દેશમાં દરેક ધર્મની સ્ત્રીના લગ્નની લઘુતમ વય એકસમાન હોવી જોઈએ?

ઇમેજ સ્રોત, SAM PANTHAKY/GETTYIMAGES
- લેેખક, સુશીલા સિંહ
- પદ, બીબીસી સંવાદદાતા
ભારતમાં યુવતીના લગ્નની વય 18 વર્ષથી વધારીને 21 વર્ષ કરવા વિશેનો ખરડો કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની લોકસભામાં પ્રસ્તુત કરી ચૂક્યાં છે. જોકે, એ ખરડાને હાલ વિચાર-વિમર્શ માટે સ્થાયી સમિતિ પાસે મોકલવામાં આવ્યો છે.
દરમિયાન રાષ્ટ્રીય મહિલા પંચે (એનસીડબલ્યુ) સુપ્રિમ કોર્ટમાં તમામ ધર્મની યુવતીઓ માટે લગ્નની વય એકસમાન રાખવાની અરજી કરી છે. એ અરજીમાં દરેક સમુદાય તથા ધર્મની યુવતીઓની લગ્નની લઘુતમ વય 18 વર્ષ નક્કી કરવા માટે નિર્દેશ આપવાની માગણી કરવામાં આવી છે.
સુપ્રિમ કોર્ટે આ સંબંધે કેન્દ્ર સરકારનો જવાબ માગ્યો છે.
એ અરજી બાબતે બીબીસી સાથે વાત કરતાં એનસીડબલ્યુનાં અધ્યક્ષ રેખા શર્માએ કહ્યું હતું, "હાઈકોર્ટમાં એક કેસ આવ્યો હતો. તેમાં અદાલતે 15 વર્ષની મુસ્લિમ છોકરીના લગ્નને કાયદેસરનાં ઠરાવ્યાં હતાં અને મુસ્લિમ પર્સનલ લૉ હેઠળ તેને યોગ્ય ગણાવવામાં આવ્યાં હતાં."
દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરીને સગીર વયની એક મુસ્લિમ છોકરી અને તેના પતિએ સાથે રહેવાની આઝાદી અને સલામતીની માગણી કરી હતી. તેમણે મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડને એ માટે આધાર બનાવ્યું હતું.

મુસ્લિમ પર્સનલ લૉ શું કહે છે?

ઇમેજ સ્રોત, SOPA IMAGES/GETTYIMAGES
'ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ'ના અધ્યક્ષ કમાલ ફારુકીએ બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે ઇસ્લામ એક પ્રાકૃતિક ધર્મ છે. એટલે કે તમામ બાબતો પ્રકૃતિ સંબંધિત છે અને એવી જ છૂટ ધર્મમાં આપવામાં આવી છે.
"ઇસ્લામમાં જણાવવામાં આવ્યું છે કે છોકરી અને છોકરામાં 'પ્યૂબર્ટી' એટલે કે યૌવનનો પ્રારંભ થઈ જાય તો તેઓ લગ્ન કરી શકે છે. ઇસ્લામ તેની છૂટ આપે છે અને તેનો અર્થ એવો નથી કે કોઈ ધર્મનો પ્રસાર કરી રહ્યું છે. "
"ઇસ્લામમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે છોકરી-છોકરા પરિપકવ ન થઈ જાય ત્યાં સુધી તેમના લગ્ન ન થવાં જોઈએ, પરંતુ નિકાહ થઈ ગયા હોય તેવા કિસ્સામાં તેમના માતા-પિતા પણ કશું કરી શકતા નથી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કમાલ ફારુકીએ જણાવ્યું હતું કે દેશનાં ઘણાં રાજ્યોમાં આજે પણ બાળવિવાહ થાય છે. તેથી કોઈ પરિવાર સક્ષમ છે કે નહીં તે ધ્યાનમાં લેવું જોઈએ અને કોઈ ગરીબીને કારણે પોતાની દીકરીનાં લગ્ન કરવા ઇચ્છતું હોય તો તેમાં કોઈને વાંધો શા માટે હોવો જોઈએ?
તેમણે કહ્યું હતું કે “કોઈએ લગ્ન કર્યાં હોય અને તે છોકરીને સારી રીતે રાખતા હોય તો તેમાં શું વાંધો? અહીં માત્ર ઇસ્લામને બદનામ કરવાનો ઍજન્ડા ચલાવવામાં આવી રહ્યો છે. તે યોગ્ય નથી, કારણ કે ભારતમાં અનેક આદિવાસી સમાજ તથા રાજ્યોમાં બાળવિવાહ કરવામાં આવે છે.”
જોકે, રેખા શર્મા આ દલીલ સાથે અસહમત હોય તેવું લાગે છે. તેમણે કહ્યું હતું કે “આજકાલ તો દસ વર્ષની છોકરીને પણ પીરિયડ્ઝ આવવા લાગે છે તો શું દસ વર્ષની છોકરીના લગ્ન કરી શકાય? તેમના આરોગ્ય, તેમના શિક્ષણનું શું થશે?”
રેખા શર્માએ 'પોક્સો કાયદા'નો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.
બંધારણ નિષ્ણાત પ્રોફેસર ફૈઝાન મુસ્તફા માને છે કે કોઈ પણ વિચારધારા માટે અદાલતનો ઉપયોગ થવો ન જોઈએ.

ઇસ્લામની અલગ-અલગ વ્યાખ્યા

ઇમેજ સ્રોત, NURPHOTO/GETTYIMAGES
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કેટલાક જાણકારો કહે છે કે સરકાર લગ્નની લઘુતમ વય વધારવાનો નિર્ણય કરી ચૂકી છે અને મામલો સંસદમાં છે ત્યારે કોર્ટમાં ધા નાખવાને બદલે સંસદના નિર્ણયની રાહ જોવી જોઈએ, કારણ કે લગ્નની લઘુતમ વય બાબતે સંસદ તમામ સમુદાયો માટેનો કાયદો બનાવશે. એ કાયદો મુસ્લિમ પર્સનલ લૉ પર આધારિત નહીં હોય, પરંતુ તેનો અમલ સમગ્ર દેશમાં થશે.
ફૈઝાન મુસ્તફાએ જણાવ્યું હતું કે કુરાનમાં દર્શાવવામાં આવેલા મુસ્લિમ કાયદાને અલગ-અલગ રીતે સમજાવવામાં આવ્યો છે.
તેમણે કહ્યું હતું કે “મુસ્લિમ પર્સનલ લૉમાં રૂઢિચુસ્ત વિચારધારા ધરાવતા લોકો માને છે કે છોકરીને પીરિયડ્ઝ આવવા લાગે એટલે તે લગ્નલાયક છે. બીજી તરફ ઉદારમતવાદી વર્ગ માને છે કે છોકરી માનસિક રીતે પરિપક્વ થઈ જાય પછી જ તેના લગ્ન કરવાં જોઈએ. એક છોકરી માનસિક રીતે પરિપક્વ છે કે નહીં તેનો નિર્ણય ધર્મ કરી શકે નહીં.”
વકીલ સોનાલી કડવાસરાએ જણાવ્યું હતું કે મુસ્લિમ સમાજમાં લગ્ન એક કૉન્ટ્રેક્ટ હોય છે અને તેમાં નિકાહ પહેલાં બન્નેની સહમતિ લેવામાં આવે છે. આ બાબતને એક રીતે પ્રગતિશીલ પદ્ધતિ ગણવી જોઈએ.
તેમણે કહ્યું હતું કે “તેની સાથે એ પણ જોવું જોઈએ કે સગીર વયના છોકરા-છોકરીની સહમતિ માન્ય ગણાય કે નહીં. દસ વર્ષની છોકરીને માસિક આવવા લાગે એટલે તે સહમતિ આપવા યોગ્ય ગણાય કે નહીં તે જોવું ખાસ જરૂરી છે. તેથી સંસદ કે અદાલત ભલે ગમે તે નિર્ણય કરે પરંતુ આ બાબતને ધ્યાનમાં લેવી અત્યંત જરૂરી છે.”

ઇમેજ સ્રોત, SAM PANTHAKY/GETTYIMAGES

અલગ-અલગ ધર્મોમાં લગ્નની લઘુતમ વય શું છે?
- ભારતમાં હિન્દુ મૅરેજ ઍક્ટ – 1955 મુજબ છોકરીની વય 18 વર્ષ અને છોકરાની વય 21 વર્ષ હોવી જોઈએ.
- ભારતીય ખ્રિસ્તી લગ્નકાયદો 1936માં પસાર કરવામાં આવ્યો હતો. તેમાં જણાવ્યા મુજબ, લગ્ન સમયે છોકરાની વય 21 વર્ષથી અને છોકરીની વય 18 વર્ષથી ઓછી હોવી ન જોઈએ.
- પારસી વિવાહ અને છૂટાછેડા કાયદો 1936માં પસાર કરવામાં આવ્યો હતો. એ કાયદાના અનુચ્છેદ ત્રણમાં જણાવ્યા મુજબ, છોકરાની વય 21 વર્ષ અને છોકરીની વય 18 વર્ષ હશે ત્યારે જ પારસી લગ્ન માન્ય ગણવામાં આવશે.
- કોઈ યુગલ સ્પેશ્યલ મૅરેજ ઍક્ટ હેઠળ લગ્ન કરવા ઇચ્છતું હોય તો એ કાયદાની કલમ ક્રમાંક ચાર અનુસાર, છોકરાની વય 21 વર્ષ અને છોકરીની વય 18 વર્ષ હોવી જોઈએ.
- બાળવિવાહ રોકવા માટેનો બાળ વિવાહ નિષેધ અધિનિયમ 2006માં બનાવવામાં આવ્યો હતો.
- જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપવા માટે પોક્ટો ઍક્ટ – 2012 બનાવવામાં આવ્યો છે. તેમાં પણ 18 વર્ષથી ઓછી વયની વ્યક્તિને ‘બાળક’ તરીકે પરિભાષિત કરવામાં આવી છે.

રેખા શર્માએ કહ્યું હતું કે “આ મુદ્દો છોકરીઓના કલ્યાણનો છે અને છોકરી સાથે એટલા માટે આ ભેદભાવ થઈ રહ્યો છે કે તે એક ચોક્કસ ધર્મની છે. મોહમેડન લૉ દેશના કાયદાથી ઉપર હોઈ શકે નહીં. 18 વર્ષથી ઓછી વયના લોકોને મત દેવાનો અધિકાર નથી ત્યારે એ વયે કોઈને લગ્નનો અધિકાર કઈ રીતે આપી શકાય?”
સગીર વયની છોકરીનાં લગ્ન કરી નાખવામાં આવે તો તેના નાની વયે માતા બનવાની આશંકા વધી જાય છે. તેની અસર તેના શારીરિક વિકાસ, આરોગ્ય અને માનસિક પર પણ થઈ શકે છે.

