મોદી સરકારે જેમને ભારતરત્ન આપ્યો એ 'જનનાયક' કર્પૂરી ઠાકુર કોણ છે?

કર્પૂરી ઠાકુર ભારતરત્ન બિહાર દલિતો ગરીબો વંચિતો જનનાયક

ઇમેજ સ્રોત, RAMNATH THAKUR

    • લેેખક, પ્રદીપ કુમાર
    • પદ, બીબીસી સંવાદદાતા

બિહારના પૂર્વ મુખ્ય મંત્રી કર્પૂરી ઠાકુરને ભારત સરકારે મરણોપરાંત ભારત રત્નનું સન્માન આપવાની જાહેરાત કરી છે.

રાષ્ટ્રપતિ ભવન તરફથી જાહેર કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં તેનું એલાન કરવામાં આવ્યું હતું. આ જાહેરાત કર્પૂરી ઠાકુરની 100મી જયંતિના ઉપલક્ષ્યમાં કરવામાં આવી છે. તેમની આજે એટલે કે 24મી જાન્યુઆરીએ 100મી જયંતી છે.

બિહારમાં 24 જાન્યુઆરીનું મહત્ત્વ છેલ્લાં કેટલાંક વર્ષોમાં ખૂબ ઝડપથી વધ્યું છે. આ દિવસે પૂર્વ મુખ્ય મંત્રી કર્પૂરી ઠાકુરની જયંતિના મામલે રાજ્યના મુખ્ય રાજકીય પક્ષો તેમની વિરાસત પર દાવો કરવા માટે હોડ લગાવતા જોવા મળે છે.

જે હજ્જામ સમાજની બિહારમાં માત્ર બે ટકા જેટલી વસ્તી છે તે સમાજના મોટા નેતા કર્પૂરી ઠાકુરની રાજકીય વિરાસત માટે તેમના અવસાનનાં આટલાં વર્ષો પછી પણ કેમ રાજકીય પક્ષો હોડ લગાવતાં જોવા મળે છે?

તેનું સૌથી મોટું કારણ એ છે કે કર્પૂરી ઠાકુરની ઓળખ અતિ પછાત વર્ગ (ઈબીસી)ના મોટા નેતા તરીકે પ્રસ્થાપિત કરી દેવામાં આવી છે. નાના સમૂહો ધરાવતી વિભિન્ન જાતિઓના સમૂહ એવા ઈબીસીમાં 100થી વધુ જાતિઓ સામેલ છે.

આમાં ચૂંટણીના ગણિતની દૃષ્ટિએ કોઈ એકલી જાતિ મહત્ત્વની ન હોઈ શકે, પરંતુ સામૂહિક રીતે તેઓ 29 ટકાની વોટબૅન્ક બનાવે છે. આ જૂથે 2005માં પહેલીવાર નીતિશ કુમારને મુખ્ય મંત્રી બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આ દૃષ્ટિકોણથી, બિહારમાં હવે આ જૂથ રાજકીય રીતે ખૂબ જ મહત્ત્વપૂર્ણ બની ગયું છે. દરેક પક્ષ આ વોટબૅન્કને પોતાની છાવણીમાં સામેલ કરવા માગે છે.

કર્પૂરી ઠાકુરની રાજકીય વિરાસત પર કઈ પાર્ટીઓ દાવો કરે છે?

કર્પૂરી ઠાકુર ભારતરત્ન બિહાર દલિતો ગરીબો વંચિતો જનનાયક

ઇમેજ સ્રોત, RAMNATH THAKUR

પોતાના પિતાના જન્મદિવસનો સમારોહ તેમના પૈતૃક ગામ એવા બિહારના સમસ્તિપુર જિલ્લાના પિતૌંઝિયા(હવે કર્પૂરીગ્રામ)માં મનાવી રહેલા કર્પૂરી ઠાકુરના પુત્ર અને જનતા દળ(યુનાઇટેડ)ના રાજ્યસભા સાંસદ રામનાથ ઠાકુર સાથે બીબીસીએ વાતચીત કરી હતી.

