ગરમીને કારણે અચાનક શરીરનું તાપમાન વધી જાય તો શું થાય, તેનાથી કેવી રીતે બચવું?

    • લેેખક, રુચિતા
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસોથી ભારે ગરમી પડી રહી છે અને અનેક વિસ્તારોમાં લૂની સ્થિતિ છે.

રાજ્યના 19 જિલ્લાઓમાં હાલ હીટ વેવની ચેતવણી આપવામાં આવી છે, કેટલાક જિલ્લાઓમાં ગરમીને લઈને ઑરેન્જ ઍલર્ટ તો કેટલાક જિલ્લાઓમાં યલો ઍલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદ અને ગાંધીનગરમાં શુક્રવારે રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.

અમદાવાદ, ગાંધીનગર, અમરેલી, સુરેન્દ્રનગરમાં 22 મેના રોજ 45 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત અનેક વિસ્તારોમાં 42થી 44 ડિગ્રી સુધી તાપમાન પહોચ્યું હતું.

મીડિયા રિપોર્ટ અનુસાર ડિહાઇડ્રેશનને પગલે અભિનેતા અને કોલકાતા નાઇટ રાઇડર્સના માલિક શાહરુખ ખાનને અમદાવાદની હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમને હીટ સ્ટ્રોકની અસર થયા હોવાનું નોંધાયું હતું.

નેશનલ ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ ઑથૉરિટી દ્વારા બહાર પાડવામાં આવેલા ડેટામાં, વર્ષ 2022 માં, માર્ચ મહિનાથી જુલાઈ સુધી, ભારતમાં હીટ સ્ટ્રોકના 13,968 કેસ નોંધાયા હતા, અને હીટ સ્ટ્રોકને કારણે 115 મૃત્યુની પુષ્ટિ થઈ હતી.

ગુજરાતમાં જયારે હજી હીટ વેવની આગાહી યથાવત છે, એવામાં જાણો હીટ સ્ટ્રોક શું છે, તે કેવી રીતે થાય અને તેનાથી બચવા શું કરવું?

હીટ સ્ટ્રોક એટલે શું?

અમેરિકાના સેંટર ફૉર ડિસીઝ કંટ્રોલ ઍન્ડ પ્રિવેન્શનએ (સીડીસી) હીટ સ્ટ્રોકની વ્યાખ્યા આપી છે. આ વ્યાખ્યા પ્રમાણે જયારે શરીરનું તાપમાન ઝડપથી વધે છે, અને શરીર જાતે તાપમાન નિયંત્રિત નથી કરી શકતું, શરીરની પરસેવો ઉત્પન્ન કરવાની ક્ષમતા ઘટી જાય છે, અને શરીર જાતે ઠંડું પાડવામાં અસમર્થ થાય છે ત્યારે હીટ સ્ટ્રોક આવે છે.

ભારતીય હવામાન વિભાગ અનુસાર, હીટ વેવની સ્થિતિને સામાન્ય કરતાં તાપમાનમાં કોઈપણ વધારા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. તાપમાનમાં 5–6 °Cના વધારાને મધ્યમ હીટ વેવ ગણવામાં આવે છે, તીવ્ર હીટ વેવ તરીકે 7 °Cથી વધારે અથવા સતત 2 દિવસથી વધુ સમય માટે >45 °Cથી વધુ હોય ત્યારે હીટ વેવ કહેવાય છે.

આવી હીટ વેવની પરિસ્થિતિમાં હીટ સ્ટ્રોક થવાની શક્યતા રહેલી છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર હીટ સ્ટ્રોકમાં શરીરનું કોર તાપમાન 40 ડિગ્રીથી વધુ થઈ જાય છે.

હીટ સ્ટ્રોકમાં ભ્રમ, સંનિપાત, ઍટેક્સિયા (છેડાના સ્નાયુઓનું અસંયોજન), આંચકી અથવા કોમા જેવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે.

અમદાવાદ સિવિલ હૉસ્પિટલના એડિશનલ મેડિકલ સુપરિટેન્ડન્ટ ડૉક્ટર રજનીશ પટેલ કહે છે કે,"આ વર્ષે ગરમી વધારે છે, તેથી દર્દીઓ તેના ઝપેટમાં આવી શકે છે."

"જયારે હીટ સ્ટ્રોક લાગે ત્યારે હાયપરપાયરેક્સિયા, એટલે કે અતિશય તાવ આવે. દર્દીને 105 અથવા તેથી વધારે તાવ આવતો હોય છે. આ તાવ સામાન્ય દવાથી ઊતરતો નથી અને દર્દીને પાણીમાં નવડાવવો પડે છે, અથવા અલગથી દવાઓ આપવી પડે છે."

તે વધુમાં સમજાવે છે કે, "જ્યારે કોઈ વ્યક્તિ બપોરે 12થી 4 વાગ્યાના અતિશય ગરમ તાપમાં સૂર્યનાં કિરણોના સંપર્કમાં આવે છે, ત્યારે તે હીટ સ્ટ્રોકથી પ્રભાવિત થઈ શકે છે."

"હીટ સ્ટ્રોક થવાની સૌથી વધુ શક્યતા ઉનાળામાં હોય છે. પરંતુ આ સિવાય જયારે પહેલા વરસાદ બાદ હવામાંથી બધા રજકણો નીચે બેસી ગયા હોય છે ત્યારે સૂર્યનાં કિરણો સૌથી તેજ હોય છે. આ સમયે પણ હીટ સ્ટ્રોક થવાની સંભાવના રહે છે."

અમદાવાદ હૉસ્પિટલ્સ ઍન્ડ નર્સિંગ હોમ્સ ઍસોસિયેશનના પ્રમુખ ડૉ. ભરત ગઢવી સમજાવે છે કે, "જ્યારે બાહ્ય તાપમાનને કારણે શરીરનું તાપમાન વધે છે ત્યારે તે શરીરમાં પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સનું પ્રમાણ ઘટે છે. જેના કારણે શરીર પરસેવો બનાવવાની ક્ષમતા પણ ગુમાવી દે છે. પરસેવાનો મૂળ હેતુ શરીરના તાપમાનને નીચું લાવવાનું છે. જેમ શરીરમાંથી પરસેવો થાય તેમ શરીરમાંથી ગરમી બહાર નીકળે અને શરીરનું તાપમાન નીચું આવે. ત્યાર બાદ હીટ સ્ટ્રોક થાય છે."

"જ્યારે હીટ સ્ટ્રોક થાય છે, ત્યારે 10થી 15 મિનિટમાં શરીરનું તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ અથવા તેનાથી વધુ વધી શકે છે."

જો વ્યક્તિને તાત્કાલિક સારવાર ન મળે તો હીટ સ્ટ્રોકના કારણે કાયમી અપંગતા અથવા મૃત્યુનું પણ થઈ શકે છે.

હીટ સ્ટ્રોકનાં લક્ષણો શું છે?

નિષ્ણાતો, સીડીસી અને રિસર્ચ પેપર હીટ સ્ટ્રોકનાં લક્ષણો વિશે કહે છે કે,

  • મૂંઝવણ ઉદ્ભવે
  • માનસિક સ્થિતિ બદલાવી
  • વાણી અસ્પષ્ટ થવી
  • બેભાન થવું અથવા કોમામાં જવું
  • ગરમી લાગવી, ચામડી સુકાવી અથવા ખૂબ જ પરસેવો થવો
  • આંચકી આવવી
  • શરીરનું તાપમાન ખૂબ જ વધી જવું
  • હૃદયના ધબકારા વધી જવા
  • ઊબકાં અથવા ઊલટી આવે

હીટ સ્ટ્રોકથી કેવી રીતે બચવું?

ડૉક્ટર રજનીશ કહે છે ઉનાળામાં હીટ સ્ટ્રોકથી બચવા,

  • બપોરના 12-4 વચ્ચેના સમય દરમિયાન ઘરમાં રહો અથવા છાયાવળી જગ્યાએ રહો
  • ખુલ્લાં કપડાં પહેરવાં અને સફેદ અથવા આછા રંગનાં કપડાં પહેરવાં
  • ઘરની બહાર નીકળો ત્યારે ટોપી પહેરો
  • ઘરની બહાર નીકળો ત્યારે પાણી અને લીંબુ શરબત પીતાં રહો

હીટ સ્ટ્રોકમાં તાત્કાલિક શું કરી શકાય?

હીટસ્ટ્રોકના કિસ્સામાં તાત્કાલિક ધોરણે અનુસરી શકયા એવા અમુક નિર્દેશો નિષ્ણાતો અને સીડીસીએ આપ્યા છે જે મુજબ

  • સમય બરબાદ કર્યા વગર તુરંત જ ઍમ્બ્યુલન્સ બોલાવવી
  • દર્દીને તુરંત જ છાયામાં લઈ જવા અથવા ઠંડી જગ્યાએ લઈ જવા
  • દર્દીનાં કપડાં કાઢી નાખવાં
  • દર્દી પર ઠંડું પાણી નાખવું અથવા કપડાં પર ઠંડું પાણી નાખવું
  • તે વ્યક્તિની આસપાસ હવાની આવાન-જાવન સારી હોવી જોઈએ
  • કપડું ભીનું કરીને માથા, ગરદન, બગલ અને જાંઘના સાંધા પર લગાવવું

હીટ સ્ટ્રોકની કેવી રીતે ખબર પડે?

જો હીટ સ્ટ્રોક થયો હોય તો ડૉક્ટર તેનું ચોક્કસ નિદાન કરવા માટે અમુક ટેસ્ટ કરાવતા હોય છે.

ડૉક્ટર ભરત આ વિશે સમજાવતા કહે છે કે, "હીટ સ્ટ્રોકમાં મુખ્યતેવ શરીરમાંથી પ્રવાહી ઓછાં થઈ જાય છે. એટલે કે ઇલેક્ટ્રોલાઇટ્સની કમી થાય છે."

"હવે ડૉક્ટરને જોવાનું એ રહે છે કે ઇલેક્ટ્રોલાઇટ્સની શરીરમાં કેટલી કમી સર્જાઈ છે. નિદાન શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સના સ્તર પર આધારિત છે. તેથી, શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સની ગણતરી માટે 'સીરમ ઇલેક્ટ્રોલાઇટ્'નો ટેસ્ટ કરવામાં આવે છે."

"જો ઇલેક્ટ્રોલાઇટ્સનું પ્રમાણ ઘટે તો તે કિડની, હૃદય અથવા ચેતાતંત્ર જેવાં અંગો સુધી પહોંચતા ઇલેક્ટ્રોલાઇટ્સની માત્રામાં ઘટાડો થશે. જો આવું થાય તો આ અંગોને નુકસાન પહોંચી શકે છે. તેથી, દર્દી જેવા જ હૉસ્પિટલમાં પહોંચે છે, તેમને તુરંત જ ઇલેક્ટ્રોલાઇટ આપવામાં આવે છે. પરંતુ, ત્યારબાદ બીજા ટેસ્ટ કરવામાં આવે છે."

ડૉક્ટર દુર્ગેશ મોદી અમદાવાદસ્થિત એક ફિઝિશિયન છે. તેઓ કહે છે કે, "જો હીટ સ્ટ્રોકની સમયસર સારવાર ન કરવામાં આવે તો તે આ ફેફસાંને પણ કાયમ માટે નુકસાન પહોંચાડી શકે છે."

"હીટ સ્ટ્રોકની કેટલી અસર થઈ છે ચોક્કસપણે જાણવા માટે ઘણાં પરીક્ષણો છે જે સ્પષ્ટપણે સ્ટ્રોકની અસરને દર્શાવે છે. તે છે, સીબીસી ટેસ્ટ, ક્રિએટિનાઇન ટેસ્ટ, લીવરને લગતા એસજીપીટી/sgot ટેસ્ટ કરાવવામાં આવે છે. આ રિપોર્ટના આધારે દર્દીને સારવાર આપવામાં આવે છે."

કોને હીટ સ્ટ્રોક થવાની શક્યતા વધુ છે?

નેશનલ મેડિસિન જર્નલ ઑફ ઇન્ડિયાના એક રિસેર્ચ અનુસાર, શાકભાજી વેચનાર, ઑટો રિપેર મિકેનિક્સ, સાઇકલ રિક્ષા, ઑટોરિક્ષા અને કેબના ડ્રાઇવરો, સ્વ-રોજગારી કારીગરો, મજૂરી કામદારો, બાંધકામ કામદારો, અને પોલીસ કર્મચારીઓ જેવા (ખુલ્લાંમાં) બહાર કામ કરતા લોકો થોડા અંશે સંવેદનશીલ હોય છે, પરંતુ સામાન્ય રીતે તેઓ પોતાની સંભાળ રાખે છે અને હિટસ્ટ્રોકને ટાળે છે.

પરંતુ હીટ સ્ટ્રોક માટે ખાસ કરીને સંવેદનશીલ લોકો છે:

  • વૃદ્ધો, બાળકો ખાસ કરીને શિશુઓ અને સગર્ભા સ્ત્રીઓ
  • દર્દીઓ જે અમુક દવાઓ લે છે, જેવી કે ઍન્ટીસાઇકોટિક દવા, મૂત્રવર્ધક પદાર્થ, વાસકોન્સ્ટ્રિક્ટર, બીટા-બ્લૉકર્સ, ઍન્ટિકોલિનર્જિક્સ, થાઇરોક્સિન, બેન્ઝોડિયાઝેપાઇન્સ
  • જે દર્દીઓ બીપી, શુગર, ડાયાબિટીસની દવા હેઠળ છે તેઓ પણ હિટસ્ટ્રોકનો સામનો કરવા માટે સંવેદનશીલ હોય છે
  • એવા દર્દીઓ જે હૉસ્પિટલમાં આમાંથી કોઈ બીમારીના કારણે દાખલ છે: તાવ, હૃદય, શ્વસન અને ન્યુરોલૉજીકલ બીમારીઓ
  • જો કોઈને ચામડીની બીમારી હોય અને શરીર પરસેવો ઉત્પન્ન ન કરતું હોય તે
  • જે વ્યક્તિઓ શારીરિક રીતે અનુકૂલિત નથી અને ગરમી માટે તે રીતે ટેવાયેલા નથી પરંતુ હિટવેવના તાપમાનમાં અણધારી રીતે સંપર્કમાં આવે છે તેઓ ખાસ કરીને સંવેદનશીલ હોય છે. ઉદાહરણ તરીકે, ઉનાળાના પ્રવાસીઓ, જેમને સખત તડકામાં અણધારી રીતે ચાલવું અથવા કતારમાં ઊભા રહેવું પડતું હતું, ખાસ કરીને ગરમ હવામાનમાં સામાજિક રમતગમતના કાર્યક્રમોમાં ભાગ લેતા બિનઅનુભવી ખેલાડીઓ.

અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં હીટ સ્ટ્રોકના દર્દી માટે શું વ્યવસ્થા છે?

ગુજરાત સહિત દેશભરમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે, કેટલીક જગ્યાઓ પર તાપમાન 45 ડિગ્રીને પાર જવાનું પણ નોંધાયું છે.

અમદાવાદમાં ખાસ કરીને વધતી ગરમીને જોતા હિટ વેવને લઈને તૈયારીઓ કરવામાં આવી છે.

આ વિશે ડૉક્ટર રજનીશ કહે છે કે,"ગયા અઠવાડિયામાં અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં હીટ સ્ટ્રોકના ચાર કેસ હતા. આ અઠવાડિયામાં અત્યાર સુધી હીટ સ્ટ્રોકના ચાર કેસ આવ્યા છે." હીટ સ્ટ્રોકના દર્દી માટે અમે મુખ્યત્વે ત્રણ વ્યવસ્થા કરી છે:

  • જયારે દર્દી હૉસ્પિટલ આવે છે અને લાઇનમાં બેઠા હોય ત્યારથી જ અમે તેમને પીણાં આપવાનું શરૂ કરી દઈએ છીએ.
  • આખા હૉસ્પિટલના પરિસરમાં ઈ-રિક્ષાથી આરઓનું પાણી આપી રહ્યા છે, જેથી હૉસ્પિટલના પરિસરમાં કોઈ વ્યક્તિને ડિહાઇડ્રેશન ન થાય.
  • અમે એક અલાયદો હીટ સ્ટ્રોકનો વૉર્ડ બનાવ્યો છે, જ્યાં સૌથી પેહલા દર્દીને લાવવામાં આવે છે. અહીંયાં એસી રૂમ છે અને દર્દીને પીણાં આપીને તેમના શરીરનું તાપમાન સામાન્ય કરવામાં આવે છે, ત્યાર બાદ જ તેમને સામાન્ય વૉર્ડમાં ખસેડવામાં આવે છે.