લૉરેન્સના ભાઈ અનમોલની ભારત પહોંચતા જ ધરપકડ, પોલીસ કેમ શોધતી હતી?

ઇમેજ સ્રોત, NIA/ANI
ગૅંગસ્ટર લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અને ઘણા ગુનાહિત મામલામાં આરોપી અનમોલ બિશ્નોઈને પ્રત્યર્પણ મારફતે ભારત લવાયા છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી એનઆઇએએ બુધવારે અનમોલ બિશ્નોઈની અમેરિકાથી ભારત પહોંચતાં જ ધરપકડ કરી લીધી હતી.
એનઆઇએએ પોતાની પ્રેસ રિલીઝમાં '2022થી ફરાર અને અમેરિકામાં રહી રહેલા' અનમોલ બિશ્નોઈની ધરપકડની પુષ્ટિ કરી છે.
આ પ્રેસ રિલીઝમાં જણાવ્યું છે કે એ જેલમાં રહેલા પોતાના ભાઈ લૉરેન્સ બિશ્નોઈના ટેરર સિન્ડિકેટમાં સામેલ છે અને અત્યાર સુધી આ સિન્ડિકેટના 19 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે.
એનઆઇએએ કહ્યું છે કે, "આ મામલાની તપાસમાં ખબર પડી હતી કે તેણે 2020-23 દરમિયાન દેશમાં આતંકવાદનાં અલગ-અલગ કામોમાં આતંકવાદી ગોલ્ડી બરાર અને લૉરેન્સ બિશ્નોઈની મદદ કરી હતી. આ મામલાની તપાસ બાદ એનઆઇએએ માર્ચ 2023માં અનમોલ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી."
એનઆઇએએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, NIA
એનઆઇએના નિવેદન પ્રમાણે, "અમેરિકામાં બેસીને અનમોલ બિશ્નોઈ લૉરેન્સ બિશ્નોઈ ગૅંગ સાથે મળીને આતંક ફેલાવવા અને અપરાધ કરાવવામાં રચ્યોપચ્યો હતો. એ ભારતમાં રહેલા ગૅંગના લોકોને સૂચના આપતો. તપાસમાં એવી પણ ખબર પડી છે કે તેણે ગૅંગના શૂટરો અને પાયાના સ્તરે કામ કરી રહેલા ગુનેગારોને મદદ પહોંચાડી છે."
અનમોલ બિશ્નોઈ પર ઘણા મોટા ગુનાઓમાં સામેલ હોવાનો આરોપ છે અને મુંબઈ પોલીસ તેના પ્રત્યર્પણ માટે પ્રયાસ કરી રહી હતી.
સમાચાર અહેવાલો અનુસાર, મહારાષ્ટ્રના રાજનેતા બાબા સિદ્દીકીની હત્યા અને અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર સહિતના અનેક મામલામાં આરોપી અનમોલ બિશ્નોઈની કેલિફૉર્નિયામાં અમેરિકાના ઇમિગ્રેશન વિભાગે સપ્તાહે ધરપકડ કરી હતી.
12 ઑક્ટોબરે મુંબઈના ઉપનગર બાંદ્રામાં બાબા સિદ્દીકીની હત્યા થઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અનમોલ બિશ્નોઈ પર આરોપ

ઇમેજ સ્રોત, Getty Images
ઇન્ડિયન ઍક્સપ્રેસે તેના સંપર્કના આધારે લખ્યું હતું કે યુએસ ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટને જાણવા મળ્યું હતું કે, "અનમોલ બિશ્નોઈના મુસાફરી દસ્તાવેજ સાથે મળી આવેલી કંપનીનો પત્ર પણ નકલી છે."
25 વર્ષીય અનમોલ બિશ્નોઈ પણ લૉરેન્સ બિશ્નોઈની ગૅંગ ચલાવવામાં સામેલ છે એવું માનવામાં આવે છે. પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યા કેસમાં પોલીસ અનમોલ બિશ્નોઈને શોધી રહી હતી.
પંજાબના પ્રખ્યાત ગાયક સિદ્ધુ મૂસેવાલાની 29 મે 2022ના રોજ પંજાબના માનસામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
ભારતીય તપાસ એજન્સીઓને ટાંકતા ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે 32 વર્ષીય લૉરેન્સ બિશ્નોઈની ગૅંગમાં લગભગ 700 શૂટર્સ છે. તેમાંથી મોટા ભાગના નાનાં શહેરો અને ગામના છે.

ઇમેજ સ્રોત, Getty Images
પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર ભારતનાં અન્ય રાજ્યોમાં છૂટાછવાયા વિસ્તારોમાં લૉરેન્સ બિશ્નોઈની ધાક હોવાનું માનવામાં આવે છે. લૉરેન્સ બિશ્નોઈ વિરુદ્ધ હત્યા, હત્યાનો પ્રયાસ, ખંડણી અને ધાકધમકી જેવા અનેક કેસ નોંધાયેલા છે.
લૉરેન્સ બિશ્નોઈ વિરુદ્ધ 22 કેસ હાલમાં પડતર છે અને તેની વિરુદ્ધ 7 કેસમાં તપાસ ચાલી રહી છે.
વિદ્યાર્થી રાજકારણ દરમિયાન જૂથવાદથી શરૂ થયેલી લૉરેન્સ બિશ્નોઈની ગુનાહિત સફર હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ડ્રગ દાણચોરી અને સોપારી કિલિંગ સુધી પહોંચી ગઈ છે.
પોલીસના મત મુજબ, આ ગૅંગ ડ્રગ્સનું મોટું નેટવર્ક પણ ચલાવે છે અને લૉરેન્સ એ - શ્રેણીનો ગૅંગસ્ટર છે. પંજાબ પોલીસે ગૅંગસ્ટરોની એક શ્રેણી બનાવી છે જેમાં 'એ' શ્રેણીનો અર્થ એ છે કે જે કથિત રીતે અત્યંત ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા છે.
પોલીસ રેકોર્ડ મુજબ લૉરેન્સ બિશ્નોઈને પણ ચાર કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો છે.
લૉરેન્સ બિશ્નોઈ છેલ્લાં દોઢ વર્ષથી અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે. આમ છતાં તેની ગૅંગ એકદમ સક્રિય હોવાનું માનવામાં આવે છે.
ભારતીય તપાસ સંસ્થાઓ અનમોલને શોધતી હતી

ઇમેજ સ્રોત, NIA/ANI
ઇન્ડિયન ઍક્સપ્રેસ અનુસાર, "આ વર્ષે 14 એપ્રિલે ફિલ્મ અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરવાના કેસમાં અનમોલ બિશ્નોઈ પણ સામેલ હતો."
મુંબઈ પોલીસે કોર્ટને કહ્યું હતું કે કેસની તપાસ દરમિયાન તેને એક ઑડિયો ક્લિપ મળી આવી છે, જેમાં અનમોલ બિશ્નોઈ અને વિકી ગુપ્તા વચ્ચે વાતચીત થતી હતી. ગુપ્તા લૉરેન્સ બિશ્નોઈની ગૅંગનો સાગરિત છે.
અગાઉ પોલીસે મુંબઈની એક વિશેષ અદાલતને જણાવ્યું હતું કે તે એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે શું અનમોલ બિશ્નોઈ 12 ઑક્ટોબરે બાબા સિદ્દીકીની હત્યામાં સામેલ હતો કે નહીં?
એનઆઇએની વેબસાઇટ અનુસાર, તેણે અનેક ગુનાહિત ઘટનામાં અન્ય આરોપી સાથે અનમોલ બિશ્નોઈને પણ આરોપી બનાવ્યો છે. જેમાં વર્ષ 2022માં ડેરા સચ્ચા સોદાના અનુયાયી પ્રદીપકુમારની હત્યા અને રાજસ્થાનના સીકરમાં રાજુ ઠેહઠની હત્યાનો પણ સમાવેશ થાય છે. સિદ્ધુ મૂસેવાલાની હત્યા કેસમાં પણ અનમોલ બિશ્નોઈને આરોપી બનાવ્યો છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