પૉક્સો ઍક્ટ સાથે જોડવું કેટલું યોગ્ય?
સુપ્રિમ કોર્ટના વકીલ એમ. આર. શમશાદે જણાવ્યું હતું કે આ મામલો કાયદાકીય હોવાની સાથે સામાજિક મુદ્દો પણ છે. આવા મામલાઓને પોક્સો સાથે જોડવા ન જોઈએ.
પોતાની બાજુ રજૂ કરતાં તેમણે કહ્યું હતું કે “ભારતમાં એવી ઘણી આદિવાસી જ્ઞાતિઓ છે, જેમાં 18 વર્ષથી ઓછી વયની બાળકોનાં લગ્ન કરી નાખવામાં આવે છે. એવાં લગ્નોનું શું થશે? મીડિયા હોય કે કાયદાકીય અરજીઓ હો, છેલ્લાં દસ વર્ષથી જાણે કે દરેક મુદ્દાને ધર્મ સાથે જોડવાની હરીફાઈ ચાલી રહી છે.”
તેમણે ઉમેર્યું હતું કે મુસ્લિમ કાયદા મુજબ પીરિયડ્ઝ આવવા લાગે પછી છોકરીને લગ્નને લાયક ગણવામાં આવે છે. તે શારીરિક રીતે પરિપક્વ થઈ જાય તો કઈ વયે લગ્ન કરવાં તેનો નિર્ણય છોકરી લઈ શકે તે એક મુદ્દો છે.
આ સંદર્ભમાં વડા ન્યાયમૂર્તિ ડી. વાય. ચંદ્રચૂડે કહેલી વાતનું ઉદાહરણ આપતાં એમ આર શમશાદે કહ્યું હતું કે “વડા ન્યાયમૂર્તિ ચંદ્રચૂડના કહેવા મુજબ, ઘણા નિર્ણય સર્વસંમતિથી લેવામાં આવે છે. તેમાં બળાત્કારના મામલા હોય છે. એવા મામલામાં કોઈને સજા થાય છે તો કેટલાક લોકો છૂટી પણ જાય છે. મારું કહેવું એમ છે કે આ બાબતની સમીક્ષા થવી જોઈએ.”
વડા ન્યાયમૂર્તિ ચંદ્રચુડે રૉમેન્ટિક રિલેશનશિપને પોક્સો કાયદામાં સામેલ કરવા બાબતે રવિવારે એક કાર્યક્રમમાં ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યુ હતું કે અદાલતે પોક્સો ઍક્ટ હેઠળ સહમતિની વય બાબતે ચાલી રહેલી ચર્ચા પર ધ્યાન આપવાની જરૂર છે.
તેમણે એમ પણ જણાવ્યું હતું કે પોક્સો ઍક્ટ 18 વર્ષથી ઓછી વયના લોકો વચ્ચેના જાતીય સંબંધને અપરાધ ગણે છે. સગીરો વચ્ચે એ બાબતે સહમતિ હતી કે નહીં, તે ધ્યાનમાં લેતો નથી.
જયા જેટલીએ જણાવ્યું હતું કે છોકરીના લગ્નની વય 18 વર્ષથી વધારવા બાબતે તેઓ યુવાઓ સાથે વાત કરી ત્યારે દરેક ધર્મના યુવા એ વાત સાથે સહમત હતા કે છોકરા તથા છોકરી બન્નેની લગ્ન કરવાની લઘુતમ વયમાં વધારો કરવો જોઈએ.
જયા જેટલી આ સંબંધે સરકારે રચેલી સમિતિનાં અધ્યક્ષ તરીકે કામ કરી ચૂક્યાં છે. તેઓ દેશમાં યુનિફોર્મ સિવિલ કૉડના અમલના હિમાયતી છે.
તેમણે કહ્યું હતું કે “દેશમાં એક જ કાયદો હશે. દરેક રાજ્યના અલગ-અલગ કાયદા નહીં હોય અને વિભાજન નહીં થાય. જોકે, આ બાબતે યુવાઓ સાથે ક્યારેય વાત કરવામાં આવી નથી. આપણે પિતૃસત્તાક વિચારધારામાંથી બહાર નીકળવું પડશે. છોકરીઓને સમાજમાં સમાન દરજ્જો આપવો હોય તો પુરુષપ્રધાન સમાજ ભેદભાવ કરતા, પર્સનલ લૉ સહિતના તમામ કાયદા હટાવવા પડશે. શરૂઆત તો કરવી જ પડશે. તે દેશના દરેક નાગરિકને લાગુ પડશે.”
કમાલ ફારુકીના જણાવ્યા અનુસાર, ભારત જેવા લોકશાહી દેશમાં દરેક ધર્મના નાગરિકને, તે કોઈ ગુનાઈત પ્રવૃત્તિમાં સંડોવાયેલી ન હોય ત્યાં સુધી, આઝાદી છે.
તેઓ કહે છે, "દેશનાં હરિયાણા, રાજસ્થાન કે ઝારખંડ જેવાં રાજ્યોમાં બાળવિવાહ કરવામાં આવે છે. એવા મામલા કોર્ટમાં લઈ જવાને બદલે સમાજના લોકોને જાગૃત કરવા જોઈએ કે નાની વયે લગ્ન કરવા કેટલા હાનિકારક છે. છોકરીઓને શિક્ષિત કરવી જોઈએ. નાની વયે લગ્ન કરવાથી આરોગ્યને થતાં નુકસાનથી તેમને વાકેફ કરવી જોઈએ. એવું થશે તો હિન્દુઓમાં જ નહીં, મુસલમાનોમાં પણ આવાં લગ્નનું પ્રમાણ ઘટશે, કારણ કે ઈસ્લામ નાની વયે છોકરીના લગ્નને પ્રોત્સાહિત કરતો નથી. "














