કબૂતરની ચરકમાં એવું શું છે જે માણસનાં ફેફસાંને નુકસાન કરી શકે? કેવી રીતે બચી શકાય?

    • લેેખક, રુચિતા પુરબિયા
    • પદ, બીબીસી ગુજરાતી માટે

"કોરોના પછી તેમની તબિયત બગડવા લાગી અને તેમને ઑક્સિજન પર મૂકવાં પડ્યાં અને ત્યારથી આજ દિન સુધી તેઓ 24 કલાક ઑક્સિજન પર જ જીવે છે."

આ શબ્દ છે અમદાવાદના સિદ્ધાર્થભાઈના જેમનાં પત્ની અલ્પાબહેન શાહને ફેફસાંની બીમારી (ફાઇબ્રોસિસ) છે.

સિદ્ધાર્થભાઈ કહે છે કે, "અમે 2011માં માઉન્ટ આબુ ફરવા ગયા હતા ત્યારે અમને ખબર પડી કે તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. આબુથી પરત ફર્યા બાદ અમે તેમની શ્વાસની તકલીફનું કારણ જાણવા માટે ડૉક્ટર પાસે ગયા હતા. કેટલાક ચેકઅપ કરાવ્યા પછી અમને ખબર પડી કે તેમને ફેફસાંમાં ફાઇબ્રોસિસ થયો છે."

સિદ્ધાર્થભાઈ કહે છે કે, "અમને જાણીને નવાઈ લાગી કે અલ્પાના રોગનું મૂળ કારણ અમારા ઘરના બાથરૂમની બારીની બહાર અને ચોકડીમાં સતત રહેતાં કબૂતરની ચરક હતું."

"અમે ડૉક્ટર દ્વારા સૂચવવામાં આવેલી દરેક સંભવિત કાળજી લેતાં અને તેના કારણે તેઓ સામાન્ય જીવન જીવી રહ્યાં હતાં. પરંતુ કોરોના પછી તેમની તબિયત બગડી અને તેમને ઑક્સિજન પર મૂકવા માટે અમે મજબૂર થયા અને ત્યારથી તેઓ 24 કલાક ઑક્સિજન પર જીવે છે."

જોકે, આ કોઈ એક વ્યક્તિની કહાણી નથી.

અમદાવાદનાં જ રહેવાસી રૂપલબેન પરીખની કહાણી તો અતિશય ગંભીર છે.

રૂપલ પરીખ કહે છે કે, "મને સૌપ્રથમ 1992માં ઉધરસ, તાવ અને શરદી સતત રહેવા લાગી. ત્યારે હું ફક્ત 24 વર્ષની હતી. ડૉકટરોએ પહેલાં કહ્યું કે મને ટીબી થયો છે."

"મેં ટીબીની દવા કરાવી પરંતુ તેનાથી કોઈ ફર્ક ન પડ્યો અને ઊલટાની ટીબીની દવાની મારા શરીર ઉપર વિપરીત અસરો દેખાવા લાગી. પછી હું ડૉક્ટરને બતાવવા મુંબઈ ગઈ ત્યારે ખબર પડી કે મારા ફેફસામાં ફાઇબ્રોસિસ છે."

"મારા ઘરની નજીક જ લોકો કબૂતરોને દાણા નાખતા અને એ કબૂતરોના જૈવિક રજકણો મારાં ફેફસાંમાં ગયાં હતાં અને તેણે મારાં ફેફસાંને બગાડ્યાં હતાં."

"1992થી 2017 સુધી તો હું દવાઓને આધારે સ્વસ્થ રહી પરંતુ 2017થી મને ઑક્સિજનના બાટલાની જરૂર 24 કલાક પડવા લાગી."

"2017થી 2022 સુધી મેં મારું જીવન ઑક્સિજનના બાટલા ઉપર જીવ્યું છે અને 2022માં મેં મારા બંને ફેફસાંનું ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતું."

તાજેતરમાં જ વડોદરાના જરોદ ગામના ડિમ્પલ શાહનાં ફેફસાંનું ચેન્નઈના રેલા હૉસ્પિટલ દ્વારા સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું.

બીબીસી સાથે વાત કરતા ડિમ્પલ શાહ કહે છે કે, "2015માં મને ભયંકર ઉધરસ થવા લાગી, અનેકવાર હું હૉસ્પિટલમાં દાખલ પણ થઇ. પરંતુ મારી સ્થિતિ સુધરતી ન હતી."

"મારી બીમારીનો ઇલાજ કરવા અમે અમદાવાદ આવ્યા પરંતુ અહીં પણ મને કશો ફેર પડતો ન હતો."

"કોઈએ અમને કહ્યું કે તમે મુંબઈ જાઓ ત્યાં સારી સારવાર થાય છે એટલે અમે મુંબઈના ડૉકટરોને પણ બતાવ્યું. પરંતુ મારી સ્થિતિમાં ફરક જ પડતો ન હતો."

"થોડાં વર્ષો બાદ તો મને શ્વાસ લેવામાં પણ તકલીફ થવા લાગી, હું ઑક્સિજનના બાટલા પર જ જીવવા લાગી. અમને કોઈએ કહ્યું કે ચેન્નઇમાં ફેફસાંનાં ટ્રાન્સપ્લાન્ટ માટે સૌથી વધારે અંગદાતા મળે છે તેથી અમે નવેમ્બરમાં ચેન્નઇ ગયાં હતાં."

"ડૉક્ટરે મને કહ્યું હતું કે નવા ફેફસાં વગર હું ટૂંક સમય જ જીવીશ. આખરે અમે ફેફસાંને ટ્રાન્સપ્લાન્ટ કરવાનો નિર્ણય લીધો. દાતા મળવામાં આઠ મહિના લાગ્યા પરંતુ આખરે ઑપરેશન થયું અને સફળ રહ્યું."

"આ તમામ કિસ્સાઓમાં એક જેવી જ પરિસ્થિતિઓ સામે આવી હતી અને તેમને લગભગ એકસમાન રોગ જ જોવા મળ્યો હતો."

2019માં ક્વીન એલિઝાબેથ યુનિવર્સિટી હૉસ્પિ઼ટલ, ગ્લાસગોમાં બે લોકોના મૃત્યુ થયાં હતાં જેમાં પાછળથી એવું તારણ નીકળ્યું હતું કે કબૂતરની ચરક તેના પાછળનું મોટું કારણ હતી.

કબૂતરને કારણે થતો આ રોગ શું છે?

ફેફસાંની રચના વિશે જાણકારી આપતાં અમદાવાદના પલ્મોનોલૉજિસ્ટ ડૉ.પાર્થિવ મહેતા જણાવે છે કે, "મનુષ્યના ફેફસાં જાણે કે એક મોટી ગળણી છે. એક શ્વાસમાં 750 મિલી હવા આપણે શરીરમાં લઈએ છીએ. 1 મિનિટમાં 10 લિટર, 1 દિવસમાં 14,400 લિટર હવા આપણા શરીરમાં જાય છે. આ હવામાં તરતાં ધૂળ, કચરો અને રજકણોની સાથેસાથે જૈવિક રજકણો પણ હોય છે, જેમ કે પશુ, પંખી અને વનસ્પતિમાંથી નીકળતા રજકણો.”

તેઓ આગળ સમજાવે છે કે, "અમદાવાદની વસ્તી 85 લાખ છે. તેમાંથી ભાગ્યે જ 8500 લોકો એવા હશે કે જેમની શરીરની પ્રતિક્રિયાશીલતા (જેને હાઇપરરિઍક્ટિવિટી કહેવાય) એટલી તીવ્ર હશે કે એમના ફેફસાંમાં પ્રવેશતા જૈવિક રજકણોનો એ તીવ્રતાથી પ્રતિરોધ કરી શકે."

"આ કણોમાં ફંગસ/ફૂગ હોય છે અને ભેજવાળું હવામાન આવી ફૂગના વિકાસ માટે અનુકૂળ પરિસ્થિતિઓ પૂરી પાડે છે અને પછી એ ફંગસ એકમાંથી અનેક થાય છે. આમ, એકથી અનેક થયેલી આ ફંગસને હાઈપરસેન્સિટિવિટી ન્યુમોનાઇટિસ કહેવામાં આવે છે."

આવા લોકોના શરીર જૈવિક રજકણોથી તેમનાં ફેફસાંને બચાવવા માટે ફેફસાં પર એક પ્રોટીનનો થર બનાવી દે છે અને ધીરે ધીરે વાયુકોષોની ચામડી જાડી થવા લાગે છે જેને ફાઇબ્રોસિસ કહેવાય છે.

તેઓ જણાવે છે કે, "મનુષ્યનાં ફેફસાંમાં 30 કરોડ વાયુકોષો છે. આ 30 કરોડ વાયુકોષોમાંથી પાંચથી સાત કરોડ વાયુ કોષોમાં કોઈ હાનિ પહોંચે ત્યાં સુધી ફેફસાંને કોઈ ફેર પડતો નથી. પરંતુ જયારે આ સંખ્યા વધતી જાય છે અને તેમ છતાં દર્દી જાગૃત ન થાય, ડૉક્ટર પાસે તપાસ ન કરાવે ત્યારે 20થી 22 કરોડ વાયુકોષો ઉપર અસર થાય છે."

આ સિવાય જે વ્યક્તિઓને દમનો રોગ હોય કે વારસાગત કોઈ એલર્જી થતી હોય અથવા જેમના ઘરમાં પાલતુ પ્રાણીઓ હોય કે બાળપણમાં કૃમિનો રોગ થયો હોય તો તેમને આ રોગ થવાની શક્યતા છે.

ડૉ. જીતેન્દ્ર કોટડિયા પણ પલ્મોનોલોજિસ્ટ અને ફેફસાંનાં ટ્રાન્સપ્લાન્ટ નિષ્ણાત છે. તેઓ કહે છે કે, "લંગ ફાઇબ્રોસિસમાં ફેફસાંમાં આવતી હવાની કોથળીઓની આસપાસની પેશીઓ ક્ષતિગ્રસ્ત અને ઘટ્ટ બને છે. જેમ જેમ ફેફસાં જકડાય છે અને ઘટ્ટતા વધે છે તેમ શ્વાસ લેવામાં મુશ્કેલી થાય છે. આથી પૂરતી માત્રામાં ઑક્સિજન તમારા લોહીમાં પ્રવેશતું નથી."

ફેફસાંને હાનિ પહોંચાડવામાં કબૂતર કેવી રીતે ભૂમિકા ભજવે છે?

ડૉ. જીતેન્દ્ર કહે છે કે, "ભારતમાં, મોટેભાગે હાઈપરસેન્સિટિવિટી ન્યુમોનિટીસ એ કબૂતરના ચરકના સંપર્કને કારણે થાય છે."

“પક્ષીના ચરક અને પાંખમાંથી ફંગસ, બેક્ટેરિયા, વાઇરસ અને પ્રોટીન નીકળતા હોય છે. આ કણોના સંપર્કમાં આવવાથી ઘણી બધી બીમારીઓ ઉત્પન્ન થઈ શકે છે. પક્ષીઓના શરીરમાંથી પણ આ કણ નીકળતા હોય છે."

"આ સિવાય હાઇપરસેન્સિટિવિટી ન્યુમોનિટીસ અનેક કારણોથી થઈ શકે છે જેમ કે, વેટરનરી ડૉક્ટર કે જેઓ પક્ષીઓના સંપર્કમાં આવતા રહે છે તેમને આ રોગ આસાનીથી થઈ શકે છે. આ સિવાય મરઘાં ઘર, રૂની ફેકટરીમાં કામ કરતા લોકોમાં પણ આ રોગ થઈ શકે છે."

તેઓ સમજાવતાં કહે છે કે, "કબૂતર જયારે ઉડે છે ત્યારે તે પાંખ ફફડાવે છે. તેમાંથી પ્રોટીન નીકળે છે જે હવામાં તરતાં રહે છે."

"આ પ્રોટીન કેટલાક દિવસો સુધી હવામાં તરે છે જે શ્વાસ મારફતે ફેફસાંમાં જાય છે. આ ઉપરાંત કબૂતરનું ચરક આપણા આંગણા કે બાલ્કનીમાં પડ્યું રહે છે."

"જયારે ચરક સાફ કરવામાં આવે છે ત્યારે એક્દમ વધારે માત્રામાં પ્રોટીન નીકળે છે જે શ્વાસમાં જાય છે. આ બીમારી જીવલેણ હોય છે અને તે મહિનાઓ અને વર્ષો સુધી વિકસતી રહે છે."

આ રોગનાં પ્રારંભિક લક્ષણો શું છે?

ડૉ. મહેતા ફેફસામાં થતી હાનિ વિશે સમજાવતા કહે છે કે, "પહેલા તો દર્દીને વધુ ચાલવાથી શ્વાસ લેવામાં તકલીફ થતી હોય છે, પરંતુ ધીરે ધીરે દર્દી થોડું ચાલે તો પણ તેમનો શ્વાસ ફૂલવા લાગે છે."

'લંગ ઈન્ડિયા'એ આ અંગે 37 દર્દીઓ પર સંશોધન કર્યું હતું. આ અભ્યાસ મુજબ, દર્દીઓના સામાન્ય લક્ષણો ઉધરસ (77 ટકા) અને શ્વાસ લેવામાં તકલીફ (92 ટકા) હતા. સતત ઉધરસ અને તાવ આવવો પણ તેનાં લક્ષણો હોઈ શકે.

નિદાન કઈ રીતે થાય છે?

ડૉ. જીતેન્દ્ર કહે છે કે સૌપ્રથમ, અમે મૂળ કારણનું મૂલ્યાંકન કરવા માટે દર્દીનો વિગતવાર ઇતિહાસ પૂછીએ છીએ કે શું તેઓ કદી કોઈપણ પ્રકારના જૈવિક કણોના સંપર્કમાં આવ્યા છે.

તમે ઍક્સ-રે પર ફાઇબ્રોસિસ જોઈ શકો છો, પરંતુ તેની હાજરીની પુષ્ટિ કરવા માટે સામાન્ય રીતે હાઈ- રિઝોલ્યુશન સીટી સ્કેનનો ઉપયોગ કરવામાં આવે છે. અને ભાગ્યે જ કોઈક કિસ્સાઓમાં બાયોપ્સીની જરૂર પડે છે.

શું આ રોગ મટાડી શકાય?

રૂપલબહેન આ સવાલનો જવાબ આપતાં કહે છે કે, "મને 1992થી ફેફસાંનું ફાઇબ્રોસિસ છે અને તેમ છતાં હું આજે સ્વસ્થ જીવન જીવું છું. મેં અને મારા પરિવારે એ ચોકસાઈ રાખી છે કે અમે ડૉકટરોની સલાહને કડક રીતે અનુસરીએ."

સિદ્ધાર્થભાઈ કહે છે કે, "અલ્પા તો આજે પણ હરવાં-ફરવાં જાય છે. અમે લગ્ન-પ્રસંગોમાં પણ જઈએ છીએ. ઑક્સિજન પર હોવા છતાં તે સંપૂર્ણપણે સામાન્ય જીવન જીવે છે. એકવાર રોગની જાણ થઈ પછી અમે અત્યંત સાવચેતી રાખવાનો પ્રયાસ કર્યો છે જેથી અલ્પા ફરીથી રોગના સ્ત્રોતના સંપર્કમાં ન આવે."

ડૉ. જીતેન્દ્ર સમજાવે છે, "જો રજકણના સ્ત્રોતને પ્રારંભિક તબક્કે જ દૂર કરી દેવામાં આવે તો નુકસાનને ઓછું કરવાની તક છે. ફેફસાંની પોતાની પુનર્જીવન કરવાની ક્ષમતા હોતી નથી."

ડૉ. મહેતા કહે છે કે આ રોગ જીવલેણ નથી અને એવું પણ નથી કે બધાને ફેફસાંનું ટ્રાન્સપ્લાન્ટ કરવાની જરૂર પડે છે. આ રોગમાં એ વાતનું અત્યંત ધ્યાન રાખવાનું છે કે દર્દીનો ફરીથી તેના મૂળ સ્ત્રોત સાથે સંપર્ક ન થાય.

જો ડૉક્ટરની તમામ સૂચનાઓનું યોગ્ય રીતે ધ્યાન રાખવામાં આવે તો દર્દી સ્વસ્થ અને સામાન્ય જીવન જીવી શકે છે.

આ રોગનો ઈલાજ શું છે?

ડૉ. મહેતા કહે છે કે, "ભેજવાળી જગ્યાથી દૂર રહેવાનું, વરસાદ હોય તો બહાર નહીં નીકળવાનું અને લાંબા સમય સુધી ભીંજાવાનું નહીં. એવા ખોરાક કે જે શરદી-ખાંસી કરે તે ખાવા ન જોઈએ.“

ડૉ. જીતેન્દ્ર કહે છે કે, "હાઇપરસેન્સિટિવિટી ન્યુમોનાઇટિસ એ પ્રગતિશીલ રોગ છે તેથી દર્દીઓએ દરરોજ તેમના રોગનું નિરીક્ષણ કરવું જોઈએ. દર્દીએ દરરોજ થોડું ચાલવું જોઈએ. તેમણે ઊંડા શ્વાસ લેવાની પ્રૅક્ટિસ કરવી જોઈએ, પ્રાણાયામ જેવી કસરતો કરવી જોઈએ, ડૉક્ટરને નિયમિત બતાવવું જોઈએ."

દર્દીએ નિયમિત અંતરાલમાં ફેફસાંની દેખરેખ રાખવા માટે ફેફસાંનાં કાર્યનું પરીક્ષણ, છ મિનિટ સુધી ચાલવાનો ટેસ્ટ અને સીટી સ્કેન કરાવવું જોઈએ.

દર્દીએ શું સાવચેતી રાખવી જોઈએ?

સિદ્ધાર્થભાઈ વિગતવાર જણાવે છે કે, "અમે કબૂતરોને દૂર રાખવા માટે અમારા ઘરની આસપાસ જાળી લગાવી દીધી છે. અમારા ગેસ પર ચીમની પણ મૂકી છે, જેથી વઘારના કણો શ્વાસમાં ન જાય. જો ઘરમાં કોઈને તાવ અથવા ખાંસી આવે તો અમે તેમને ઘરમાં આમતેમ ફરવા નથી દેતા. જરૂર પડે તો ગરમ પાણીના વરાળનો નાસ લઈએ છીએ. પ્રસંગોમાં જતાં પહેલાં કાળજી રાખીએ છીએ કે એ સ્થળ ખુલ્લી જગ્યામાં છે કે નહીં."

ડૉ. મહેતા આગળ સમજાવે છે કે, "આજકાલ એ.સી.નો એક ભાગ બાલ્કનીમાં હોય છે જે ભેજવાળી આબોહવા માટે સારી જગ્યા છે અને કબૂતરો તેને આરામનું સ્થળ બનાવે છે. જેના કારણે કબૂતરો માણસોની નજીક આવે છે. લોકોએ ઘરના દરવાજા અને બારીઓ ખોલવા જોઈએ. સૂર્યપ્રકાશ જે કુદરતી જંતુનાશકો અંદર આવવા દેવો જોઇએ."

ડૉ. પાર્થિવ મહેતા કોવિડ -19 પછી ફેફસાંનાં ફાઇબ્રોસિસવાળા દર્દીઓ પરની અસરો વિશે વાત કરે છે.

તેઓ કહે છે કે જે દર્દીઓ કોરોનાથી સંક્રમિત થયા અને પહેલાંથી જ ફાઇબ્રોસિસ ધરાવતા હોય તો તેમની કાળજીપૂર્વક સારવાર કરવામાં આવે એ ખૂબ જરૂરી છે. તેઓ દવાનો સંપૂર્ણ કોર્સ પૂરો કરે તે જરૂરી છે.

તેઓ વધુમાં કહે છે કે સામાન્ય રીતે તો કોરોના પોતે આ રોગને વધારતો નથી. પરંતુ એ વ્યક્તિના શરીરની રચના ઉપર પણ નિર્ભર કરે છે. આ ઉપરાંત દવાનો અધૂરો કૉર્સ, અનિયંત્રિત ડાયાબિટીસ, સ્થૂળતા, એચઆઈવી, કૅન્સર અથવા આવા કોઈપણ ક્રૉનિક રોગો સ્વાસ્થ્યની સ્થિતિને બગાડે છે.

તો શું પક્ષીઓને દાણા ના નાખવા જોઈએ?

ડૉ.ઇન્દ્રા ગઢવી ભાવનગર યુનિવર્સિટીમાં ડિપાર્ટમેન્ટ ઑફ મરીન સાયન્સના હેડ છે અને ઑર્નિથોલૉજીસ્ટ (પક્ષીઓનો અભ્યાસ) પણ છે.

તેઓ બીબીસી સાથે વાત કરતા કહે છે કે, "કબૂતરની વસ્તી વધી રહી છે તે સાબિત કરે તેવા કોઈ વૈજ્ઞાનિક દસ્તાવેજ નથી કે કોઈ સરવે પણ કરવામાં આવ્યો નથી. તેઓ વધુમાં ઉમેરે છે કે માત્ર કબૂતર જ નહીં પરંતુ ઘણાં પક્ષીઓના સંપર્કમાં આવવાથી લોકોને આ પ્રકારના ઝૂનોટિક રોગો થઈ શકે છે."

"આથી જ પક્ષીઓને ખોરાક આપવાનું સત્તાવાર રીતે બંધ કરવું જોઈએ. જ્યારે આપણે પક્ષીઓને ખવડાવીએ છીએ ત્યારે આપણું આ વલણ પક્ષીઓની કુદરતી વૃત્તિથી પોતાનો ખોરાક જાતે શોધવાની સૂઝ ઘટાડે છે."

ડૉ. બકુલ ત્રિવેદી ‘ફ્લેમિંગો ગુજરાત’ નામની એક સંસ્થા ચલાવે છે જે ગુજરાત રાજ્યમાં પક્ષીવિજ્ઞાન આધારિત ન્યૂઝલેટર પ્રસિદ્ઘ કરે છે. તેઓ પક્ષીઓના નિયંત્રણ વિશેના મહત્ત્વ પર વાત કરતા કહે છે કે, "જો લોકો દાણા નાખવાનું બંધ કરી દે તો પક્ષીઓ શહેરી વિસ્તારો છોડી તેમના પ્રાકૃતિક રહેઠાણમાં પાછા ફરે અને આપોઆપ તેમની વસ્તીમાં નિયંત્રણ આવે."

તેઓ કેટલાંક મ્યુનિસિપલ કૉર્પોરેશનો કે જેમણે તાજેતરમાં પક્ષીઓને ખવડાવવા માટે દંડ લાગુ કર્યો છે તેમના વિશે વાત કરતાં કહે છે, "આ સમસ્યાનો ઉકેલ માત્ર પગલાં લેવામાં નથી, પરંતુ તેના અમલીકરણના યોગ્ય સ્વરૂપમાં છે. લોકોમાં જાગૃતિ અને સભાનતા લાવવાની જરૂર છે જે ફક્ત દંડ વસૂલવાથી નહીં આવે."

“નાગરિકોમાં જાગૃતિ લાવવા હેતુસર, આ પક્ષીઓની માનવ સ્વાસ્થ્ય પર થતી નકારાત્મક અસરો દર્શાવતા બેનરો ચાર રસ્તાઓ પર લગાવી શકાય છે. જો પક્ષીઓને દાણા મળવાનું બંધ થશે તો તેઓ આંગણાઓ અને બાલ્કની છોડીને તેમના કુદરતી રહેઠાણમાં પાછા ફરશે."

હિંદુ અખબારના એક સમાચાર અનુસાર, 1941માં કબૂતરોને પાળવા માટે બનાવવામાં આવેલા પ્રખ્યાત એક કબૂતરખાનાના આશ્રયસ્થાન અને સામુદાયિક ઉદ્યાનની ફરતે અત્યારે કામદારોએ પ્લાસ્ટિકની ચાદર બાંધી દીધી છે. આ કબૂતરખાનાની નજીક રહેતા લોકોને શ્વાસ લેવામાં તકલીફ અને એલર્જીના કેસો નોંધાયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ વર્ષે નાગરિકોના સ્વાસ્થ્ય પર થતી નકારાત્મક અસરોને ધ્યાનમાં રાખીને પુણે, પનવેલ અને થાણે કૉર્પોરેશને લોકો કબૂતરોને ખવડાવે નહીં તેના માટે દંડ લગાવ્યો છે. પુણે મ્યુનિસિપલ કોર્પોરેશને આ વર્ષે માર્ચમાં જ જાહેરાત કરી હતી કે જાહેરમાં કબૂતરોને ખવડાવવા પર 500 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે. બેંગલુરુમાં પણ કબૂતરોને દાણા નાખવાનું ટાળવા માટે લોકોને ચેતવવામાં આવ્યાં.

જોકે પશુ અધિકારો માટે કામ કરતા કાર્યકરોનું કહેવું છે કે વહીવટીતંત્રે કૂતરાં, અને પક્ષીઓને ખવડાવવાની જવાબદારી લેવી જોઈએ.

વર્ષ 2019માં મુંબઈમાં ફ્લૅટમાં રહેતાં એક મહિલાને બાલ્કનીમાંથી કબૂતરોને દાણા ખવડાવવાથી રોકવાના મામલે હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો હતો. જસ્ટિસ યુયુ લલિત અને ઇન્દુ મલ્હોત્રાની બૅન્ચે કહ્યું હતું કે, "જો તમે રેસિડેન્શિયલ સોસાયટીમાં રહેતાં હોત તો નિયમોનું પાલન કરવું પડે."

એટલું જ નહીં યુરોપના શહેર વેનિસમાં પણ કબૂતરોને દાણા નાખવાનું રોકવા માટે ઝુંબેશ ચલાવવામાં આવી અને ખરેખર પ્રતિબંધ લાદવામાં પણ આવ્યો હતો.