You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતના મુસ્લિમોએ પણ ભાજપને મત આપ્યા હોવાનો દાવો કેટલો સાચો?
- લેેખક, સુશીલા સિંહ
- પદ, બીબીસી સંવાદદાતા
ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની રેકૉર્ડતોડ જીત બાદ એ વાતને લઈને રસપ્રદ ચર્ચા શરૂ થઈ છે કે પાર્ટીએ એ વિસ્તારોમાં પણ કેવી રીતે જીત હાંસલ કરી જ્યાં સારી એવી મુસ્લિમ વસતિ છે.
ભાજપે એ વિસ્તારોમાં પણ સારું પ્રદર્શન કર્યું છે જ્યાં મુસ્લિમોની વસતિ 20-30 ટકા છે, જ્યારે પાર્ટીએ આ ચૂંટણીમાં પણ કોઈ મુસ્લિમને ટિકિટ નહોતી આપી.
રાજ્યમાં પાર્ટીના પ્રવક્તા યજ્ઞેશ દવેએ બીબીસી સાથેની વાતચીતમાં દાવો કર્યો કે તેમની પાર્ટીને ટ્રિપલ તલાક ખતમ કરવાનો અને યુનિફોર્મ સિવિલ કૉડનો મુદ્દો ઉઠાવવાના કારણે ભારે સંખ્યામાં મુસ્લિમ મતદારોના મત પણ મળ્યા છે.
આ ચૂંટણીમાં કૉંગ્રેસે છ અને આમ આદમી પાર્ટીએ ચાર મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી હતી.
ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તિહાદુલ મુસલમીન પાર્ટી (એઆઈએમઆઈએમ)ના અસદુદ્દીન ઓવૈસીએ 13 ઉમેદવાર મેદાનમાં ઊભા કર્યા હતા, જે પૈકી બે હિંદુ હતા.
રાજ્યમાં માત્ર એક મુસ્લિમ ઉમેદવાર ઇમરાન ખેડાવાલા, જમાલપુર ખાડિયા વિધાનસભાની ચૂંટણી જીતીને આવ્યા છે અને તેઓ કૉંગ્રેસના છે.
સમગ્ર ગુજરાતમાં લગભગ નવ ટકા મુસ્લિમ છે અને દસ કરતાં વધારે બેઠકો એવી છે જ્યાં મુસ્લિમોની વસતિ 20-30 ટકા છે. તે પૈકી એક જમાલપુર ખાડિયાને બાદ કરતાં ભાજપે તમામ બેઠકો પર જીત હાંસલ કરી છે.
તેમાં વાગરા, સુરત પૂર્વ, દરિયા પૂર્વ, ગોધરા, વેજલપુર, દાણીલીમડા, ભરૂચ, લિંબાયત, અબડાસા અને વાંકાનેરની બેઠકો સામેલ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તો શું મુસ્લિમોએ ભાજપને મત આપ્યા?
બીબીસી સાથેની વાતચીતમાં રાજ્યમાં ભાજપના પ્રવક્તા ડૉ. યજ્ઞેશ દવેએ કહ્યું કે મુસ્લિમ મતદારોની ટકાવારી જે બેઠકો પર વધુ હતી, ત્યાં પાર્ટીને જીતની આશા હતી.
તેઓ જણાવે છે કે, “અમદાવાદની ત્રણ બેઠકો જમાલપુર, દરિયાપુર અને વેજલપુરમાંથી કેવળ જમાલપુર બેઠક પર કૉંગ્રેસે જીત હાંસલ કરી હતી. આ સિવાય ગોધરા એવી બેઠક છે, જે 15 વર્ષથી કૉંગ્રેસના ફાળે જઈ રહી હતી, પરંતુ આ વખત તે બેઠક પણ ભાજપે જીતી લીધી છે.”
ગોધરા બેઠક પર ભાજપના નેતા ચંદ્રસિંહ કનકસિંહ રાઉલજીએ જીતી છે.
વર્ષ 2017 સુધી ગોધરા બેઠક કૉંગ્રેસના ફાળે જતી રહી, પરંતુ ચંદ્રસિંહ રાઉલજી કૉંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયા તે બાદ બીજી વખત ભાજપ આ બેઠક પર જીત્યો છે. તેઓ વર્ષ 2007થી આ બેઠક પર ચૂંટણી લડી રહ્યા છે.
બીબીસીએ વાતચીતમાં અમદાવાદમાં વરિષ્ઠ પત્રકાર અજય ઉમટ કહે છે કે એવું કહેવું ખોટું હશે કે મુસ્લિમોએ ભાજપને મત આપ્યા છે.
સાથે જ, તેમનું કહેવું હતું કે આ ચૂંટણીમાં મુસ્લિમ મતદારો સંગઠિત જણાયા, પરંતુ ઘણાં વિધાનસભાક્ષેત્રોમાં અપક્ષ ઉમેદવાર ઊભા રખાયા હતા જેથી મુસ્લિમ મતોનું વિભાજન કરી શકાય અને તેનો ફાયદો ભાજપને થયો.
તેમના અનુસાર, “મુસ્લિમોમાં કેટલાક લોકો આમ આદમી પાર્ટીથી પણ નારાજ દેખાયા કારણ કે આપ મુસ્લિમોના ઘણા મુદ્દે ચૂપ રહી. આવી પરિસ્થિતિમાં તેમણે માત્ર કૉંગ્રેસને મત આપ્યા.”
તો શું બિલકીસબાનોનો મામલો મુદ્દો ન બન્યો?
ભાજપના પ્રવક્તા ડૉ. યજ્ઞેશ દવે દાવો કરે છે કે આ ચૂંટણીમાં બિલકીસબાનો ગૅંગરેપ મામલે દોષિતોનો છુટકારો એ મુદ્દો નહોતો અને માત્ર કેટલીક રાષ્ટ્રીય ચેનલો આ વાતને મુદ્દો બનાવી રહી હતી.
તેઓ કહે છે કે, “ગોધરાના એ જ વૉર્ડના બૂથ પર અમને 60 ટકા મત મળ્યા છે, જ્યાં આ ઘટના બની હતી. તેમજ મોરબી પુલ અકસ્માત બાદ પર ત્યાંના લોકોએ ભાજપનું કામ જોયું અને ત્યાં પણ અમારી જીત થઈ.”
વર્ષ 2002 રમખાણોમાં બિલકીસબાનો સાથે ગૅંગરેપ અને તેમના પરિવારના સાત સભ્યોની હત્યાના દોષિતો 11 લોકોને આજીવન કેદની સજા કરાઈ હતી.
આ તમામ દોષિતોને આ વર્ષે 15 ઑગસ્ટના રોજ ‘સારા આચરણ’ને કારણે ગુજરાત સરકારે મુક્ત કરી દીધા હતા. સરકારના આ નિર્ણયની ઘણી ટીકા પણ થઈ હતી.
આ મામલામાં બિલકીસબાનો તરફથી સુપ્રીમ કોર્ટમાં પુનર્વિચાર અરજી પણ કરવામાં આવી છે.
ડૉ. યજ્ઞેશ દવે જણાવે છે કે આ ચૂંટણીમાં મુસ્લિમો જ નહીં પરંતુ દલિત, આદિવાસી સમુદાયના મત પણ ભાજપને મળ્યા છે આ કારણે જ પાર્ટીની 50 બેઠકો વધી છે.
સાથે જ, તેઓ કહે છે કે નરેન્દ્ર મોદીનો ટ્રિપલ તલાક અંગેનો નિર્ણય, કૉમન સિવિલ કૉડ લાવવાની વાત અને સાથે જ ભાજપે અલ્પસંખ્યક મિત્રો પણ બનાવ્યા, જેમણે મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં કામ કર્યું અને તેની અસર પરિણામો પર દેખાઈ.
‘મુસ્લિમોએ ભાજપને મત આપ્યા એવું કહેવું ખોટું’
જોકે જાણીતા ચૂંટણી વિશ્લેષક સંજયકુમાર ભાજપના આ દાવા સાથે સંમત નથી થતા અને આંકડા મારફતે પોતાની વાત મૂકે છે.
તેઓ જણાવે છે કે ગુજરાતની કુલ વિધાનસભા બેઠકો પૈકી 12 બેઠકો પર મુસ્લિમ મતદાન ટકાવારી 20 ટકાથી વધુ છે.
આ 12 વિધાનસભા બેઠકોમાંથી દસ પર ભાજપને જીત હાંસલ થઈ છે.
તેમના અનુસાર 53 બેઠકો એવી છે, જ્યાં મુસ્લિમ મતદારોની સંખ્યા કુલ મતદારી સરખામણીએ દસથી 20 ટકા છે, જ્યારે બાકીના હિંદુ મતદારો છે. જેમણે ભાજપને મત કર્યા છે.
સંજયકુમાર આંકડાને સ્પષ્ટ કરતાં કહે છે કે, “અમારા સર્વે જણાવે છે કે આ ચૂંટણીમાં 64 ટકા મુસ્લિમોએ કૉંગ્રેસને મત કર્યા છે, લગભગ 15 ટકાએ ભાજપ અને 12થી 14 ટકાએ આમ આદમી પાર્ટીને મત આપ્યા છે.”
અગાઉની ચૂંટણીની સરખામણી કરીએ, તો ભાજપને લગભગ દરેક ચૂંટણીમાં મુસ્લિમ મતોનો આટલો જ ભાગ મળતો રહ્યો છે, તો ભાજપની જીતનું કારણ મુસ્લિમ વોટ શિફ્ટ થયા એ નથી, પરંતુ ધ્રુવીકરણ પણ છે.
તેઓ કહે છે કે, “ભાજપ જે દાવો કરી રહ્યો છે કે તેને મુસ્લિમોના મત વધુ મળ્યા, એવું નથી બન્યું કારણ કે પૅટર્નમાં મોટો ફેરફાર નથી દેખાતો સાથે જ બિલકીસબાનોનો મુદ્દો પણ અહીં તાજો હતો તેથી કૉંગ્રેસને 64 ટકા મત મળ્યા છે.”
ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદ-ઉલ-મુસલમીનના અસદઉદ્દીન ઓવૈસીએ આ ચૂંટણીમાં 13 ઉમેદવારોને ઉતાર્યા અને સંજયકુમાર પ્રમાણે તેઓ માત્ર 0.29 ટકા મત મળેવીને ‘નૉન-પરફૉર્મર’ સાબિત થયા.
આ ચૂંટણીમાં એઆઈએમઆઈએમના 12 ઉમેદવારોની ડિપૉઝિટ ડૂલ થઈ ગઈ.
બીબીસી સાથેની વાતચીતમાં કૉંગ્રેસના નેતા ઇમરાન ખેડાવાલાએ પોતાની જીત બાદ કહ્યું કે ઘણા મુસ્લિમ મત આપ અને ઓવૈસીમાં વહેંચાઈ ગયા, જેનું નુકસાન કૉંગ્રેસને વેઠવું પડ્યું.
ખેડાવાલા અહીં કૉંગ્રેસના દૃષ્ટિકોણથી વાત કરી રહ્યા છે પંરતુ ધ્યાનથી જોઈએ તો લાગે છે કે ભાજપવિરોધી મતો (મોટા ભાગના મુસ્લિમ) કૉંગ્રેસ અને આપ વચ્ચે વહેંચાઈ જવાનો પણ ભાજપને ફાયદો થયો છે, પરંતુ આ સિવાય ભાજપનો વોટશૅર પણ વધ્યો છે, આ જ તેની રેકૉર્ડતોડ જીતનું કારણ છે.