You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પતિ ઘરે બાળકનું ધ્યાન રાખે, પત્ની નોકરીએ જાય તેવું ચલણ ભારતમાં કેમ નથી?
- લેેખક, પાયલ ભુયન
- પદ, બીબીસી સંવાદદાતા
એક મહિલા ઘર, બાળકો અને પરિવારની સંભાળ રાખે એ વાત સામાન્ય ગણાય છે. પરંતુ કોઈ પુરુષ જો ઘર અને બાળકોની જવાબદારી સંભાળતો હોય તો લોકોને વિશ્વાસ થતો નથી અથવા તો તેમને અજુગતું લાગે છે.
પરંતુ ઘણા દેશોમાં ‘સ્ટે-એટ-હોમ-ડેડ’નું ચલણ વધતું જાય છે. ‘સ્ટે-એટ-હોમ-ડેડ’નો મતલબ થાય એવા પિતા કે જે ઘરે રહીને તેમનાં બાળકોનું ધ્યાન રાખે છે.
જોકે, જાણકારો કહે છે કે આ તો સમાજમાં પહેલેથી જ થતું હતું અને અત્યારે પણ થાય છે. ફર્ક એટલો આવ્યો છે કે હવે લોકો તેના વિશે વાત કરે છે.
પરંતુ શું તેના પર ખૂલીને વાત થાય છે? પુરુષ ઘરે રહે છે, ઘરનું ધ્યાન રાખે છે, બાળકોનું ધ્યાન રાખે છે, એ સાંભળીને આજે પણ તમે બે સેકન્ડ ચૂપ નથી થઈ જતા? અથવા તો શું આપણી પ્રતિક્રિયા એવી નથી હોતી કે, વાહ! શું વાત છે?
“હું મારો પરિચય ‘સ્ટે-એટ-હોમ-ડેડ’ તરીકે નહીં આપું”
તામિલનાડુના વિલ્લુપુરમ જિલ્લાના રહેવાસી વેંકટ ચલાપતિ કહે છે, "હું ઘરે જ રહું છું. હું ‘સ્ટે-એટ-હોમ-ડેડ’ છું.
વેંકટ જણાવે છે કે તે 2010થી ઘરમાં આવી ભૂમિકા ભજવી રહ્યા છે. 2006માં તેમની પુત્રીના જન્મ અને 2010માં તેમના છૂટાછેડા પછી વેંકટે વિચાર્યું કે હવે તેઓ જે પણ કરશે તે તેમની પુત્રી માટે જ કરશે.
તેઓ કહે છે, "મને નથી લાગતું કે હું ક્યારેય મારી જાતને એક ‘સ્ટે-એટ-હોમ-ડેડ’ તરીકે રજૂ કરીશ. પહેલાં લોકો મારા ઘરમાં રહેવા અંગે વાત કરતા હતા પરંતુ હું તેને નજરઅંદાજ કરું છું. એ વાતો મને પરેશાન કરતી હતી. પરંતુ સમય સાથે બધા શાંત થઈ ગયા."
અમેરિકામાં ‘સ્ટે-એટ-હોમ-ડેડ’ની પ્રથા સામાન્ય છે. ભારતમાં પણ વેંકટ જેવા પિતા ઘણા મળી જશે, પરંતુ કેટલા પુરુષો ઘરે રહે છે અને કામ પણ કરે છે તેનો કોઈ સત્તાવાર ડેટા ઉપલબ્ધ નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરંતુ બીબીસી વર્ક લાઇફમાં પ્રકાશિત બીબીસી સંવાદદાતા અમેન્ડા રગેરીના અહેવાલમાં જણાવાયું છે કે 1989 અને 2012 વચ્ચે અમેરિકામાં ‘સ્ટે-એટ-હોમ-ડેડ’ની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. પરંતુ હજુ પણ આવા પરિવારોની સંખ્યા બહુ વધારે નથી.
અમેરિકામાં 5.6 ટકા પરિવારો એવા છે જ્યાં કામ મહિલાઓ કરે છે અને પુરુષો ઘરમાં રહે છે.
28.6 ટકા પરિવારોમાં કામ પિતા કરે છે અને માતાઓ ઘરે રહે છે.
જોકે, આ આંકડાઓમાં એવા લોકોનો પણ સમાવેશ થાય છે જેઓ બેરોજગાર છે અને કામની શોધમાં છે.
જો આપણે યુરોપિયન યુનિયનની વાત કરીએ તો આ સંખ્યા ત્યાં પણ ઓછી જ છે. એક અંદાજ મુજબ, 100માંથી એક પુરુષ તેમનાં બાળકોની સંભાળ રાખવા માટે તેમની કારકિર્દીમાંથી છ મહિનાનો વિરામ લે છે, જ્યારે દર ત્રણમાંથી એક મહિલા આવું કરે છે.
પિતાની બદલાયેલી ભૂમિકા
ઑસ્ટ્રેલિયાની યુનિવર્સિટી ઑફ મેલબર્નના સિનિયર લેક્ચરર બ્રૅન્ડન ચર્ચિલ કહે છે, "અમેરિકા અને ઑસ્ટ્રેલિયા જેવા દેશોમાં એક આદર્શ પિતા પાસે તેમનાં બાળકોના ઉછેરમાં પહેલાંના સમય કરતાં વધુ તેઓ વધુ રસ લે તેવી અપેક્ષા રાખવામાં આવે છે."
બ્રૅન્ડન ચર્ચિલ સમાજશાસ્ત્ર ભણાવે છે. તેમણે પૅરેન્ટિંગ વિષય પર સંશોધન પણ કર્યું છે.
વેંકટ પહેલાં નોકરી કરતા હતા પરંતુ તેના જીવનમાં એવો વળાંક આવ્યો કે તેણે નોકરી છોડવી પડી.
તેઓ કહે છે, "દીકરીની સંભાળ રાખવાનો અર્થ એ થયો કે હું એવું કોઈ કામ કરી ન શકું કે જેના માટે દરરોજ ઑફિસ જવું પડે. પૈસા કમાવવા માટે હું ઘરેથી નાનું-મોટું કામ કરી શકું છું. લોકો કહેતા હતા કે ફરી લગ્ન કરી લો, તમારું ઘર સચવાઈ જશે. પરંતુ મેં ક્યારેય લોકોની આ વાતોનો જવાબ આપ્યો નથી.”
વર્ક-ફ્રૉમ-હોમ-ડેડ
બેંગલુરુમાં ડૉક્ટર અને પૅરેન્ટિંગ કન્સલ્ટન્ટ ડૉ. દેબમિતા દત્તાએ જણાવ્યું હતું કે અમેરિકામાં પિતા માટે સંપૂર્ણ સ્ટે-એટ-હોમ ફાધર બનવું વધુ સામાન્ય છે, પરંતુ ભારતમાં હજુ પણ આવા પુરુષોની સંખ્યા વધુ નથી. પરંતુ આ ધીમે ધીમે બદલાઈ રહ્યું છે.
તેઓ કહે છે, “સ્ટે-એટ-હોમ-ડેડ”ની સંખ્યા છેલ્લાં કેટલાંક વર્ષોમાં અનેક ગણી વધી છે. ખાસ કરીને કોરોના પછી આ સંખ્યા વધી છે. હું તેમને સ્ટે-એટ-હોમ નહીં પરંતુ વર્ક-ફ્રૉમ-હોમ-ડેડ કહીશ. હું જે પુરુષો સાથે કામ કરું છું તેમાંથી મોટા ભાગના લોકો ઘરેથી કામ કરે છે અને તમામ પુરુષો ઘરની ઘણી બધી જવાબદારીઓ સંભાળે છે.”
અમેરિકાના સૅન્ટ લૂઇસમાં રહેનાર મયંક ભાગવત પત્રકાર છે. તેઓ વીસ વર્ષ પત્રકારત્વ કર્યા બાદ અમેરિકામાં રહે છે.
તેઓ કહે છે, “મારી પત્ની અહીં સંશોધન કરી રહી છે. હું તેમને સપોર્ટ કરવા અહીં આવ્યો છું. હું ઘરે રહું છું અને વર્ક-ફ્રૉમ-હોમ કરું છું.”
મયંક ભાગવત તેમનાં પત્ની સાથે 2021માં અમેરિકા આવી ગયા હતા.
તેઓ કહે છે, “અહીં આવ્યા પછી, અમે સભાનપણે નિર્ણય લીધો કે અમારે કેટલીક વસ્તુઓમાં બદલાવ લાવવો પડશે. હું ઘરેથી કામ કરવાના મારા નિર્ણયથી ખુશ છું.”
ઘરે રહેવાના પડકારો
તેઓ કહે છે, “આપણા સમાજમાં પુરુષોનું ઘડતર એવી રીતે થયું નથી કે તેમને ઘરનું કામ ઝાઝું આવડતું હોય. કેટલીક વાર એવી ફરિયાદો પણ આવે છે કે ઘરનું કામ તેમના માટે થોડું વધી પડે છે.”
“પરંતુ અમે જોયું છે કે નવા જમાનાના પતિઓ અને પિતા ઘરના દરેક કામ શીખવાનો મહત્તમ પ્રયાસ કરે છે. મારી પાસે જે લોકો આવે છે તેમાં સૌથી વધુ વર્ક-ફ્રૉમ-હોમ-ડેડ છે. તેઓ હકીકતમાં ઘણી વસ્તુઓ શીખવા માગે છે. પરંતુ આ ટ્રેન્ડ શહેરોમાં વધુ જોવા મળે છે.
વર્ક લાઇફમાં પ્રકાશિત થયેલા એક લેખ અનુસાર, એવા કોઈ પુરાવા નથી કે પુરુષો કોઈ પણ સ્કેલ પર સંભાળ રાખવામાં મહિલાઓ કરતાં ઊણા ઊતરતા હોય.
તાજેતરનું એક સંશોધન દર્શાવે છે કે સ્ત્રીઓની જેમ, પુરુષો પણ માતાપિતા બન્યા પછી હોર્મોનલ ફેરફારોમાંથી પસાર થાય છે. શરીરમાં આ પરિવર્તન વ્યક્તિને ખૂબ જ સંભાળ રાખનાર માણસ અથવા બાળકો પ્રત્યે સંભાળ રાખનાર અને સહાનુભૂતિ ધરાવનાર બનવામાં મદદ કરે છે.
વેંકટ કહે છે કે શરૂઆતમાં જ્યારે તેમણે પૂર્ણકાલીન રીતે ઘરમાં રહેવાનું શરૂ કર્યું ત્યારે બધું ખૂબ જ મુશ્કેલ લાગતું હતું.
તેમના કહેવા પ્રમાણે, રોજ ભોજન બનાવવું એ ખૂબ મોટું કામ લાગતું હતું. પહેલાં તો તમે ખોરાક બનાવવામાં અતિશય સમય પસાર કરો છો અને પછી ખાવાનું પણ સારું બનતું નથી. માતાપિતા સાથે રહેતા હતા તો થોડી મદદ મળતી હતી. પરંતુ હવે આટલાં વર્ષો પછી બધું ધીમે ધીમે સરળ બન્યું છે. હવે હું મારી દીકરીની પસંદગીનું ભોજન પણ બનાવું છું અને ઘરનું બાકીનું કામ પણ કરું છું.
તો બીજી તરફ મયંક પોતાનો અનુભવ શેર કરતા કહે છે, “અમેરિકામાં વ્યક્તિએ બધી વસ્તુઓ જાતે જ કરવી પડે છે. છેલ્લા દસ મહિનામાં હું ઘરેથી જ કામની સાથે ઘરની સંપૂર્ણ જવાબદારી સંભાળી રહ્યો છું. પત્ની ઘરના કામમાં પણ મદદ કરે છે. ક્યારેક હું થાકી જાઉં છું તો તે કામ કરે છે. પરંતુ મારો એવો પ્રયાસ રહે છે કે ઑફિસેથી આવ્યા પછી તેને વધારે કામ ન કરવું પડે. પરંતુ એક વાત સ્પષ્ટ છે કે ઘર ચલાવવાનું કામ સરળ નથી અને તેમાં ઘણી મહેનત કરવી પડે છે.”
સમાજનો દૃષ્ટિકોણ
ડૉ. દેબમિતા દત્તા કહે છે કે ‘સેટ-એટ-હોમ ડેડ’ અથવા ‘વર્ક-ફ્રૉમ-હોમ-ડેડ’નો કૉન્સેપ્ટ મોટે ભાગે મોટાં અને નાનાં શહેરોમાં જોવા મળ્યો છે. ત્યાં પુરુષો ઘરેથી કામ કરે છે અથવા પોતાનો ધંધો ચલાવે છે અને મહિલાઓ ઑફિસે જાય છે.
મયંક કહે છે કે અમેરિકન સોસાયટી ખૂબ જ ઉદાર અને ખુલ્લા વિચારોવાળી છે. અહીં લોકો નાના પરિવારમાં રહે છે. અહીં બંને માતા-પિતાએ બધું જ કરવું પડે છે. ઘરે રહેવાનું હોય કે બહાર કામ પર જવાનું હોય એ તમામ તેમને ચીજો કરવી પડે છે. જોકે, મારા પરિવારે આ નિર્ણય પર સવાલ ઉઠાવ્યા ન હતા.
પરંતુ દરેકની કહાણી એકસરખી હોતી નથી.
વેંકટ કહે છે, “મારી દીકરી હવે 12મા ધોરણમાં છે. તે સમજે છે કે મેં શા માટે ઘરે રહેવાનું નક્કી કર્યું. જ્યારે લોકો અમારી સાથે આ વિશે વાત કરે છે ત્યારે અમે તેમની અવગણના કરીએ છીએ અને તેમના પર ધ્યાન આપતા નથી. હું તેમને પૂછું છું, શું માણસને ઘરમાં રહીને પોતાના બાળકની સંભાળ લેવાનો અધિકાર નથી?
મયંક અને વેંકટ એ વાત પર સહમત અને સંતુષ્ટ જણાય છે કે તેઓ તેમની પુત્રીઓને વધુ સમય આપી શકે છે.
(મૂળ અંગ્રેજી લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો.)