બીબીસી ગુજરાતીના આ લેખો ચૂકી તો નથી ગયા ને...

ઇમેજ સ્રોત, FEROZ SHAIKH
ભારતમાં 1950ના દાયકામાં મહિલા કુસ્તી દુર્લભ હતી. એ વખતે 32 વર્ષનાં હમીદાબાનુએ પહેલવાનો સામે દિલચસ્પ પડકાર ફેંક્યો હતો અને કહ્યું હતું કે “મને દંગલમાં હરાવી શકે તે મારી સાથે પરણી શકે.”
આ પડકાર પછી તેમણે ફેબ્રુઆરી 1954માં બે પુરુષ કુસ્તી ચૅમ્પિયનને હરાવ્યા હતા. એ પૈકીના એક પટિયાલાના હતા અને બીજા કલકત્તાના હતા. એ જ વર્ષે મેમાં તેઓ ત્રીજો કુસ્તીજંગ લડવા વડોદરા પણ ગયાં હતાં.
તેમની એ મુલાકાતને કારણે શહેરમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. વડોદરાના મૂળ રહેવાસી અને પુરસ્કાર વિજેતા ખોખો ખેલાડી સુધીર પ્રભા એ વખતે સ્કૂલમાં અભ્યાસ કરતા હતા. હાલ 80 વર્ષના સુધીર પ્રભા તે પ્રસંગને યાદ કરતાં કહે છે, “કુસ્તી લડતા લોકો માટે હમીદા બહુ આકર્ષક હતાં. તેમના વિશે લોકોએ ખાસ કશું સાંભળ્યું ન હતું.”
કુસ્તીજંગ નિહાળવાની વ્યવસ્થા પ્રાચીન યુનાની શૈલીમાં કરવામાં આવી હતી, પરંતુ પ્રશંસકોની ઉત્સુકતા શાંત કરવામાં હમીદા બાનુને થોડી સેકન્ડ જ થઈ હતી.
સમાચાર એજન્સી એસોસિએટેડ પ્રેસના અહેવાલ મુજબ, “તે કુસ્તી માત્ર એક મિનિટ અને 34 સેકન્ડ જ ચાલી હતી. હમીદાએ તેમના પ્રતિસ્પર્ધીને ધૂળ ચાટતા કરી દીધા હતા અને રેફરીએ તે પુરુષ કુસ્તીબાજને હમીદા સાથે લગ્ન કરવા માટે ગેરલાયક જાહેર કર્યા હતા.”
હમીદા બાનો એ પછી ભારતનાં સૌપ્રથમ પ્રોફેશનલ મહિલા કુસ્તીબાજ બન્યાં હતાં. કુસ્તી પુરુષોની જ રમત છે એવી પરંપરાગત ધારણાને તેમણે તોડી પાડી હતી.
તેમની સમગ્ર કહાણી વાંચવા માટે અહીં ક્લિક કરો.

મેઘજી પેથરાજ : પગપાળા ચાલતા એ ગુજરાતી 'ભામાશા', જેમણે કરોડોનાં દાન કર્યાં

વર્ષ 1919ના એક દિવસે મુંબઈ બંદરેથી કેન્યા માટે ઊપડી રહેલા એક જહાજમાં એક 15 વર્ષીય મહત્ત્વકાંક્ષી કિશોર પ્રવાસ કરવાનો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કિશોરના ગરીબ પરિવારે નાનકડા ગામડામાં દીકરાની પ્રતિભા એળે ન જાય એ હેતુથી પ્રવાસ માટે જરૂરી ભાડાની રકમ પણ મહામહેનતે ભેગી કરી લીધી.
પરંતુ કરમની કઠણાઈને કારણે કિશોર પરિવારની અપેક્ષા પૂરી કરવા માટે ઇસ્ટ આફ્રિકા જવા માટેનો તેનો પ્રવાસ શરૂ કરે એ પહેલાં જ સ્ટીમશિપની ટિકિટ, પાસપોર્ટ અને પેટી ચોરાઈ ગયાં.
કેન્યા જઈને પરિવારની ગરીબાઈ દૂર કરવાની આ કિશોરના સપનાની ઉડાણ શરૂ થતાં પહેલાં જ થંભી ગઈ.
અણધારી આ વિપત્તીને કારણે નિરાશ થયેલા કિશોરને પોતાના પરિવાર પાસે પરત જવા કરતાં મુંબઈમાં જ ભૂલા પડી જવાનો પણ વિચાર આવી ગયો.
એ સમયે એ વાતનો વિચાર સુધ્ધાં ન આવી શકે કે કિશોરાવસ્થામાં આવી પડેલી વિપત્તી અને વિદેશ જઈ પરિવારને ગરીબાઈમાંથી ઉગારવાનું સપનું ભાંગી જવાથી થોડા સમય માટે હિંમત ગુમાવી બેસેલ આ કિશોર એક દિવસ ‘સૌરાષ્ટ્રના ભામાશા’ કહેવાશે.
15 સપ્ટેમ્બર 1904ના રોજ જામનગરના ડબાસંગ ગામમાં એક ગરીબ જૈન પરિવારમાં મેઘજી પેથરાજ શાહનો જન્મ થયો હતો.
ચાર ભાઈબહેનોમાં ત્રીજા ક્રમના સંતાન મેઘજીએ પોતાની સાહસવૃત્તિ વડે ધંધા-વ્યવસાયમાં સફળતા મેળવી પોતાના જીવનકાળ દરમિયાન એવી તો દાન સરવાણી રેલાવી હતી કે સૌરાષ્ટ્ર, તેની આસપાસના વિસ્તારો તેમજ ઇસ્ટ આફ્રિકામાં સંખ્યાબંધ શાળા, હૉસ્ટેલ, હૉસ્પિટલો અને મેડિકલ કૉલેજો સ્થાપી માનવસેવાનું અદ્વિતીય ઉદાહરણ રજૂ કરી દીધું.
તેમની સમગ્ર કહાણી વાંચવા માટે અહીં ક્લિક કરો.

કૅન્સરમાં પતિ ગુમાવ્યા બાદ દીકરીને MBA કરાવવા ચાની લારી ચલાવતાં મહિલાની કહાણી

ઇમેજ સ્રોત, BHARGAV PARIKH
અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ સામેના રસ્તા પર એક ટી-શર્ટ અને જીન્સ પહેરેલાં મહિલા રોજ સવારે નવ વાગ્યે ટુ-વ્હીલર પર દૂધની કોથળીઓ ભરેલો થેલો લઈને આવે છે, પોતાની લારી સજાવે છે અને બારેમાસ ઠંડી કે ગરમી જોયા વગર ચા બનાવે છે.
જ્યારે પણ તેમને કોઈ ગરીબ બાળક દેખાય તો આ બહેન પોતાનું કામ છોડીને તેને પહેલાં ચા અને બિસ્કિટ આપે છે અને તેના પૈસા પણ લેતાં નથી.
આ મહિલાનું નામ છે શિલ્પાબહેન પટેલ. 45 વર્ષીય શિલ્પાબહેન રોજ સવારે મણિનગરસ્થિત પોતાના ઘરેથી 15 કિલોમિટર દૂર સરદાર પટેલ સ્ટેડિયમ સુધી આવે છે.
એક સમયે સીધા પાટે ચાલી રહેલું તેમનું જીવન એવા વળાંકોમાંથી પસાર થયું કે તેઓ ચા વેચવા માટે મજબૂર થયાં. અહીં તેમની મજબૂરી કરતાં તેમની હિંમતને દાદ આપવી બને છે, કારણ કે તેઓ એવી તકલીફોમાંથી બહાર આવ્યાં છે જેની સામે ભલભલા પુરુષો પણ માથું ટેકવી દે. પણ તેમનામાં આ હિંમત આવી કેવી રીતે?
પોતાની પુત્રીના ભવિષ્ય માટે.
મૂળ નડિયાદનાં શિલ્પાબહેનનાં લગ્ન અમદાવાદના મણિનગરમાં રહેતા શૌરીનભાઈ પટેલ સાથે થયાં હતાં. એક ખાનગી કંપનીમાં નોકરી કરતા શૌરીનભાઈ સારું એવું કમાતા હતા અને ઘરનું ગુજરાન યોગ્ય રીતે ચાલતું હતું. લગ્નના થોડા સમયમાં જ શિલ્પાબહેને એક દીકરીને જન્મ આપ્યો. તેમની દીકરી ક્રિષ્ના બંનેનાં જીવનનું કેન્દ્ર હતી.
ક્રિષ્ના ભણવામાં હોશિયાર હતી. શૌરીનભાઈની ઇચ્છા હતી કે ક્રિષ્ના એમ.બી.એ. થાય પણ તેમની એ ઇચ્છા પૂર્ણ થાય એ પહેલાં જ જાણે કોઈની નજર લાગી ગઈ. ક્રિષ્ના જ્યારે આઠમા ધોરણમાં હતી ત્યારે શૌરીનભાઈને ગળાનું કૅન્સર હોવાની જાણ થઈ હતી.
ત્યારે શિલ્પાબહેને કૅન્સર ગ્રસ્ત પતિ ગુમાવ્યા બાદ દીકરીને એમબીએ કરાવવા કઈ-કઈ મૂશ્કેલીનો સામનો કર્યો તે વિશેની સમગ્ર કહાણી વાંચવા માટે અહીં ક્લિક કરો.

મહેસાણાના ગામમાં 'ધાર્મિક કાર્યક્રમમાં દલિતો માટે અલગ જમણવાર'નો વિવાદ શું છે?

"આજકાલ કૂતરાં બિલાડાને પણ લોકો ખોળામાં બેસાડીને જમાડે છે, અને અમારાથી એટલો ભેદભાવ છે કે સાર્વજનિક કાર્યક્રમમાં અમારો અલગ જમણવાર રાખવામાં આવ્યો છે. શું અમે જાનવરથી પણ જાય એવા છીએ."
આ શબ્દો 55 વર્ષના કાંતિભાઈ નાડીયાના છે. તેઓ દલિત છે અને ગામના એક સાર્વજનિક કાર્યક્રમમાં તેમના સમાજ માટે આખા ગામથી અલગ જમણવાર રાખીને તેમના સમાજ સાથે ભેદભાવ થાય છે, તેવા આરોપો તેમણે કર્યાં છે.
વાત છે, મહેસાણાના ભટારીયા ગામની. ગામના રામજી તેમજ શિવ મંદિરમાં ફોટા અને મૂર્તીની પ્રતીષ્ઠા પૂજા સમયે જમણવાર માટે દલિતોને આમંત્રણ તો હતું, પરંતુ તેમનો દાવો છે કે આમંત્રણ સાથે નહીં અલગથી જમવાનું હતું, એટલે કે ગામના બીજા લોકો જ્યાં જમે છે, ત્યાં દલિતો ન જમી શકે.
આ પ્રકારના આરોપો આ ગામના દલિત સમાજના લોકોએ સવર્ણ સમાજના લોકો પર કર્યાં છે.
જ્યારે ગામના સવર્ણ વર્ગના લોકોએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું કે, 'આ કાર્યક્રમમા બધાને જ આમંત્રણ હતું, તો અમુકે કહ્યું કે આ કાર્યક્રમ માત્ર પાટીદાર સમુદાયનો હતો.'
પાટીદાર સમાજના આગેવાને કહ્યું કે 'આ કાર્યક્રમમાં કોને બોલાવવા કોને નહીં તે આયોજકોનો મત છે.'
ભટારીયા ગામના આ સાર્વજનિક મંદિરમાં એક તરફ બ્રાહ્મણો દ્વારા વૈદિક વિધિનો અવાજ સંભળાય રહ્યો હતો, તો બીજી બાજુ દલિતો દ્વારા જય ભીમના નારા.
ગામની એક તરફ મંદિર તો, બીજી તરફ દલિત ફળિયું, એક તરફ તહેવાર જેવો માહોલ તો બીજી બાજુ વિરોધના સુર સંભળાઈ રહ્યા હતા.
મંદિરના પ્રાંગણમાં યોજાયેલા ઉત્સવમાં ગામલોકો નવાંનવાં કપડાં પહેરીને સામેલ થયા હતા, તો બ્રાહ્મણોના મંત્રોચ્ચારથી વાતાવરણ ગુંજી રહ્યું હતું.
ગામના મુખ્ય ગેટથી માંડીને લગભગ 200 મીટરના વિસ્તાર સુધી રંગીન મંડપ બંધાયો હતો. મંડપની બાજુમાં જ દલિત યુવાનોનું એક ટોળુ બેઠું હતું.
ત્યારે દલિતોના અલગ જમણવાર વિશેની સમગ્ર કહાણી વાંચવા માટે અહીં ક્લિક કરો.

AI : એ નોકરીઓ જેને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છીનવી નહીં શકે

ઇમેજ સ્રોત, Getty Images
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) અનેક લોકોની નોકરી છીનવી લેશે એવી ચર્ચા ચારેકોર થઈ રહી છે, ત્યારે નિષ્ણાતો કહે છે કે એવાં કેટલાંક કામ જરૂર છે, જે કમસેકમ હમણાં તો કમ્પ્યુટર નહીં જ કરી શકે.
યાંત્રિક લૂમ્સથી માંડીને માઇક્રોચિપ્સ સુધીનાં નવાં મશીનો માણસોની નોકરી છીનવી લેશે એવી ચિંતા ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆતથી જ થતી રહી હતી, પરંતુ એ પછીના સમયમાં મોટા ભાગે માણસની મરજી ચાલતી રહી છે.
હવે કેટલાક નિષ્ણાતો કહે છે કે એઆઈની સર્વવ્યાપકતા સાથે માણસોની નોકરી છીનવાઈ જવાનો ખતરો સાચો પડી રહ્યો છે. હવે રોબોટ્સ કેટલાંક કામ ખરેખર કરી રહ્યા છે.
ગોલ્ડમૅન સાક્સના માર્ચ 2023ના અહેવાલમાં એવું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું હતું કે કન્ટેન્ટ જનરેશન માટે સક્ષમ એઆઈ માણસો દ્વારા કરવામાં આવતાં કામ પૈકીનાં 25 ટકા કામ કરી શકે તેમ છે.
સમગ્ર યુરોપિયન યુનિયન અને અમેરિકામાં ઑટોમેશન 30 કરોડ નોકરીઓ ઓહિયાં કરી જશે. તે ભયંકર હોઈ શકે છે, એવું ‘રૂલ ઑફ ધ રોબોટ્સઃ હાઉ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ વિલ ટ્રાન્સફૉર્મ એવરીથિંગ’ પુસ્તકના લેખક માર્ટિન ફોર્ડે જણાવ્યું હતું.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ)ની મહત્ત્વપૂર્ણ બાબતો જાણવા માટે અહીં ક્લિક કરો.














