકારની જવાબદારી છે એટલે જ તેના આંકડા પત્રકારપરિષદ યોજીને જણાવાઈ રહ્યા છે.
બિહાર વિધાનસભામાં બુધવારે પણ ઝેરી દારૂ બાબતે જોરદાર ધમાલ થઈ હતી.














