વલસાડ : શૅરિંગ રાઇડ ઍપ્લિકેશનનો ઉપયોગ કરી દેશભરમાં લોકોને લૂંટનાર આરોપી પકડાયો

ઝહર ખુરાની ગૅંગ, બ્લાબ્લા રાઇડ શેરિંગ ઍપ, અંકુશ પાલ, ઘેની પદાર્થ ખવડાવીને અનેક લૂંટ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Apurva Parekh

ઇમેજ કૅપ્શન, ફ્રાન્સની બ્લાબ્લા નામની રાઇડ શૅરિંગ ઍપમાંથી વાહન બુક કરાવતા લોકોને લૂંટતો આરોપી વલસાડ પોલીસના હાથે લાગ્યો છે.
    • લેેખક, અપૂર્વ પારેખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

બસ કે ટ્રેનની મુસાફરી દરમિયાન ખાવાપીવાની ચીજવસ્તુઓમાં ઘેની દવા મિક્સ કરી લોકોને લૂંટવાની મૉડસ ઑપરેન્ડી ભારતમાં ખૂબ જૂની છે.

આ પ્રકારની લૂંટ પ્રત્યે લોકો સજાગ થઈ ગયા છે અને જાગૃતિ પણ આવી છે, ત્યારે દિલ્હીના એક ઉચ્ચ શિક્ષિત યુવાને આ પારંપારિક મૉડસ ઑપરેન્ડીનો ઉપયોગ હાઇપ્રોફાઇલ ચોરી કરવા માટે કર્યો હતો.

આ યુવાન અને તેનો સાથીદાર ફ્રાન્સની બ્લાબ્લા નામની રાઇડ શૅરિંગ ઍપ્લિકેશનમાંથી કાર બૂક કરાવતા. એ પછી કારચાલકને ખોરાકમાં ઘેનની દવા પીવડાવી તેના મોબાઇલ, એટીએમ કાર્ડ વિગેરેની ચોરી કરી અદૃશ્ય થઈ જતો હતો.

દેશના ઉત્તર અને પશ્ચિમ ભારતનાં રાજ્યમાં પોતાનો કસબ અજમાવનાર અને વેશપલટામાં માહિર એવા આ હાઇપ્રોફાઇલ ચોરને વલસાડ પોલીસે અથાગ મહેનત થકી પકડી પાડ્યો છે.

પોલીસના જણાવ્યા અનુસાર, આ આરોપીએ 38 ગુનાની કબૂલાત કરી છે, પરંતુ પોલીસને આશંકા છે કે તેણે આચરેલા ગુનાઓની સંખ્યા 50થી વધુ હોઈ શકે છે.

શું હતી આખી ઘટના?

ઝહર ખુરાની ગૅંગ, બ્લાબ્લા રાઇડ શેરિંગ ઍપ, અંકુશ પાલ, ઘેની પદાર્થ ખવડાવીને અનેક લૂંટ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

થાણેની પીએફ ઑફિસમાં કામ કરતા ઑફિસર મૂળ સૂરતના રહેવાસી છે. તેઓ મુંબઈથી સુરત પોતાના ઘરે અવારનવાર આવતા હોય છે. આ માટે તેઓ પોતાની ખાનગી કારમાં શૅરિંગ રાઇડ મળે એ માટે ફ્રાન્સની 'બ્લાબ્લા' ઍપ્લિકેશનમાંથી મુસાફરોને શોધતા.

આ પ્રકારે ગત ચોથી નવેમ્બરે આ પીએફ ઑફિસર પોતાની ખાનગી કારમાં સુરત જવાના હતા. તેથી તેમણે બ્લાબ્લા ઍપ્લિકેશનમાંથી તેમની કારમાં શૅરિંગ માટે રવિ નામના શખ્સનું બૂકિંગ લીધું હતું. ઑફિસરે રવિ તથા જીતેન્દ્ર નામના સાથીદારને પોતાની કારમાં બેસાડ્યા હતા.

ત્યારબાદ આ લોકો કારમાં રવાના થઈ વલસાડ જિલ્લામાં પ્રવેશ્યા અને બગવાડા ટોલનાકા બાદ તેઓ ખડકી ગામે એક હોટલમાં જમવા માટે આવ્યા હતા. જ્યાં બંને મુસાફરો પૈકી એક અથવા બંનેએ ઑફિસરના ખાવાનામાં ઘેનની દવા ભેળવી દીધી હતી.

