નીતીશકુમાર : પહેલી વાર સાત દિવસ, પછી સતત 20 વરસ સુધી, એ નેતા જે મુખ્ય મંત્રી બનતા રહ્યા

ઇમેજ સ્રોત, Getty Images
નીતીશકુમારે ગુરુવારે દસમી વખત બિહારના મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા છે. તેમની સાથે બીજેપીના સમ્રાટ ચૌધરી અને વિજયકુમાર સિન્હાએ પણ મંત્રીપદની શપથ લીધા હતા. ગત સરકારમાં બંને ઉપમુખ્ય મંત્રી હતા.
પટનાના ગાંધી મેદાનમાં થયેલા આ શપથ ગ્રહણ સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ઘણા પ્રદેશોના મુખ્ય મંત્રીઓ હાજર રહ્યા હતા.
સમ્રાટ ચૌધરી તથા વિજયકુમાર સિન્હા ઉપરાંત વિજયકુમાર ચૌધરી, મંગલ પાંડે, શ્રવણકુમાર અને લેશીસિંહ સહિત કુલ 26 લોકોએ શપથ લીધાં.
26 મંત્રીઓમાં ત્રણ મહિલાઓ અને એક મુસ્લિમ ધારાસભ્ય પણ છે. મહિલા ધારાસભ્યોમાં લેશીસિંહ જનતાદળ યુનાઇટેડનાં ધારાસભ્ય છે. રમા નિષાદ અને શ્રેયસીસિંહ ભાજપનાં ધારાસભ્યો છે.
એક માત્ર મુસ્લિમ મંત્રી મોહમ્મદ જમા ખાન જનતાદળ યુનાઇટેડના ધારાસભ્ય છે. તેમણે ચૈનપુર વિધાનસભા બેઠક પરથી જીત હાંસલ કરી હતી.
બુધવારે વિધાનસભાના સેન્ટ્રલ હૉલમાં એનડીએના 202 ધારાસભ્યોની બેઠકમાં નીતીશકુમારને સર્વસંમતિથી એનડીએના નેતા પસંદ કરવામાં આવ્યા હતા.
જેડીયુએ પણ પોતાની અલગ બેઠકમાં નીતીશકુમારને વિધાયકદળના નેતા પસંદ કર્યા હતા.
બુધવારે ભાજપના નવા ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠકમાં, યુપીના ઉપમુખ્ય મંત્રી અને પાર્ટીના પર્યવેક્ષક કેશવપ્રસાદ મૌર્યએ સમ્રાટ ચૌધરીને ભાજપ વિધાયકદળના નેતા અને વિજયકુમાર સિન્હાને બીજી વખત ઉપનેતા જાહેર કર્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એનડીએએ ગત સપ્તાહે બિહાર વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ બહુમત હાંસલ કરીને સત્તામાં વાપસી કરી હતી.
243 બેઠકો પૈકી એનડીએને 202 બેઠકો મળી. બીજેપીને 89, જેડીયુને 85, એલજેપી(આરવી)ને 19 અને હિંદુસ્તાની અવામી મોરચાને પાંચ તથા આરએલએમને ચાર બેઠકો મળી હતી.
નોંધનીય છે કે 2020ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને નીતીશની પાર્ટી જનતાદળ (યુનાઇટેડ)ના ગઠબંધનવાળા એનડીએને 243માંથી કુલ 125 બેઠકો મળતાં સરકાર બની હતી જેના મુખ્ય મંત્રી નીતીશકુમાર રહ્યા હતા. જોકે, વર્ષ 2022માં નીતીશે ભાજપનો સાથ છોડી લાલુપ્રસાદની પાર્ટી રાષ્ટ્રીય જનતાદળ સાથે સરકાર બનાવી હતી. પરંતુ જાન્યુઆરી-2024માં લોકસભાની ચૂંટણી પહેલાં તેઓ ભાજપની સાથે આવી ગયા.
ઇજનેર બાબુથી સુશાસન બાબુ સુધી

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પટણા શહેરની નજીક આવેલા બખ્યિતારપુરમાં એક માર્ચ 1951ના નીતીશકુમારનો જન્મ થયો હતો.
નીતીશકુમારે બિહાર એન્જિનિયરિંગ કૉલેજથી ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો અને આ દરમિયાન તેઓ ઇજનેર બાબુ તરીકે ઓળખાતા હતા.
નીતીશકુમાર જયપ્રકાશ નારાયણના સંપૂર્ણ ક્રાંતિ આંદોલનમાંથી બહાર આવેલા નેતા છે.
એન્જિનિયરિંગ કૉલેજમાં તેમના મિત્ર અને સહાધ્યાયી અરુણ સિંહાએ પુસ્તક 'નીતીશકુમાર : ધ રાઇઝ ઑફ બિહાર'માં લખ્યું છે કે કૉલેજના દિવસોમાં નીતીશકુમાર રાજ કપૂરની ફિલ્મોના દીવાના હતા, તેઓ રાજ કપૂરના ફિલ્મોને એટલી પસંદ કરતા કે તેના વિશે કોઈ મજાક પણ સહન નહોતા કરતા.
નીતીશકુમારને 150 રૂપિયાની સ્કૉલરશિપ મળતી, જેનાથી તેઓ દર મહિને પુસ્તકો- મૅગેઝિન ખરીદતાં હતાં. એ સમયમાં આ ચીજો બિહારના વિદ્યાર્થીઓ માટે સ્વપ્ન જેવી હતી, પણ સ્વતંત્રતાસેનાનીના પુત્ર નીતીશકુમારનો રસ હંમેશાંથી રાજકારણમાં હતો.
લાલુપ્રસાદ યાદવ અને જ્યૉર્જ ફર્નાન્ડીઝની છાયામાં રાજકારણની શરૂઆત કરનાર નીતીશકુમારે રાજકારણમાં 46 વર્ષની લાંબી યાત્રા કરી લીધી છે.
જ્યારે 1995માં સમતા પાર્ટીને માત્ર સાત બેઠકો મળી હતી તો નીતીશકુમારે સમજી લીધું હતું કે રાજ્યમાં ત્રણ પાર્ટીઓ અલગ-અલગ લડત નહીં લડી શકે. આ રીતે 1996માં નીતીશકુમારે ભાજપ સાથે ગઠબંધન કર્યું હતું.
આ સમયે લાલકૃષ્ણ આડવાણી અને અટલ બિહારી વાજપેયીના હાથમાં નેતૃત્વ હતું.
આ ગઠબંધનનો નીતીશકુમારને લાભ થયો અને વર્ષ 2000માં તેઓ પ્રથમ વખત મુખ્ય મંત્રી બન્યા, જોકે આ પદ તેમને માત્ર સાત દિવસ માટે મળ્યું પણ તેઓ પોતાને લાલુ યાદવની વિરુદ્ધ એક મજબૂત વિકલ્પ તરીકે સ્થાપિત કરી શક્યા.
બિહારમાં મહાદલિતોનું રાજકારણ

ઇમેજ સ્રોત, ANI
2007માં નીતીશકુમારે દલિતોમાં પણ સૌથી વધારે પછાત જ્ઞાતિઓ માટે 'મહાદલિત' કૅટગરી બનાવી. આના માટે સરકારી યોજનાઓ લાવવામાં આવી. 2010માં ઘર, ભણતર માટે લોન, સ્કૂલની પોશાકની યોજના લાવવામાં આવી.
બિહારમાં બધી દલિત જ્ઞાતિઓને મહાદલિતની કૅટેગરીમાં મૂકવામાં આવી છે. વર્ષ 2018માં પાસવાનોને પણ મહાદલિતોનો દરજ્જો આપવામાં આવ્યો.
આમ તો બિહારમાં દલિતોના સૌથી મોટા નેતા રામવિલાસ પાસવાન થયા, પરંતુ જાણકારો કહે છે કે દલિતો માટે નક્કર કામ નીતીશકુમારે કર્યાં છે.
નીતીશ પોતે ચાર ટકા વસતિવાળી કુર્મી જ્ઞાતિમાંથી આવે છે, પરંતુ સત્તામાં રહીને તેમણે હંમેશાં એ પાર્ટી સાથે ગઠબંધનમાં જ ચૂંટણી લડી, જેની પાસે નક્કર જ્ઞાતિ-વર્ગના મતદારો રહ્યા હોય.
ભાજપ સાથે હાથ મિલાવીને તેમને સવર્ણ મતદારો તો આરજેડી સાથે જ્યારે જ્યારે હાથ મિલાવ્યો ત્યારે યાદવ-મુસ્લિમના મતો તેમણે આકર્ષ્યા છે.
નીતીશકુમારે જ્યારે 2020ની વિધાનસભાના ચૂંટણીપ્રચારમાં મંચ પરથી છેલ્લી ચૂંટણીની વાત કરી તો નીતીશકુમાર વગર જેડીયુના અસ્તિત્વ અંગેના સવાલો ઊઠવા લાગ્યા.
જો નીતીશકુમાર નહીં તો જેડીયુનો નવો ચહેરો કોણ હોઈ શકે? આ પ્રશ્નના જવાબમાં એક પણ નામ મગજમાં આવતું નથી.
મણિકાંત ઠાકુર કહે છે, "નીતીશકુમાર સિવાય જેડીયુમાં કંઈ પણ નથી. જો આજે હાલ જેડીયુના દરજ્જા માટે નીતીશકુમાર જ જવાબદાર છે."
"નીતીશ એવું ક્યારેય નહોતું ઇચ્છતા કે તેઓ હોય ત્યાં સુધી અન્ય કોઈને નેતાગીરી માટે તૈયાર કરાય. એટલે સુધી કે તેમની કૅબિનેટમાં એવો એક પણ મંત્રી નથી, જે પોતાના મંત્રાલય માટે મોટો નિર્ણય લઈ શકે."
વિનમ્ર અને સૌમ્ય છબિવાળા નીતીશકુમાર રાજકીય મામલામાં અન્ય નેતાઓ જેટલા જ નિર્મમ હોઈ શકે છે.
નીતીશ કેમ કહેવાયા રાજકારણના 'પલટુરામ'

ઇમેજ સ્રોત, Getty Images
વર્ષ 2010ની ચૂંટણીમાં નીતીશકુમારની પાર્ટીનો નારો હતો: "ખાલી વાતો કરનારને 15 વર્ષ અને કામ કરનારને માત્ર પાંચ વર્ષ?"
પરંતુ 2020ની વિધાનસભા ચૂંટણીમાં જનતા સમક્ષ બંને નેતાઓ - લાલુ યાદવનાં 15 વર્ષની સામે નીતીશકુમાર પણ 15 વર્ષ રહ્યા. સમર્થકો અને વિરોધીઓની ભાષામાં આ 'જંગલરાજ' અને 'સુશાસન' વચ્ચેની ટક્કર હતી.
બિહારના વરિષ્ઠ પત્રકાર મણિકાંત ઠાકુર કહે છે, "નીતીશકુમારે પોતાના પ્રથમ કાર્યકાળમાં (2005-2010) ખૂબ કામ કર્યું, છોકરીઓ માટે સ્કૂલનાં પોશાકની યોજના,બાળકીઓ માટે શિક્ષણ સુલભ બનાવવા માટે કામ વગેરે. તેઓ લોકોનાં હિતનાં કામ કરવા પર ધ્યાન આપી રહ્યા હતા."
"નીતીશકુમારના રાજમાં ખંડણી વસૂલવાનું પણ લગભગ બંધ થઈ ગયું, જે લાલુપ્રસાદ યાદવના કાર્યકાળમાં ચરમ પર હતું. પરંતુ 2020ની ચૂંટણી પહેલાંનાં સાડા સાત વર્ષમાં નીતીશકુમારના શાસનમાં ભ્રષ્ટાચાર વધ્યો હતો. દરેક યોજના પર ભ્રષ્ટાચારનો કીડો લાગી ગયો હતો."
બિહારમાં મહિલાઓ નીતીશકુમારને મોટા પાયે મત આપે છે, મહિલાઓએ બ્લૉક સ્તર પર ભ્રષ્ટાચારનો ઉલ્લેખ વારંવાર કર્યો હતો.
પોતાનો પ્રથમ કાર્યકાળને ખતમ કર્યા પછી નીતીશકુમાર પર 'સત્તામાં ટકી રહેવા માટે રાજકારણ' કરવાનો આરોપ લાગ્યો.
વર્ષ 2014ની લોકસભા ચૂંટણી પહેલાં ભાજપ સાથે ગઠબંધન તોડીને નીતીશકુમાર લોકસભા ચૂંટણી એકલા લડ્યા, પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો.
ડીએમ દિવાકર કહે છે, "જીતનરામ માંઝીને નીતીશકુમારે એટલે મુખ્ય મંત્રી બનાવ્યા હતા, કારણકે 2014માં સવર્ણોના મત નહોતા મળ્યા અને તેઓ દલિતોને સંદેશ આપવા માગતા હતા કે તેમના સમુદાયની એક વ્યક્તિને તેઓ સત્તાના શીર્ષ પર બેસાડી રહ્યા છે. "
પરંતુ મે 2014માં મુખ્ય મંત્રીપદ છોડનાર નીતીશકુમારે ફેબ્રુઆરી 2015માં જીતનરામ માંઝીને પાર્ટીમાંથી બહાર કાઢી મૂક્યા અને પોતે 130 ધારાસભ્યો સાથે રાજભવન પહોંચીને સરકાર બનાવવાનો દાવો કર્યો.
એ પછી વિધાનસભા ચૂંટણીમાં લાલુનાં 15 વર્ષના શાસનની વિરુદ્ધ લડત આપીને નીતીશકુમારે સમજાઈ ગયું કે ગઠબંધન વગર બિહારમાં સરકાર રચવાનું શક્ય નથી અને પછી જેપી નારાયણ અને કર્પૂરી ઠાકુરની છાયામાં રાજકારણનો કક્કો શીખનારા લાલુપ્રસાદ યાદવ અને નીતીશકુમાર એક સાથે આવ્યા.

ઇમેજ સ્રોત, Getty Images
બિહારમાં બંને નેતાઓએ 'સામાજિક ન્યાયની સાથે વિકાસ'ના નારા સાથે રાજ્યમાં ભાજપના 'વિકાસ'ના નારાને હરાવ્યો હતો.
27 જુલાઈ 2017ના રોજ પટણામાં એ સમયે રાજકીય તાપમાન વધવા લાગ્યું જ્યારે નીતીશકુમાર રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠીને મળવા રાજભવન પહોંચ્યા અને રાજીનામું સોંપી દીધું.
નીતીશે આ રાજીનામું રાજ્યના તત્કાલીન ઉપમુખ્ય મંત્રી તેજસ્વી યાદવ પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપ પછી ધર્યું હતું અને તેમણે જણાવ્યું કે આ આરોપોને કારણે જ તેઓ રાજીનામું આપી રહ્યા છે.
જોકે, ત્યાર બાદ નીતીશકુમારે સત્તામાં ફરી ઍન્ટ્રી કરી એ ભાજપની સાથે ગયા, જેના માટે તેમણે અગાઉ ગૃહમાં કહ્યું હતું - "મરી ફીટીશ, પરંતુ ભાજપની સાથે નહીં જાઉં."
નીતીશની સાથે ઉપમુખ્ય મંત્રી રહેલા તેજસ્વીએ આ રાજકીય દાવને કારણે નીતીશને 'પલટુરામ' કહેવાનું શરૂ કરી દીધું. નીતીશને ક્યારેક 'ચાચા' કહેનારા તેજસ્વી હવે તેમની સામે ચૂંટણી લડ્યા.
રાજકારણ એ સમીકરણ અને સંભાવનાઓનો ખેલ છે અને આ વાતને સાબિત કરતા નરેન્દ્ર મોદીની 'સાપ્રંદાયિક છબિ'થી દૂર રહેતા નીતીશકુમારે 2019ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદી માટે મંચ પર વોટ માગ્યા અને વર્ષ 2020ની વિધાનસભામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નીતીશકુમાર માટે વોટ માગ્યા હતા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












