You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકાએ બીજી વાર રાષ્ટ્રપતિ તરીકે કેમ ચૂંટ્યા?
- લેેખક, સારા સ્મિથ
- પદ, ઉત્તર અમેરિકા સંપાદક, બીબીસી
પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચાર વર્ષ પછી ફરી વાર ચૂંટણીમાં જીત હાંસલ કરીને અમેરિકાના રાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યા છે.
સ્પષ્ટપણે આ અમેરિકાના રાજકીય ઇતિહાસમાં સૌથી નાટ્યાત્મક કમબૅકમાંનું એક છે.
વ્હાઇટ હાઉસ છોડ્યાનાં ચાર વર્ષ પછી લાખો અમેરિકન મતદારોએ તેમને ટ્રમ્પને સમર્થન આપીને તેમનું પુનરાગમન કરાવ્યું છે.
તેમનો ચૂંટણીપ્રચાર અભિયાન પણ સ્વયં ઇતિહાસ છે. આ પ્રચાર દરમિયાન બે વખત તેમની હત્યાના પ્રયાસો થયા, તેમના પ્રતિદ્વંદી બાઇડને પણ ચૂંટણીમેદાન છોડી દીધું અને કમલા હૅરિસ ડેમૉક્રેટિક પક્ષનાં ઉમેદવાર બન્યાં.
અમેરિકાનાં મહત્ત્વપૂર્ણ રાજ્યોમાં મતદારોએ ટ્રમ્પને મત આપવાનો નિર્ણય કર્યો હતો, જેમાંથી અનેક મતદારો માટે અર્થવ્યવસ્થા અને ઇમિગ્રન્ટ્સનો મુદ્દો સૌથી મહત્ત્વનો હતો.
ટ્રમ્પની રાજકીય સાખમાં અતિશય ઘટાડા પછી તેમનું આ પુનરાગમન થયું છે. તેમણે વર્ષ 2020માં પણ ચૂંટણીપરિણામોને માનવાનો ઇન્કાર કરી દીધો હતો. એ ચૂંટણીમાં તેમનો બાઇડન સામે પરાજય થયો હતો.
એ ચૂંટણીનાં પરિણામોને પલટવાની કોશિશ અને અમેરિકી રાષ્ટ્રપતિ કાર્યાલયને ન છોડવાની તેમની કોશિશનું આજે પણ આકલન થતું રહે છે.
ટ્રમ્પ પર 6 જાન્યુઆરી, 2021ના રોજ કૅપિટલ હિલ્સ પર સમર્થકોને કથિતપણે ભડકાવવાનો પણ આરોપ લાગ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વ્યાવસાયિક રેકૉર્ડમાં પણ હેરાફેરી કરવાના આરોપસર તેઓ દોષિત જાહેર થયા અને કેટલાક અન્ય મામલાઓમાં પણ દોષિત જાહેર થવા છતાં અમેરિકાના રાષ્ટ્રપતિપદે આસન્ન થનારા તેઓ પહેલી વ્યક્તિ બની જશે.
એ સમજવું મુશ્કેલ નથી કે ડોનાલ્ડ ટ્રમ્પ ધ્રુવીકરણ કરનારી વ્યક્તિ છે.
તેમના સંપૂર્ણ ચૂંટણીપ્રચાર દરમિયાન ટ્રમ્પે ભડકાઉ ભાષણો પણ કર્યાં છે, બિભત્સ જૉક પણ માર્યા છે અને તેમના રાજકીય વિરોધીઓ સામે બદલો લેવાની ધમકી પણ આપી છે.
અર્થવ્યવસ્થાના મુદ્દે લોકોનું દિલ જીતી લીધું
જ્યારે ટ્રમ્પની વાત આવે છે એવું કહી શકાય કે કેટલાક લોકો પાસે વચ્ચેનો રસ્તો છે. આ ચૂંટણીપ્રચાર દરમિયાન અમે જેમની સાથે વાત કરી હતી તેમાંના મોટા ભાગના મતદારોએ કહ્યું કે તેઓ ઇચ્છે છે કે ટ્રમ્પ ‘તેમની ગંદી વાતો બંધ કરે.’ પરંતુ લોકો તેનાથી દૂરનું પણ જોઈ શકતા હતા, એટલે કે તેમનું ફોકસ અન્ય વાતો પર પણ હતું.
લોકોએ દરેક રેલીમાં ટ્રમ્પ શું પૂછતા હતા તેના પર વધુ ધ્યાન આપ્યું. ટ્રમ્પ માત્ર સામાન્ય સવાલ પૂછતા હતા કે, "શું તમે બે વર્ષ પહેલાં હતા તેના કરતાં વધુ સારી સ્થિતિમાં છો?"
ડોનાલ્ડ ટ્રમ્પને મત આપનારા ઘણા લોકોએ અમને કહ્યું કે જ્યારે ટ્રમ્પ પ્રમુખ હતા ત્યારે તેમને લાગતું હતું કે અર્થવ્યવસ્થા વધુ સારી સ્થિતિમાં હતી. જ્યારે હવે લોકો તેમની પોતાની જરૂરિયાતો પૂરી કરવામાં જ થાકી જતા હતા.
જોકે, કોવિડ-19 મહામારી જેવાં બાહ્ય કારણો પણ અમેરિકામાં મોંઘવારી પાછળ જવાબદાર છે. તેના માટે લોકો વર્તમાન અમેરિકન વહીવટીતંત્રને દોષી ઠેરવી રહ્યા હતા.
અમેરિકન મતદારો પણ ગેરકાયદેસર આવેલા ઇમિગ્રન્ટ્સ વિશે ખૂબ ચિંતિત હતા, જે બાઇડનના કાર્યકાળ દરમિયાન રેકૉર્ડ સ્તરે પહોંચ્યા હતા.
અમેરિકામાં ચૂંટણી દરમિયાન લોકો સામાન્ય રીતે વંશીય ટિપ્પણીઓ વ્યક્ત કરતા ન હતા કે એવું પણ માનતા ન હતા કે ઇમિગ્રન્ટ્સ સ્થાનિક લોકોના પાળતુ પ્રાણી ખાઈ જાય છે. એટલે કે ટ્રમ્પે કરેલા આ દાવાઓ સાથે તેઓ સંપૂર્ણપણે સહમત ન હતા પરંતુ લોકો ચોક્કસપણે સરહદ પર કડક તકેદારી ઇચ્છતા હતા.
‘અમેરિકા ફર્સ્ટ’નો નારો
‘અમેરિકા ફર્સ્ટ’ એ આ ચૂંટણીમાં ટ્રમ્પનાં આપેલાં એવાં સૂત્રોમાંનું એક હતું જે મતદારોને ખરેખર સ્પર્શી રહ્યું હતું.
દેશભરમાં દરેક જગ્યાએ અમે લોકોને યુક્રેનને ટેકો આપવા માટે ખર્ચવામાં આવેલા અબજો ડૉલર વિશે ફરિયાદ કરતા સાંભળ્યા. લોકો માનતા હતા કે તેના કરતાં અમેરિકા પર પૈસા ખર્ચવા વધુ સારું છે.
અંતે, આવા લોકોએ કમલા હૅરિસને મત ન આપ્યા, કારણ કે કમલા હૅરિસ બાઇડન સાથે ચાર વર્ષ સુધી ઉપરાષ્ટ્રપતિ તરીકે હતાં. લોકોને લાગતું હતું કે કમલાને ચૂંટવાથી પરિસ્થિતિ સમાન જ રહેશે. લોકો આ મુદ્દે પણ પરિવર્તન ઇચ્છતા હતા.
એ કદાચ આ ચૂંટણીની સૌથી મોટી વિડંબનાઓમાંની એક છે કે જે ઉમેદવારે આ પરિવર્તનને સૌથી વધુ મુદ્દો બનાવ્યો એ ઉમેદવાર હજુ ચાર વર્ષ પહેલાં જ સત્તામાં હતો. જોકે, એ સમય અને આ સમયમાં હવે ઘણા તફાવત છે.
2016માં જ્યારે ટ્રમ્પ પ્રથમ વખત સત્તામાં આવ્યા ત્યારે તેઓ રાજકીય રીતે બહારની વ્યક્તિ ગણાતા હતા.
થોડા સમય માટે, ટ્રમ્પે પોતાને અનુભવી રાજકીય સલાહકારો અને અધિકારીઓના ઘેરામાં રાખ્યા હતા. આ લોકોએ તેમના કામને નિયંત્રણમાં રાખ્યું હતું. પણ હવે ટ્રમ્પને આ અધિકારીઓના બનાવેલા નિયમો પ્રમાણે રમવામાં કોઈ રસ નથી.
એમાંથી જ ઘણા સલાહકારો અને સ્ટાફે ટ્રમ્પને ‘જૂઠા’, ‘ફાસીવાદી’ અને ‘અયોગ્ય’ કહ્યા છે. તેમણે ચેતવણી આપી હતી કે જો ટ્રમ્પ પોતાની જાતને પોતાના જ વફાદારોથી ઘેરી લેશે તો તેમના ઉગ્ર વિચારોને રોકવાવાળું કોઈ નહીં હોય.
જ્યારે તેમણે પદ છોડ્યું, ત્યારે તેમણે કૅપિટલ હિલ્સ રમખાણોમાં તેમની ભૂમિકા, રાષ્ટ્રીય સુરક્ષા-સંબંધિત દસ્તાવેજોનું સંચાલન અને પોર્નસ્ટારને હશ મની પેમેન્ટ્સ સંબંધિત બહુવિધ ગુનાહિત આરોપોનો સામનો કરવો પડ્યો.
પરંતુ સર્વોચ્ચ અદાલતે તેના નિર્ણયમાં કહ્યું હતું કે રાષ્ટ્રપતિ જ્યારે ઑફિસમાં હોય ત્યારે કોઈ પણ સત્તાવાર કૃત્ય માટે કાર્યવાહીથી સંપૂર્ણ છૂટ હોય છે. તેથી આગામી કાર્યકાળ દરમિયાન પણ કોઈ ફરિયાદી માટે તેમના પર આરોપ મૂકવો તે મુશ્કેલભર્યું હશે.
અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે, ટ્રમ્પ તેમના ન્યાય વિભાગને 6 જાન્યુઆરી, 2021નાં રમખાણોને લગતા તેમની સામેના ફેડરલ આરોપોને હઠાવવાનો નિર્દેશ આપી શકે છે જેથી કરીને તેમને જેલની સજાની ચિંતા ન કરવી પડે.
તે કૅપિટલ હિલ્સ રમખાણોમાં ભાગ લેવા બદલ જેલમાં સજા પામેલા સેંકડો લોકોને પણ માફ કરી શકે છે.
મતદારો સામે દેશની બે તસવીર
ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણીપ્રચાર દરમિયાન મતદારોને કહ્યું કે તેમનો દેશ એક નિષ્ફળ રાષ્ટ્ર છે અને માત્ર તેઓ જ તેને ફરીથી મહાન બનાવી શકે છે.
તો કમલા હૅરિસે ચેતવણી આપી હતી કે જો ટ્રમ્પ જીતી જશે તો અમેરિકન લોકતંત્રને પોતાના અસ્તિત્વના જોખમનો સામનો કરવો પડશે.
જોકે હજુ એ જોવાનું બાકી છે, પણ પોતાના અભિયાન દરમિયાન ટ્રમ્પે જે કંઈ કહ્યું તેનાથી લોકો ડર સંપૂર્ણ ખતમ થયો નથી.
તેમણે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ઉત્તર કોરિયાના કિમ જોંગ ઉન જેવા સત્તાવાદી નેતાઓનાં વખાણ કર્યાં છે.
ટ્રમ્પે કહ્યું, "તેઓ તેમની રમતમાં શીર્ષ પર છે, ભલે તમે તેમને પસંદ કરો કે ન કરો."
તેમણે પ્રેસમાં ટીકાકારોને ચૂપ કરાવવાના પ્રયાસો અંગે પણ વાત કરી. ચૂંટણી અગાઉ તેમણે એવી ટિપ્પણીઓ કરી હતી, જેનો મતલબ એવો હતો કે જો મીડિયાના લોકો માર્યા જશે તો તેમને કોઈ ફરક નહીં પડે.
ટ્રમ્પે કાવતરાના સિદ્ધાંતો અને ચૂંટણી ગરબડના નિરાધાર દાવાને પ્રચાર દરમિયાન ઉઠાવવાનું ચાલુ રાખ્યું. ચૂંટણીમાં ભલે તેમની જીત થઈ હોવા છતાં.
હવે અમેરિકાના મતદારોને ખબર પડશે કે ચૂંટણીપ્રચાર દરમિયાન ટ્રમ્પે જે કંઈ પણ કહ્યું એ કેટલે સુધી બેકાર વાતો હતી- "ટ્રમ્પ તો ટ્રમ્પ છે."
આપણે એ યાદ રાખવું જોઈએ કે માત્ર અમેરિકન મતદારોને ટ્રમ્પના બીજા કાર્યકાળમાં હકીકતનો સામનો નહીં કરવો પડે.
દુનિયાના અન્ય દેશોને પણ ખબર પડશે કે "અમેરિકા ફર્સ્ટ"નો ખરેખર અર્થ શો છે.
અમેરિકન આયાત પર પ્રસ્તાવિત 20 ટકા ટૅરિફ વૈશ્વિક આર્થિક અસરથી લઈને યુક્રેન અને મધ્યપૂર્વમાં જંગ સમાપ્ત કરવાના સોગંદ ટ્રમ્પે ખાધા છે, તેનું શું થશે.
ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના પ્રથમ કાર્યકાળમાં પોતાની બધી યોજનાને લાગુ કરવામાં સફળ નહોતા રહ્યા.
ટ્રમ્પને અમેરિકાના લોકોએ હવે બીજી વાર પસંદ કર્યા છે. એ પણ માનવામાં આવે છે કે બીજા કાર્યકાળમાં ટ્રમ્પ પર દબાણ ઘણું ઓછું હશે.
આથી હવે અમેરિકા જ નહીં પણ આખી દુનિયાએ જોવું રહ્યું કે મોટા મોટા ચૂંટણી વાયદા કરનાર ટ્રમ્પ ખરેખર શું કરી શકે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન