પિતા બન્યા બાદ રજા ન મળી તો બાપે બાળકની સંભાળ લેવા નોકરી છોડી દીધી

    • લેેખક, આશય યેડગે
    • પદ, બીબીસી મરાઠી

આ સ્ત્રી-પુરુષની સમાનતાની વાતનો સમય છે. આ બાબતે આજકાલ ઘણાં ભાષણો કરવામાં આવે છે, અખબારો અને સામયિકોમાં લાંબા લેખો લખવામાં આવે છે, પરંતુ ઘણા લોકોને આ વાત અમલમાં મૂકવી મુશ્કેલ લાગે છે.

મહિલાઓએ ભણવું જોઈએ, મહિલાઓએ વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરવી જોઈએ, મહિલાઓએ આ કરવું જોઈએ, આ ન કરવું જોઈએ વગેરે જેવી સલાહ અનેક વખત આપવામાં આવે છે, પણ સમાનતા માટે આપણે આપણા ઘરમાં શું કરીએ છીએ?

અનેક મહિલાઓ પરિવાર અને સંતાનો માટે પોતાના સપનાનું બલિદાન આપે છે, પણ પુરુષો એવું કરવા તૈયાર છે? સૌથી મહત્ત્વની વાત એ છે કે મહિલાઓના ખભા પરનો બોજ ઘટાડવા આપણે તૈયાર છીએ? આ સવાલોના જવાબ શોધવાની જરૂર છે.

જોકે, પુણેમાં રહેતાં દંપતી સિંધુ ભીમા શિંદે અને પ્રિયંકા સોનવણેએ તેમનું જીવન સ્ત્રીપુરુષ સમાનતાના સિદ્ધાંત મુજબ જીવવાનો નિર્ણય કર્યો છે.

બાળકને જન્મ આપવાનું અને સંતાનના જન્મ પછી થોડા મહિના સુધી તેની સંભાળ રાખવાનું કામ મુખ્યત્વે માતાનું હોય છે. એ પછી પિતા પણ સંતાનની દેખભાળ કરી શકતા હોય તો પ્રસૂતિ માટે કરીયર બ્રેક લેનારી માતાને પરત નોકરી પર મોકલીને પિતા કરીયર બ્રેક શા માટે ન લઈ શકે?

આ વિચારીને પત્રકાર પ્રવીણ શિંદેએ સંતાનની સંભાળ રાખવા માટે નોકરી છોડવાનો નિર્ણય કર્યો હતો.

સ્ત્રીને પ્રસૂતિ માટે રજા મળે છે, તેમ પુરુષોને રજા મળે છે કે કેમ તેની તપાસ પ્રવીણે કરી હતી, પરંતુ તેમની રજા મંજૂર કરવામાં આવી ન હતી. તેથી પ્રવીણે નોકરીમાંથી રાજીનામું આપી દીધું હતું.

અનેક લોકો સોશિયલ મીડિયા પર સંતાનની સંભાળ રાખવા માટે નોકરી છોડી દેનાર પિતાનાં વખાણ કરી રહ્યા છે, પરંતુ આવો નિર્ણય લેવા માટે જે હિંમત જોઈએ, મનમાંના સમાનતાના વિચાર અને ઝડપથી આગળ વધી રહેલા આજના વિશ્વમાં નોકરી છોડવાના એક પિતાના વિચારના મૂળમાં શું છે એ જાણવાનો પ્રયાસ અમે કર્યો હતો.

બાળકના ઉછેરની જવાબદારી કોની?

ખરેખર તો બાળકને જન્મ આપવા અને તેને સ્તનપાન કરાવવાની જવાબદારીને બાદ કરતાં બાકીનાં બધાં કામ પુરુષ કરી શકે છે, પરંતુ બાળકની દેખભાળ અને તેના પાલનપોષણની જવાબદારી મુખ્યત્વે માતાને જ સોંપવામાં આવે છે.

