મહિલાઓ સ્વરોજગાર અપનાવવા માટે કેમ 'મજબૂર' થઈ રહી છે?

    • લેેખક, આદર્શ રાઠૌર
    • પદ, બીબીસી હિન્દી માટે

34 વર્ષીય ઉર્વશીના પહેલા બાળકનો જન્મ ત્યારે થયો હતો જ્યારે કોરોના મહામારી તેની ચરમસીમાએ હતી. એ સમયે તેઓ મેરઠની એક પ્રાઇવેટ શાળામાં સામાજિક વિજ્ઞાન ભણાવતાં હતાં.

થોડા સમય સુધી તેઓ ઘરથી ઑનલાઇન ક્લાસ લેતાં રહ્યાં પરંતુ પછી તેમને શાળાએ આવવાનું કહેવામાં આવ્યું.

ઉર્વશી જણાવે છે, “પતિ બૅન્કિંગ સૅક્ટરમાં કામ કરે છે એટલે તેમને દરરોજ ઑફિસે જવું પડતું હતું. જો હું પણ દરરોજ શાળાએ જાઉં તો બાળકની સારસંભાળ કોણ રાખે? ઘણું વિચાર્યા બાદ મેં નોકરી છોડી દીધી અને ત્યારથી મેં ટ્યુશન આપવાનું ચાલુ કર્યું.”

બસ આવી જ ઘટના અમેરિકાના પેન્સિલવેનિયાના હર્શેમાં રહેતાં બાળરોગ વિશેષજ્ઞ ડૉ. અમાકા નામાણી સાથે બની.

38 વર્ષીય અમાકાનાં બે બાળકો છે, એક આઠ વર્ષનું અને બીજું છ વર્ષનું. જ્યારે કોરોના મહામારી આવી ત્યારે ત્રીજું સંતાન ગર્ભમાં હતું.

2020ના ઉનાળામાં એક તરફ તેઓ પુત્રને જન્મ આપ્યાં પછી હજુ સ્વસ્થ થઈ રહ્યાં હતાં, તો બીજી તરફ તેમણે મોટાં બાળકોને પણ ઘરે ભણાવવાનાં હતાં. ત્યારબાદ ઑક્ટોબર મહિનામાં તેમને અને તેમના પતિ બંનેને ઑફિસ જવાનું થયું.

ડૉ. નામાણી કહે છે કે મને હૉસ્પિટલમાં દર્દીઓની સારસંભાળ રાખવી અને મારા સહકર્મીઓ સાથે કામ કરવું ગમે છે પરંતુ બાળકોની સારસંભાળની કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે નોકરી ચાલુ રાખવી શક્ય ન હતી.

આજે તેઓ કન્સલ્ટન્ટ તરીકે સ્તનપાન વિશે લોકોનું માર્ગદર્શન કરે છે અને લેખિકા પણ છે.

નોકરી છોડીને તેઓ પણ એ લોકોમાં સામેલ થઈ ગયાં કે જેમણે કોરોનાને કારણે પારંપરિક નોકરીઓ છોડીને સ્વરોજગારનો રસ્તો અપનાવી લીધો હોય.

સ્વરોજગાર અને ઉદ્યમતાના નિશંકપણે ઘણા ફાયદાઓ છે પરંતુ એક કડવી હકીકત એ પણ છે કે ઉર્વશી અને ડૉ. નામાણી જેવી મહિલાઓ માટે તેમની નોકરી છોડવી એ કોઈ વિકલ્પ ન હતો પરંતુ તેમની મજબૂરી હતી.

મહામારી દરમિયાન અનેક મહિલાઓ પર આ પ્રકારે દબાણ ઊભું થયું અને તેમને સ્વરોજગાર અપનાવવો પડ્યો.

વિકલ્પ નહીં ‘મજબૂરી’

બેંગલુરુની અઝીમ પ્રેમજી યુનિવર્સિટી દ્વારા સપ્ટેમ્બર 2023માં જાહેર કરવામાં આવેલા એક રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે ભારતમાં સ્વરોજગાર અપનાવનાર મહિલાઓની સંખ્યા વધી છે.

‘સ્ટેટ ઑફ વર્કિંગ ઇન્ડિયા 2023’ શીર્ષક ધરાવતો આ રિપોર્ટ કહે છે કે ભારતમાં સ્વરોજગાર અપનાવનાર મહિલાઓની સંખ્યા જૂન 2018માં પૂરા થતા ત્રિમાસિક ગાળાની સરખામણીએ ડિસેમ્બર 2022માં 14 ટકા વધીને 65 ટકા થઈ ગઈ.

આ રિપોર્ટ અનુસાર, ‘એવી સંભાવના પણ છે કે આર્થિક પ્રગતિને કારણે નહીં પરંતુ મજબૂરીને કારણે આ થયું છે.’

આ જ રીતે અમેરિકાના સેન્ટર ઑફ ઇકૉનૉમિક ઍન્ડ પૉલિસી રિસર્ચ (સીઇપીઆર)નો રિપોર્ટ કહે છે પોતે સ્વરોજગાર સાથે જોડાયેલા છે એવું ગણાવતા અમેરિકીઓની સંખ્યા 2019થી 2022ના પહેલાં છ મહિના સુધીમાં 4 ટકા વધી છે.

મહામારી દરમિયાન પુરુષો કરતાં લગભગ બમણી સ્ત્રીઓએ પોતાને સ્વરોજગાર સાથે જોડાયેલાં ગણાવ્યાં.

મિસ્ટી એ. હૅગિનેસ એ યુનિવર્સિટી ઑફ કૅન્સાસમાં સ્કૂલ ઑફ પબ્લિક અફેર્સ ઍન્ડ એડમિનિસ્ટ્રેશનમાં ઍસોસિયેટ પ્રૉફેસર છે. હેગિન્સ માને છે કે આ સંખ્યામાં વધારો એવા લોકોના કારણે પણ છે જેઓ કંઈક નવું શોધી રહ્યા છે.

તેઓ કહે છે કે નવથી પાંચ સુધી કામ કરવું એ ઘણા લોકો, ખાસ કરીને કામ કરતી માતાઓ માટે યોગ્ય નથી.

પ્રૉફેસર હેગિનેસ કહે છે, "લોકોને કામ કરવાના સમય અને રીતમાં લચીલાપણું અને સુગમતાની જરૂર છે. આ સ્થિતિમાં સ્વરોજગાર માતાઓ માટે તે યોગ્ય છે. તેઓ આટલું બધું કરીને થાકી ગયાં છે પરંતુ તેમ છતાં તેઓ કામ અને કારકિર્દી પર ધ્યાન આપવા માગે છે. આવી પરિસ્થિતિમાં તેમણે નક્કી કર્યું છે કે સ્વરોજગાર દ્વારા તેમના પોતાના બૉસ બનીને તેઓ કામ અને જીવન વચ્ચે વધુ સારું સંતુલન બનાવી શકે છે.

નોકરી છોડવાનું કારણ

પ્રોફેસર મિસ્ટી એ. હેગિનેસ જણાવે છે કે અમેરિકામાં વર્કિંગ પેરેન્ટ્સ માટે બાળકોની દેખભાળ કરવું એ મુશ્કેલ અને વધુ ખર્ચાળ છે. એટલા માટે મહિલાઓ પર જ અંતે જવાબદારી આવે છે.

તેઓ કહે છે કે કેટલીક મહિલાઓ પાસે બીજાં સંસાધન કે બચતના પૈસા હતા અથવા તો તેમના જીવનસાથી વધુ કમાઈ રહ્યા હતા એટલે તેમણે બાળકોની સારસંભાળ માટે પોતાનું કામ છોડી દીધું. પરંતુ દરેક વ્યક્તિ માટે નોકરી છોડવી સરળ નથી.

પ્રો. હેગિનેસ કહે છે, “ઘણી માતાઓ પાસે કામ છોડવાનો વિકલ્પ ન હતો. તેમની આવકથી જ ઘર ચાલતું હતું. આવી સ્થિતિમાં તેમને સ્વરોજગારની ફરજ પાડવામાં આવે છે જેથી તેઓ તેની સાથે તેમનાં બાળકોનું ધ્યાન રાખી શકે.

ભારતમાં પણ કામ કરતી મહિલાઓ પર પરંપરાગત સામાજિક જવાબદારીઓ નિભાવવાનું દબાણ હોય છે. કામની સાથે તેમને બાળકો અને પરિવારનું ધ્યાન રાખવું પડે છે.

‘સ્ટેટ ઑફ વર્કિંગ ઇન્ડિયા 2023’ રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ભારતમાં વિવિધ વ્યવસાયોમાં કામ કરતી મહિલાઓએ તેમની નોકરીની સાથે બાળકોની સંભાળ રાખવાની જવાબદારી પણ ઉપાડવી પડશે.

અર્થશાસ્ત્રી જુલી કાઈ કે જેમણે સીઇપીઆરના સંશોધનમાં યોગદાન આપ્યું હતું. તેઓ કહે છે કે મોટા ભાગની અમેરિકન મહિલાઓ જે નોકરી છોડીને સ્વરોજગાર બની હતી, તેમનાં બાળકો ખૂબ નાનાં હતાં.

તેઓ કહે છે, “ડેટા દર્શાવે છે કે છ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોનાં માતા-પિતા સ્વરોજગાર કરતા હોવાની શક્યતા વધુ હોય છે. ઓછી આવક ધરાવતી અને ઓછી શિક્ષિત મહિલાઓ સાથે પણ આવું જ થાય છે."

ઉપાય શું છે?

મજબૂરીમાં નોકરી છોડીને સ્વરોજગાર અપનાવવાના ચલણને રોકવા માટેનો ઉપાય બતાવતાં અર્થશાસ્ત્રી હાઈ કહે છે, “એ જરૂરી છે કે કંપનીઓ બાળકોની સંભાળને લઈને ધ્યાન આપે અને મહિલાઓના કામ કરવાના સમયનું પણ ધ્યાન રાખે.”

ઓછી શિક્ષિત અને ઓછી આવક ધરાવતી મહિલાઓ માટે એ મહત્ત્વપૂર્ણ હોઈ શકે, કારણ કે સીઇપીઆરના સંશોધન પ્રમાણે મોટા ભાગની મહિલાઓએ આ જ તકલીફોને કારણે નોકરીઓ છોડી હતી.

તેમ છતાં અનેક મહિલાઓને સ્વરોજગારમાં આશાનું કિરણ દેખાય છે.

ઉર્વશી કહે છે કે તેમને સ્વરોજગારથી ઘણા લાભો મળ્યા છે. થોડા મહિના પહેલાં તેમણે બીજા બાળકને જન્મ આપ્યો હતો. તેઓ તેના મોટા પુત્રની સંભાળ રાખવાની સાથે સાથે બાળકોને ભણાવવાનું મનપસંદ કામ પણ કરી શકે છે. તેમનો ખર્ચ પણ ટ્યુશનની આવકથી નીકળી રહ્યો છે.

એ જ રીતે ડૉ. નામાણી પણ તેમનાં બાળકોની સારી રીતે સંભાળ રાખવામાં સક્ષમ છે. રોજગાર માટે તેમણે સ્તનપાન અંગે માહિતી આપતી કન્સલ્ટન્સી કંપની બનાવી છે.

વધુમાં તે હૉસ્પિટલો માટે ફ્રીલાન્સ કામ પણ કરી રહ્યા છે અને બાળકો સંબંધિત વિષયો પર એક પુસ્તક પણ લખ્યું છે.

મિસ્ટી એ. હેગિનેસ કહે છે, “બાળકો ધરાવતી સ્ત્રીઓ માટે સ્વરોજગાર અને ઘરેથી કામ કરવું પૂરતું નથી. જ્યારે ઘરે બાળકો હોય ત્યારે ઘરેથી કામ કરવું પણ સરળ નથી."

પ્રો. હેગિનેસનું માનવું છે કે ભલે સ્વરોજગારથી અનેક ફાયદાઓ થાય છે પરંતુ કેટલાક નુકસાન પણ છે.

તેઓ કહે છે, "સારી કંપનીઓમાં કામ કરવાથી સ્વાસ્થ્ય વીમો અથવા નિવૃત્તિ માટે બચત જેવી સુવિધાઓ મળે છે, જે સ્વરોજગારમાં ઉપલબ્ધ નથી."

તેને ભારતીય પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો અહીં મોટા ભાગની મજૂરવર્ગની મહિલાઓ અસંગઠિત ક્ષેત્ર સાથે સંકળાયેલી છે જ્યાં આવી કોઈ વ્યવસ્થા નથી.

ઇન્ટરનેશનલ લેબર ઑર્ગેનાઇઝેશનના 2018ના રિપોર્ટ અનુસાર, ભારતની લગભગ 82 ટકા વર્કિંગ વુમન અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે.

‘સ્ટેટ ઑફ વર્કિંગ ઇન્ડિયા 2023’ રિપોર્ટ અનુસાર, કોવિડ મહામારી દરમિયાન ભારતના વર્કિંગ ક્લાસમાં મહિલાઓની ભાગીદારી 30 ટકાથી વધીને લગભગ 33 ટકા થઈ ગઈ છે, જે હજુ પણ ઘણી ઓછી છે.

રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ભારતમાં સમયાંતરે વધુ મહિલાઓએ સ્વરોજગાર અપનાવ્યો હોવા છતાં તેમની આવકમાં જૂન 2019માં પૂરા થયેલા ક્વાર્ટરની સરખામણીમાં 15 ટકાનો ઘટાડો થયો છે.

સંશોધકોનું કહેવું છે કે 'આર્થિક મંદી' અને મહામારીને કારણે ઊભી થયેલી મુશ્કેલીઓને કારણે આવું બન્યું હશે.

તેઓ માને છે કે ભારતના કામદાર વર્ગમાં મહિલાઓની સંખ્યા વધી છે પરંતુ 'ઘરેલુ જવાબદારીઓમાંથી સ્વરોજગાર તરફ જવા જેવી મજબૂરીઓને કારણે' આવું બન્યું છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ‘ઘરની આવક ઘટી હોય એ કારણે મહિલાઓએ સ્વરોજગાર અપનાવ્યો હોય તેની સરખામણીએ આર્થિક પ્રગતિ અને વધેલી લેબર ડિમાન્ડને કારણે મહિલાઓની ભાગીદારી વધી હોય તેનાં અલગ તારણો જોવા મળે છે.’

સંશોધકો સૂચવે છે કે, “વર્કિંગ વુમનની વધતી જતી સંખ્યા મુજબ આધુનિક અને ઉત્પાદક ક્ષેત્રોમાં તેમની માગ વધે તેવો માહોલ પણ સર્જવો પડશે. નહીંતર પહેલેથી જ ગીચ એવા સ્વરોજગારનાં ક્ષેત્રો હજુ વધુ ગીચ બની જશે.”