ગર્ભવતીઓ અને બાળકો માટે કોવિડની રસી લેવી કેટલી જરૂરી છે, શું કહે છે નિષ્ણાતો?

    • લેેખક, જેકી વેકફિલ્ડ
    • પદ, બીબીસી ગ્લોબલ ડિસઈન્ફર્મેશન યુનિટ અને આફ્રિકા આઈ

ગયા અઠવાડિયે યુએસ હૅલ્થ સેક્રેટરી રૉબર્ટ એફ કૅનેડી જુનિયરે કહ્યું હતું કે હવે સ્વસ્થ બાળકો અને સગર્ભા મહિલાઓ માટે કોવિડ રસીની ભલામણ કરવામાંં આવશે નહીં.

તેના એક દિવસ પછી સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રોલ ઍન્ડ પ્રિવેન્શન (સીડીસી) એ કૅનેડીનો વિરોધ કર્યો અને જાહેરાત કરી કે તે કોવિડ રસીને બાળપણના રસીકરણનો ભાગ બનાવવાની તેની ભલામણ જાળવી રાખે છે.

યુએસમાં ગર્ભવતીઓ માટે આવી કોઈ જાતની ઔપચારિક ભલામણ આપવામાં આવતી નથી.

નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે કોઈપણ જાતનો ફેરફાર રસી અંગે અવિશ્વાસ વધારી શકે છે અને તેની પહોંચમાં અવરોધ પેદા કરી શકે છે. જે સંભવિત રીતે બાળકો અને ગર્ભવતીઓમાં થતી રોકી શકાય તેવી બીમારી તરફ દોરી જાય છે, એવા સમયે જ્યારે વૈશ્વિક સ્તરે રસી લેવા અંગે ખચકાટ વધી રહ્યો છે.

વિજ્ઞાન શું કહે છે ?

કૅનેડીએ 27 મેના રોજ તેમની જાહેરાતમાં જણાવ્યું હતું કે, "મને આ જાહેરાત કરતાં ખુશી થઈ રહી છે કે આજથી સ્વસ્થ બાળકો અને સ્વસ્થ સગર્ભા મહિલાઓને આપવામાં આવતી કોવિડ રસીને સીડીસીના ભલામણ કરેલા રસીકરણ સમયપત્રકમાંથી દૂર કરવામાં આવે છે."

પરંતુ આરોગ્ય સચિવના આ એકપક્ષીય નિર્ણય પછી ગર્ભવતીઓ માટે સત્તાવાર સીડીસી વેબસાઇટ પર કોઈ નવી માર્ગદર્શિકા પ્રકાશિત કરવામાં આવી નથી.

સીડીસી જણાવે છે કે કોવિડનો ચેપ લાગતા ગર્ભવતીઓને સમાન ઉંમર અને પૃષ્ઠભૂમિની બિન-સગર્ભા મહિલાઓ કરતાં ગંભીર બીમારીનો અનુભવ થવાની અને હૉસ્પિટલમાં દાખલ થવાની શક્યતા વધુ હોય છે.

વિશ્વ આરોગ્ય સંગઠન ગર્ભવતી અને ગર્ભવતી થવા માંગતી અથવા હાલમાં સ્તનપાન કરાવતી મહિલાઓને સલાહ આપે છે કે "તમને અને તમારા પરિવારને સુરક્ષિત રાખવા માટે રસી લેવી મહત્ત્વપૂર્ણ છે".

WHO ગર્ભાવસ્થા દરમિયાન એક જ ડોઝની ભલામણ કરે છે.

ઘણા દેશો ગર્ભવતીઓ માટે રસીકરણની ભલામણ કરે છે, જેમાં બ્રાઝિલ, ભારત, દક્ષિણ આફ્રિકા અને યુરોપના મોટા ભાગનો સમાવેશ થાય છે.

યુકેમાં લિવરપૂલ યુનિવર્સિટીમાં મહિલા સ્વાસ્થ્યના પ્રોફેસર ડૉ. શકીલા થંગારાટિનમ કહે છે કે , "ગર્ભાવસ્થા તમારા શરીરમાં ઘણી રીતે ફેરફાર કરે છે, જેમ કે તમારી રોગપ્રતિકારક શક્તિને ઓછી કરવી."

યુકેમાં રાષ્ટ્રીય આરોગ્ય સેવા એનએચએસ પણ સગર્ભા મહિલાઓ માટે રસીકરણની "ભારપૂર્વક ભલામણ" કરે છે.

તેમણે બીબીસીને જણાવ્યું કે, "ગર્ભાવસ્થા દરમિયાન કોવિડ થવો એ ઉચ્ચ જોખમી પરિસ્થિતિ ઊભી કરે છે."

તેમણે કહ્યું કે કોવિડ રસીકરણ કરાવવાથી સિઝેરિયન સેક્શનની અને નવજાત શિશુઓને સઘન સંભાળના જોખમોને પણ ઘટાડી શકાય છે.

2024 માં ગર્ભવતીઓ માટે કોવિડ-19 રસીઓની આડઅસરો પર નજર રાખતા અભ્યાસનું નેતૃત્વ કરનારાં પ્રોફેસર થંગારાટિનમે ભાર મૂક્યો હતો કે ગર્ભવતીઓ માટે રસીકરણ કરાવવાથી "નુકસાનના કોઈ નવા પુરાવા" મળ્યા નથી.

સંશોધનમાં કોઈ ગંભીર આડઅસરો અથવા રસીને કારણે થતી પ્રતિકૂળ ગર્ભાવસ્થાના જોખમમાં વધારો થયો નથી.

"અમને મળેલી સૌથી સામાન્ય આડઅસર ઇન્જેક્શન સાઇટ પર થતી થોડી પીડા હતી."

NHS કહે છે કે કોવિડ રસી ગર્ભપાત, અકાળ જન્મ અથવા અન્ય ગર્ભાવસ્થાની ગૂંચવણોનું જોખમ વધારે છે તેના કોઈ પુરાવા નથી.

અને રસીકરણના ફાયદાઓ સારી રીતે દસ્તાવેજીકૃત છે.

છ મહિનાથી ઓછી ઉંમરનાં શિશુઓ-બાળકો ગંભીર કોવિડનું સૌથી વધુ જોખમ ધરાવે છે, છતાં પુરાવા દર્શાવે છે કે રસી લીધેલી માતાઓ તેમનાં શિશુઓને રક્ષણાત્મક ઍન્ટિબોડીઝ આપી શકે છે - જે તેમને મહત્ત્વપૂર્ણ રક્ષણ પૂરું પાડે છે.

કૅનેડીએ દાવો કર્યો છે કે બાળકો માટે કોવિડ બૂસ્ટરને સમર્થન આપવા માટે અપૂરતા ક્લિનિકલ ડેટા છે - આ અભિપ્રાય FDA રસીના વડા માર્ટી મેકરીએ પણ આપ્યો હતો.

તેમણે અગાઉના બિડેન વહીવટનો વિરોધ કર્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેમણે "બાળકોમાં પુનરાવર્તિત બૂસ્ટર વ્યૂહરચનાને સમર્થન આપવા માટે કોઈ ક્લિનિકલ ડેટાના અભાવ છતાં સ્વસ્થ બાળકોને બીજો કોવિડ શૉટ લેવા વિનંતી કરી હતી."

વિશ્વભરના ઘણા દેશોએ વધુ લક્ષિત અભિગમની તરફેણમાં 18 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો માટે કોવિડ બૂસ્ટરની ભલામણ કરવાનું બંધ કરી દીધું છે.

નિષ્ણાતો કહે છે કે બાળકોને ગંભીર કોવિડ-19નું જોખમ ઓછું હોય છે, પરંતુ નિયમિત માત્રા અંતર્ગત રોગો ધરાવતા લોકોને સુરક્ષિત કરી શકે છે.

બાળરોગ નિષ્ણાત ડૉ. હેલેન સ્ટુઅર્ટે સ્વીકાર્યું કે, "મોટાભાગનાં બાળકોને સઘન દેખરેખ નીચે દાખલ કરવા નથી પડતાં."

"પરંતુ રસીકરણ ન કરાવવાના જોખમો હજુ પણ રસીકરણના જોખમો કરતાં વધુ છે."

2024 માં નેચરમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં જેમાં બાળકો માટે કોવિડ રસીની સલામતી પર નજર નાખવામાં આવી હતી, તેમાં 5-11 વર્ષનાં બાળકો માટે કોઈ જોખમ વધ્યું નહોતું.

12-17 વર્ષનાં બાળકોમાં કોવિડના ચેપથી થતા કોઈપણ જોખમો રસીથી થતી આડઅસરોના નાના જોખમો કરતાં વધુ હતા.

અભ્યાસોએ એ પણ દર્શાવ્યું છે કે પાંચ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો માટે રસી સલામત અને અસરકારક છે.

યુ.એસ.માં એ જાણી શકાયું નથી કે સીડીસીના 'જોઈએ' ને 'કરી શકે છે' માં બદલવાના નિર્ણયથી આરોગ્ય વીમા કંપનીઓની જવાબદારીઓ પર શું અસર પડશે, જેઓ સામાન્ય રીતે નિયમિત રસીઓનો ખર્ચ આવરી લેવા માટે બંધાયેલા હોય છે.

ઉપલબ્ધતામાં કોઈપણ ઘટાડો અથવા તેની કિંમતમાં વધારો રસી પ્રત્યે ખચકાટ પેદા કરી શકે છે.

રોગચાળાએ રસીની સલામતી અને તેની આવશ્યકતા અંગે વૈશ્વિક ચર્ચાને વધુ તીવ્ર બનાવી દીધી છે.

સ્વાનસી યુનિવર્સિટીનાં જાહેર આરોગ્ય સંશોધક ડૉ. સિમોન વિલિયમ્સે જણાવ્યું હતું કે, "જે લોકો રસીઓમાં ખૂબ વિશ્વાસ રાખતા હતા તેમને પણ હવે વિજ્ઞાનમાં થોડી શંકા ધરાવે છે."

નેચર નામની વૈજ્ઞાનિક જર્નલમાં પ્રકાશિત 2024 ની સમીક્ષામાં જાણવા મળ્યું છે કે, વૈશ્વિક સ્તરે, ગર્ભવતીઓમાં કોવિડ-19 રસી પ્રત્યે ખચકાટ વધુ હતો, ખોટી માહિતી અને અવિશ્વાસ આવા નિર્ણય પાછળનું કારણ હતો.

પ્રોફેસર થંગારાટિનમે કહ્યું કે, તેમના અનુભવમાં ગર્ભવતીઓમાં રસી પ્રત્યેનો અવિશ્વાસ નોંધપાત્ર હતો, "શરૂઆતમાં થોડા અભ્યાસોએ ગર્ભવતીઓ પર નજર નાખી હતી, અને શરૂઆતમાં જ આ અનિશ્ચિતતા જોવા મળી હતી."

આફ્રિકા સીડીસી અનુસાર, સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક, જીબુટી, કેન્યા, લાઇબેરિયા, માલાવી અને ટોગોએ કોવિડ રસીકરણના મુખ્ય અવરોધો તરીકે ખોટી માહિતી, વાયરસના ખતરાની કથિત અતિશયોક્તિ અને રસીની સલામતી અંગેનાં અવિશ્વાસ છે.

આ દરમિયાન યુનિસેફના જણાવ્યા અનુસાર 112 થી વધુ દેશોમાં તમામ રસીઓ માટે બાળ રસીકરણનો દર ઘટી રહ્યો છે.

લંડન સ્કૂલ ઑફ હાઇજીન ઍન્ડ ટ્રૉપિકલ મેડિસિનના સહાયક પ્રોફેસર ડૉ. ઍલેક્સ ડી ફિગ્યુરેડોએ જણાવ્યું હતું કે, "સંશોધન દર્શાવે છે કે નાની સરખી ખોટી માહિતી પણ રસીકરણ ઘટાડવા માટે પૂરતી છે."

તેમણે ઉમેર્યું હતું કે રોગચાળા દરમિયાન "કડક નીતિઓ" એ રસીકરણ પ્રત્યે વધુ ખચકાટ પેદા કર્યો હતો "ખાસ કરીને યુવાનોમાં જેઓ પાસેથી માંગવામાં આવેલા બલિદાનની સામે રસીકરણના લાભો ઓછો હતા."

"આરએફકે જુનિયર [કૅનેડી] અને મેક અમેરિકા હેલ્ધી અગેઇન ચળવળ તેને એક નવા સ્તરે લઈ ગઈ છે."

કૅનેડીની જાહેરાત પછી ખોટી માહિતી ઑનલાઇન વધી છે. ઍક્સ પર વાયરલ પોસ્ટ્સ સાથે ખોટો દાવો કરવામાં આવ્યો છે કે mRNA કોવિડ રસીઓ કસુવાવડ, મૃત જન્મ અને અકાળ મૃત્યુનું કારણ બને છે.

ઘણા પ્રદેશોમાં ખાસ કરીને ગ્રામીણ અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોમાં સરકાર પ્રત્યેનો અવિશ્વાસ અને તબીબી સંસ્થા દ્વારા થતા દુર્વ્યવહારના લાંબા ઇતિહાસે પ્રતિકારનું બીજુ સ્તર ઉમેર્યું છે.

પ્રોફેસર થંગારાટિનમે કહ્યું કે, "જો તમે પુરાવા સાથે દાવાઓને સમર્થન આપતા નથી, તો તે ચિંતામાં વધારો કરે છે, અને લોકો સામાન્ય રીતે રસીઓમાં વિશ્વાસ ગુમાવે છે."

તર્ક સૂચવે છે કે રસીકરણનો દર વધારે હોય તેવા સમુદાયોમાં વાયરસ ફેલાવાની તકો ઓછી છે.

RFK જુનિયરની જાહેરાત કોવિડ કેસોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે આવી છે.

WHO ના ડેટા અનુસાર ફેબ્રુઆરીના મધ્યભાગથી કોવિડ કેસ વધી રહ્યા છે - ટેસ્ટ પૉઝિટિવિટી દર લગભગ એક વર્ષનો સૌથી વધુ છે. ખાસ કરીને પશ્ચિમ પેસિફિક પ્રદેશ, દક્ષિણપૂર્વ એશિયા અને પૂર્વીય ભૂમધ્ય સમુદ્રના વિસ્તારોમાં.

કોવિડ રસીઓ વિશે ખોટી માહિતીએ અન્ય વધુ લાંબા સમયથી ચાલતા રસીકરણમાં વિશ્વાસને પણ અસર કરી છે.

રસીઓ પ્રત્યે વધતા નકારાત્મક વલણને કારણે ઓરી જેવા અન્ય રોગો ફાટી નીકળવાનો આરોપ સરકારોઓ લગાવ્યો છે.

યુએસ હાલમાં ઇતિહાસના સૌથી મોટા ઓરીનો પ્રકોપને જોઈ રહ્યું છે, જેમાં દક્ષિણ અમેરિકા અને આફ્રિકામાં કેસોમાં સમાન વધારો થયો છે.

દરમિયાન મોરોક્કો ઐતિહાસિક સ્તરે ઓરીના રોગચાળાથી પ્રભાવિત થયો છે, જેમાં સરકારના પ્રવક્તા મુસ્તફા બૈતાસે "ખોટી માહિતી જે રસીઓ પ્રત્યે જાહેર ભયને ઉત્તેજિત કરે છે" ને દોષી ઠેરવ્યો છે.

ડૉ. સ્ટુઅર્ટે યુકેમાં સમાન પરિસ્થિતિ પર પ્રકાશ પાડ્યો.

"રસી લેવાનું પ્રમાણ ઘટ્યું ત્યારથી ઓરીના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે," તેમણે બીબીસીને જણાવ્યું.

"છેલ્લા 18 મહિનામાં હૂપિંગ કફના કેસોમાં પણ વધારો થયો છે."

સફળ રસીકરણ કાર્યક્રમ જાળવવા માટે તેમણે કહ્યું કે જનતાને સચોટ અને વિશ્વસનીય માહિતી અને સરળ ઍક્સેસની જરૂર છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન