ઑસ્ટ્રેલિયા વિ. ભારત : રિંકુસિંહે મારેલો એ વિજયી છગ્ગો કેમ ગણાયો નહીં?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ગત રવિવારે ઑસ્ટ્રેલિયા સામેની ફાઇનલમાં ભારતીય ટીમને મળેલી હારથી કરોડો ભારતીયોની વનડે વર્લ્ડકપ જીતી ઇતિહાસ રચવાની આશા પર પાણી ફરી વળ્યું હતું.

પરંતુ આ નિરાશા વચ્ચે પણ ભારતમાં ક્રિકેટનો ક્રેઝ જળવાઈ રહ્યો છે. આ વાતનો પુરાવો ઑસ્ટ્રેલિયા સામે ગુરુવારે શરૂ થયેલી પાંચ મૅચની ટી20 સીરિઝની પ્રથમ મૅચના રોમાંચક અંત વખતે પ્રેક્ષકોની ઉત્સાહભરી પ્રતિક્રિયા છે.

પ્રથમ ટી20 મૅચમાં ઑસ્ટ્રેલિયા સામે ઊતરેલી પ્રમાણમાં ઓછી અનુભવી ટીમ ઇન્ડિયાએ મહેમાન ટીમને રોમાંચક મૅચમાં રનચેઝનો રેકૉર્ડ સર્જી હાર આપી હતી.

વિશાખાપટ્ટનમ ખાતે આયોજિત પ્રથમ મૅચમાં ઑસ્ટ્રેલિયન ટીમે જોશ ઇંગ્લિસ અને સ્ટિવ સ્મિથની આક્રમક ઇનિંગના બળે ભારતીય ટીમ સામે 209 રનનું લક્ષ્ય મૂક્યું હતું. જે ભારતની ટીમે કપ્તાન સૂર્યકુમાર યાદવ, ઇશાન કિશન અને રિંકુસિંહની ઝંઝાવાતી ઇનિંગોની મદદથી હાંસલ કરી સિરીઝમાં 1-0થી સરસાઈ મેળવી હતી.

ભારતની ઝંઝાવાતી બેટિંગ અને રોમાંચક જીત છતાં આ મૅચમાં સૌથી વધુ ચર્ચા તો રિંકુસિંહે અંતિમ બૉલે જીત માટે ફટકારેલા છગ્ગાની થઈ રહી છે. જેની રિંકુસિંહના વ્યક્તિગત સ્કોરમાં કે ભારતીય ટીમના કુલ સ્કોરમાં ગણતરી કરાઈ નહોતી.

પરંતુ આવું કેમ થયું હતું? આ સવાલનો જવાબ આપીએ પહેલાં જાણી લઈએ કે આ રોમાંચક મૅચમાં ભારતીય બૅટ્સમૅનોએ કેવી ધૂમ મચાવી હતી.

ભારતીય બૅટ્સમૅનોનો ઝંઝાવાત

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

209 રનના લક્ષ્યનો પીછો કરવા ઊતરેલી આ યુવાન ટીમના ઓપનર યશસ્વી જયસ્વાલે પ્રથમ ઓવરમાં ફટકાબાજીથી પોતાના ઇરાદા જાહેરા કરી દીધા હતા. જોકે, બીજા ઓપનર ઋતુરાજ ગાયકવાડ બંને બૅટ્સમૅનો વચ્ચે તાલમેલમાં ગરબડ થતાં ઝીરો પર આઉટ થતાં ભારતને શરૂઆતમાં જ ફટકો પડ્યો હતો.

દરમિયાન જયસ્વાલે એક તરફથી આક્રમક બેટિંગ કરવાનું ચાલુ રાખ્યું હતું. પરંતુ તેઓ પણ ક્રીઝ પર ઝાઝું ટકી ન શક્યા અને ત્રીજી ઓવરમાં મેથ્યૂ શોર્ટના બૉલ પર માત્ર આઠ બૉલમાં 21 રનની ઝંઝાવાતી ઇનિંગ રમીને આઉટ થઈ ગયા.

પરંતુ આ બીજી વિકેટ સાથે ભારતીય ટીમ મુશ્કેલીમાં જણાઈ રહી હતી.

હવે બેટિંગનો મદાર નવા બૅટ્સમૅન સૂર્યકુમાર અને ઈશાન પર હતો. બંનેએ ક્રીઝ પર થોડો સમય પસાર કર્યા બાદ ફટાકાબાજી કરવાનું શરૂ કરી દીધું અને ટીમના સ્કોરને ગતિ આપી. બંનેની જબરદસ્ત બેટિંગના દમ પર ભારત માત્ર 4.5 ઓવરમાં જ 50 રનનો આંકડો પાર કરી ગયું.

તે બાદ નવમી ઓવરમાં સ્પિનર તનવીર સંઘાની ઓવરમાં ફટકાબાજી કરી આ બંને સેટ બૅટ્સમૅનોએ ટીમના સ્કોરને 100 રનની પાર પહોંચાડી દીધું હતું.

આ દરમિયાન 37 બૉલમાં ઈશાન કિશન પોતાની ટી20 કારકિર્દીની ચોથી અર્ધ સદી કરવામાં સફળ રહ્યા, પરંતુ 13મી ઓવરમાં સંઘાના સતત બે બૉલ બાઉન્ડ્રી પર પહોંચાડ્યા બાદ ત્રીજી વખત મોટો શૉટ રમવાના પ્રયાસમાં ઈશાન કૅચાઉટ થયા. તેઓ પોતાની ઇનિંગમાં પાંચ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 39 બૉલમાં 58 રન બનાવી શક્યા હતા.

ઈશાન બાદ ક્રીઝ પર આવેલા તિલક વર્મા થોડી વાર સુધી ક્રીઝ પર ટકવામાં અને અમુક સારા શૉટ રમવામાં સફળ રહ્યા પરંતુ ઝાઝું ટકી ન શક્યા અને દસ બૉલમાં 12 રન બનાવી તનવીરનો શિકાર બન્યા હતા.

છગ્ગો ફટકાર્યો, જીત મળી પરંતુ રન સ્કોરમાં ન ગણાયા

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

હવે ભારતીય ટીમના હાથમાં પૂરતી ઓવરો તો હતી પરંતુ આક્રમકતા સાથે જાળવીને રમવાની જરૂરિયાત જણાઈ રહી હતી. સૂર્યકુમાર અને રિંકુસિંહની જોડીએ કર્યું પણ કંઈક એવું જ.

સૂર્યકુમારે આ દરમિયાન ખૂબ જ આક્રમક રમતનું પ્રદર્શન કર્યું અને થોડા બૉલમાં જ ટીમને જીતની નિકટ પહોંચાડી દીધી. પરંતુ તેઓ ટીમને જીત સુધી લઈ ન જઈ શક્યા. જેસન બેહ્રેનડોર્ફે તેમની તોફાની ઇનિંગનો અંત આણ્યો. તેમણે નવ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 42 બૉલમાં 80 રનની ઝંઝાવાતી કપ્તાની ઇનિંગ રમી બતાવી હતી.

જીત માટે હવે 14 બૉલમાં 15 રનની જરૂરિયાત હતી. અક્ષર પટેલ અને રિંકુસિંહની જોડીએ ટીમને જીત સુધી લઈ જવામાં અગત્યની ભૂમિકા ભજવી. પરંતુ અંતે 207 રનના સ્કોરે ટીમ ઇન્ડિયાએ અક્ષર પટેલના સ્વરૂપે પોતાની છઠ્ઠી વિકેટ ગુમાવી. તેમના તરત બાદ રવિ બિશ્નોઈ પણ પોતાનું ખાતું ખોલવાયા વગર જ રન આઉટ થઈ ગયા. આ તબક્કે ભારતીય ટીમને બે બૉલમાં માત્ર બે રનની જરૂર હતી.

અંતિમ ઓવરના સેકન્ડ લાસ્ટ બૉલમાં સ્ટ્રાઇક પર રહેલા રિંકુસિંહે બે રન લેવાનો પ્રયાસ કર્યો પરંતુ આ પ્રયાસમાં અર્શદીપ રન આઉટ થઈ ગયા. હવે સોન એબટના અંતિમ બૉલમાં ભારતને જીત માટે એક જ રનની જરૂરિયાત હતી.

સ્ટ્રાઇક પર રહેલા રિંકુ ખૂબ જ આત્મવિશ્વાસુ જણાઈ રહ્યા હતા. તેમણે આ બૉલે જબરદસ્ત છગ્ગો ફટકાર્યો. પરંતુ આ નો બૉલ હતો. તેથી રિંકુએ છગ્ગો ફટકાર્યો એ પહેલાં જ ભારત મૅચ જીતી ગયું હતું, જેથી તેમના વ્યક્તિગત સ્કોર કે ટીમના સ્કોરમાં આ છગ્ગો ગણાયો નહોતો.

જો આ મૅચમાં ઑસ્ટ્રેલિયાની ટીમના પ્રદર્શનની વાત કરીએ તો પ્રથમ બેટિંગ કરવા ઊતરેલી ટીમના ઓપનર સ્ટિવ સ્મિથે 41 બૉલમાં અર્ધ સદી ફટકારીને ટીમને સારી શરૂઆત અપાવવામાં ભૂમિકા ભજવી હતી.

જ્યારે વનડાઉન આવેલા જોશ ઇંગ્લિસે જબરદસ્ત ફટકાબાજી કરીને આઠ છગ્ગા અને 11 ચોગ્ગાની મદદથી માત્ર 50 બૉલમાં 110 રન ફટકારી ભારતીય બૉલરોનું મનોબળ તોડી નાખ્યું હતું.

ભારત તરફથી માત્ર રવિ બિશ્નોઈ અને પ્રસિદ્ધ ક્રિષ્ના એક-એક વિકેટ મેળવી શક્યા હતા. તેમજ તમામ બૉલરો રનરેટને કાબૂમાં રાખવામાં સફળ રહી શક્યા નહોતા.

જેના કારણે ઑસ્ટ્રેલિયાએ ઇનિંગમાં માત્ર ત્રણ જ વિકેટ ગુમાવી હતી.

જ્યારે ઑસ્ટ્રેલિયન બૉલરોના પ્રદર્શનની વાત કરાય તો તનવીર સંઘા બે જ્યારે સોન એબટ, જેસન બેહ્રેનડોર્ફ અને મેટ શૉર્ટ એકેક વિકેટ મેળવી શક્યા હતા.

રેડ લાઇન
રેડ લાઇન