વર્લ્ડકપના ધુરંધર શમીએ પાકિસ્તાની ક્રિકેટરોને કેમ કહ્યું ‘સુધરી જાઓ’

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ગત રવિવારે સતત દસ મૅચ જીત્યા બાદ ફાઇનલમાં ઑસ્ટ્રેલિયા સામે આત્મવિશ્વાસ સાથે ઊતરેલી ભારતીય ટીમને કારમી હારનો સામનો કરી વર્લ્ડકપ ગુમાવવો પડ્યો હતો. પરંતુ મોહમ્મદ શમી જેવા ખેલાડીઓએ આ વર્લ્ડકપમાં ભારતના પર્ફૉર્મન્સને યાદગાર બનાવી દીધો હતો.

પહેલાં તો તેમણે ટીમના પ્લેઇંગ ઇલેવનમાં નહોતા પરંતુ હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થવા બાદ તેમને ટીમમાં રમવાની તક મળી અને તેમણે જબદસ્ત રમતનું પ્રદર્શન કરી. ન્યૂઝીલૅન્ડ સાથેની મૅચમાં તો તેમણે ઐતિહાસિક પ્રદર્શન કરીને સાત વિકેટ ખેરવી લીધી.

બૉલિંગમાં ભારતના દમદાર પ્રદર્શનને જોતાં અમુક પાકિસ્તાની ખેલાડીઓએ વર્લ્ડકપ દરમિયાન આરોપ પણ કર્યા હતા.

માત્ર બૉલિંગ જ નહીં પરંતુ ભારતીય ખેલાડીઓ અને સમગ્ર ટીમ પર પીચ અને ટૉસ અંગે પણ જાતભાતની ગેરરીતિ કે ગેરલાભ ઉઠાવવાના આરોપ કરાયા હતા.

મોહમ્મદ શમીએ વર્લ્ડકપ દરમિયાન કરાયેલા આ આરોપોને એ દરમિયાન ‘નિરાધાર’ ગણાવી પાકિસ્તાની ખેલાડીઓની ટીકા પણ કરી હતી.

હવે ફરી એક વાર તેમણે આ વિશે પાકિસ્તાનની ખેલાડીઓની કડક શબ્દોમાં ટીકા કરી છે.

ઇન્ટરવ્યૂમાં કહ્યું – સુધરી જાઓ

મોહમ્મદ શમી

ઇમેજ સ્રોત, GETTY IMAGES

નોંધનીય છે કે પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર હસન રઝાએ એક ટીવી ચેનલના કાર્યક્રમમાં મોહમ્મદ શમી અને ભારતીય પેસરોને ‘અલગ બૉલ’ આપી લાભ કરાવવાનો આરોપ કર્યો હતો.

પ્યૂમાને તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેમણે નિરાંતે આ મુદ્દે વાત કરી છે અને કહ્યું કે લોકોએ સુધરી જવું જોઈએ, બીજાની સફળતાથી ખુશ થવું જોઈએ.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

તેમણે કહ્યું, “મને કોઈનાથી બળતરા નથી થતી. હું તો દુઆ કરું છું કે વધુ દસ લોકો આવે અને પર્ફૉર્મ કરે. જો તમે બીજાની સફળતામાં ખુશ થવાનું શીખી લેશો તો તમારું જીવન બહેતર બની જશે.”

“ઘણા દિવસોથી સાંભળી રહ્યો હતો. પહેલાં તો હું રમી નહોતો રહ્યો. પછી તક મળી તો પ્રથમ પાંચ, પછી ચાર અને તે બાદ ફરી પાંચ વિકેટ લીધી. અમુક પાકિસ્તાની ખેલાડીઓને આ વાત ન પચી કારણ કે તેમને લાગે છે કે અમે બેસ્ટ છીએ, પરંતુ બેસ્ટ એ હોય છે જે સમયે પર્ફૉર્મ કરે. જે મહેનત કરે અને ટીમ સાથે ઊભો રહે. તમે આના પર વિવાદ સર્જતા રહો છો.”

“ગમે એ વાત કરાઈ રહી છે. કહેવાઈ રહ્યું છે કે તમને બીજા કોઈ રંગનો બૉલ મળી રહ્યો છે, અન્ય કંપનીનો બૉલ અપાઈ રહ્યો છે અને તમને આઈસીસી આ બધી વસ્તુઓ અલગ આપી રહી છે. હું કહેવા માગું છું કે સુધરી જાઓ ભાઈ. આ જ વાત વસીમભાઈ (વસીમ અકરમ)એ એક શોમાં જણાવી કે બૉલ કેવી રીતે આવે છે, કેવી રીતે તે પસંદ કરાય છે, તે બાદ પણ આવી વાત કરી રહ્યા છો. પરંતુ જે લોકો વાત કરી રહ્યા છે તેઓ ક્રિકેટને સારી રીતે જાણે છે, તમે એક્સ પ્લેયર છો અને તમને બધી ખબર જ છે, છતાં આવી વાતો કરો છો.”

ભારતીય બૉલરોને ‘અલગ બૉલ’ આપવાનો આરોપ

પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર હસન રઝા

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર હસન રઝા

નોંધનીય છે કે ફાઇનલ સિવાયની વર્લ્ડકપમાં રમાયેલી મોટા ભાગની મૅચોમાં બેટિંગ, બૉલિંગ અને ફિલ્ડિંગ એમ ત્રણેય ક્ષેત્રોમાં ભારતીય ટીમ દેખીતી રીતે સામેની ટીમને ખૂબ સરળતાથી માત આપી હોય તેવું જોવા મળ્યું હતું.

પછી ભલે એ મૅચમાં સામે ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઇંગ્લૅન્ડ હોય, પાકિસ્તાન હોય, ન્યૂઝીલૅન્ડ હોય.

બેટિંગમાં વિરાટ કોહલી, કપ્તાન રોહિત શર્મા અને અન્ય બૅટ્સમૅનોએ વર્લ્ડક્લાસ ફૉર્મનો પરચો આપી ભારતીય બેટિંગ લાઇનઅપની મજબૂતીનું પ્રમાણ આપ્યું હતું. જ્યારે બીજી બાજુ મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાઝની ત્રિપુટીએ ભલભલા રેકૉર્ડધારી બૅટ્સમૅનોની પરીક્ષા લઈ આક્રમક બૉલિંગ ઍટેકને બળે સામેની ટીમોના મનોબળને રીતસર ધરાશાયી કરી દીધું હતું.

મોહમ્મદ શમીએ ક્રિકેટ વર્લ્ડકપમાં માત્ર સાત મૅચોમાં 24 વિકેટ ખેરવીને પોતાની પ્રતિભાનો પરચો આપી ક્રિકેટચાહકોને પ્રભાવિત કર્યા હતા.

વર્લ્ડકપની લીગ મૅચોમાં પહાડસમાં લક્ષ્યોનો પીછો કરવા આવેલી પ્રતિદ્વંદ્વી ટીમો – શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકા સામે ભારતીય બૉલરોના આક્રમણને બળે ટીમે અનુક્રમે 302 અને 243 રનના ભારે અંતર સાથે વિજય મેળવ્યો હતો.

પોતાની સાતમી લીગ મૅચમાં 358ના લક્ષ્યનો પીછો કરવા ઊતરેલી શ્રીલંકાની ટીમને માત્ર 55 રને સમેટી નાખનારા ભારતીય બૉલરોના પ્રદર્શન બાદ ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર હસન રઝાએ એબીએન ચેનલ પર આરોપ કરતાં કહેલું :

“આપણે જોઈ રહ્યા છીએ કે તેઓ જ્યારે બેટિંગ કરે છે ત્યારે ખૂબ જ સારું પ્રદર્શન કરે છે, પરંતુ જ્યારે તેમના હાથમાં બૉલ આવે છે તો એ કળા કરવા લાગે છે.”

“આ સિવાય 7-8 ક્લૉઝ ડીઆરએસનો નિર્ણય પણ તેમના પક્ષમાં આવ્યો હતો. જે રીતે સિરાઝ અને શમી બૉલને સ્વિંગ કરી રહ્યા છે, તેનાથી તો એવું લાગી રહ્યું છે કે જાણે આઈસીસી અને બીસીસીઆઈ તેમને બીજી ઇનિંગ માટે બીજા બૉલ આપી રહ્યા છે. આ બૉલની તપાસ થવી જોઈએ. બૉલ પર સ્વિંગ માટે ઍક્સ્ટ્રા કોટિંગ પણ હોઈ શકે.”

તેમણે આગળ કહ્યું હતું કે, “ભારતના વિકેટકીપર કે. એલ. રાહુલ પણ સ્ટમ્પથી ઘણા દૂર ઊભા હતા. તેનો અર્થ એ થાય છે કે આટલી બધી ઓવરો બાદ પણ બૉલ આટલો સખત હતો. શમીએ આ મૅચમાં પાંચ વિકેટ મેળવી અને સિરાઝે ત્રણ. મને વિશ્વાસ નથી થતો કે આ બધા ઇન્ટરનૅશનલ બૅટ્સમૅન હતા અને આવી રીતે આઉટ થઈ રહ્યા હતા. આ એવું છે કે જાણે અગાઉ ઉપયોગમાં લેવાઈ રહેલો બૉલ અચાનક ગાયબ થઈ જઈ રહ્યો છે. આ મુદ્દાની તપાસ થવી જોઈએ.”

મોહમ્મદ શમીએ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ કરી પાકિસ્તાનના ભૂતપૂર્વ બૅટ્સમૅન હસન રઝાના આરોપોની ટીકા કરી હતી.

તેમણે લખ્યું હતું : “શરમ કરો યાર. ગેમ પર ફોક્સ કરો ના કે ફાલતુના બકવાસ પર. ક્યારેક અન્યની સફળતાનોય આનંદ માણો. યાર. આઈસીસી વર્લ્ડકપ છે, ના કે તમારી સ્થાનિક ટુર્નામેન્ટ.”

મોહમ્મદ શમીએ પોતાની પોસ્ટમાં આગળ લખ્યું, “તમે પણ ખેલાડી જ હતા. વસીમભાઈએ પણ સમજાવેલા. તેમ છતાં.”

“તમારા પ્લેયર, તમારા વસીમ અકરમ પર વિશ્વાસ નથી તમને. આત્મશ્લાઘામાં લાગેલા છો જનાબ તમે તો.”

વસીમ અકરમ અને આકાશ ચોપરાએ કરી રઝાના આરોપોની ટીકા

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, GETTY IMAGES

પાકિસ્તાન માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ ઝડપનારા ભૂતપૂર્વ ક્રિકેટર વસીમ અકરમે એ સ્પૉર્ટ્સ સાથેની વાતચીતમાં રઝાના આરોપોની ટીકા કરતાં કહ્યું :

“હું આ અંગે પાછલા બે દિવસથી વાંચી રહ્યો છું. મજેદાર લાગે છે કારણ કે તેમનું મગજ ઠેકાણે નથી. તમે તમારી જાતને ભોંઠા પાડશો અને અમનેય આખા વિશ્વ સામે શરમમાં મૂકશો.”

આ સિવાય ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને કૉમેન્ટેટર આકાશ ચોપરાએ પણ રઝાની ટિપ્પણીની ટ્વીટ કરીને ટીકા કરી હતી.

તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર લખ્યું હતું કે, “શું આ ખરેખર કોઈ ગંભીર ક્રિકેટ શો છે ખરો? જો ન હોય તો પ્લીઝ અંગ્રેજીમાં ક્યાંક ‘satire’ કે ‘comedy’ લખી દો. જોકે, ઉર્દૂમાં પહેલાંથી લખાયું હોઈ શકે પરંતુ દુર્ભાગ્યે હું એ વાંચી કે સમજી શકતો નથી.”

રઝાની ક્રિકેટ કારકિર્દી અંગે વાત કરીએ તો વર્ષ 1996માં તેમણે પાકિસ્તાનની ટીમમાં ક્રિકેટ ડેબ્યૂ કર્યું હતું. જોકે. તેઓ પોતાની કારકિર્દીમાં ઝાઝી આંતરરાષ્ટ્રીય મૅચોમાં દેખાયા નહોતા. વર્ષ 2005માં તેમની કારકિર્દીનો અંત આવ્યો ત્યાં સુધી તેઓ 23 આંતરરાષ્ટ્રીય મૅચ જ રમી શક્યા હતા.

જોકે, પાકિસ્તાનની ફર્સ્ટક્લાસ ક્રિકેટમાં તેઓ સારી એવી લાંબી કારકિર્દી ભોગવી ચૂક્યા છે.

રેડ લાઇન
રેડ લાઇન