માતાનાં ત્યાગ અને કર્તવ્યો બાબતે અસંખ્ય કવિતાઓ લખવામાં આવી છે, પરંતુ છોકરીનો જન્મ માત્ર માતા બનવા માટે જ થયો છે, એ વિચાર હાસ્યાસ્પદ છે.

આ બાબતે વાત કરતાં પ્રવીણ શિંદે કહે છે, “અમે મહાત્મા ફુલે અને સાવિત્રીબાઈ ફુલેના સહજીવનના આદર્શને ધ્યાનમાં રાખીને સત્યની શોધમાં લગ્ન કર્યાં હતાં. એ પછી અમારા પુત્રનો જન્મ અમારા બંનેના જીવનમાં એક મહત્ત્વપૂર્ણ તબક્કો હતો.”

“તેથી બાળકને જન્મ આપવાનો નિર્ણય લેતી વખતે જ સ્ત્રી-પુરુષ અસમાનતાના દૃષ્ટિકોણના સંદર્ભમાં અમારું નિરીક્ષણ એવું હતું કે એક સ્ત્રી માટે તેના અંગત જીવનમાં બે તબક્કા બહુ જ મહત્ત્વના હોય છે.”

સ્ત્રીના જીવનના તબક્કા વિશે વાત કરતી વખતે તેઓ કહે છે કે, “એ બે પૈકીનો પહેલો તબક્કો એટલે લગ્ન પછી સ્ત્રી માટે નોકરી ગુમાવવાની શક્યતા બહુ વધી જાય છે. અમે આ જોખમને ધ્યાનમાં લીધું હતું. તેથી એક ચોક્કસ તબક્કા પછી અમે અમારી ભૂમિકાની અદલાબદલીનો નિર્ણય પહેલાંથી જ કર્યો હતો. સ્ત્રીના વૈવાહિક જીવનનો બીજો તબક્કો એટલે કે સંતાનના જન્મ બાદ તેની બધી જવાબદારી માતા પર ઢોળી દેવામાં આવે છે.”

તેઓ સંતાનની જવાબદારી માતા પર લાદવાની વાતની ટીકા કરતાં કહે છે કે, “આવું કરતી વખતે સ્ત્રીને ઇમોશનલ બ્લેકમેલ કરીને ત્યાગ માટે રાજી કરવામાં આવે છે. તારી નોકરી મહત્ત્વની છે કે તારા પેટે જન્મેલું બાળક, એવો સવાલ પૂછીને સ્ત્રીને કારકિર્દીથી દૂર કરવામાં આવે છે. આવો મુશ્કેલ સવાલ સામે આવે ત્યારે મોટા ભાગની સ્ત્રીઓ કારકિર્દીને છોડીને સંતાનની પસંદગી કરે છે, પણ આ એક પ્રકારનું બ્લેકમેલ જ છે.”

કુદરતે માતાને આપેલા બહુમાન અંગે વાત કરતાં પ્રવીણ કહે છે કે, “તેથી મેં અને પ્રિયંકાએ આ બાબતે વિચાર્યું ત્યારે અમને સમજાયું હતું કે બાળકનાં જન્મ અને ઉછેરની પ્રક્રિયામાં કેટલીક બાબતો અનિવાર્ય છે. સંતાનને ઉદરમાં ઉછેરવાની જવાબદારી કુદરતે માત્ર સ્ત્રીને જ આપી છે. શારીરિક રચના એવી છે તેથી પુરુષ આ ભાર પોતાના ખભા પર ઉઠાવી શકતો નથી.”

“સંતાનના જન્મના છ મહિના સુધી બાળકને સ્તનપાન કરાવવાની જવાબદારી પણ માતાએ લેવી પડે છે, કારણ કે તેમાં પણ પિતા કશું કરી શકતા નથી.”

બાળકના જીવનના શરૂઆતના તબક્કા બાદ પિતાની જવાબદારીનો અહેસાસ પોતાને હોવાની વાત કરતાં તેઓ કહે છે કે, “પરંતુ એ પછીના તબક્કામાં પુરુષ બાળકની જવાબદારી સંભાળી શકે છે, કારણ કે સંતાન છ મહિનાનું થાય પછી તેને સ્તનપાન સિવાયનો આહાર આપી શકાય છે. એ તબક્કામાં બાળકનું માતા પરનું અવલંબન ઓછું હોય છે.”

“તેથી, માતાએ સંતાનના જીવનના પહેલા તબક્કાની જવાબદારી લીધી હોય તો તેના બીજા તબક્કાની જવાબદારી પિતાએ લેવી જોઈએ, એવું અમે નક્કી કર્યું હતું,”

ભારતીય પરિવારોમાં આ શક્ય છે?

આપણી સમાજ વ્યવસ્થામાં પુરુષોને પરિવારના વડા ગણવામાં આવે છે. લગ્ન અને પરિવાર વિશેની સામાજિક માન્યતાઓ અને ધારણાઓ બહુ મજબૂત છે.

ગ્રામ્ય વિસ્તારના આવા જ એક પરિવારમાં જન્મેલા પ્રવીણે પ્રવાહની વિરુદ્ધમાં નિર્ણય લીધો ત્યારે તેમના પરિવારજનોએ શું કહ્યું હતું? સંતાનના ઉછેર માટે નોકરી છોડવાનો નિર્ણય કરતી વખતે તેમણે પરિવારને કેવી રીતે મનાવ્યા?

પ્રવીણ કહે છે, “આપણાં માતાપિતા પરંપરાના વાહક હોય છે. તેમને સમાજમાં પેઢીઓએ એક માર્ગ દેખાડ્યો હોય છે, જીવનની પરંપરાનું વહન કરવાનું શીખવ્યું હોય છે. તેથી આપણાં માતાપિતા એ કામ ઇમાનદારીથી કરતાં હોય છે, પરંતુ આપણી પેઢી આધુનિક મૂલ્યોનું મહત્ત્વ જાણે છે. નવા વિચારો અપનાવવાથી સમાજનું ભલું થઈ શકે એ આપણને સમજાયું છે.”

“આપણે નિશ્ચિત રીતે જાણીએ છીએ કે આપણે સુધારાવાદી વિચારોના પક્ષમાં છીએ. તેથી તેમને નવો વિચાર સમજાવવાના પ્રયાસ કરતી વખતે આપણે આપણાં મૂલ્યોને વળગી રહેવું જોઈએ.”

તેઓ પોતાના દૃઢ નિર્ધાર અંગે વાત કરતા કરતાં કહે છે કે, “લગ્ન પ્રત્યેનો મારો દૃષ્ટિકોણ હોય કે પછી મારા સંતાન માટે નોકરી છોડવાનો નિર્ણય હોય, મારો વિચાર દૃઢ હતો. તેથી જ હું આ નિર્ણય કરી શક્યો.”

પોતાના પરિવાર સાથે આ નિર્ણય અંગે પોતે કઈ રીતે વાત કરી એ જણાવતાં પ્રવીણ કહે છે કે, “આ પ્રક્રિયા દરમિયાન મેં મારા વિચાર, તેની પાછળની ભૂમિકા પરિવારજનોને પ્રેમથી સમજાવી હતી. ક્યારેક નાની-નાની વાતે ચડભડ થતી હતી, પરંતુ વૈચારિક ચર્ચા દરમિયાન મેં સંવાદનો દરવાજો કાયમ ખુલ્લો રાખ્યો હતો. તેને લીધે મને, પરંપરાનું પાલન કરતા મારા પરિવારજનોને મારી વાત સમજાવવામાં મદદ મળી હતી.”

તેઓ પોતાના પરિવારની પ્રતિક્રિયા અંગે કહે છે કે, “નોકરી છોડવાના મારા નિર્ણયને મારા પરિવારે સંપૂર્ણપણે સ્વીકાર્યો નથી, પરંતુ અમારી ચર્ચા ચાલુ છે અને મને લાગે છે કે આવા સંવાદ વડે તેઓ મારો નિર્ણય સ્વીકારવા તૈયાર થશે.”

પોતાના પરિવારને સમજાવવા કરેલી વાત અંગે જણાવતાં તેઓ કહે છે કે, “એ ઉપરાંત મારી વાત તેમને સમજાવતાં મેં એવું પણ કહ્યું હતું કે અમે તમામ રૂઢિ, પરંપરાનું પાલન કરવાને બદલે વધારે અર્થપૂર્ણ આધુનિક વિકલ્પ પસંદ કરી રહ્યાં છીએ. તેથી અમારા વિશે ખોટો અભિપ્રાય બાંધવાને બદલે અમે માણસ તરીકે કેવા છીએ, મુશ્કેલીના સમયમાં અમે મદદગાર બનીએ છીએ કે નહીં, તેવા માનવીય માપદંડને આધારે અમારું મૂલ્યાંકન કરો. માનવીય મૂલ્યો માટે અમે દૃઢનિશ્ચય છીએ કે નહીં તેના આધારે અમારું મૂલ્યાંકન કરો અને પછી નિર્ણય કરો.”

લગ્ન વખતે જ કર્યો હતો આ નિર્ણય

પ્રવીણના આ નિર્ણયને સોશિયલ મીડિયા પર અનેક લોકોએ વખાણ્યો છે. ઘણા લોકો માને છે કે આ નિર્ણય પ્રગતિશીલ, સુધારાવાદી છે, પરંતુ હવે પ્રવીણ પર પરિવાર માટે પૈસા કમાવાની જવાબદારી નથી.

આ નિર્ણયમાં પોતાનાં પત્ની પ્રિયંકાની ભૂમિકાની વાત કરતાં પ્રવીણ કહે છે, “એક મહિલા તરીકે પરિવાર માટે પૈસા કમાવાની જવાબદારી અચાનક આવી પડે તો તે એક રીતે તણાવપૂર્ણ હોઈ શકે, એ વાત સાચી છે.”

“પરિવાર માટે પૈસા કમાવાની જવાબદારી તારા પર આવશે એવું સ્ત્રીને બાળપણથી શીખવવામાં આવતું નથી. પૈસા કમાવાની જવાબદારી તારી હશે એ પણ સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હોતું નથી. તેથી પરિવારની તમામ જવાબદારી સ્ત્રીના ખભા પર આવી જાય તો તેના માટે મુશ્કેલી ઊભી થઈ શકે, પરંતુ અમારા કિસ્સામાં એવું થયું નથી, કારણ કે પ્રિયંકાને તેનાં માતાપિતાએ બહુ સારું શિક્ષણ આપ્યું છે.”

પ્રવીણે પરિવારનો ખર્ચ ચલાવવા માટે પત્ની દ્વારા કરાતાં પ્રયત્નો અંગે વાત કરતાં કહ્યું હતું, “પ્રિયંકાને આત્મનિર્ભર બનાવવામાં તેના માતાપિતાએ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. તેથી શિક્ષણ પછી પ્રિયંકાને નોકરી મળી ગઈ હતી અને તેણે માતાપિતા સાથે મળીને પોતાના પરિવારની નાણાકીય જવાબદારી સંભાળવા લાગી હતી. અમે અમારા અંગત જીવનમાં તે બદલવાનો નિર્ણય કર્યો હતો. અમે લગ્ન કરતી વખતે જ સ્પષ્ટ કરી દીધું હતું કે હું દીકરો હોવાને કારણે મારાં માતાપિતાની જવાબદારી મારી હશે અને પ્રિયંકાનાં માતાપિતાની જવાબદારી તેની હશે.”