તેઓ કહે છે, "કર્પૂરીજી બિહારમાં એક સામાજિક આંદોલનના પ્રતીક રહ્યા છે. એટલા માટે દરેક પ્રકારના લોકો, વિભિન્ન રાજકીય પક્ષોના લોકો તેમના જન્મદિવસે તેમનાં સ્વપ્નોને પૂર્ણ કરવાનો સંકલ્પ લે છે. હા, હવે દાવાઓ-પ્રતિદાવાઓ જરૂર વધી ગયા છે."

હકીકતમાં મંડલ કમિશન લાગુ થાય તે પહેલાં કર્પૂરી ઠાકુર બિહારના રાજકારણમાં એટલી ઊંચાઈ સુધી પહોંચ્યા કે જ્યાં સુધી પહોંચવા માટે તેમના જેવી પૃષ્ઠભૂમિમાંથી આવનારી વ્યક્તિ માટે પહોંચવું લગભગ અશક્ય જ હતું.

તેઓ બિહારના રાજકારણમાં ગરીબ-પછાત વર્ગના લોકોનો સૌથી મોટો અવાજ બન્યા હતા.

24 જાન્યુઆરી, 1924ના રોજ સમસ્તીપુરના પિતૌંઝિયામાં જન્મેલા કર્પૂરી ઠાકુર બિહારમાં એકવાર ઉપમુખ્યમંત્રી, બે વાર મુખ્યમંત્રી અને દાયકાઓ સુધી ધારાસભ્ય અને વિપક્ષના નેતા રહ્યા હતા.

1952માં બિહાર વિધાનસભાની ચૂંટણીમાં પહેલીવાર જીત્યા બાદ તેઓ બિહાર વિધાનસભાની ચૂંટણી ક્યારેય હાર્યા ન હતા.

તેમના મુખ્ય મંત્રી તરીકેના બે વખતના અને કુલ અઢી વર્ષના કાર્યકાળ દરમિયાન તેમણે જે પ્રકારની છાપ બિહારના સમાજ પર છોડી છે તેવું બીજું કોઈ ઉદાહરણ જોવા મળતું નથી. ખાસ વાત એ પણ છે કે તેઓ બિહારના પહેલા બિનકૉંગ્રેસી મુખ્ય મંત્રી હતા.

કર્પૂરી ઠાકુરે સામાજિક પરિવર્તનોની શરૂઆત કરી હતી

કર્પૂરી ઠાકુર ભારતરત્ન બિહાર દલિતો ગરીબો વંચિતો જનનાયક

ઇમેજ સ્રોત, RAMNATH THAKUR

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

1967માં પહેલીવાર ઉપમુખ્ય મંત્રી બન્યા બાદ તેમણે અંગ્રેજીની અનિવાર્યતાને ખતમ કરી હતી. આ પગલાંને લઈને તેમની ખૂબ ટીકા થઈ હતી પરંતુ હકીકત એ હતી કે તેમણે શિક્ષણને સામાન્ય લોકો સુધી પહોંચાડ્યું.

એ સમયગાળામાં અંગ્રેજીમાં નાપાસ થયેલા મેટ્રિક પાસ લોકોની મજાક ‘કર્પૂરી ડિવિઝનથી પાસ થયા છે’ એમ કહીને ઉડાવવામાં આવતી હતી.

તે દરમિયાન તેમને શિક્ષણ મંત્રીનું પદ પણ મળ્યું હતું અને તેમના પ્રયત્નોને કારણે જ મિશનરી સ્કૂલોએ હિન્દીમાં ભણાવવાનું શરૂ કર્યું હતું. આર્થિક રીતે ગરીબ બાળકોની ફી માફ કરવાનું કામ પણ તેમણે જ કર્યું હતું.

તેઓ દેશના પહેલા મુખ્ય મંત્રી હતા જેમણે પોતાના રાજ્યમાં મેટ્રિક સુધી મફત શિક્ષણ આપવાની જાહેરાત કરી હતી. તેમણે રાજ્યમાં ઊર્દૂને બીજી રાજકીય ભાષાનો દરજ્જો આપવાનું કામ કર્યું હતું.

1971માં મુખ્ય મંત્રી બન્યા બાદ ખેડૂતોને મોટી રાહત આપતા તેમણે બિન-લાભકારી જમીન પર મહેસૂલવેરો બંધ કર્યો હતો.

બિહારના ત્યારના મુખ્ય મંત્રી સચિવાલયની ઇમારતની લિફ્ટ ચોથા વર્ગના કર્મચારીઓ માટે ઉપલબ્ધ ન હતી. મુખ્ય મંત્રી બન્યા બાદ તેમણે એ નિશ્ચિત કર્યું કે ચોથા વર્ગના કર્મચારીઓ પણ એ લિફ્ટનો ઉપયોગ કરી શકે. આજે ભલે આ મામૂલી નિર્ણય લાગતો હોય પરંતુ સંદેશાત્મક રાજકારણમાં તેનું મહત્ત્વ ખૂબ વધારે હતું.

બિહારના પૂર્વ એમએલસી પ્રેમકુમાર મણિ કહે છે, "એ સમયમાં સમાજમાં તેમને જ્યાં આંતરજ્ઞાતિય લગ્નની જાણ થતી ત્યાં તેઓ પહોંચી જતા હતા. તેઓ સમાજમાં એક પ્રકારનું પરિવર્તન ઇચ્છતા હતા. બિહારમાં આજે જે કાયમ દબાયેલા-પછાત વર્ગના લોકોને સત્તામાં ભાગીદારી મળી છે, તેનો પાયો કર્પૂરી ઠાકુરે નાખ્યો હતો."

1977માં મુખ્ય મંત્રી બન્યા બાદ મુંગેરીલાલ કમિશન લાગુ કરીને તેમણે રાજ્યની નોકરીઓમાં અનામત લાગુ કર્યું હતું જેના કારણે તેઓ સવર્ણોના કાયમી દુશ્મન બની ગયા હતા. પરંતુ તેઓ સમાજના દબાયેલા-કચડાંયેલા વર્ગો માટે સતત કામ કરતા રહ્યા હતા.

કર્પૂરી ઠાકુર ભારતરત્ન બિહાર દલિતો ગરીબો વંચિતો જનનાયક

ઇમેજ સ્રોત, RAMNATH THAKUR

મુખ્ય મંત્રી તરીકે તેમણે રાજ્યના તમામ વિભાગોમાં હિન્દીમાં કામ કરવું ફરજિયાત બનાવ્યું હતું. એટલું જ નહીં, રાજ્યના સરકારી કર્મચારીઓ માટે સમાન પગારપંચ લાગુ કરનાર તેઓ પ્રથમ હતા.

યુવાનોને રોજગારી આપવા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા એટલી બધી હતી કે એક કૅમ્પનું આયોજન કરીને તેમણે એકસાથે 9000થી વધુ ઍન્જિનિયરો અને ડૉક્ટરોને નોકરીઓ આપી હતી. રાજ્યમાં આજદિન સુધી આટલા મોટા પાયા પર ઍન્જિનિયરો અને ડૉક્ટરોને પુનઃસ્થાપિત કરવામાં આવ્યા નથી.

રાજનીતિમાં ગરીબોનો અવાજ બુલંદ કરવાના પ્રયાસોમાં રાત-દિવસ રોકાયેલા કર્પૂરી ઠાકુરને સાહિત્ય, કલા અને સંસ્કૃતિમાં ઘણો રસ હતો. પ્રેમકુમાર મણિ યાદ કરે છે, "આ ઘટના 1980-81ની હોઈ શકે છે. મેં પોતે પટણામાં તેમને કૉંગ્રેસના એક સાંસદની પારિજાત પ્રકાશનની દુકાનેથી ‘હિસ્ટ્રી ઑફ ધર્મશાસ્ત્ર’ ખરીદતા જોયા હતા. છ ખંડના આ પુસ્તકની કિંમત સાડા ત્રણ હજાર રૂપિયા હતી. તેઓ હંમેશા અભ્યાસ માટે સમય કાઢી જ લેતા હતા."

કર્પૂરી ઠાકુનું જીવન સાદગી અને ઈમાનદારીભર્યું હતું

કર્પૂરી ઠાકુર ભારતરત્ન બિહાર દલિતો ગરીબો વંચિતો જનનાયક

રાજકારણમાં આટલો લાંબો સમય વિતાવ્યા બાદ તેમનું જ્યારે અવસાન થયું ત્યારે પોતાના પરિવારને વારસામાં આપવા માટે એક મકાન પણ તેમના નામે ન હતું. પટણામાં કે તેમના પૈતૃક ગામના મકાનમાં તેઓ એક ઇંચ વધારે જમીન જોડી શક્યા ન હતા. જ્યારે કરોડો રૂપિયાના ગોટાળાઓમાં દરરોજ નેતાઓના નામ ઉછળી રહ્યા હોય ત્યારે કર્પૂરી ઠાકુર જેવા નેતાઓ પણ થયા જેઓ આવું જીવન પણ જીવ્યા હતા તેઓ આપણને વિશ્વાસ ન થાય. તેમની ઈમાનદારીના અનેક કિસ્સાઓ આજે પણ બિહારમાં સાંભળવા મળે છે.

તેમની સાથે જોડાયેલા કેટલાક લોકો કહે છે કે કર્પૂરી ઠાકુર જ્યારે રાજ્યના મુખ્ય મંત્રી હતા ત્યારે તેમના સાળા તેમની પાસે નોકરી માટે ગયા અને ભલામણથી નોકરી આપવા માટે કહ્યું. તેમની વાત સાંભળી કર્પૂરી ઠાકુર ગંભીર બની ગયા. પછી તેમણે પોતાના ખિસ્સામાંથી પચાસ રૂપિયા કાઢીને તેમને આપ્યા અને કહ્યું, "જાઓ, અસ્ત્રો-બ્લૅડ વગેરે ખરીદો અને તમારો પૈતૃક વ્યવસાય શરૂ કરો."

એક ઘટના એ સમયની છે કે જ્યારે તેઓ મુખ્ય મંત્રી હતા ત્યારે તેમના ગામના કેટલાક શક્તિશાળી સામંતોએ તેમના પિતાને અપમાનિત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ સમાચાર ફેલાતાં જ જિલ્લા મૅજિસ્ટ્રેટ પગલાં લેવા ગામમાં પહોંચ્યા, પરંતુ કર્પૂરી ઠાકુરે જિલ્લા મૅજિસ્ટ્રેટને પગલાં લેતા અટકાવ્યા. તેમણે કહ્યું કે દરેક ગામમાં દલિત અને પછાત લોકોનું અપમાન થઈ રહ્યું છે.

જ્યારે પણ કર્પૂરી ઠાકુર નાયબ મુખ્ય પ્રધાન અથવા મુખ્ય પ્રધાન બન્યા ત્યારે તેઓ તેમના પુત્ર રામનાથને પત્ર લખવાનું ભૂલ્યા ન હતા. આ પત્રમાં શું હતું તે અંગે રામનાથ કહે છે, "પત્રમાં માત્ર ત્રણ બાબતો લખવામાં આવતી હતી - તારે આનાથી પ્રભાવિત ન થવું જોઈએ. જો કોઈ તને લોભ-લાલચ આપે તો લોભમાં ન ફસાવું. મારી બદનામી થશે."

રામનાથ ઠાકુર ભલે આજે રાજકારણમાં છે અને તેમને તેમના પિતાના નામનો લાભ મળ્યો હોઈ શકે છે, પરંતુ કર્પૂરી ઠાકુરે તેમના જીવનમાં તેમને રાજકીય રીતે આગળ વધારવાનું કામ ક્યારેય કર્યું નથી.

પ્રભાત પ્રકાશને કર્પૂરી ઠાકુર પર 'મહાન કર્મયોગી જનનાયક કર્પૂરી ઠાકુર' નામનું બે ખંડનું પુસ્તક પ્રકાશિત કર્યું છે. તેમાં કર્પૂરી ઠાકુરના ઘણાં રસપ્રદ સંસ્મરણો છે.

જ્યારે કર્પૂરી ઠાકુરને કોટ માગવો પડ્યો

ઉત્તર પ્રદેશના કદ્દાવર નેતા હેમવતી નંદન બહુગુણાએ તેમના સંસ્મરણમાં લખ્યું છે કે, "કર્પૂરી ઠાકુરની આર્થિક તંગીને ધ્યાનમાં રાખતા દેવીલાલે પટણામાં પોતાના એક હરિયાણવી મિત્રને કહ્યું હતું કે – કર્પૂરીજી ક્યારેય તમારી પાસેથી પાંચ-દસ હજાર રૂપિયા માંગે તો તમે તેને આપી દેજો, એ મારા ઉપર તમારો ઉપકાર રહેશે. ત્યારબાદ દેવીલાલે તેના મિત્રને ઘણીવાર પૂછ્યું કે કર્પૂરીજીએ કશું માગ્યું કે નહીં? – દરેક વખતે તેમના મિત્ર કહેતા કે, તેઓ તો કશું માગતા જ નથી."

રામનાથ તેમના પિતાની સાદગીનો એક કિસ્સો સંભળાવતા કહે છે, "જનનાયક 1952માં જ ધારાસભ્ય બની ગયા હતા. એક પ્રતિનિધિમંડળમાં જવા માટે તેમને ઑસ્ટ્રિયા જવાનું હતું. તેમની પાસે પહેરવા માટે કોટ જ ન હતો. એક મિત્ર પાસેથી તેમને કોટ માગવો પડ્યો હતો. ત્યાંથી એ યુગોસ્લાવિયા ગયા તો માર્શલ ટીટોના ધ્યાનમાં આવ્યું કે તેમનો કોટ ફાટેલો છે. તેથી તેમણે એક કોટ ભેટમાં આપ્યો હતો."

પ્રેમકુમાર મણિ કહે છે કે કર્પૂરી હકીકતમાં સમાજવાદી રાજકારણના મોટા નેતા રહ્યા છે. તેમના નામે હાર પહેરાવનારાઓ તેમના સાદગી અને ઈમાનદારીના રસ્તા પર ચાલવાનું સાહસ કરી શકશે નહીં, એટલા માટે પણ કર્પૂરી ઠાકુર જેવા નેતાઓને યાદ રાખવા જરૂરી છે.

કર્પૂરી ઠાકુર ભારતરત્ન બિહાર દલિતો ગરીબો વંચિતો જનનાયક

ઇમેજ સ્રોત, RAMNATH THAKUR

જોકે, બિહારના રાજકારણમાં તેમના પર પાર્ટીઓ બદલવાની અને દબાણની રાજનીતિ કરવાનો આરોપ પણ લાગ્યો છે. તેમના પર એ આરોપ પણ લાગતા રહ્યા છે કે તેઓ રાજકીય છળકપટ કરવામાં પણ નિષ્ણાત હતા. લોકો તેમના પર જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને ચૂંટણીમાં ઉમેદવારો નક્કી કરવામાં તેમની ભૂમિકા પર સવાલો ઉઠાવતા રહ્યા, પરંતુ કર્પૂરી ઠાકુર બિહારની પરંપરાગત વ્યવસ્થામાં કરોડો વંચિત લોકોનો અવાજ બની રહ્યા.

તેઓ કૉંગ્રેસ પાર્ટીની રાજકીય રણનીતિ અને સમાજવાદી છાવણીના નેતાઓની મહત્ત્વાકાંક્ષાઓને પણ સમજતા હતા. તેમણે સરકાર બનાવવા માટે લવચીક અભિગમ અપનાવ્યો અને કોઈપણ પક્ષ સાથે ગઠબંધન કરીને સરકાર બનાવી. પરંતુ જો તેમની ઇચ્છા મુજબ કામ ન થાય તો તેઓ ગઠબંધન તોડીને ચાલ્યા પણ જતા હતા.

આ જ કારણ છે કે તેમના રાજકીય નિર્ણયો વિશે તેમના મિત્રો અને દુશ્મનો બંને અનિશ્ચિત રહ્યા. કર્પૂરી ઠાકુરનું 17 ફેબ્રુઆરી, 1988ના રોજ 64 વર્ષની વયે હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું.