એવી ટેકનૉલૉજી જેમાં હવે નર જન્મશે જ નહીં, માત્રા માદા જ પેદા થશે

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

'મુજે આજ કુછ ન કહેના, મેરા દીલ ઠિકાને હૈ ના. મુરગે સે બોલી મુરગી, તોતે સે બોલી મૈના.' લગભગ 32 વર્ષ પહેલાં (વર્ષ 1991) આવેલી ફિલ્મમાં અમિતાભ બચ્ચન આ ગીત દ્વારા પોતાના હાલ વર્ણવે છે. જોકે, વિજ્ઞાનને કારણે આવનારાં વર્ષોમાં કદાચ આ ગીત સાંપ્રત નહીં રહે.

ઇઝરાયલના વિજ્ઞાનીઓએ એવી ટેકનૉલૉજી શોધી કાઢી છે, જેની મદદથી માત્ર મરઘીઓનો જન્મ થશે અને મરઘા જન્મશે જ નહીં.

દર વર્ષે લગભગ સાત અબજ મરઘા માત્ર એક દિવસના થાય ત્યારે ઇલેક્ટ્રિક શોક આપીને અથવા તો ગુંગળાવીને મારી નાખવામાં આવે છે, કારણ કે તેઓ ઈંડાં નથી આપી શકતા તથા તેમનું માંસ ખાવા માટે સારું નથી હોતું. હવે, નવી પ્રૌદ્યોગિકીથી આ જીવહિંસા અટકશે.

વિજ્ઞાનનો ઉપયોગ કરીને ગુજરાતની ગીર ગાયમાં પણ માત્ર વાછરડીનો જન્મ થાય અને આખલા પેદા ન થાય તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જન્મદરને વધારવા માટે આઈવીએફની પણ મદદ લેવામાં આવી રહી છે.

Baby Boy કે Baby Girl?

માત્ર મરઘી જ જન્મે કે ગાય જ પેદા થાય તે માટેની ટેકનૉલૉજીને સમજતા પહેલાં માનવના ઉદાહરણ દ્વારા આ વિજ્ઞાનને સમજીએ.

મનુષ્યમાં રંગસૂત્રની 23 જોડ જોવા મળ છે, જેમાંથી રંગસૂત્રની 22 જોડ સ્ત્રી અને પુરુષમાં એકસમાન હોય છે. તેને દૈહિક રંગસૂત્ર કહેવામાં આવે છે. સ્ત્રીમાં 23મી જોડનાં બંને રંગસૂત્ર સરખાં હોય છે, જેને 'X' રંગસૂત્ર કહેવામાં આવે છે.

પુરુષની 23મી જોડમાં રહેલું એક રંગસૂત્ર 'X' પ્રકારનું હોય છે, જ્યારે બીજાને 'Y' રંગસૂત્ર કહેવામાં આવે છે, જે પ્રમાણમાં નાનું હોય છે. આમ 'X' અને 'Y'ને કારણે રંગસૂત્ર નક્કી થતાં હોવાથી તેને લિંગી રંગસૂત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે.

પુરુષના વીર્યમાં રહેલાં 'X' રંગસૂત્રનું સ્ત્રીનાં બીજ સાથે મિલન થાય ત્યારે તે 'XX' હોવાને કારણે બાળકીનો જન્મ થાય. એવી જ રીતે પુરુષના વીર્યમાં રહેલાં 'Y' રંગસૂત્રનું મહિલાનાં અંડ સાથે મિલન થાય ત્યારે તે 'XY' હોયતો છોકરાનો જન્મ થાય.

આમ નક્કર આંકડાશાસ્ત્રીય રીતે જોવામાં આવે તો બાળકી કે બાળકનો જન્મ થવાની સંભાવના સમાન છે અને તે 50:50 શક્યતા ધરાવે છે.

કોઈ મહિલા શારીરિક અક્ષમતાને કારણે કે ગર્ભાશયના નબળું હોવાને કારણે ગર્ભધારણ કરવા સક્ષમ ન હોય ત્યારે સરોગસી થકી ગર્ભધાન કરાવવામાં આવે છે. જેમાં લૅબોરેટરીમા સ્ત્રીનાં બીજ અને પુરુષના શુક્રાણુનું મિલન કરાવવામાં આવે છે અને પછી તેને અન્ય કોઈ સ્ત્રીનાં ગર્ભાશયમાં પ્રત્યારોપિત કરવામાં આવે છે.

એવી જ રીતે પુરુષના શુક્રાણુઓની સંખ્યા કે તેની ગતિમાં કોઈ ખામી હોય તો આઈવીએફ (ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન) દ્વારા લૅબોરટરીમાં શુક્રાણુ અને અંડબીજનું મિલન કરાવીને તેને મહિલાના ગર્ભાશયમાં પ્રસ્થાપિત કરવામાં આવે છે.

મરઘી પહેલાં ઈંડું

માનવની માફક મરઘીઓમાં ' WZ ' અને મરઘામાં 'ZZ' રંગસૂત્રની જોડ હોય છે. બંનેના સંવનનથી 'WZ' જોડ બનવાથી મરઘી જન્મે છે અને 'ZZ'થી મરઘો પેદા થાય છે. ઇઝરાયલના તેલ અવિવસ્થિત વૉલ્કાની ઇન્સ્ટિટ્યૂટના સંશોધકોએ મરઘીના 'Z' રંગસૂત્રમાં ફેરફાર કર્યો છે, જેના કારણે હવે તેમનાં ઈંડાંમાંથી માત્ર મરઘીઓ જ જન્મશે.

સંશોધકોનું કહેવું છે કે મરઘીઓ તથાં તેનાં ઈંડાંમાં આ જનીનીસુધારની કોઈ આડઅસર નહીં થાય. ડૉ. યુવલ સિનેમોન આ મરઘીઓને 'ગૉલ્ડા' તરીકે ઓળખાવે છે. બીબીસી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું, "આ શોધને કારણે આ ક્ષેત્રમાં ક્રાંતિ આવશે. તેનાથી ન કેવળ ચિકનને પરંતુ મનુષ્યને પણ અસર થશે, કારણ કે તે પૃથ્વી પરની દરેક વ્યક્તિને અસર કરતી બાબત છે."

ગૉલ્ડા મરઘીઓના રંગસૂત્રમાં સામાન્ય ફેરફાર કરવામાં આવ્યો છે, જ્યારે ઈંડાંની ઉપર કલાકો સુધી બ્લૂ રંગનો પ્રકાશ પાડવામાં આવશે, ત્યારે જ તે સક્રિય થશે. તેનાથી મરઘાનો જન્મ નહીં થાય અને માદાના જન્મની પ્રક્રિયાને કોઈ અસર નહીં થાય. સંશોધકોનો દાવો છે કે તેનાથી ઈંડાંની કે ચિકનની ગુણવત્તામાં કોઈ ફેર નહીં પડે.

ડૉ. સિનેમોન એક કંપનીના માધ્યમથી આ ટેકનૉલૉજીને બજારમાં મૂકવા માગે છે, આથી વિજ્ઞાનીઓ તેમના દાવાની સ્વતંત્ર સમીક્ષા કરી શકે તેમ નથી. છતાં યુકેસ્થિત પશુઅધિકાર સંસ્થા 'કમ્પૅશન ઇન વર્લ્ડ ફાર્મિંગ'એ આ સંશોધનને ત્રણ વર્ષ સુધી નજીકથી જોયું છે અને તેની હિમાયત કરી છે.

ગુજરાત, ગીર ગાય, ગર્ભધાન

ગુજરાત સહતિ દેશભરમાં દૂધાળાં પશુઓના સંદર્ભમાં પણ આ પ્રકારની અવઢવ જોવા મળી રહી છે, જ્યાં ધાર્મિક કારણોસર ખેડૂતો કે પશુપાલકો વાછરડાને કતલખાને નથી મોકલતા. ઘણી વખત ગોવંશના નામે પણ તેની કતલ નથી થઈ શકતી.

આ સમસ્યાના ઉકેલ માટે ભારતમાં લૅબોરેટરીમાં ધણખૂંટના (જે સારામાં સારો સાંઢ કે આખલો હોય તે ગાયોના ધણને ગર્ભધાન કરાવતો હોય છે, બાકીનાનું ખસીકરણ કરીને તેમને બળદ બનાવી દેવામાં આવે છે, એટલે આ શબ્દપ્રયોગ) વીર્યમાંથી વાછરડાના જન્મ માટેના રંગસૂત્રને હઠાવી દેવામાં આવે છે.

ત્યારબાદ કૃત્રિમ ગર્ભધાન પદ્ધતિથી ગાયોમાં તેને દાખલ કરાવવામાં આવે છે. સરકાર પણ તેના ડોઝ રાહતદરે ખેડૂતો અને પશુપાલકોને ઉપલબ્ધ કરાવે છે. જેથી કરીને ગાય જન્મવાની શક્યતા વધી જાય. આમ કરવાથી રખડતાં ઢોરોના ત્રાસમાંથી મુક્તિ મળશે. કૃષિક્ષેત્રે આધુનિકરણથી બળદોની ઉપયોગિતા ઘટી ગઈ છે. આમ કરવાથી ગ્રામ્યઆવકમાં વધારો થશે એવો તર્ક રજૂ કરવામાં આવે છે.

ગુજરાતની ગીર ગાયની સંખ્યા દિવસેદિવસે ઘટી રહી છે. બ્રાઝિલમાં તેનું સફળ ક્રૉસ બ્રિડિંગ કરવામાં આવ્યું હતું. થોડાં વર્ષ પહેલાં બ્રાઝીલથી 'ડોઝ' મંગાવીને કૃત્રિમ ગર્ભધાન પદ્ધતિથી ગુજરાતમાં ગીર ગાયોની સંખ્યા વધારવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા, પરંતુ સ્થાનિકોના વિરોધને કારણે તે પ્રક્રિયા આગળ વધી શકી ન હતી.

હવે, ગીર ગાયનાં અંડ અને સાંઢના વીર્યનું કૃત્રિમ રીતે ફલન કરાવીને તેને અન્ય પ્રજાતિની તંદુરસ્ત ગાયમાં પ્રત્યારોપિત કરીને તેમની સંખ્યા વધારવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે.

વીર્યમાંથી નરના જન્મને માટે જવાબદાર રંગસૂત્રને દૂર કરી દેવા (એને જર્મલાઇન થેરપી કહેવામાં આવે છે.) અથવા તો બ્લૂરંગના પ્રકાશ દ્વારા મરઘાનો જન્મ જ ન થાય, તેવી ટેકનૉલૉજીને વિજ્ઞાનમાં જીન-એડિટિંગ કહેવામાં આવે છે. જે જિનેટિક-મૉડિફિકેશન કરતાં વધુ સ્વીકૃત સ્વરૂપ છે.

જિનેટિક મૉડિફિકેશનની પ્રક્રિયામાં મનુષ્ય, પ્રાણી કે વનસ્પતિની અન્ય પ્રજાતિમાંથી ડીએનએ લઈને તેને ડીએનએ શ્રૃંખલામાં ઉમેરવામાં આવે છે, જેથી કરીને તેને ધાર્મિક, નૈતિક અને વૈજ્ઞાનિક એરણની કસોટીએ ચકાસવામાં આવે છે અને તેની સ્વીકાર્યતા વિવાદાસ્પદ રહે છે.

છતાં ઘણાનું માનવું છે કે જિનેટિક મૉડિફિકેશન હોય કે જિન-એડિટિંગએ ઇશ્વરીય પ્રક્રિયામાં દખલ અને ખલેલ છે અને મનુષ્યે આમ ન કરવું જોઈએ, જેનાં માઠાં પરિણામા આવશે.