“તેથી નાણાકીય જવાબદારી પ્રિયંકાના જીવનનો એક હિસ્સો બની ગઈ છે. એ કારણે મને એવું નથી લાગતું કે હવે અમારા પરિવારની પ્રમુખ હોવામાં તેને કોઈ વાંધો હશે.”

પોતાના પતિએ લીધેલા નિર્ણય બાબતે પ્રિયંકા સોનવણે કહે છે, “અમે બંને માનીએ છીએ કે જે વિચાર કરીએ છીએ તે વિચાર, તે મૂલ્ય આપણા જીવનમાં હોય તો જ સાર્થક બને. તેથી અમે તેના પાલનના તમામ પ્રયાસ કરીએ છીએ. સ્ત્રી અને પુરુષ સમાનતાના વિચારનું પાલન દૈનિક જીવનમાં કરવાના પ્રયાસ પણ અમે આ કારણસર જ કરીએ છીએ. લગ્ન, બાળકના જન્મના નિર્ણય વખતે અમે તેનું પાલન કર્યું હતું.”

બાળકના જન્મ અંગે પોતે ખૂબ વિચાર્યા બાદ નિર્ણય કર્યો હોવાનું જણાવતાં પ્રિયંકાએ કહ્યું હતું કે, “બાળકને જન્મ આપવાનો નિર્ણય કરતી વખતે પણ અમે આ વાતોનો વિચાર કર્યો હતો. બાળકને જન્મ આપવો કે નહીં એ બાબતે અમે બહુ વિચાર કર્યો હતો અને આખરે અમે માતાપિતા બનવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણય કરતી વખતે અમે એ પણ નક્કી કર્યું હતું કે બાળકનો જન્મ અમારી કારકિર્દીના કયા તબક્કામાં થવો જોઈએ. એ પછી બાળકની જવાબદારી કોની હશે એ બાબતે પણ સવિસ્તાર વિચાર કર્યો હતો.”

સામાન્ય રીતે એવું થાય છે કે બાળકને જન્મ આપ્યા બાદ સ્ત્રીની કારકિર્દીમાં અનેક અડચણ સર્જાવા લાગે છે. બાળક માતા પર નિર્ભર હોય છે. તેથી તેની સંપૂર્ણ જવાબદારી માતા પર હોય છે.

તેઓ પોતાના નિર્ણય પાછળના તર્ક અંગે જણાવતાં કહે છે કે, “ઘણા લોકો એવું પણ કહે છે કે બાળકને બે વર્ષનું થઈ જવા દે. બાળક આપરખું થઈ જાય પછી માતા કારકિર્દીમાં પરત આગળ વધી શકે છે, પરંતુ આજના સખત સ્પર્ધાના યુગમાં બે વર્ષનો સમયગાળો બહુ લાંબો સાબિત થઈ શકે છે. બે વર્ષનો કરિયર બ્રેક લીધા બાદ માતાના આત્મવિશ્વાસમાં ઘટાડો થઈ શકે છે. બે વર્ષ પછી કરીયરમાં આગળ વધવા માતાને પ્રોત્સાહિત કરનારા બહુ ઓછા હોય છે. મારી સાથે આવું ન થાય એટલા માટે અમે આ નિર્ણય કર્યો હતો.”

આ નિર્ણય લેતી વખતે નાણાકીય આયોજન કર્યું હતું?

આ બાબતે વાત કરતાં પ્રિયંકા કહે છે, “અમે બંને સામાન્ય પરિવારનાં સંતાનો છીએ. પ્રવીણ પર પરિવારની આર્થિક જવાબદારી છે અને મારા પર પણ પરિવારની એટલી જ જવાબદારી છે. તેથી અમે કરિયરમાં બ્રેક લેશું તો ફાઇનાન્સિયલ પ્લાનિંગ કેવી રીતે થશે તેનો વિચાર અમારા મનમાં આવ્યો હતો, પરંતુ આ જવાબદારી પુરુષે જ લેવી જોઈએ? એવું માનવામાં આવે છે કે જેનો પગાર વધારે હોય તેણે નોકરી કરવી જોઈએ અને જેનો પગાર ઓછો હોય તેણે છોડી દેવી જોઈએ. આપણે ત્યાં પુરુષો અને મહિલાઓને મળતા પગારમાં મોટો ફરક હોય છે.”

“તેના સમર્થનમાં એવું કહેવામાં આવે છે કે પુરુષો પાસે વધારે કૌશલ્ય હોય છે, પરંતુ પુરુષો પાસે વધારે તક પણ હોય છે એ વાત ધ્યાનમાં લેવામાં આવતી નથી. આ પણ એક પ્રકારનો ભેદભાવ છે.”

પોતાના આ નિર્ણય પાછળના દૃઢ નિર્ધાર અંગે વાત કરતાં તેઓ કહે છે કે, “સદ્નસીબે મારો પગાર અમારી મૂળભૂત જરૂરિયાતો સંતોષવા માટે પૂરતો છે. ભવિષ્યનો ડર તો હતો જ, પરંતુ તે ભયને લીધે આપણે નિર્ણય જ ન કરીએ તેનો શું અર્થ? જીવનમાં એકાદ અણધાર્યો વળાંક આવશે તો તેનો વિચાર જરૂર કરીશું, પરંતુ ભવિષ્યમાં કંઈક થશે એમ ધારીને નિર્ણય જ ન લેવો તે અમને સ્વીકાર્ય ન હતું.”

“ઘણી વાર એવું થાય છે કે ગર્ભવતી થયા બાદ નવ મહિનામાં સ્ત્રીના શરીરમાં અને મગજમાં અનેક ફેરફાર થતા હોય છે. પ્રસૂતિ એ બહુ મોટો તબક્કો હોય છે. બાળક ગર્ભમાં હોય ત્યારે તેની માતાની બહુ કાળજી રાખવામાં આવે છે, પરંતુ બાળકના જન્મ પછી બધાનું ધ્યાન બાળક પર કેન્દ્રિત હોય છે. એ વખતે માતાને સમજી શકે એવી વ્યક્તિની જરૂર હોય છે.”

આ નિર્ણયથી પોતાના સંબંધ સુધરવાની આશા વ્યક્ત કરતાં પ્રિયંકા કહે છે કે, “સુવાવડ પછીના અવસાદને સમજવાની જરૂર છે. એક માતાને કેટલી તકલીફ થતી હોય છે એ પુરુષો જાણતા નથી, કારણ કે એક મા કરતી હોય છે એ કામ તેમણે ક્યારેય કર્યું હોતું નથી. તેથી અમે કરેલા નિર્ણયને લીધે એકમેકને બહુ સારી રીતે સમજી શકીશું એવું મને લાગે છે.”

બાળકની જવાબદારીને લીધે વ્યક્તિ તરીકે પણ સમૃદ્ધ થાય છે પુરુષ

પ્રવીણ કહે છે, “સંતાનના માતા સાથેના અંતરંગ સંબંધને આપણે કાયમ રેખાંકિત કરીએ છીએ, પરંતુ માતા અને સંતાન વચ્ચેના આ સંબંધનો પાયો માતાની જાતિ કે તેના મહિલા હોવામાં નહીં, પરંતુ માતા બાળક સાથે જે સમય પસાર કરતી હોય છે તેમાં, તેના ઉછેરમાં મહત્ત્વની ભૂમિકા ભજવતી હોય તેમાં હોય છે.”

“માતાએ તેના સંતાનને જીવનના પ્રત્યેક તબક્કામાં મોટું થતું નજીકથી નિહાળ્યું હોય છે. તેથી માતા અને સંતાનનો સંબંધ, કોઈ અન્ય સંબંધ કરતાં વધારે મહત્ત્વનો છે.”

તેઓ સંતાન સાથે પોતાનો સંબંધ વધુ ગાઢ બનાવવા અંગે પોતાના વિચારો જણાવતાં કહે છે કે, “તમારા સંતાન સાથે આવો વિશેષ સંબંધ બાંધવા માટે જાતિની મર્યાદા હોય છે? આ સવાલનો સ્પષ્ટ જવાબ છે : ના. તેથી જે કામ માતા તેના સંતાન માટે કરી શકે એ બધાં કામ પિતા પણ કરી શકે, પણ એ જવાબદારી લેવી કે નહીં તેનો નિર્ણય પિતાએ જ કરવાનો હોય છે.”

તેઓ પરંપરાગત માન્યતાઓને પડકારતાં આગળ કહે છે કે, “આપણા સામાજિક માળખામાં પુરુષોને આ જવાબદારીથી દૂર રહેવું હોય છે, એટલે માતાની છબિ જાણીજોઈને પવિત્ર તથા મહાન બનાવવામાં આવી છે. દાખલા તરીકે, માતા પરિવારની જવાબદારી એકલેહાથે ઉઠાવવામાં સક્ષમ છે કે નહીં, તેને એટલો પગાર મળશે કે નહીં, એવી શંકા પુરુષો દ્વારા વ્યક્ત કરવામાં આવે છે. પુરુષો આ પ્રકારના તર્ક આપીને જવાબદારીથી બચતા હોય તેવું લાગે છે.”

તેઓ આ નિર્ણય પાછળની પ્રેરણા અંગે વાત કરતાં કહે છે કે, “મને મૂળભૂત રીતે એક માતા અને તેના સંતાન વચ્ચેના સંબંધનું આકર્ષણ હતું. એક પિતા તરીકે મારા સંતાન સાથે એવી જ ઘનિષ્ઠતા, એવા જ બંધનનો અનુભવ હું કરવા ઇચ્છતો હતો. તેથી મેં આ નિર્ણય કર્યો હતો. તેનાથી અમારી ભૂમિકામાં, અમે જે કામ કરીએ છીએ તેમાં ફેરફાર જરૂર થશે અને એકમેકને વધારે સારી રીતે સમજવામાં તો મદદ મળશે જ.”

પોતાની પિતા તરીકેની ઇચ્છા અંગે વાત કરતાં તેઓ કહે છે કે, “સંતાનની દેખભાળ કરવી, તેના માટે સવારે ભોજન બનાવવું, તેને સ્વચ્છ કરવું, છ મહિનાના બાળક સાથે ગપ્પાં મારવાં, તેની ભાષામાં તેની સાથે વાતચીત કરવી, તેને આ દુનિયાની ઓળખ કરાવવી, તેને આસપાસના પરિવેશથી પરિચિત કરવું આ બધા કામ હું એક પિતા તરીકે કરવા ઇચ્છતો હતો.”

પોતાના આ નિર્ણયથી માત્ર પરિવારને જ નહીં, પરંતુ પોતાની જાતને પણ લાભ થશે એવી આશા વ્યક્ત કરતાં પ્રવીણ કહે છે કે, “હું મારા સંતાનના જીવનની આ મહત્ત્વની ક્ષણોને જીવવાની, તેના સૌથી નજીકના સાક્ષી બનવાની મારી ઇચ્છા છે. તેથી એક વ્યક્તિ તરીકે મારી આ યાત્રા મને સમૃદ્ધ કરશે. સૌથી મહત્ત્વની વાત એ છે કે બાળકનો એકલાહાથે ઉછેર કરતી વખતે મને નવીન ચીજો શીખવા મળશે, મારા કામની ગતિ તથા ઉત્પાદકતા વધશે તેનો ફાયદો અમારા સહજીવનમાં થશે તેની મને ખાતરી છે.”