જસ્ટિસ સૂર્યકાંતે ભારતના 53મા ચીફ જસ્ટિસ તરીકે શપથ લીધા : તેમના મહત્ત્વના ચુકાદા અને વિવાદો વિશે જાણો

બીબીસી ગુજરાતી, ગુજરાત, અમદાવાદ, બીબીસી, જસ્ટિસ સૂર્યકાન્ત, સુપ્રીમ કોર્ટ, ભારતની સુપ્રીમ કોર્ટ, ચીફ જસ્ટિસ

ઇમેજ સ્રોત, DD India

ઇમેજ કૅપ્શન, જસ્ટિસ સૂર્યકાંતનો કાર્યકાળ અગાઉના કેટલાક ચીફ જસ્ટિસની સરખામણીએ લાંબો હશે
    • લેેખક, ઉમંગ પોદ્દાર
    • પદ, બીબીસી સંવાદદાતા

જસ્ટિસ સૂર્યકાંતે સોમવારે રાષ્ટ્રપતિ ભવનમાં ભારતના 53મા ચીફ જસ્ટિસ તરીકે શપથ લીધા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ તેમને શપથ લેવડાવ્યાં હતાં.

તાજેતરના કેટલાક ચીફ જસ્ટિસની તુલનામાં તેમનો કાર્યકાળ લાંબો હશે, જે 15 મહિના સુધી, એટલે કે ફેબ્રુઆરી 2027 સુધી ચાલશે.

શપથ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત કેટલાય મોટા નેતાઓ હાજર હતા.

ચીફ જસ્ટિસ એ ભારતીય ન્યાયતંત્રમાં મુખ્ય અધિકારી હોય છે. તેઓ માત્ર જજ તરીકે નિર્ણય નથી લેતા, પરંતુ સુપ્રીમ કોર્ટને લગતી વહીવટી કામગીરી અંગે પણ નિર્ણય લે છે.

કયા કેસની સુનાવણી ક્યારે થશે અને કયા જજ એ કેસને સાંભળશે તે નક્કી કરવાની શક્તિ ચીફ જસ્ટિસ પાસે હોય છે. તેથી એવું પણ કહેવાય છે કે દરેક નિર્ણયોમાં ચીફ જસ્ટિસની એક 'પરોક્ષ શક્તિ' હોય છે.

તાજેતરમાં જસ્ટિસ સૂર્યકાંત બિહારમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવીઝન, કૉમેડિયન સમય રૈનાના ઇન્ડિયાઝ ગૉટ લેટેન્ટ શો સાથે જોડાયેલો વિવાદ અને અશોકા યુનિવર્સિટીના પ્રોફેસર અલી ખાન મહમુદાબાદની ધરપકડ જેવા ઘણા ચર્ચિત કેસમાં છાપાંનાં મથાળાંમાં રહ્યા હતા.

વકીલાતમાં પ્રવેશ

બીબીસી ગુજરાતી, ગુજરાત, અમદાવાદ, બીબીસી, જસ્ટિસ સૂર્યકાન્ત, સુપ્રીમ કોર્ટ, ભારતની સુપ્રીમ કોર્ટ, ચીફ જસ્ટિસ

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, ચીફ જસ્ટિસ ગવઈ (જમણે) પછી જસ્ટિસ સૂર્યકાંત નવા મુખ્ય ન્યાયાધીશ બન્યા છે

22 વર્ષની ઉંમરે જસ્ટિસ સૂર્યકાંતે હરિયાણામાં વકીલાત શરૂ કરી હતી. એક વર્ષ પછી, 1985માં તેઓ ચંડીગઢમાં પંજાબ અને હરિયાણા હાઈ કોર્ટમાં પ્રૅક્ટિસ કરવા લાગ્યા. વકીલાતમાં 16 વર્ષ વિતાવ્યાં પછી તેઓ હરિયાણાના ઍડ્વોકેટ જનરલ નિયુક્ત થયા. તે સમયે તેઓ માત્ર 38 વર્ષના હતા. જોકે ઍડ્વોકેટ જનરલ માટે તે ખૂબ ઓછી ઉંમર ગણાય છે. તે સમયે તેઓ એક સિનિયર ઍડ્વોકેટ પણ નહોતા. તેમને 2001માં સિનિયર ઍડ્વોકેટ બનાવવામાં આવ્યા હતા.

તેનાં થોડાં વર્ષો પછી જ, 2004માં તેમને પંજાબ અને હરિયાણા હાઇકોર્ટમાં જજ નીમવામાં આવ્યા. 2019માં તેઓ હિમાચલ પ્રદેશ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ હતા ત્યારે તેમને સુપ્રીમ કોર્ટના જજ બનાવવામાં આવ્યા.

જોકે, આ દરમિયાન તેમના પર ઘણા ગંભીર આરોપ પણ કરવામાં આવ્યા, જેની વિગતો સમાચાર મૅગેઝિન 'કારવાં'ના એક રિપોર્ટમાં છે.

આ રિપોર્ટ અનુસાર, 2012માં એક વેપારી સતીશકુમાર જૈને ભારતના તત્કાલીન ચીફ જસ્ટિસને એક ફરિયાદ મોકલી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે જસ્ટિસ સૂર્યકાંતે ઘણી સંપત્તિઓ ખરીદવા અને વેચવા દરમિયાન સંપત્તિઓને 'અન્ડર વેલ્યૂ' કરી હતી. તેના કારણે તેમણે 7 કરોડ રૂપિયાથી વધુનાં ટ્રાન્ઝેક્શન પર ટૅક્સ ન આપ્યો. આ રિપોર્ટમાં 2017ના પણ એક આરોપની વાત કરી છે, જેમાં પંજાબમાં સુરજિતસિંહ નામના એક કેદીએ જસ્ટિસ સૂર્યકાંત પર આરોપ કર્યો કે તેમણે લાંચ લઈને લોકોને જામીન આપ્યા છે.

બીબીસી ગુજરાતી, ગુજરાત, અમદાવાદ, બીબીસી, જસ્ટિસ સૂર્યકાન્ત, સુપ્રીમ કોર્ટ, ભારતની સુપ્રીમ કોર્ટ, ચીફ જસ્ટિસ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ આરોપોની ઘણી વખત ચર્ચા થઈ છે, પરંતુ એ સ્પષ્ટ નથી કે તેના પર કશી કાર્યવાહી કરવામાં આવી કે નહીં. જ્યારે જસ્ટિસ સૂર્યકાંતને હિમાચલ પ્રદેશ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ નિયુક્ત કરવાનો પ્રસ્તાવ કરાયો, ત્યારે 'કારવાં' અને અખબાર ઇન્ડિયન ઍક્સપ્રેસના સમાચારો અનુસાર, તત્કાલીન સુપ્રીમ કોર્ટે જજ જસ્ટિસ આદર્શકુમાર ગોયલે તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ દીપક મિશ્રને એક પત્ર લખ્યો. તેમાં તેમણે કહ્યું કે, જસ્ટિસ સૂર્યકાંત પર કરવામાં આવેલા આરોપ પર તેમણે 2017માં એક તપાસની માગ કરી હતી.

જોકે તેનું શું પરિણામ આવ્યું તેની તેમને કશી માહિતી નથી. તેમણે એમ પણ કહ્યું કે જ્યાં સુધી આ આરોપોની સ્વતંત્રપણે તપાસ નહીં થાય, ત્યાં સુધી જસ્ટિસ સૂર્યકાંતને હિમાચલ પ્રદેશના મુખ્ય ન્યાયાધીશ ન બનાવવા જોઈએ.

જોકે, 2019માં બાર કાઉન્સિલ ઑફ ઇન્ડિયાએ એક પત્રમાં કહ્યું કે જસ્ટિસ સૂર્યકાંત વિરુદ્ધના આરોપ પાયાવિહોણા છે. બીબીસીએ સુપ્રીમ કોર્ટ અને જસ્ટિસ સૂર્યકાંત પાસેથી તેમના પરના આરોપો અંગે તેમની ટિપ્પણી માગી, જોકે અમને તેમનો કશો જવાબ નથી મળ્યો. જવાબ મળશે ત્યારે આ રિપોર્ટમાં તેને સામેલ કરવામાં આવશે.

જસ્ટિસ સૂર્યકાંતની સંપત્તિ ઘણી વાર ચર્ચામાં રહી છે. મે 2025માં પહેલી વખત સુપ્રીમ કોર્ટે પોતાની વેબસાઇટ પર જજોની સંપત્તિને સાર્વજનિક રીતે જાહેર કરી. તેમાં જસ્ટિસ સૂર્યકાંતની આઠ સંપત્તિઓ અને કરોડો રૂપિયાનાં રોકાણ સામેલ હતાં.

સુપ્રીમ કોર્ટના જજ

બીબીસી ગુજરાતી, ગુજરાત, અમદાવાદ, બીબીસી, જસ્ટિસ સૂર્યકાન્ત, સુપ્રીમ કોર્ટ, ભારતની સુપ્રીમ કોર્ટ, ચીફ જસ્ટિસ

ઇમેજ સ્રોત, AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, નૂપુર શર્માની વિવાદાસ્પદ ટિપ્પણીનો કેસ પણ જસ્ટિસ સૂર્યકાંત પાસે આવ્યો હતો (ફાઇલ તસવીર)

સુપ્રીમ કોર્ટમાં જજ નિયુક્ત થયા પછી, છેલ્લાં છ વર્ષોમાં જસ્ટિસ સૂર્યકાંત ઘણા મહત્ત્વના કેસનો ભાગ રહ્યા છે.

આર્ટિકલ 370ને રદ કરવાનો પડકારજનક કેસ, રાજદ્રોહના કાયદા વિરુદ્ધની સુનાવણી, પત્રકારો અને ઍક્ટિવિસ્ટના ફોનમાં પેગાસસ સૉફ્ટવેર હોવાના આરોપ, આસામમાં નાગરિકતાનો મુદ્દો, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીને અલ્પસંખ્યકનો દરજ્જો – આ બધા કેસની સુનાવણીમાં જસ્ટિસ સૂર્યકાંત સામેલ હતા.

2022માં જ્યારે તેમણે પૂર્વ ભાજપ નેતા નૂપુર શર્માને ઠપકો આપ્યો ત્યારે તેની મીડિયામાં ખૂબ ચર્ચા થઈ. નૂપુર શર્મા વિરુદ્ધ ઇસ્લામના અંતિમ પયગંબર, પયગંબર મહમદ પર વાંધાજનક ટિપ્પણીના આરોપ હતા, જેના આધારે આખા દેશમાં તેમની વિરુદ્ધ એફઆઇઆર દાખલ થઈ હતી.

જોકે, પછી જસ્ટિસ સૂર્યકાંતની બેન્ચે નૂપુર શર્માની ધરપકડ પર સ્ટે મૂક્યો અને બધા મુકદમાને દિલ્હીમાં ટ્રાન્સફર કર્યા, જેથી તેમને આ ફરિયાદો માટે દેશમાં અલગ-અલગ જગ્યાઓએ જવું ન પડે. પરંતુ સાથે જ, પોતાની મૌખિક ટિપ્પણીમાં તેમણે નૂપુર શર્માને તેમની ટિપ્પણી પછી એક હત્યા માટે જવાબદાર પણ ઠરાવ્યાં.

આ કેસ ઉપરાંત તેમણે અભિવ્યક્તિના સ્વાતંત્ર્ય સાથે સંકળાયેલા ઘણા કેસમાં સુનાવણી કરી. કૉમેડિયન સમય રૈનાના શો ઇન્ડિયાઝ ગૉટ લેટેન્ટમાંની કેટલીક ટિપ્પણીઓ બાબતે જસ્ટિસ સૂર્યકાંતની બેન્ચે તેમને માફી માગવાનો આદેશ આપ્યો.

આ જ કેસમાં સુપ્રીમ કોર્ટે ઇન્ટરનેટ પર કન્ટેન્ટને નિયંત્રિત કરવા માટેના દિશાનિર્દેશ બહાર પાડવા માટે ભારત સરકાર પાસે મદદ માગી.

ચાલુ વર્ષે મેમાં ભારત-પાકિસ્તાન સંઘર્ષ દરમિયાન અશોકા યુનિવર્સિટીના પ્રોફેસર અલી ખાન મહમુદાબાદની તેમની પોસ્ટ માટે ધરપકડ કરવામાં આવી હતી અને તેમના પર દેશદ્રોહના કાયદા અંતર્ગત મુકદમો પણ શરૂ કરાયો. આ કેસમાં જસ્ટિસ સૂર્યકાંતની બેન્ચે તેમને વચગાળાના જામીન આપ્યા. જોકે, તેમની સામેના કેસને બંધ ન કર્યો.

આ બધા કેસના કારણે, જ્યારે જસ્ટિસ સૂર્યકાંતને ભારતના મુખ્ય ન્યાયાધીશના પદ માટે નિયુક્ત કરવામાં આવ્યા ત્યારે, જુદી જુદી વિચારધારાના લોકો તેમની ટીકા કરતા હતા.

જસ્ટિસ સૂર્યકાંતે બીજો એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો, જેની ચર્ચા અત્યાર સુધી કરવામાં આવી રહી છે. 2021ના એક નિર્ણયમાં જસ્ટિસ સૂર્યકાંતે લખ્યું હતું કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (અટકાયતી) અધિનિયમ કે યુએપીએ જેવા ગંભીર કાયદા હેઠળ પણ, જો કેસમાં વિલંબ થઈ રહ્યો હોય તો, આરોપીને જામીન આપવા જોઈએ.

યુએપીએમાં જામીન મળવાનું મુશ્કેલ રહ્યું છે અને હજુ પણ યુએપીએના કેસમાં આસાનીથી જામીન નથી મળતા, પરંતુ આ એક પ્રગતિશીલ નિર્ણય હતો, જેના આધારે યુએપીએ કેસોમાં ઘણા આરોપીઓને જામીન મળ્યા. અત્યારે ચાલી રહેલા દિલ્હી તોફાનો સાથે સંકળાયેલા મુકદમાઓમાં પણ આરોપીઓ આ નિર્ણયનો આધાર લઈને જામીનની માગ કરી રહ્યા છે.

ચીફ જસ્ટિસનું પદ

બીબીસી ગુજરાતી, ગુજરાત, અમદાવાદ, બીબીસી, જસ્ટિસ સૂર્યકાન્ત, સુપ્રીમ કોર્ટ, ભારતની સુપ્રીમ કોર્ટ, ચીફ જસ્ટિસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જસ્ટિસ સૂર્યકાંત પાસે સુપ્રીમ કોર્ટના ઘણા ચર્ચિત કેસ આવ્યા છે

જસ્ટિસ સૂર્યકાંતની પહેલાં બે મુખ્ય ન્યાયાધીશોનો કાર્યકાળ લગભગ છ મહિના રહ્યો છે. તેમની પહેલાં જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડનો કાર્યકાળ લગભગ બે વર્ષનો હતો.

જસ્ટિસ ચંદ્રચૂડના કાર્યકાળમાં ઘણી બંધારણીય પીઠોનું ગઠન થયું હતું. આ એવી બેન્ચ હોય છે, જેમાં પાંચ કે પાંચ કરતાં વધુ જજ કાયદા સાથે સંકળાયેલા મહત્ત્વના સવાલો પર ચુકાદો આપે છે.

જસ્ટિસ ચંદ્રચૂડ પછી બંધારણીય પીઠોની સુનાવણી તુલનાત્મક રીતે ઘટી ગઈ છે. એ જોવા જેવી વાત હશે કે જસ્ટિસ સૂર્યકાંતના કાર્યકાળમાં આ બદલાશે કે નહીં. જસ્ટિસ સૂર્યકાંત પાસે હવે ઘણા મહત્ત્વપૂર્ણ મુદ્દા હશે જેના પરના કેસ સુપ્રીમ કોર્ટમાં પૅન્ડિંગ છે.

જેવા કે, બિહાર પછી આખા દેશમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની પ્રક્રિયા, 2019માં લવાયેલા નાગરિકતા સુધારણા કાયદા વિરુદ્ધના કેસો, મૅરિટલ રેપને ગુનો જાહેર કરવાની અરજીઓ, મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂકની પ્રક્રિયા, મની લૉન્ડરિંગ કાયદા વિરુદ્ધની અરજીઓ અને ભારતમાં રહેતા રોહિંગ્યા શરણાર્થીઓના ડિપોર્ટેશનના કેસ.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન