કુંજ હજારો કિલોમીટરનો પ્રવાસ ખેડીને ગુજરાત કઈ રીતે આવી પહોંચે છે?

    • લેેખક, જયદીપ વસંત
    • પદ, બીબીસી ગુજરાતી માટે

દર વર્ષે શિયાળા દરમિયાન લાખોની સંખ્યામાં વિદેશી પક્ષીઓ હજારો કિલોમીટરનો પ્રવાસ ખેડીને ગુજરાત પહોંચે છે. ચાલુ વર્ષે પણ હજારો-લાખોની સંખ્યામાં પક્ષીઓ રાજ્યનાં અલગ-અલગ વૅટલૅન્ડ ખાતે પહોંચી ગયાં છે.

આ યાયાવરો મોટાભાગે મધ્યએશિયાનો ઉડ્ડયનમાર્ગ ખેડીને ગુજરાત પહોંચતાં હોય છે અને ઉનાળો શરૂ થતાં તેમના વતન તરફ જવા માટે રવાના થતાં હોય છે.

દર વર્ષે આ પંખીઓ હજારો કિલોમીટરનો પ્રવાસ ખેડીને એક જ સ્થળે કેવી રીતે પહોંચે છે? તેઓ માર્ગમાં ક્યાં-ક્યાં મુકામ કરતાં હોય છે? તેમાંથી અમુક સવાલના જવાબ આપી શકાય તેમ છે, તો અમુક માટે કોઈ ચોક્કસ જવાબ નથી.

યાયાવરોની એક પ્રજાતિ ક્રેન છે. તેની ભારતીય ઉપજાતિ સારસ માટે કહેવાય છે કે તે જીવનમાં માત્ર એક જ વિજાતીય પાત્ર સાથે સંબંધ બાંધે છે અને તેમની પ્રણયક્રીડા જોનારને આશ્ચર્ય પમાડે તેવી રોચક હોય છે. તાજેતરનાં સંશોધનોમાં બહાર આવ્યું છે કે સારસ બેલડીના જીવનમાં 'ત્રીજું પાત્ર' પણ આવતું હોય છે અને તેની પાછળ એક કારણ હોય છે.

વિદેશી પક્ષીઓ માટે ગુજરાતમાં અનુકૂળતા હોવા છતાં કેટલીક સમસ્યાઓ ઊભી થઈ રહી છે, આ સિવાય હજારો કિલોમીટરના પ્રવાસ દરમિયાન તેમના માટે જોખમ ઊભું થાય છે. આ સિવાય જળવાયુપરિવર્તન પણ એક મોટો પડકાર છે.

યાયાવરોની 'GPS' સિસ્ટમ

દર વર્ષે હજારો કિલોમીટરનો પ્રવાસ ખેડતાં આ પક્ષીઓ પોતાની સફર દરમિયાન અનેક દેશોમાંથી પસાર થાય છે અને રોકાય પણ છે.

ગુજરાતમાં જોવા મળતાં મોટાભાગના વિદેશી પક્ષીઓ મધ્ય એશિયામાંથી અહીં આવે છે. તેઓ જે માર્ગેથી આવે છે તેને યુરેશિયન ફ્લાઇવે પણ કહેવામાં આવે છે.

ઑક્સફૉર્ડ યુનિવર્સિટીમાં પ્રાણીઓની વર્તણૂંકના અભ્યાસુ ટિમ ગલીફૉર્ડના કહેવા પ્રમાણે, જ્યારે કોઈ પક્ષી એક સ્થળેએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતું હોય, ત્યારે 95 ટકા શક્યતા રહે છે કે બીજા વર્ષે તે ફરીથી એજ સ્થળે જશે.

સાસણ વાઇલ્ડ લાઇફ ડિવિઝનના ડેપ્યુટી કન્ઝર્વેટર ઑફ ફૉરેસ્ટ ડૉ. મોહન રામના કહેવા પ્રમાણે, "જ્યારે મધ્ય એશિયામાં પુષ્કળ ઠંડી પડે છે અને આ પક્ષીઓને માટે રહેવા તથા ખાવાપીવાનું મેળવવું મુશ્કેલ બની જાય છે, ત્યારે તેઓ હજારો કિલોમીટરનો પ્રવાસ ખેડીને ગુજરાત આવે છે."

"ગુજરાતમાં માફકસરની ઠંડી, મીઠાંપાણી, ખારાંપાણી, રહેવા, ખાવા-પીવાની અનુકૂળતા, સંરક્ષિત વૅટલૅન્ડ વિસ્તારને કારણે તેઓ દર શિયાળે રાજ્યનો પ્રવાસ ખેડતા હોય છે. પોતાની સાથે તેમના તરૂણ બચ્ચાં પણ હોય છે."

આ પક્ષીઓ નદી, તળાવ, પહાડ, જંગલ વગેરે ઓળંગીને ભૂલા પડ્યા વગર દરવર્ષે અચૂકપણે એજ સ્થળે પાછાં ફરતાં હોય છે. જામનગર જિલ્લાની ખિજડિયા બર્ડ સૅન્ક્ચ્યૂઅરીમાં પક્ષીઓના અભ્યાસુ તોફિક બુખારીના કહેવા પ્રમાણે :

"એવી સામાન્ય માન્યતા છે કે પક્ષીઓ માઇગ્રેશન કરીને માત્ર શિયાળામાં જ ગુજરાતમાં આવે છે. વાસ્તવમાં ઉનાળા દરમિયાન પણ અનેક યાયાવરો ગુજરાત આવે છે, પરંતુ શિયાળાના સમયમાં મોટી સંખ્યામાં વિવિધ પ્રજાતિના પક્ષીઓ જોવા મળે છે એટલે તેની ચર્ચા વધુ થતી હોય છે."

"ખિજડિયામાં રજવાડાના સમયમાં ખારાં અને મીઠાં પાણીને વિભાજીત કરતો પાળો બનાવવામાં આવ્યો હતો. જે આજે પણ અકબંધ છે. જેના કારણે અહીં ખારા તથા મીઠાં પાણીનાં પક્ષીઓ એક જ સ્થળે જોવા મળે છે. ગુજરાતનાં બહુ થોડાં સ્થળોએ બંને પ્રકારનાં પક્ષી આટલા નજીક-નજીક અને મોટી સંખ્યામાં જોવા મળે છે."

"ખારાં અને મીઠાં પાણીના દેશી- વિદેશી પક્ષીઓ આ રીતે દરવર્ષે ગુજરાત આવતાં હોય છે, તે આપણા માટે ગર્વ લેવા જેવી બાબત છે."

માત્ર હવાઈ જ નહીં, નાના-મોટા ભૂચર કે જળચર પ્રાણી પણ સરહદો પાર કરીને આંતરખંડીય મુસાફરી ખેડતાં હોય છે. કાચબાં, બતક, વ્હેલ, કીટક તથા માછલીઓ તેના કેટલાક ઉદાહરણ છે. કબૂતરો અગાઉ ક્યારેય ન ગયા હોય, તેવી જગ્યાએથી પણ પોતાના મૂળસ્થળે પરત ફરતાં હોય છે.

અંગ્રેજી મૂળાક્ષર 'V' આકારની ઉડ્ડાણ

પક્ષીઓ માટે પ્રવાસ દરમિયાન મુખ્યત્વે ત્રણ વ્યવસ્થા દિશાસૂચક યંત્ર તથા નકશાની ગરજ સારે છે. જેમાં સૌથી મુખ્ય પૃથ્વીનું પોતાનું ચુંબકીયક્ષેત્ર છે. જેના આધારે તેઓ રસ્તો ભૂલ્યા વગર લાંબા સમય સુધી ચોક્કસ દિશામાં આગળ વધી શકે છે.

પક્ષીઓની આંખમાં છ અલગ-અલગ પ્રકારના ક્રિપ્ટૉક્રોમ હોય છે, જેમાંથી ચોથા પ્રકારનું ક્રિપ્ટૉક્રોમ તેમના નેત્રપટલમાં હોય છે. જેના આધારે તેઓ પૃથ્વીના ચુંબકીયક્ષેત્રને જોઈ શકતા હોવાનું પણ અમુક સંશોધનોમાં બહાર આવ્યું છે.

પાંજરામાં બંધ પક્ષીઓની આસપાસના ચુંબકીયક્ષેત્રમાં ફેરફાર કરવાથી તેઓ પોતાની દિશા બદલતાં હોવાનું અનેક પ્રયોગોમાં બહાર આવ્યું છે. જળચર પશુઓ પણ ચુંબકીયક્ષેત્રના આધારે દિશા બદલતાં હોવાનું ફલિત થયું છે.

અમુક નાનાં પક્ષીઓ રાત્રીના સમયમાં જ સ્થળાંતર કરે છે. તેઓ ધ્રુવતારા એટલે કે 'નૉર્થ સ્ટાર' કે 'પૉલારિસ'ને ધ્યાનમાં રાખીને પોતાના પ્રવાસની દિશામાં ફેરફાર કરતાં હોય છે. દિવસ દરમિયાન પ્રાણીઓ તેમના પ્રવાસ માટે સૂર્ય ઉપર આધાર રાખતા હોય છે.

આ સિવાય વાતાવરણની સુગંધ કે દુર્ગંધ જેવી પ્રાથમિક ઇંદ્રીયપ્રેરિત માહિતી તેમના માટે નક્શાની ગરજ સારતી હોય શકે છે. આ સિવાય અમુક માહિતી જનીનગત પણ એક પેઢીમાંથી બીજી પેઢીમાં ઊતરતી હોય છે.

તરૂણાવસ્થામાં માતા-પિતા તથા સમૂહની સાથે દેશદેશાવરનો પ્રવાસ ખેડતાં પક્ષીઓનાં મગજમાં અચલ સાદૃશ્યચિહ્નો કેન્દ્રિત થતાં હોય છે. જે તેને આગામી પ્રવાસો દરમિયાન મદદ કરે છે.

યાયાવરો અંગ્રેજી મૂળાક્ષર 'V'ના આકારમાં લાંબી મુસાફરી ખેડતાં હોય છે. આ દરમિયાન યુવા અને સશક્ત પંખી આગળ રહે છે, જ્યારે ઉંમરલાયક અને સગીર પક્ષીઓ પાછળ રહે છે.

ઍરોડાયનેમિક સંરચનાને કારણે પાછળ રહેલાં પક્ષીઓને ઉડ્ડયન દરમિયાન ઓછો શ્રમ પડે છે. આ સિવાય આગળ રહેતાં વિહંગો પણ તેમનાં સ્થાનમાં સમયાંતરે ફેરફાર કરતા રહે છે, જેથી અમુક પંખીઓને વધારે પડતો શ્રમ ન પડે.

પક્ષીઓમાં GPS સિસ્ટમ

19મી સદી સુધી વર્ષના અમુક સમય દરમિયાન જોવા મળતાં પક્ષીઓ બાકીના સમય માટે ક્યાં જતાં રહે છે, તે માટેની કોઈ સ્પષ્ટ માહિતી કે થિયરી આપણી પાસે ન હતી. આના વિશે જાત-જાતની ત્રુટિપૂર્ણ માન્યતાઓ હતી.

19મી સદી દરમિયાન આફ્રિકન તીર સાથેનું એક પક્ષી જર્મનીમાં જોવા મળ્યું, એ પછી પંખીઓ આંતરદેશીય જ નહીં આંતરખંડીય મુસાફરી ખેડતાં હોવાનું નક્કર પુરાવા સાથે પ્રસ્થાપિત થયું.

સંશોધકો દ્વારા જે પ્રજાતિનો અભ્યાસ કરવાનો હોય તેના સ્વસ્થ યુવા નર કે માદાને જાળીમાં પકડવામાં આવતું. આ પ્રકારના અભ્યાસ માટે બાળ કે ઉંમરલાયક પક્ષીઓને બાકાત રાખવામાં આવે છે. પકડાયેલાં પંખીનાં વજન, કદ, લિંગ, પીછાં, શારીરિક લાક્ષ્ણિકતા સહિતની બીજી બાબતો નોંધવામાં આવે છે અને તેની ઉંમરનો અંદાજ નોંધવામાં આવે છે.

ત્યારબાદ જો તે હવાઈ પક્ષી હોય તો તેને પગમાં અને જો જળચરપક્ષી હોય તો તેને ગળામાં ટૅગ કરવામાં આવે છે. આ રિંગ એવી રીતે લગાડવામાં આવે છે કે પક્ષીઓનાં પીંછાથી તે ઢંકાઈ ન જાય અને દૂરથી પણ તેને જોઈ શકાય. સમયની સાથે આ પદ્ધતિ પણ બદલાતી રહી છે.

વર્ષો પહેલાં પક્ષીઓના ઉડ્ડયનમાર્ગનું પગેરું દાબવા માટે તેમાં રિંગ બેસાડવામાં આવતી, જેમાં વિશિષ્ટ આલ્ફા-ન્યૂમેરિક કોડ આપવામાં આવેલો હોય. ઉડ્ડયનમાર્ગ પરના મુકામ દરમિયાન કે પરત આવ્યે તેને પકડવાનો અને વિગતો નોંધવાનો જ વિકલ્પ રહેતો. આ પદ્ધતિમાં સફળતાનો દર પ્રમાણમાં ઓછો રહેતો.

તાજેતરનાં વર્ષો દરમિયાન ઇન્ટરનેટના પ્રચલન પછી અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ, પ્લૅટફૉર્મ તથા સંશોધનસંસ્થાઓ આ કામ સાથે જોડાયેલી છે. પક્ષીઓના બૅન્ડ કે ટૅગને કૅમેરા કે દૂરબીનની મદદથી દૂરથી જોઈ શકાય છે અને વાંચી શકાય છે.

યુએસની કૉર્નેલ લૅબ ઑફ ઑર્નિથૉલૉજીના સિટીઝન-સાયન્ટિસ્ટ પ્રકલ્પ 'ઈ-બર્ડ'ના ગુજરાત સ્ટેટ રિવ્યૂઅર કુનાન નાયકના કહેવા પ્રમાણે, "ગુજરાતમાં આવનારાં મોટાભાગનાં પંખીઓ યુરોપ કે યુરેશિયાનાં હોય છે. જ્યાં તાજેતરનાં વર્ષોમાં પંખીમાં ફ્લૅગ લગાડવાનું ચલણ વધ્યું છે. જેને દૂરથી કૅમેરા કે બાયનૉક્યુલરની મદદથી જોઈ શકાય છે, જેના કારણે અગાઉની જેમ પક્ષીને પકડવાની જરૂર નથી રહેતી."

આ સિવાય આધુનિક સમયમાં સૌરઊર્જાથી સંચાલિત ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (જીપીએસ) ટ્રૅકિંગ ડિવાઇસની મદદથી આપણે જાણી શકીએ છીએ કે આ પશુ-પક્ષીઓ દરવર્ષે હજારો કિલોમીટરનો પ્રવાસ ખેડતાં હોય છે. તેઓ મુસાફરી દરમિયાન રસ્તામાં કઈ જગ્યાએ કેટલા દિવસનો મુકામ કરે છે અને કેટલા દિવસમાં કેટલા કિલોમીટરની મુસાફરી કરીને તેમના વતન પરત ફરે છે તેની વિગતો જાણી શકાય છે.

ડૉ. મોહન રામ તથા અન્ય સહ-સંશોધકોની સાથે મળીને બે કૉમન ક્રેન (કુંજ) અને બે ડેમોઝિલ ક્રેનને (કરકરા) જીપીએસ બેસાડ્યાં હતાં, જે દર અડધી કલાકે પક્ષીઓની માહિતી સાસણ ખાતેના મૉનિટરિંગ યુનિટને પહોંચાડતાં હતાં.

સંશોધનના તારણ પ્રમાણે, એક કુંજે 17 દિવસમાં લગભગ 13 હજાર કિલોમીટરનો પ્રવાસ ખેડ્યો હતો. જ્યારે ભારત આવતી વખતે તેણે 72 દિવસનો પ્રવાસ ખેડીને 14 હજાર 900 કિલોમીટર જેટલી મુસાફરી ખેડી હતી.

જ્યારે કરકરો 18 દિવસમાં લગભગ પાંચ હજાર કિલોમીટરનો પ્રવાસ ખેડીને કઝાખસ્તાન પહોંચ્યો હતો અને 105 દિવસમાં સાત હજાર 400 કિલોમીટરનો પ્રવાસ ખેડીને ભારત આવ્યો હતો. આ પક્ષીઓ ચાલુ સીઝનમાં સાસણના અગાઉના જ ગંતવ્ય ખાતે પહોંચ્યા છે. ચાલુ વર્ષે તેઓ ચોથી વખત ગુજરાતના મહેમાન બન્યાં છે.

સારસમાં પ્રણયક્રીડા

વિદેશથી આવતાં ક્રેનમાં કુંજ, કરકરા ઉપરાંત સાઇબેરિયન ક્રેન તથા વ્હાઇટ ક્રેન મુખ્ય છે અને તેની એક પ્રજાતિ સારસ છે. જે ભારતમાં જોવા મળે છે. તે ઊડી શકે તેવા સૌથી મોટાં પક્ષી છે. તેમનું કદ છ ફૂટ સુધીનું હોય છે, જ્યારે માદાનું કદ પ્રમાણમાં ઓછું હોય છે.

ગુજરાતી ભાષા અને લોકસાહિત્યમાં સારસને બેલડા તરીકે જ જોવામાં આવે છે. એવી માન્યતા છે કે આ પક્ષી જીવનકાળ દરમિયાન એક જ પાર્ટનર સાથે સંબંધ બાંધે છે. જોડીમાંથી કોઈ એકનું મૃત્યુ થાય, તો બીજું પાર્ટનર વિયોગમાં ઝૂરી-ઝૂરીને પોતાનાં પ્રાણ ત્યજી દે છે.

બ્રીડિંગની સીઝન દરમિયાન તેમનો રોમાંસ રોમાંચક હોય છે.તેઓ સાથે મળીને નાચે છે, ગાય છે, કૂદકાં મારે છે અને તણખલાંથી મસ્તી કરે છે.

પ્રણયક્રીડા પહેલાં સારસ તેના પાર્ટનરને ઉત્તેજિત કરવા માટે ડોક ઉપર હળવેકથી બચકું ભરે છે. ગરદનને ઊંચી-નીચી કરીને તે પોતાના પાર્ટનરને સિગ્નલ આપે છે. એ પછી બંને સાથે મળીને ગરદન ઊંચી-નીચી કરે છે.

એક નાનું તણખલું ચૂંટીને નર પ્રણયક્રીડામાં આગળ વધવાનો અણસાર આપે છે. જવાબમાં માદા લાંબું તણખલું ચૂંટે છે અને હકારાત્મક પ્રતિસાદ આપે છે. એ પછી તે કૂદાકૂદ કરીને પોતાની ઉત્તેજનાને અભિવ્યક્ત કરે છે. થોડા સમય માટે બંને આમ જ કૂદાકૂદ કરે છે.

પોતાના પ્રણયને અભિવ્યક્ત કરતી વખતે તેઓ પોતાની પાંખોને ફેલાવી દે છે, જે લગભગ સાતેક ફૂટ સુધી ફેલાઈ શકે છે. તેમનું પ્રણયગાન દૂરથી જ સંભળાય છે. તેમની આ અભિવ્યક્તિમાં ઘણી વખત અન્ય જોડીઓ પણ સામેલ થાય છે.

આ પક્ષીઓ ઉત્તર ગુજરાતમાં મહદંશે જોવા મળે છે અને ત્યાંનાં વૅટલૅન્ડ કે ખેતરોમાં પાણીની પ્રચૂર ઉપલબ્ધતા હોય ત્યાં જ પોતાના માળા બાંધે છે.

જોકે કેટલાંક સંશોધનો અનુસાર આ પક્ષીઓ બેલડીમાં જ નહીં, એકલાં કે પછી જૂથમાં પણ નાચે છે.

સારસમાં પ્રણયત્રિકોણ?

સારસ તેના પાર્ટનરને આકર્ષવા માટે પ્રણયગાન કરે છે અને તે તેમનું 'ઍક્સક્લુઝિવ ડ્યુએટ' જેવું હોય છે.

જોકે, તાજેતરના અભ્યાસમાં બહાર આવ્યું છે કે ચોક્કસ સંજોગોમાં સારસ તેમનાં વિશિષ્ઠ પ્રણયગાનમાં ત્રીજા પાર્ટનરને પણ સામેલ કરે છે, જે નર કે માદા હોય શકે છે.

અભ્યાસ મુજબ ત્રીજું પાર્ટનર બાળકના જન્મ પછી એકાદ મહિનામાં પહોંચી જતું અને તેમને સારસ બેલડાની જરૂરિયાત વિશે કેવી રીતે જાણ થાય છે કે તેઓ કોઈપણ રીતે 'સંબંધી કે પરિવારજન' હોય છે કે કેમ, તે અભ્યાસનો વિષય છે. એક શક્યતા એવી છે કે આ રીતે તેઓ બાળઉછેરની તાલીમ મેળવતાં હોય છે.

ત્રીજા પાર્ટનરની વ્યવસ્થા જે સ્થળે ઈંડા સેવવામાં, બાળકોનો ઉછેર મુશ્કેલ હોય તેવા વાતાવરણમાં કે બાળકની સ્થિતિ નાજુક હોય ત્યાં જ જોવા મળી હતી. ત્રીજા પાર્ટનરની સાથે સંબંધ બાંધે છે કે નહીં તે નિશ્ચિત નથી એટલે તેમને 'થ્રપલ' તરીકે વર્ગિકૃત કરવામાં નથી આવતા.

ગુજરાતમાં સારસ..

દેશ-વિદેશથી પર્યટકોને ગુજરાતમાં આવે તે માટે રાજ્ય સરકારના પર્યટનવિભાગ દ્વારા 'ખુશ્બુ ગુજરાત કી' જેવા પ્રચારઅભિયાન ચલાવવામાં આવે છે. જોકે, દાયકાઓથી આ વિદેશી પક્ષીઓ ગુજરાતમાં આવે છે અને પર્યટકોના આકર્ષણનું કેન્દ્ર બની રહે છે.

નાયકના કહેવા પ્રમાણે, "ગુજરાતમાં 275 કરતાં વધુ પ્રકારનાં પક્ષીઓ વિદેશથી આવે છે, જેમાં જવલ્લે જ જોવા મળતાં પક્ષીઓનો પણ સમાવેશ થાય છે. આમાંથી મોટાભાગના પંખીઓ અહીં જ રોકાય છે, જ્યારે અમુક તેમની આગળની મુસાફરી દરમિયાન રાજ્યમાં મુકામ કરતા હોય છે."

નાયક ઉમેરે છે કે, "દરવર્ષે લાખોની સંખ્યામાં વિદેશી પક્ષી ગુજરાત આવે છે. અહીં નદી, તળાવ, સરોવર અને ડૅમ વગેરેમાં મીઠાપાણીનાં સ્રોતોમાં પક્ષી આવે છે. આ સિવાય દરિયાકિનારે ખારાપાણીનાં પક્ષી પણ આવે છે."

"ચોક્કસ પ્રજાતિનાં પક્ષીઓ, જવલ્લે જ જોવા મળતાં પક્ષી, ચોક્કસ સાઇટ ઉપર જોવા મળતાં પક્ષીની સંખ્યા અને પ્રજાતિ જેવા અભ્યાસ કરવામાં આવે છે એટલે રાજ્યભરમાં આવતાં પક્ષીઓનો આંકડો મેળવવો મુશ્કેલ છે. છતાં તેમની રેન્જ લાખોમાં હશે તે નિશ્ચિત છે."

ગ્રેટર ફ્લેમિંગો કે સુરખાબએ ગુજરાતનું રાજ્ય પક્ષી છે. એક સમયે તેની ગણના નિવાસી તથા પ્રવાસી પક્ષી તરીકે થતી, પરંતુ તાજેતરનાં વર્ષોમાં તેઓ ગુજરાત છોડીને પાકિસ્તાન કે રાજસ્થાન પણ ન જતાં હોવાનું બહાર આવ્યું છે. તેમણે કચ્છ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા તથા પાટણ વગેરે જિલ્લામાં જ પરિભ્રમણ કર્યું હતું.

હજારો કિલોમીટરની લાંબી મુસાફરી દરમિયાન રસ્તાના કોઈપણ સ્થળે રહેવા-ખાવાપીવા કે અન્ય પ્રકારની સમસ્યા ઊભી થાય એટલે તેમને પોતાના ગંતવ્ય સુધી પહોંચવામાં તેને મુશ્કેલી પડે અને સમગ્ર ઇકોસિસ્ટમ ખોરવાઈ જાય.

સ્થળાંતર, સંકટ, સંરક્ષણ

વર્ષ 2018ના એક અભ્યાસ પ્રમાણે,વિશ્વભરમાં 40 ટકા પક્ષીઓની પ્રજાતિઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.

બુખારીના કહેવા પ્રમાણે, "ગુજરાતમાં લોકો દ્વારા દેશી-વિદેશી પક્ષીઓને ગાંઠિયા ખવડાવવામાં આવે છે. તેમને લાગે છે કે તેઓ પુણ્યનું કામ કરી રહ્યાં છે. વાસ્તવમાં આવો ખોરાક પક્ષીઓને માટે હાનિકારક હોય છે. વળી, તેઓને સરળતાથી ખોરાક મળી જતો હોવાથી તેઓ પક્ષી કે કીટકનું પૂરતા પ્રમાણમાં ભક્ષણ નથી કરતા અને ખોરાકચક્રમાં વિક્ષેપ ઊભો થાય છે."

હાઈટેન્શન પાવર લાઇન, કાયદેસર કે ગેરકાયદેસર શિકાર, ભૂમિપ્રદૂષણ, વાયુપ્રદૂષણ, ધ્વનિપ્રદૂષણ, જળપ્રદૂષણ, શહેરીકરણ વગેરે જેવી સમસ્યાઓ તેમને નડતી હોય છે. ડૉ. મોહન રામના કહેવા પ્રમાણે, "વિદેશથી આવતાં પક્ષીઓ ગુજરાતનાં જળસ્રોતોની આસપાસનાં ખેતરોમાંથી કીટકોને એવી રીતે વીણી લે છે અને ખેતરને સાફ કરી નાખે જાણે કે કોઈકે જોતર્યું હોય."

"ખેતરમાં વપરાતાં જંતુનાશકો આ પક્ષીઓ માટે હાનિકારક હોય છે. આ સિવાય ખેડૂતો મગફળીના બદલે કપાસ જેવા પાક તરફ વળી રહ્યાં છે. જે ક્રેન જેવાં પક્ષીઓ માટે રહેવા-ખાવાની સમસ્યા ઊભી કરે છે."

"આ મુદ્દે અમે ખેડૂતોમાં જાગૃતિ લાવવા માટે પ્રયત્નશીલ છીએ અને તેઓ પણ આ વાતને સકારાત્મક પ્રતિસાદ આપી રહ્યા છે. સ્વયંસેવકો અને સ્વૈચ્છિક સંસ્થાઓ પણ સંરક્ષણના કામમાં તંત્રની મદદ કરી રહ્યાં છે."

જળવાયુપરિવર્તન તથા અન્ય કારણોસર ઋતુ બેસવામાં ફેર આવતો હોય છે. આમ છતાં વિદેશમાં વસતાં પક્ષીઓ દર વર્ષે તેમને સાનુકૂળ હોય તેવી પરિસ્થિતિ દરમિયાન જ તેમના ગંતવ્યસ્થાને કેવી રીતે પહોંચે છે જેવા અનેક સવાલ સંશોધકોને મન કોયડા સમાન છે.

વર્ષોથી પાસપૉર્ટ-વિઝા વગર માનવનિર્મિત સરહદોને પાર કરીને આ પક્ષીઓ દેશદેશાવરની સફર ખેડતા હોય છે. તેઓ ગત વર્ષોમાં અહીં આવતાં હતાં અને આગામી વર્ષોમાં પણ આવશે જ. ફિલ્મ રૅફ્યૂજીમાં જાવેદ અખ્તરે લખેલી ગીતની એક કડી કદાચ આ સ્થિતિને સારી રીતે રજૂ કરે છે:

પંછી, નદીયાં, પવન કે ઝોંકે, કોઈ સરહદના ઇન્હેં રોકેં

સરહદે ઇન્સાનો કે લિયે હૈં, ફિર સોચું તુમને ઔર મૈનેં

ક્યા પાયા ઇંસા હોકે ?