ગાંધીનગર : નિવૃત IAS અધિકારી સામે ભ્રષ્ટાચાર અને વિજય રૂપાણી પર આરોપનો મામલો શું છે?

એસ કે લાંગા બીબીસી વિજય રૂપાણી અમિત ચાવડા કૉંગ્રેસ ભાજપ

ઇમેજ સ્રોત, SK Langa Facebook/BBC/Getty Images

ગાંધીનગરના કલોલ તાલુકાના મુલાસણની પાંજરાપોળની જમીનના મુદ્દે નિવૃત્ત આઈએએસ અધિકારી એસ કે લાંગા સામે થઈ રહેલી કથિત ભ્રષ્ટાચારની તપાસના મામલે ગુજરાત કૉંગ્રેસે પૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણી પર ગંભીર આરોપો લગાવ્યા છે.

ગુજરાત વિધાનસભાના કૉંગ્રેસ વિધાયકદળના નેતા અમિત ચાવડાએ ભાજપ સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે, આ સરકારે ખેતીના ઝોનને બદલનીને વાણિજ્ય ઝોનમાં ફેરવી દીધો છે.

જેવા કૉંગ્રેસે આરોપ લગાવ્યા કે તરત જ ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ આક્ષેપોને ફગાવ્યા હતા. તેમણે પ્રેસ કૉન્ફરન્સ કરીને આરોપોને 'ઉપજાવી કાઢેલ' ગણાવ્યા હતા.

વિજય રૂપાણીએ કહ્યું હતું કે 'કૉંગ્રેસ જૂઠાણું ફેલાવીને માત્ર રાજકીય રોટલા શેકવા માગે છે.'

પાંજરાપોળનો વિવાદ

વિજય રૂપાણી પર કૉંગ્રેસનો આરોપ

પાંજરાપોળનો વિવાદ
ઇમેજ કૅપ્શન, વિધાનસભાના કૉંગ્રેસ વિધાયકદળના નેતા અમિત ચાવડા

ગુજરાત વિધાનસભાના કૉંગ્રેસ વિધાયકદળના નેતા અમિત ચાવડાએ પૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણી પર ગાંધીનગરમાં હેતુફેર કરીને પાંજરાપોળની જમીન વેચવાનો આરોપ લગાવ્યો છે.

અમિત ચાવડાએ એક પ્રેસ કૉન્ફરન્સમાં આરોપ લગાવ્યો, "ગાંધીનગરના કલોલ તાલુકાના મુલાસણ પાસેની જમીનનું રૂપિયા 10 હજાર કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. "

'ગાય અને હિન્દુના નામે મત મેળવીને ભાજપે શાસન તો મેળવ્યું પણ ડબલ એંજિનની સરકારે ભ્રષ્ટાચારી લોકો સાથે મળીને માત્ર ભ્રષ્ટાચાર જ આચર્યો છે.'

અમિત ચાવડાએ પૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણી, પૂર્વ ઉપમુખ્ય મંત્રી નીતિન પટેલ, પૂર્વ મહેસૂલ મંત્રી કૌશિક પટેલ પર પણ ગંભીર આરોપ લગાવ્યા.

તેમણે કહ્યું, "2013થી આ પ્રકારનું કૌભાંડ ચાલ્યું આવે છે. ભૂપેન્દ્ર પટેલની હાલની સરકારમાં પણ કૌભાંડ ચાલુ જ છે. રાજ્યમાં ગાય માટે ગોચરની જમીન બચી નથી. ગાયના મુખમાંથી જમીન છીનવી લેવામાં આવી છે."

તેમણે કહ્યું કે માત્ર ગાંધીનગરમાં જ નથી પરંતુ આખા ગુજરાતમાં કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે.

તેમણે આ મામલે ન્યાયિક તપાસની પણ માગ કરી છે, સાથે તેમણે પૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણી, પૂર્વ ઉપમુખ્ય મંત્રી નીતિન પટેલ અને પૂર્વ મહેસૂલ મંત્રી કૌશિક પટેલની પૂછપરછ કરવાની માગ પણ કરી છે.

‘પચાવી પાડેલી જમીન’ જપ્ત કરવાની માગ પણ તેમણે સરકાર સમક્ષ કરી છે.

પાંજરાપોળનો વિવાદ

વિજય રૂપાણીએ શું કહ્યું?

પાંજરાપોળનો વિવાદ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણી

અમિત ચાવડાએ જેવા પૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણી પર આરોપ લગાવ્યા કે તેના વળતા જવાબરૂપે રૂપાણીએ તરત જ પ્રેસ કોન્ફરન્સ કરી. પ્રેસ કૉન્ફરન્સમાં વિજય રૂપાણીએ પોતાના પર લગાવેલા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા.

વિજય રૂપાણીએ કૉંગ્રેસ પર વળતો પ્રહાર કરતા કહ્યું, "સોય ઝાટકીને કહું છું કે આ આરોપો ખોટા છે. કૉંગ્રેસ તળીયું ગુમાવી ચૂકી છે. તેના કૌભાંડને કારણે પ્રજાએ તેને નકારી છે. કૉંગ્રેસના મોઢે ભ્રષ્ટાચાર શોભતો નથી."

રૂપાણીએ વધુમાં કહ્યું કે "કૉંગ્રેસે અગાઉ પણ મારા પર ખોટા આરોપો લગાવ્યા હતા જે સંદર્ભે મેં બદનક્ષીનો દાવો માંડ્યો છે."

તેમણે ઉમેર્યું કે, "મારી સરકારે તો કૌભાંડની તપાસ સોંપી હતી. ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે આ તપાસના અહેવાલના આધારે કાર્યવાહી કરી છે. જો અમે તપાસ કરાવી હોય તો અમે કૌભાંડીઓ સાથે કઈ રીતે હોઈ શકીએ?"

પાંજરાપોળનો વિવાદ

શું છે મામલો જેને કારણે ભાજપ પર કૉંગ્રેસ લગાવે છે ગંભીર આરોપ

પાંજરાપોળનો વિવાદ

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ મામલો ત્યારે ઊછળ્યો જ્યારે ગાંધીનગરના સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં ગાંધીનગરના પૂર્વ કલેક્ટર નિવૃત્ત આઈએએસ અધિકારી એસ. કે. લાંગા વિરુદ્ધ ભ્રષ્ટાચારની ફરિયાદ નોંધાઈ. આ ફરિયાદ ગાંધીનગર કલેક્ટર કચેરીના જ ચિટનીસ ધૈવત ધ્રુવે સરકાર વતી નોંધાવી છે. આ ફરિયાદ 17 મેના રોજ દાખલ કરવામાં આવી.

ફરિયાદમાં એસ. કે. લાંગા વિરુદ્ધ સત્તાનો દુરુપયોગ કરીને ભ્રષ્ટાચાર આચરીને સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવાનો આરોપ લગાવાયો છે.

લાંગા ગાંધીનગર જિલ્લામાં એપ્રિલ, 2018થી લઈને સપ્ટેમ્બર, 2019 સુધી કલેક્ટર રહ્યા.

તેમની સામે આઈપીસી કલમ 409, 168, 193, 196, 465, 466, 467, 468, 471, 120(બી) ઉપરાંત ભ્રષ્ટાચાર અટકાવવાના અધિનિયમ 13(1)(એ), 13(1)(બી), 13(2) અંતર્ગત ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આ મામલામાં એવા 5,904 નિર્ણયો સરકારી તપાસના રડાર પર છે, જે લાંગાએ ગાંધીનગર જિલ્લાના કલેક્ટર હતા ત્યારે લીધા હતા. ખાસ કરીને આ પૈકી મોટાભાગના નિર્ણયો જમીનને એનએ (નૉન એગ્રીકલ્ચરલ સ્ટેટસ – બીનખેતી) કરવા મામલે હતા.

આ મામલે બીબીસી ગુજરાતીએ ગાંધીનગર જિલ્લા કલેક્ટર કચેરીના ચિટનીસ ધૈવત ધ્રુવને પૂછ્યું તો તેમણે પ્રોટોકૉલના આધારે વધુ વિગતો આપવાનો ઇન્કાર કર્યો.

તેમણે જણાવ્યું, "ગાંધીનગર જિલ્લાના રેસિડન્ટ ઍડિશનલ કલેક્ટર ભરત જોશી અથવા તો કલેક્ટરને પૂછો, હું તમને વિગતો નહીં આપી શકું."

અમે જ્યારે ભરત જોશીને પૂછ્યું તો તેમણે કહ્યું કે હું વ્યસ્ત છું તેથી તમને માહિતી નહીં આપી શકું. તમે પાંચ વાગ્યે રૂબરૂ આવો.

પાંજરાપોળનો વિવાદ

લાંગા સામે થયેલી ફરિયાદનું વિજય રૂપાણી સાથેનું શું છે કનેક્શન?

પાંજરાપોળનો વિવાદ

ઇમેજ સ્રોત, FACEBOOK/SK LANGA

ઇમેજ કૅપ્શન, નિવૃત્ત આઈએએસ અધિકારી એસ. કે. લાંગા

હવે જ્યારે એસ. કે. લાંગા ગાંધીનગર જિલ્લાના કલેક્ટર હતા ત્યારે પણ તેમની સામે ફરિયાદો થઈ હતી.

વિજય રૂપાણી કહે છે, "6 ઑક્ટોબર, 2020ના રોજ ફાઇલમાં હસ્તાક્ષર કરીને મેં લખ્યું હતું કે લાંગા સામે ઘણી ફરિયાદો આવી રહી છે."

વિજય રૂપાણી કહે છે કે ત્યારબાદ આ મામલાની ફરિયાદની તપાસ રૂપાણીની તત્કાલીન સરકારે નિવૃત્ત આઈએએસ અધિકારી વિનય વ્યાસાને સોંપી હતી.

રૂપાણીની તત્કાલીન સરકારે વિનય વ્યાસાને આ તપાસ મામલે સ્પેશિયલ ઇન્ક્વાયરી ઑફિસર નીમ્યા હતા.

ફરિયાદમાં ધૈવત ધ્રુવે નોંધ્યું છે કે, ‘ખાસ તપાસ અધિકારી વિનય વ્યાસા(નિવૃત્ત આઈએએસ)નાઓના વચગાળાના તપાસ અહેવાલ મુજબ ફરિયાદમાં નોંધવામાં આવેલી વિગતો રજૂ કરી છે. આ સાથે ખાસ તપાસ અધિકારી દ્વારા આપવામાં આવેલી ચાર ડીવીડી પણ રજૂ કરું છું.’

રૂપાણીએ કહ્યું છે, "મારી સરકારે તપાસ સોંપી હતી અને ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે તપાસના અહેવાલના આધારે કાર્યવાહી કરીને લાંગા વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. અમે અમારી જવાબદારી નિભાવી છે."

જ્યારે કે અમિત ચાવડા સવાલ કરે છે કે, "માત્ર અધિકારીઓને જ કેમ દોષિત માનવામાં આવ્યા? કોઈ રાજકીય માથું કેમ સામે આવ્યું નહીં?"

વિજય રૂપાણી જવાબ આપતા કહે છે, "કૉંગ્રેસ ભ્રષ્ટ અધિકારીઓને બચાવવાની કોશિશ કરે છે, પણ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર કોઈ ભ્રષ્ટાચારીને છોડવાની નથી."

એસ. કે. લાંગાના નામે એક કથિત નનામા પત્રના આધારે ગુજરાતના એક મીડિયા હાઉસે અહેવાલ પ્રકાશિત કર્યો હતો કે, ‘ગાંધીનગરના મુલાસણાની પાંજરાપોળની જમીન મામલે જે ભ્રષ્ટાચાર થયો છે તેના આદેશો તત્કાલીન મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ જ આપ્યા હતા.’

જોકે બાદમાં રૂપાણીએ આ અહેવાલમાં તથ્ય નથી તેવો રદિયો આપ્યો હતો.

રૂપાણી કહે છે, "મેં જે રદિયો આપ્યો તે પણ તેમણે છાપ્યો છે. નનામા પત્રમાં જણાવાયું છે કે મારી અધ્યક્ષતામાં મળેલી હાઈપાવર કમિટીની બેઠકમાં પાંજરાપોળની જમીનનો નિર્ણય લેવાયો હતો, જ્યારે કે હાઈપાવર કમિટીની બેઠકમાં ઍજન્ડા સુનિશ્ચિત હોય છે અને વ્યક્તિગત કેસોની ચર્ચા થતી નથી. આ ઍજન્ડા અપેક્ષિત મંત્રીઓ અને અધિકારીઓને પહોંચાડાતો હોય છે."

રૂપાણી લાંગા પર આરોપ લગાવતા કહે છે, "લાંગા પોતાના પર લાગેલા આરોપોથી બચવા અને લોકોનું ધ્યાન ભટકાવવા તથા અમને રાજકીય રીતે બદનામ કરવા આવાં જુઠાણાં ફેલાવે છે."

આ મામલે અમે એસ. કે. લાંગાનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેમનો ફોન બંધ આવતો હતો.

ગાંધીનગર જિલ્લાના ડીએસપી (ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ) ડી. એસ. પટેલે ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું, "ફરિયાદના રેકર્ડ તપાસી રહ્યા છીએ અને તેને આધારે તપાસ કરવામાં આવશે."

પાંજરાપોળનો વિવાદ

શું છે કલોલના મુલાસણાની પાંજરાપોળની જમીનનો વિવાદ?

મુલાસણામાં જમીન ગાયો અને પાંજરાપોળ માટે આપવામાં આવી હતી. કૉંગ્રેસે આરોપ લગાવ્યો છે કે જીવદયા માટે આપવામાં આવેલી જમીનમાં ટ્રસ્ટ ઍક્ટ મુજબના નિયમોનો ભંગ કરીને કરોડો રૂપિયા કમાવા માટે જમીનનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું.

આરોપ છે કે આ માટે ચૅરિટી કમિશનરની પરવાનગી નહોતી લેવામાં આવી. આરોપ એ પણ છે કે જમીનની કિંમત કરોડોની થતાં કેટલાક નેતાઓ અને બિલ્ડરોએ કૌભાંડ આચર્યું હતું. પાંજરાપોળનો ભાડાપટ્ટો કોઈ પણ જાતની પ્રક્રિયા વગર સીધેસીધો રદ કરી દેવામાં આવ્યો.

પોલીસમાં દાખલ ફરિયાદમાં મુલાસણા ગામની પાંજરાપોળની જમીન મામલે થયેલી કથિત ગેરરીતિના મુદ્દાઓ અલગથી તારવવામાં આવ્યા છે.

ફરિયાદ મુજબ મુલાસણા ગામે જુદા જુદા સર્વેનંબર ધરાવતી જમીનોને બિનખેતી અંગેની પરવાનગી આપી છે તે યોગ્ય નથી.

રેકર્ડ પરની સંપૂર્ણ માહિતી સરકાર સમક્ષ રજૂ કરવામાં આવી નથી અને આ જમીનમાં ઍડ્વોકેટ જનરલનો અભિપ્રાય અવગણવામાં આવ્યો હતો.

ફરિયાદમાં એ પણ આરોપ છે કે પાંજરાપોળની જમીનના મૂળ માલિકના 20 વારસો રેકર્ડ પર ટોચ મર્યાદા ધારાથી છટકવા માટે દાખલ કરવામાં આવ્યા છે.

પાંજરાપોળની જમીન 99 વર્ષના પટ્ટા પર છે. તે પટ્ટેદાર છે, પરંતુ માલિક નથી. તેથી માલિક તરીકે નામ દાખલ કરી શકાય નહીં. પાંજરાપોળ દ્વારા ખોટી રીતે કબ્જેદાર તરીકે નામ દાખલ થયેલ અને તે આધારે તેમણે ગેરલાભ ઉઠાવ્યો છે.

જમીન માલિક કે પાંજરાપોળ કે તેમનાં ટ્રસ્ટ પૈકી કોઈએ ટોચ મર્યાદા ધારા હેઠળ ફૉર્મ ભરેલ નથી તેથી કાયદા અંતર્ગત આ ફાજલ જમીન સરકારને મળનાર (શ્રીસરકાર થવાની) હતી, પરંતુ તે બિનખેતી કરવામાં આવી હતી.

વિજય રૂપાણી કહે છે, "પાંજરાપોળના સંચાલકોએ લીઝ પર (ભાડાપટ્ટે) જમીન લીધી હતી. તેની મૂળ માલિકી જે-તે ખેડૂતની હતી. તે જમીન પાંજરાપોળે સરન્ડર કરી દીધી."

"તે જમીનનાં અલગ-અલગ વેચાણ થયાં તે વિવાદ છે. જે જમીન હતી તેમાં વધુ સર્વે નંબર લાંગાએ ઉમેર્યા હતા. તેને કારણે પાંજરાપોળના મામલાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો."

રૂપાણી વધુ ખુલાસો કરતા ઉમેરે છે, "પાંજરાપોળની જમીનને અને સરકારને કશું લાગતું વળગતું જ નથી. ન સરકારે પાંજરાપોળની જમીન મામલે કોઈ નિર્ણય કર્યો છે."

પાંજરાપોળનો વિવાદ

કોણ છે એસ. કે. લાંગા?

પાંજરાપોળનો વિવાદ

ઇમેજ સ્રોત, FACEBOOK/SK LANGA

એસ. કે. લાંગા ગુજરાત સરકારમાં વિવિધ પદે ફરજ બજાવી ચૂક્યા છે. તેઓ રાજ્યના 6 જેટલાં જિલ્લામાં રેસિડેન્ટ ઍડિશનલ કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી કે પછી કલેક્ટર પદે ફરજ બજાવી ચૂક્યા છે. તેઓ અમદાવાદ મહાનગરપાલિકામાં પણ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.

હાલમાં દાખલ પોલીસ ફરિયાદ મુજબ તેઓ 30 સપ્ટેમ્બર, 2019ના રોજ સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા હતા છતાં સંખ્યાબંધ બિનખેતી કરવાના કેસો તેમણે નિવૃત્તિના છેલ્લા સપ્તાહમાં કરેલા હતા.

ફરિયાદમાં તો એવું કહેવામાં આવ્યું છે કે કેટલાક કિસ્સામાં તો તેઓ નિવૃત્ત થઈ ગયા બાદ પણ તેમણે બિનખેતીના કેટલાક નિર્ણયો લીધા હતા.

લાંગા સામે ક્રિમિનલ બ્રીચ ઑફ ટ્રસ્ટ (ગુનાઇત વિશ્વાસઘાત)નો આરોપ પણ મૂકવામાં આવ્યો છે. તેમના પર એવો પણ આરોપ છે કે જ્યાં આર્થિક સેટલમૅન્ટ ન થાય ત્યાં તેઓ અરજદારને હેરાન કરતા હોવાનું રેકર્ડ પરથી જણાય છે.

ગાંધીનગર જિલ્લામાં જે સાબરમતી નદીમાં રેતીની લીઝો અને બંદૂકના પરવાના આપ્યા છે તેની તપાસની માગ પણ આ ફરિયાદમાં કરવામાં આવી છે.

અમદાવાદ જિલ્લામાં બાવળા તાલુકાના ઢેઢાળ ગામમાં રાઇસ મિલમાં તેમની ભાગીદારી હોવાનું પણ ખૂલ્યું છે. સાળંદમાં તેમના પરિવારના નામે ફાર્મહાઉસ, બોપલ ખાતે સ્કાય સીટીમાં બંગલો અને ચાર દુકાનો બોલે છે. આ સિવાય પણ તેમની બેનામી સંપત્તિનો ઉલ્લેખ પોલીસમાં કરવામાં આવેલી ફરિયાદમાં કરવામાં આવ્યો છે. ફરિયાદમાં એસ કે લાંગા સામે લાંચરૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા પણ તપાસ કરાવવાની નોંધ કરવામાં આવી છે.

લાંગા પર લગાવવામાં આવેલા આરોપો મામલે બીબીસી ગુજરાતીએ તેમનો સંપર્ક સાધવાની સતત કોશિશો કરી હતી, પરંતુ તેમનો ફોન સ્વીચ ઑફ આવતો હતો.

પાંજરાપોળનો વિવાદ
પાંજરાપોળનો વિવાદ