You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બ્રાઝિલની સંસદ પર હલ્લો કયા કોડવર્ડથી 50 લાખ લોકોને સંદેશો મોકલાયો?
- લેેખક, હેન્ના ગેલબાર્ટ અને જુલિયાના ગ્રાગ્નાની
- પદ, ગ્લૉબલ ડિસઇન્ફોર્મેશન ટીમ
- રવિવારે પૂર્વ રાષ્ટ્રપતિ જેયર બોલસોનારોનાં હજારો સમર્થકોએ બ્રાઝિલની સંસદ, સુપ્રીમ કોર્ટ અને રાષ્ટ્રપતિ ભવન પર ધસી પડ્યાં હતાં
- સુરક્ષા એજન્સીઓ અને સોશિયલ મીડિયાના મૉડરેટર્સની નજર સામે જ આવા હિંસક વિરોધનું આયોજન કેવી રીતે કરવામાં આવ્યું?
- બીબીસી ગ્લૉબલ ડિસઇન્ફોર્મેશન ટીમે આ પ્રશ્નનો જવાબ મેળવવાની કોશિશ કરી...
રવિવારે બ્રાઝિલના પૂર્વ રાષ્ટ્રપતિ જેયર બોલસોનારોનાં હજારો સમર્થકોએ બ્રાઝિલની સંસદ, સુપ્રીમ કોર્ટ અને રાષ્ટ્રપતિ ભવન પર ધસી પડ્યાં એ જોઈને દુનિયા સ્તબ્ધ થઈ ગઈ.
લગભગ આવી જ તસવીર બે વર્ષ પહેલા અમેરિકામાં જોવા મળી હતી, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકો કૅપિટોલ હિલ પર ચઢી ગયાં હતાં. એવી જ રીતે બોલસોનારો સમર્થકોએ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ધાંધલીના આરોપ લગાવતા રાજધાની બ્રઝિલિયામાં સરકારી ઇમારતોમાં તોડફોડ કરી.
સમર્થકોનું કહેવું હતું કે બોલસોનારો સાચા વિજેતા છે અને તેઓ બ્રાઝિલના રાષ્ટ્રપતિ હોવા જોઈએ.
પરંતુ સુરક્ષા એજન્સીઓ અને સોશિયલ મીડિયાના મૉડરેટર્સની નજર સામે જ આવા હિંસક વિરોધનું આયોજન કેવી રીતે કરવામાં આવ્યું?
બીબીસીએ તેને સમજવાની કોશિશ કરી.
'પાર્ટી' કરવા માટે આમંત્રણો અપાયા
છેલ્લા મહિનાથી બોલસનારોના સમર્થકો ઑનલાઇન કાવતરું રચીને પ્રચાર કરી રહ્યા હતા કે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બોલસોનારો જ ચૂંટણીના ખરા વિજેતા છે.
બ્રાઝિલની સંસદ પરના હુમલાના આગલા દિવસોમાં નારાઓ વધુ તીવ્ર બન્યા હતા અને તેમાં બોલસોનારોના સમર્થકોના વિચારને મજબૂત કરે તેવી કહાનીઓ જોડાઈ.
આવી કહાનીઓ સાથે બ્રાઝિલના લોકોને 'સેલ્મા પાર્ટી'માં હાજરી આપવાનું આમંત્રણ અપાયું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'સેલ્મા' એ 'સેલ્વા' શબ્દ પરથી આવ્યો છે અને તેનો પોર્ટુગીઝમાં અર્થ થાય છે જંગલ. બ્રાઝિલની સેના આ શબ્દનો ઉપયોગ શુભેચ્છા માટે કે યુદ્ધમાં ઉત્સાહ વધારવા માટે રણભેરી તરીકે પણ કરે છે.
રમખાણના ચાર દિવસ પહેલા રાજધાની બ્રઝિલિયામાં 'સેલ્મા પાર્ટી' વિશેનો એક વીડિયો સોશિયલ મીડિયા એપ્લિકેશન ટેલિગ્રામ પર વાયરલ થયો હતો.
એ વીડિયોમાં એક વ્યક્તિ 'પાર્ટી' માટે શું શું જોઈએ તેની જાણકારી આપી રહ્યો છે. જેમાં યુનિયન નામની બ્રાઝિલની ખાંડની બ્રાન્ડ અને પાંચ મકાઈના મોટા ડોડાની વાત હતી.
મકાઈ એટલે કે કોર્ન સૂચિતાર્થ ધરાવે છે. 'મિલ્હો' નો અર્થ થાય છે કોર્ન અને 'મિલ્હો' નો અર્થ મિલિયન એટલે કે દસ લાખ પણ થાય છે. સૂચના એવી હતી કે વિરોધમાં ભાગ લેવા માટે 50 લાખ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું.
સોશિયલ મીડિયા પર મૉડરેટર્સથી બચવાની રીત
મોટાભાગના સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર હિંસા પ્રતિબંધિત છે અને હિંસક પ્રદર્શનોમાં હાજર રહેવાનું નિમંત્રણ આપતી સામગ્રીને દૂર કરે છે.
સંભવ છે કે આ રૂપકોનો ઉપયોગ સામગ્રી સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મને થાપ આપવા માટે કરવામાં આવ્યો હતો.
સેલ્મા પાર્ટી, મકાઈ, મિલ્હો, મિલ્હાઓ જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેથી આવી પોસ્ટ્સ સોશિયલ મીડિયાના મૉડરેટર્સની નજરે ન ચડે.
ટિકટોક વીડિયોમાં એક મહિલા સ્પષ્ટપણે કહે છે કે તે હવે ટિકટોક પર રાજનીતિ વિશે વાત નથી કરતી, કારણ કે તે નથી ઈચ્છતી કે તેનું એકાઉન્ટ સસ્પેન્ડ થાય.
ત્યારબાદ આ મહિલા 'સેલ્મા પાર્ટી' વિશે વાત કરવાનું શરૂ કરે છે. જોકે બાદમાં આ વીડિયો હટાવી લેવામાં આવ્યો હતો.
અન્ય પ્લૅટફૉર્મ પર લોકો અન્ય 'પાર્ટીઓ' વિશે પોસ્ટ કરી રહ્યાં છે, જેમાં સાઓ પાઓલોમાં સેલ્માનાં પિતરાઈ બહેન 'ટેલ્મા' અને રિયો ડી જાનેરોમાં તેમનાં બહેન 'વેલ્મા'ની વાત કરવામાં આવી રહી છે. હાલ તો આ ઘટનાઓ પર વધુ ધ્યાન ગયું નથી.
તપાસ હેઠળનું મુખ્ય સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્વિટર છે, જ્યાં વિકેન્ડમાં #festadaselma જેવા હૅશટૅગ્સ વાયરલ થયા હતા. આ હૅશટૅગનો ઉપયોગ સંસદ, રાષ્ટ્રપતિ અને સુપ્રીમ કોર્ટની બહાર "પ્રાકા ડોસ ટ્રેસ પોડેરેસ" (થ્રી પાવર સ્ક્વેર) તરીકે ઓળખાતી સરકારી ઇમારતોના સંકુલમાં લોકોને 'આમંત્રિત' કરવા માટે કરવામાં આવ્યો હતો.
મૉડરેટર્સની અછત
જ્યારથી ઍલન મસ્કે ટ્વિટર હસ્તગત કર્યું છે ત્યારથી તેણે મોટી સંખ્યામાં કર્મચારીઓને કાઢી મૂક્યા છે. આ કર્મચારીઓમાં બ્રાઝિલના એવા લોકો પણ સામેલ છે જેઓ બ્રાઝિલની ચૂંટણીમાં ખોટી માહિતી હટાવવા માટે જવાબદાર હતા.
એક રીતે આ લોકો પ્લેટફોર્મ પર કન્ટેન્ટને મોડરેટ કરતા હતા.
ટ્વિટર અને મસ્કે વારંવાર કહ્યું છે કે તેઓ સાઇટ પરની સૌથી હાનિકારક સામગ્રીને દૂર કરવા માટે કામ કરી રહ્યા છે.
આવું પહેલીવાર નથી થયું કે ઓનલાઈન ખોટી માહિતીને કારણે લોકશાહી પર હુમલો થયો હોય.
સંપાદન: રેબેકા સ્કિપેજ