જેના કારણે પીએફ ઑફિસર બેહોશ થઈ જતાં તેમને કારમાં બેસાડી કારને ફરીથી મુંબઈ તરફ વાળી દીધી હતી. બીજા દિવસે હોશ આવતા પીએફ અધિકારી પોતાની કારમાં ભાનમાં આવતા તેમનું પાકીટ, મોબાઇલ, લૅપટૉપ તેમજ બૅન્કનાં કાર્ડ સહિત બધું ચોરાઈ ગયું હતું.

ઑફિસરને શોધતા તેમના પરિવારજનો મુંબઈ પહોંચ્યા અને પછી આખી ઘટના સંદર્ભે વલસાડ જિલ્લાના પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પીએફ અધિકારીને જ્યારે પોતાના જીમેલ એકાઉન્ટનું ઍક્સેસ મળ્યું, ત્યાર સુધીમાં તેમનાં ખાતામાંથી ત્રણ લાખથી વધુની ખરીદી થઈ ગઈ હતી.

પીએફ અધિકારીને કુલ રૂપિયા ત્રણ લાખ 49 હજાર 282નું આર્થિક નુકસાન થયું હતું. પીડિતની ફરિયાદ લઈ પોલીસે તપાસ હાથ ધરી હતી.

આ રીતે પોલીસે શોધખોળ હાથ ધરી

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પોલીસને ફરિયાદ મળતાં પોલીસે જ્યાં પીડિત અને આરોપીઓએ ભોજન લીધું હતું, તે હોટેલના સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા, જેમાં બે વ્યક્તિઓના ચહેરાની ઓળખ થઈ હતી.

જોકે, બંને વ્યક્તિ કોણ છે તે ચકાસવા પોલીસે જે નંબરથી તેમણે કાર બૂક કરાવી તે નંબર ચકાસ્યા હતા. તેની માહિતી આવતા પોલીસ ચોંકી ગઈ હતી. એ નંબર આ જ પ્રકારે ભોગ બનનારનો હતો.

ત્યારબાદ પોલીસે તેમને ટ્રૅક કરવા સીસીટીવીનો સહારો લીધો હતો. તેમજ અગાઉ જે વ્યક્તિઓ તેમની આ પ્રકારની લૂંટનો ભોગ બન્યા તેમની સાથે વાત કરી હતી.

જેના આધારે તેમણે એક વ્યક્તિનો ચહેરો ચોક્કસ તૈયાર કરી લીધો હતો. તેની શોધ કરવા પોલીસે અનેક સ્તરે તેમજ મોબાઇલ લૉકેશનના આધારે તપાસ શરૂ કરી હતી.

આ ચોરને પકડવા માટે પોલીસ પાસે માત્ર સીસીટીવીનો જ સહારો હતો. આ સંદર્ભે માહિતી આપતાં વલસાડ જિલ્લા પોલીસ વડા યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું:

"આ ખૂબ મોટી ગૅંગ અને તેમના મોટા ગુનાઓ હોવાનું જાણવા મળતા પોલીસે તેમને પકડવાની નેમ લીધી અને તેમને પકડવા એક હજારથી વધુ સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસ્યા હતા."

"જેમાં આ ચોર ટ્રેનથી ટ્રાવેલ કરતો હોવાનું જાણવા મળતાં અનેક રાજ્યોનાં રેલવે સ્ટેશનોનાં સીસીટીવી ફૂટેજ ચકાસવા પડ્યા હતા."

"જેના આધારે તેમણે આ ચોરને જયપુરમાં ઍરપૉર્ટ પોલીસ મથકની હદમાંથી પકડી પાડ્યો હતો. આ આરોપી અંકુશ મદનલાલ પાલ (ઉ.વ.37) (રહે. હરિનગર, ન્યૂ દિલ્હી) હોવાનું બહાર આવ્યું હતું."

તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે અંકુશ પાલ 'જહર ખુરાની ગૅંગ'નો સભ્ય અને વેપારી છે.

આ ગૅંગ આ જ રીતે લોકોને બેહોશીની દવા પીવડાવી તેમને લૂંટતી હતી. તેના સભ્યો 13 ગુનામાં અગાઉ પકડાઇ પણ ચૂક્યા હતા.

પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, અંકુશ પાલે બીસીએનો (બૅચલર ઑફ કમ્પ્યૂટર ઍપ્લિકેશન) અભ્યાસ કર્યો હોય, તે ફાંકડુ અંગ્રેજી બોલે છે. દિલ્હીમાં તેની કપડાંની દુકાન પણ છે, પરંતુ એ દુકાનની આવક તેને ઓછી પડતી હોય, તે આ ગુનાખોરીની દુનિયામાં પ્રવેશ્યો હતો.

જુદા-જુદા ધર્મ અને જાતિના વેશ ધારણ કરવામાં માહિર

ઝહર ખુરાની ગૅંગ, બ્લાબ્લા રાઇડ શેરિંગ ઍપ, અંકુશ પાલ, ઘેની પદાર્થ ખવડાવીને અનેક લૂંટ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

અંકુશે એક ગુનાને અંજામ આપ્યો પછી તે આ પ્રકારના ગુનાઓ આચરવામાં પાવરધો બની ગયો હતો. ફાંકડુ અંગ્રેજી અને કાપડના વેપારીની છાપના કારણે કોઈ પણ તેની વાતમાં ભોળવાઈ જતું હતું. જે કાર બૂક કરી કારચાલક તેમજ અન્યોને ઘેનની દવાનો ભુકો ખોરાકમાં મિક્સ કરી ખવડાવી દેતો.

જેના કારણે તેઓ બેહોશ થઈ જતા હતા. તેમજ જે કારમાલિક કે મુસાફર ભોગ બને તેનો મોબાઇલ લઈ તેના મોબાઇલથી જ બીજી કારનું બૂકિંગ થતું હોવાથી આરોપીને પકડવાનું મુશ્કેલ બની રહ્યું હતું.

તે જુદા-જુદા ધર્મ અને જાતિના વેશ ધારણ કરવામાં તે માહિર હતો.

અંકુશ જ્યારે પણ ઠગાઈ માટે કૅબ બૂક કરાવતો ત્યારે તે દર વખતે જુદા-જુદા ધર્મનાં નામો અને તેના પોષાક ધારણ કરતો હતો. જેથી પોલીસ તપાસ કરે તો તેની જુદી-જુદી ઓળખ મળે.

અંકુશ એક રાજ્યમાં જ નહીં, પરંતુ મહારાષ્ટ્ર, રાજસ્થાન, દિલ્હી, હરિયાણા વિગેરે રાજ્યોમાં પોતાનો કસબ અજમાવતો હતો.

જેમાં તે ક્યારેક ટોપી પહેરીને મુસ્લિમ બની જાય, ક્યારેક પાઘડી પહેરીને સરદારજી બની જાય તો ક્યારેક હિંદુ બની જતો હતો. કોઈ વખતે ફૅશનેબલ કૅપ પણ પહેરી લેતો હતો.

જહેર ખુરાની ગૅંગના સભ્ય કે મૂખ્ય સૂત્રધાર એવા અંકુશની વલસાડ પોલીસે તમામ પ્રકારની તપાસ કરી તો તેની વિરૂદ્ધ હાલ 13 કેસ ચાલતા હોવાનું બહાર આવ્યું હતું.

જ્યારે તેની પુછપરછ કરતાં તેણે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, દિલ્હી, પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશમાં આચરેલા 38 જેટલા ગુનાઓની કબૂલાત કરી હતી. જેની જાણ વલસાડ પોલીસ જે તે વિસ્તારના પોલીસ વિભાગને કરશે.

દેશનાં અનેક રાજ્યોમાં લૂંટ કરનાર આરોપીને આખરે વલસાડ પોલીસે પકડી પાડ્યો છે.

અંકુશ જ્યારે પણ લૂંટ કરે અને તેના હાથમાં ક્રૅડિટ કાર્ડ અને મોબાઇલ આવે એટલે તે જે તે વ્યક્તિનાં ક્રૅડિટ કે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરી તેના પરથી ઑનલાઇન શૉપિંગ ઍપ્લિકેશનમાંથી મોંઘાં ઇલેક્ટ્રોનિક્સ સાધનોની ખરીદી કરી લેતો હતો.

પોલીસનું કહેવું છે કે એ પછી આરોપી આ ચીજવસ્તુઓ બહાર સસ્તાભાવે વેચીને રૂપિયા કમાતો હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન