You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બંગાળની ખાડીમાં વાવાઝોડું વધારે ભીષણ બનશે, ગુજરાતના હવામાન પર કોઈ અસર થશે?
- લેેખક, બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ભારતના દરિયાકિનારા પર આ વર્ષના સૌથી પ્રથમ વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. બંગાળની ખાડીમાં સર્જાનારા આ વાવાઝોડાનું નામ 'રીમાલ' રાખવામાં આવશે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ વાવાઝોડું હાલ બંગાળની ખાડીમાં છે અને ભારતના પશ્ચિમ બંગાળ તથા બાંગ્લાદેશના દરિયાકિનારા તરફ આગળ વધી રહ્યું છે.
વાવાઝોડાને જોતાં પશ્ચિમ બંગાળ, ઓડિશાના કેટલાક વિસ્તારોને સર્તક કરી દેવામાં આવ્યા છે અને વાવાઝોડા પહેલાંની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે.
બંગાળની ખાડીમાં એક તરફ વાવાઝોડાના ખતરા વચ્ચે ચોમાસું પણ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે વધારે કેટલાક વિસ્તારો સુધી ચોમાસું પહોંચી ગયું છે.
ગુજરાતના તમામ જિલ્લાઓ હાલ ભીષણ ગરમીનો સામનો કરી રહ્યા છે. રાજ્યના અનેક વિસ્તારોમાં ઑરેન્જ ઍલર્ટ તથા અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં રેડ ઍલર્ટની સ્થિતિ છે.
વાવાઝોડું ક્યાં ત્રાટકશે અને કેટલી ઝડપથી પવન ફૂંકાશે?
22 મેના રોજ બંગાળની ખાડીમાં સર્જાયેલ લૉ-પ્રેશર એરિયા હવે મજબૂત બનીને 25 મેના રોજ સવારે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયો છે.
શનિવાર સાંજ સુધીમાં આ સિસ્ટમ વાવાઝોડું બની જશે અને ત્યારબાદ આગળ વધીને તે એક ભીષણ ચક્રવાતમાં ફેરવાઈ જશે.
હવામાન વિભાગના કહેવા પ્રમાણે આ સિસ્ટમ લગભગ ઉત્તર તરફ આગળ વધશે અને 25 મેના રોજ સાંજે પૂર્વ-મધ્ય અને તેની પાસે આવેલા ઉત્તર બંગાળની ખાડીના વિસ્તાર પર તે વાવાઝોડું બની જશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હાલ એવી સંભાવના દેખાઈ રહી છે કે તે 26 મેના રોજ વહેલી સવારે ભીષણ ચક્રવાતમાં ફેરવાઈ જશે એટલે કે વાવાઝોડું બન્યા બાદ પણ તે વધારે તાકતવર બનતું રહેશે.
ભીષણ ચક્રવાતના રૂપમાં જ તે સાગર દ્વીપ અને ખેપુપારાની વચ્ચે બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના કિનારાની આસપાસ ત્રાટકે તેવી સંભાવના છે.
હવામાન વિભાગના તાજેતરના બુલેટિન પ્રમાણે વાવાઝોડું ત્રાટકશે ત્યારે પવનની ગતિ 110થી 120 પ્રતિકલાકની રહેવાની સંભાવના છે. પવનની ગતિ વધીને 130 કિમી પ્રતિકલાક પહોંચે તેવી સંભાવના છે.
હાલ વાવાઝોડાના સંભવિત ખતરાને જોતાં સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં તકેદારીનાં પગલાં લેવાનાં શરૂ કરી દેવામાં આવ્યાં છે.
વાવાઝોડાના કારણે ઓડિશા, પશ્ચિમ બંગાળ તથા પૂર્વત્તરનાં રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે.
વાવાઝોડાને કારણે ગુજરાતમાં હવામાન પલટાશે?
ગુજરાતમાં હાલ ભીષણ ગરમી પડી રહી છે અને અનેક વિસ્તારોમાં હીટ વેવની સ્થિતિ પ્રવર્તી રહી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં આવનારા દિવસોમાં પણ ગરમી ચાલુ રહે તેવી શક્યતા છે.
હવામાન વિભાગને ગુજરાતના 19 જેટલા જિલ્લાઓમાં ગરમીને લઈને ઑરેન્જ ઍલર્ટ જારી કર્યું છે, એટલે કે રાજ્યના આ જિલ્લાઓમાં ભારે ગરમી પડવાની સંભાવનાછે.
રાજ્યમાં ચોમાસું શરૂ થવાને અડધા મહિનાથી વધારે સમયની વાર છે, ગુજરાતમાં ચોમાસાની શરૂઆત જૂનના બીજા પખવાડિયામાં થતી હોય છે.
બંગાળની ખાડીનું વાવાઝોડું 26 મેના રોજ બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના વિસ્તારો પર ટકરાશે તેની પરોક્ષ અસર ગુજરાતને થવાની સંભાવના છે.
ગુજરાતમાં આ વાવાઝોડોને લઈને હવામાન પલટાય કે વરસાદ થાય તેવી કોઈ સંભાવના દેખાતી નથી.
જોકે, વાવાઝોડું ટકરાશે ત્યારબાદ ગુજરાતમાં પવનોની ગતિ વધી જશે, આ સિસ્ટમ સેંકડો કિલોમીટર દૂરથી પવનો પોતાની તરફ ખેંચશે એટલે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં પવનની ગતિમાં થોડો વધારો થવાની શક્યતા છે.
ગુજરાતમાં જૂનના પ્રથમ અઠવાડિયાથી કેટલાક વિસ્તારોમાં ચોમાસા પહેલાંની ગતિવિધિરૂપે વરસાદ પડવાની શક્યતા હાલની સ્થિતિ પ્રમાણે દેખાઈ રહી છે.
જોકે, એ પહેલાં આ મહિનાના અંત સુધી ગુજરાતને ગરમીમાંથી રાહત મળે તેવી સંભાવના ખૂબ ઓછી છે.
ચોમાસું કેટલું આગળ વધ્યું?
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 24 મેના રોજ ચોમાસું આગળ વધ્યું છે અને કેટલાક વધારે વિસ્તારો સુધી પહોંચ્યું છે.
24 મેના રોજ ચોમાસું શ્રીલંકાના કેટલાક વધારે ભાગો, માલદિવ્સ, કોમોરિન વિસ્તાર, દક્ષિણ બંગાળની ખાડી, બાકી રહી ગયેલા આંદામાન નિકોબાર ટાપુઓના વિસ્તારો તથા આંદામાન સમુદ્રના વિસ્તારો સુધી પહોંચી ગયું છે.
આ માહિતી પ્રમાણે અરબી સમુદ્ર તરફની શાખા આગળ વધી નથી પરંતુ બંગાળની ખાડી તરફની ચોમાસાની શાખા આગળ વધી છે.
આવનારા બે દિવસોમાં ચોમાસું હજી આગળ વધે તેવી પ્રબળ સંભાવના છે અને તેની અનુકૂળ પરિસ્થિતિઓ પણ દેખાઈ રહી છે.
હવામાન વિભાગે ચોમાસું 31 મેના રોજ કેરળ પર પહોંચશે તેવું પૂર્વાનુમાન કરેલું છે. જેમાં 4 દિવસ આગળ પાછળ થવાની સંભાવના વ્યક્ત કરી છે.
સામાન્ય રીતે 1 જૂન કેરળમાં ચોમાસું બેસવાની તારીખ નક્કી કરેલી છે અને ગુજરાતમાં ચોમાસાના પ્રવેશની તારીખ 15 જૂન નક્કી કરાયેલી છે.