"મારા બાપ-દાદા અહીં દફન છે અને હવે અમારી પાસે દસ્તાવેજ માગવામાં આવી રહ્યા છે" – બિહારના લોકોની વ્યથા

શરીફુદ્દીન અને બેબી ખાતૂન, બીબીસી
ઇમેજ કૅપ્શન, શરીફુદ્દીન અને બેબી ખાતૂનનું કહેવું છે કે ચૂંટણીપંચની પ્રક્રિયાથી તેમને વોટર લિસ્ટમાંથીબહાર થઈ જવાનો ડર છે
    • લેેખક, દિલનવાઝ પાશા
    • પદ, બીબીસી સંવાદદાતા

એક બાજુ નેપાળ તો બીજી તરફ પશ્ચિમ બંગાળ. બાંગ્લાદેશની બૉર્ડર પણ અહીંથી વધારે દૂર નથી. આ બિહારનો મુસ્લિમ બહુમતી વસ્તી ધરાવતો કિશનગંજ જિલ્લો છે.

આજકાલ કેન્દ્રીય ચૂંટણીપંચ બિહારની મતદાર સૂચિમાં સુધારાવધારા કરી રહ્યું છે. આ પ્રક્રિયાને વિશેષ ગહન સમીક્ષા એટલે કે એસઆઇઆર નામ આપવામાં આવ્યું છે. આ પ્રક્રિયા બિહારમાં વિવાદનો મુદ્દો બની છે; કેમ કે, અહીં ચાલુ વર્ષે વિધાનસભા ચૂંટણી થવાની છે.

એક તરફ, ચૂંટણીપંચ આને જરૂરી ગણાવે છે, તો બીજી તરફ વિપક્ષે એની સામે ઘણા સવાલ ઉઠાવ્યા છે. સવાલ કિશનગંજમાં રહેતા ઘણા મુસલમાનોનાં મનમાં પણ છે.

શરીફુદ્દીન ઘણા પરેશાન છે. તેઓ કહે છે, "હું 80 વર્ષનો થઈ ગયો છું. મારા પિતા અહીં મર્યા, દાદા અહીં દફન છે અને હવે અમારી પાસે દસ્તાવેજ માગવામાં આવી રહ્યા છે. અમને નાગરિકતાના સવાલ પૂછવામાં આવી રહ્યા છે."

જૈનુલ (નામ બદલ્યું છે) જેવા લોકોનું કહેવું છે કે જો કોઈ કારણે તેમનું નામ મતદાર યાદીમાં ન આવ્યું, તો તેમની નાગરિકતા પર સવાલ ઊભા થઈ શકે છે.

જોકે, ઘણા મતદારો આને એક જરૂરી પ્રક્રિયા તરીકે પણ જોઈ રહ્યા છે.

જ્યારે કિશનગંજના કલેક્ટર વિશાલ રાજ સિંહનું કહેવું છે કે જેમણે એન્યૂમરેશન ફૉર્મ ભર્યું છે, તેમનું નામ લિસ્ટમાં જરૂર આવશે.

બૂથ લેવલ અધિકારી (બીએલઓ) અંતિમ મતદાર સુધી પહોંચવાની કોશિશ કરી રહ્યા છે.

ચૂંટણીપંચ અનુસાર, બિહારમાં અત્યાર સુધીમાં 97 ટકા કરતાં વધારે મતદારોનો ડેટા લેવાઈ ચૂક્યો છે.

2003 પછીથી પહેલી વાર આ પ્રકારની પ્રક્રિયા બાબતે ચૂંટણીપંચનું કહેવું છે કે તેનો હેતુ દરેક મતદારની પુષ્ટિ કરવાનો અને એ સુનિશ્ચિત કરવાનો છે કે કોઈ પણ ગેરકાયદે મતદાર સૂચિમાં ન રહે.

જે લોકોનાં નામ 2003ની મતદાર યાદીમાં છે, તેમની પાસે ફૉર્મની સાથે માત્ર વોટર લિસ્ટની કૉપી લેવામાં આવે છે; પરંતુ, જે લોકોનાં નામ 2003 પછી મતદાર યાદીમાં ઉમેરાયાં તેમની પાસે ઓળખની પુષ્ટિ માટે દસ્તાવેજ માંગવામાં આવી રહ્યા છે.

કિશનગંજની પરિસ્થિતિ

બિહાર, કિશનગંજ, બીબીસી, ગુજરાતી
ઇમેજ કૅપ્શન, બિહારના ઘણા જિલ્લાની સરખામણીમાં કિશનગંજ પછાત જિલ્લો છે

કિશનગંજ જિલ્લામાં, ખાસ કરીને સીમા નજીકનાં ગામોમાં મોટા ભાગના લોકોએ ફૉર્મ તો ભરી દીધાં છે, પરંતુ અંતિમ યાદીમાં નામ આવવા બાબતે અહીંના લોકોનાં મનમાં અનિશ્ચિતતા છે.

કિશનગંજની લગભગ 70 ટકા વસ્તી મુસ્લિમ છે. આ જિલ્લાનો ઉત્તર તરફનો ભાગ નેપાળને અડીને આવેલો છે, જ્યારે પૂર્વ તરફનો ભાગ પશ્ચિમ બંગાળના ઉત્તર દિનાજપુર જિલ્લાને અડે છે.

બિહારના બાકીના જિલ્લાની તુલનામાં કિશનગંજ, સાક્ષરતા દર અને આર્થિક વિકાસની બાબતમાં પછાત છે.

તે સૌથી ઓછો શૈક્ષણિક દર ધરાવતા જિલ્લામાં સામેલ છે. 2011ની વસ્તી ગણતરી અનુસાર, અહીં માત્ર 55.46 ટકા લોકો જ સાક્ષર હતા. બિહારમાં સાક્ષરતા દર 61.8 ટકા છે, જ્યારે રાષ્ટ્રીય સરેરાશ 74.04 ટકા છે.

આર્થિક વિકાસની બાબતમાં પણ કિશનગંજ રાજ્યના સૌથી પછાત જિલ્લામાં સામેલ છે.

ગઈ વખતના વસ્તી ગણતરીના આંકડા અનુસાર, અહીં 88 ટકા કરતાં વધારે વસ્તી ગ્રામીણ વિસ્તારોમાં રહે છે. અહીં ઘણી નદીઓ છે અને ચોમાસા દરમિયાન જિલ્લાના મોટા ભાગના વિસ્તારો પૂર-પ્રભાવિત રહે છે. જોકે, ચાલુ વર્ષે હજુ પૂરની અસર નથી થઈ.

મુસલમાનોનાં મનમાં સવાલ

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અહીં ઘણા લોકો માટે મતદાર યાદીમાં નામ આવવું તે માત્ર મત આપવા માટે જ નહીં, પરંતુ ઓળખ સાથે સંકળાયેલો પ્રશ્ન પણ બની ગયું છે.

નેપાળની સરહદને અડીને આવેલી ભાતગાંવ પંચાયતના મુસલમાન બહુમતી ધરાવતા ગામ બીરનાબાડી ગામમાં મોટા ભાગના લોકોએ પોતાના દસ્તાવેજ જમા કરાવી દીધા છે, પરંતુ અહીં કોઈને પણ રિસીવિંગ ફૉર્મ નથી મળ્યું.

80 વર્ષના શરીફુદ્દીનનો પરિવાર ઘણી પેઢીઓથી આ જ ગામમાં રહે છે. શરીફુદ્દીન કહે છે કે તેમની પાસે દસ્તાવેજ માગવામાં આવી રહ્યા છે અને નાગરિકતા પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે.

શરીફુદ્દીનના ત્રણ પુત્ર રાજ્યની બહાર મજૂરી કરે છે. બે પુત્ર ગામ પહોંચી ગયા અને એક ન પહોંચી શક્યા. શરીફુદ્દીને પોતાના આ પુત્રનું ફૉર્મ વૉટ્સઍપ પર મગાવીને જાતે જ ભર્યું છે. તેમને ડર છે કે ક્યાંક કોઈ નામ યાદીમાંથી બહાર ન રહી જાય.

કેટલાક લોકો, ખાસ કરીને સીમા નજીકનાં મુસલમાન બહુમતી ધરાવતાં ગામોમાં એવી બીક છે કે જો દસ્તાવેજમાં કશી ખામીના કારણે મતદાર યાદીમાં નામ નહીં આવે, તો તેઓ એકલા-અટૂલા પડી શકે છે.

સ્થાનિક સ્તરે અહીં કેટલાક લોકોનાં મનમાં આશંકા છે કે એવું થશે તો તેમને વિદેશી પણ માનવામાં આવી શકે છે.

શરીફુદ્દીન કહે છે, "લોકો અમને કહે છે કે તમારું નામ હટી જશે, પુત્રવધૂઓનાં નામ નીકળી જશે, તમે બાંગ્લાદેશી છો. આ પ્રકારની વાતો અમારા સુધી પહોંચી રહી છે. જો નામ નીકળી જશે, તો અમારું શું થશે?"

અહીં સુરજાપુરી ભાષા બોલાય છે, જેના પર બાંગ્લાની પણ અસર છે. પશ્ચિમ બંગાળની નજીક હોવાના કારણે અહીં બાંગ્લા સંસ્કૃતિની પણ અસર જોવા મળે છે.

'ફૉર્મ ન ભરી શકાયાં'

કિશનગંજ શહેરથી લગભગ 45 કિલોમીટર દૂર, નેપાળની સીમાને અડીને આવેલા દીઘલબૅંક વિસ્તારની એક પંચાયતના વૉર્ડ સભ્ય ઘરે ઘરે જઈને પુષ્ટિ કરી રહ્યા છે કે ક્યાંય કોઈનું નામ રહી ન જાય.

અબ્દુલ રહમાન (નામ બદલ્યું છે) બીબીસીને જણાવે છે, "મારા વૉર્ડમાં 650 વોટ છે. અત્યાર સુધી 60થી વધારે ફૉર્મ જમા નથી થયાં. તેમાંથી મોટા ભાગના મતદાર મુસ્લિમ છે."

રહમાન જ્યારે અમને મળ્યા, એન્યૂમરેશન ફૉર્મ ભરવા માટે માત્ર બે દિવસ જ બાકી રહ્યા હતા.

રહમાન કહે છે, "અમે બીએલઓને વારંવાર કહીએ છીએ કે ફૉર્મ લો, પરંતુ તેઓ ટાળી દે છે. કશીક ખામી બતાવી દે છે. હવે જો ફૉર્મ ભરવામાં રહી ગયા, તો એવા મતદારોનું શું થશે?"

અહીં જ અમને એક મતદાર જૈનુલ (નામ બદલ્યું છે) મળ્યા. ફૉર્મની સાથે તેઓ સરકારી સ્કૂલના ધક્કા ખાતા હતા અને ફરી એક વાર તેઓ ફૉર્મ જમા ન કરાવી શક્યા.

જૈનુલ કહે છે, "બીએલઓ ઘરે તો નથી આવ્યા, અમે જ ત્રણ-ચાર વખત ધક્કા ખાઈ ચૂક્યા છીએ, પરંતુ દર વખતે ફૉર્મ નથી લેતા."

જૈનુલ વારંવાર એ ડર જાહેર કરતા હતા કે જો તેમનું ફૉર્મ જમા ન થયું અને વોટર લિસ્ટમાંથી નામ નીકળી ગયું, તો તેમની નાગરિકતા પર સવાલ ઊભા થઈ શકે છે.

તેમણે પોતાના ફૉર્મની સાથે રહેઠાણના પ્રમાણપત્રની અરજીની કૉપી અને બીજા જરૂરી દસ્તાવેજ જોડ્યા છે. જ્યારે બીબીસીએ સંબંધિત બીએલઓ સાથે ફોન પર વાત કરી, ત્યારે તેમણે અરજીકર્તાને પોતાની પાસે મોકલવાનું કહ્યું.

જોકે, કિશનગંજના કલેક્ટર વિશાલ રાજ સિંહે બીબીસી સાથે વાત કરતાં કહ્યું કે દરેક વ્યક્તિ, જેમણે એન્યૂમરેશન ફૉર્મ ભર્યું છે, તેમનું નામ ડ્રાફ્ટ સૂચિમાં ચોક્કસ આવશે.

ઠાકુરગંજના બીડીઓ અહમર અબ્દાલીએ ફોન પર વાત કરતાં બીબીસીને કહ્યું કે, આ નાગરિકતાની તપાસ નથી, પરંતુ મતદાર યાદીમાં નોંધણી છે.

બીજી તરફ, લોકોનાં મનમાં ઊભા થઈ રહેલા સવાલો અંગે કલેક્ટર વિશાલ રાજ સિંહે બીબીસીને કહ્યું કે, જે કાયદેસર નાગરિક છે, તેમાંથી કોઈનું નામ નહીં નીકળી જાય.

તેમણે જણાવ્યું કે, જો કોઈ ગેરકાયદેસર જોવા મળશે, તો તેમનું નામ પણ સુનાવણીની તક આપ્યા પછી હટાવવામાં આવશે.

વિશાલ રાજ સિંહે કહ્યું, "અમને બોગસ વોટર મળ્યા છે. શું તેમાં વિદેશી નાગરિક છે?, તેની ઊંડી તપાસ થશે."

'દસ્તાવેજ એકઠા કરવા માટે પૂરતો સમય ન મળ્યો'

એસઆઇઆર, બીબીસી, ગુજરાતી
ઇમેજ કૅપ્શન, એસઆઇઆર શરૂ થયા પછી રહેઠાણના પ્રમાણપત્ર માટે માત્ર જુલાઈના પ્રથમ 20 દિવસમાં જ 3.41 લાખ અરજી થઈ છે

ઘણા લોકોનું માનવું છે કે દસ્તાવેજ એકઠા કરવા માટે પૂરતો સમય આપવામાં નથી આવ્યો.

બિરનાબાડી ગામના મોહમ્મદ આમિરે હવે નિરાંતનો શ્વાસ લીધો છે. તેઓ ગામના મોટા ભાગના લોકોનાં ફૉર્મ બીએલઓ પાસે જમા કરાવી ચૂક્યા છે. જોકે, તેમનો દાવો છે કે તેમને કોઈ રિસીવિંગ નથી મળ્યું.

આમિર કહે છે, "દસ્તાવેજ એકઠા કરવા માટે એટલી બધી મુશ્કેલી પડી કે અમે ઘણા દિવસો સુધી સૂઈ પણ ન શક્યા. ચૂંટણીપંચે ખૂબ ઓછો સમય આપ્યો. ફોટો પડાવવા માટે લોકોએ કમ્પ્યૂટરની દુકાન પર આખી રાત લાઇન લગાવી દીધી.''

''રહેઠાણના પ્રમાણપત્ર માટે ફૉર્મ ભરવામાં સંઘર્ષ કરવો પડ્યો. બધાનાં ફૉર્મ તો ભરાવી દીધાં છે, પરંતુ રિસીવિંગ નથી મળ્યું. હજુ પણ મનમાં સવાલ છે કે જો નામ નહીં આવે, તો શું થશે. એવી એક સામાન્ય માન્યતા બંધાઈ ગઈ છે કે મુસલમાનોનું નામ લિસ્ટમાંથી હટાવી શકાય છે."

ગ્રામીણ વિસ્તારો, ખાસ કરીને પશ્ચિમ બંગાળને અડીને આવેલા વિસ્તારોમાં બંગાળમાં શાદી થવી એક સામાન્ય વાત છે.

મોહમ્મદ આમિર કહે છે, "અમારે ત્યાં ઘણી મહિલાઓ બંગાળમાંથી છે અને ઝારખંડમાંથી પણ છે. તેમના પિયરમાંથી દસ્તાવેજ મગાવવામાં ખૂબ જ તકલીફ પડી છે. જો થોડોક વધારે સમય અપાયો હોત, તો બધાના દસ્તાવેજ એકઠા કરી લેવાયા હોત."

પરંતુ, કિશનગંજના કલેક્ટર વિશાલ રાજ સિંહે બીબીસીને કહ્યું છે કે, જે મતદાર રાજ્યની બહારના છે, તેમની પાસે ત્યાંથી જ ફૉર્મ લેવામાં આવે છે.

તેમણે જણાવ્યું, "કોઈના મનમાં એવી બીક ન રહેવી જોઈએ કે તેમનું નામ યાદીમાં નહીં આવે. જો ફૉર્મ ભર્યું હશે, તો ડ્રાફ્ટ લિસ્ટમાં નામ ચોક્કસ હશે. જો ઓળખ સંબંધી દસ્તાવેજો બાબતે કશો પ્રશ્ન હશે તો પણ તેનો જવાબ આપવા માટે પણ પૂરતો સમય આપવામાં આવશે."

રહેઠાણના પ્રમાણપત્ર માટે અરજીઓ વધી

ચૂંટણીપંચે ઓળખની પુષ્ટિ માટે 11 દસ્તાવેજ માગ્યા છે. તેમાં આધાર કે બૅંક પાસબુક સામેલ નથી.

તેમાં મેટ્રિક સર્ટિફિકેટ, જાતિ પ્રમાણપત્ર, રહેઠાણનું પ્રમાણપત્ર અને જમીનના માલિકી હક સાથે સંકળાયેલા દસ્તાવેજ સામેલ છે. સાક્ષરતા દર ઓછો હોવાના કારણે ઘણા બધા લોકો પાસે મેટ્રિક સર્ટિફિકેટ પણ નથી.

જે લોકો પાસે દસ્તાવેજ નથી, તેઓ રહેઠાણનું પ્રમાણપત્ર બનાવડાવવા માટે દોડાદોડી કરે છે.

કિશનગંજમાં રહેઠાણનું પ્રમાણપત્ર લેવા માટે જાન્યુઆરીથી જૂન 2025 વચ્ચે દર મહિને 26-28 હજાર અરજીઓ થતી હતી.

પરંતુ, એસઆઇઆર શરૂ થયા પછી માત્ર જુલાઈના પ્રથમ 20 દિવસમાં જ 3.41 લાખ અરજી થઈ છે.

હવે આ પ્રમાણપત્ર આપતાં પહેલાં તપાસ પણ થઈ રહી છે. એક મુસ્લિમ બહુલ ગામના વૉર્ડ સભ્યએ બીબીસીને કહ્યું, "દરેક રહેઠાણ પ્રમાણપત્ર અરજીકર્તાની તપાસ માટે પોલીસ ગામમાં આવી રહી છે. ઓળખની પુષ્ટિ કરવામાં આવી રહી છે."

કિશનગંજનો ઠાકુરગંજ બ્લૉક નેપાળની સીમાને અડીને આવેલો છે. અહીં અમારી મુલાકાત બેબી ખાતૂન સાથે થઈ, જેઓ મજૂરી કરવા બહાર ગયેલા પોતાના પતિનું રહેઠાણનું પ્રમાણપત્ર બનાવવા આવ્યાં છે.

તેમના માટે આ દસ્તાવેજ મતદાર યાદીમાં નામ આવવા માટે જરૂરી છે.

બેબી ખાતૂન કહે છે, "મેં ઑનલાઇન ફૉર્મ ભર્યું, પરંતુ પ્રમાણપત્ર ન બન્યું. પછી અહીં બ્લૉકના ધક્કા ખાઈ રહી છું. મને જણાવાયું છે કે ફૉર્મ ખૂબ વધારે આવી ગયાં છે તેથી સમય લાગે છે. જો મારા પતિનું વોટર લિસ્ટ ફૉર્મ નહીં ભરાય, તો તેમનું નામ કપાઈ જશે."

બ્લૉકના કર્મચારીઓએ બેબી ખાતૂનને આશ્વાસન આપ્યું છે કે તપાસ થયા પછી તેમના પતિનું રહેઠાણનું પ્રમાણપત્ર બની જશે. પરંતુ તેમના મનમાં સવાલ છે.

ઠાકુરગંજ બ્લૉકમાં પણ રહેઠાણના પ્રમાણપત્ર માટે આવતી અરજીઓની સંખ્યા વધી છે. જે લોકો પાસે દસ્તાવેજ નથી, તેમાંના મોટા ભાગના રહેઠાણનું પ્રમાણપત્ર બનાવવા દોડાદોડી કરે છે.

સ્થાનિક પત્રકાર જબ્બર અહમદ કહે છે, "શરૂઆતમાં જ્યારે એસઆઇઆરનો આદેશ આવ્યો હતો, ત્યારે લોકોનાં મનમાં એવો ભય હતો કે કાગળ કઈ રીતે બનશે. પછી સોશિયલ મીડિયા અને મીડિયા દ્વારા જાગરૂકતા ફેલાવવામાં આવી.''

''બ્લૉકમાં અરજીકર્તાઓની ભીડ થવા લાગી. હવે મોટા ભાગનાં ફૉર્મ જમા તો થઈ ગયાં છે, પરંતુ લોકોનાં મનમાં સવાલ તો છે જ."

હિન્દુ મતદારો શું કહે છે?

તપન શાહ, બીબીસી
ઇમેજ કૅપ્શન, તપન શાહ કહે છે કે તેમને આ પ્રક્રિયાથી કશી બીક નથી, જે દસ્તાવેજ માગવામાં આવશે તે આપી દેવામાં આવશે

જોકે, ઘણા મતદાર એવા પણ છે, જેઓ આ પ્રક્રિયાને એક જરૂરી કાર્યવાહી તરીકે જોઈ રહ્યા છે.

ભાતગાંવ પંચાયતના પૂર્વ સરપંચ જ્ઞાનેશ્વર પ્રસાદ કહે છે, "આ મતદાર સમીક્ષા છે. જે મૃત્યુ પામ્યા છે, તેમનાં નામ નીકળી જશે. જેમનાં નામ ક્યાંક બીજે પણ છે, તે પણ હટી જશે. કેટલાક સંદિગ્ધ મતદાર છે, તે પણ નીકળી જશે. જેમના દસ્તાવેજ પાકા છે, તેમને કશી બીક ન હોવી જોઈએ."

જ્યારે કિશનગંજ શહેરની સીમાને અડીને આવેલી ચકલા પંચાયતમાં ચાની દુકાન ચલાવનાર તપન શાહ કહે છે, "અમને સહેજે ડર નથી. જે કોઈ દસ્તાવેજ માગવામાં આવશે તે આપીશું. આ તો સારી વાત છે કે અમારી પાસે પુરાવા માગવામાં આવે છે. તેનાથી તો એ જ સાબિત થશે કે અમે અહીં કેટલાં વર્ષોથી રહીએ છીએ."

દુકાન ચલાવવામાં તેમની મદદ કરતા તપનના પુત્ર કહે છે, "જે જે દસ્તાવેજ માગવામાં આવ્યા હતા, અમે બધા જમા કરાવી દીધા છે. અમારાં મનમાં કોઈ પ્રકારની બીક નથી. આ જરૂરી પ્રક્રિયા છે, જે ચૂંટણી પંચ કરી રહ્યું છે."

જોકે, હજુ પણ ઘણા મતદારો એવા છે, જેમનાં ફૉર્મ જમા નથી થઈ શક્યાં. કોચાધામાન બ્લૉકના ધનપતગંજ ગામની મુસરહર ટોલીના રામોની ઋષિદેવ પોતાનાં પુત્રવધૂનું ફૉર્મ જમા નથી કરાવી શક્યા. હવે તેમને ચિંતા છે કે ક્યાંક તેમનાં પુત્રવધૂ મતાધિકારથી વંચિત ન રહી જાય.

પોતાની ઝૂંપડીમાં જૂની પેટીમાંથી ફૉર્મ કાઢીને બતાવતાં રામોની કહે છે, "પુત્રવધૂ કામે જતી રહી હતી, તેથી ફૉર્મ જમા ન થયું. પુત્ર બહાર છે. તેનું ફૉર્મ અમે અમારા હસ્તાક્ષર કરીને જમા કરાવી દીધું છે. પૈસાની અછતને લીધે તે પણ ગામ નથી આવી શક્યો."

રામોની વારંવાર કહે છે કે ગરીબની પાસે વોટ જ એક અધિકાર છે. જો વોટ નહીં રહે તો કોઈ તેમની સુનાવણી નહીં કરે.

તેમનો ડર તેમના ચહેરા પર સ્પષ્ટ દેખાય છે. ધ્રૂજતા શબ્દોમાં તેઓ કહે છે, "વોટ છે ત્યારે જ તો અમે સરકારના માણસ છીએ, જો વોટ નહીં રહે, તો કોઈ સુનાવણી નહીં થાય."

કિશનગંજ અને સીમાંચલમાં વિદેશી ઘૂસણખોરીનો સવાલ

અખ્તરુલ ઈમાન, એઆઇએમઆઇએમ, બીબીસી
ઇમેજ કૅપ્શન, અખ્તરુલ ઈમાન એઆઇએમઆઇએમના ધારાસભ્ય છે

કિશનગંજમાં રહેઠાણના પ્રમાણપત્રની અરજીઓની સંખ્યા બાબતે સત્તાધારી ભાજપના નેતા અને બિહારના નાયબ મુખ્ય મંત્રી સમ્રાટ ચૌધરીએ સવાલ ઉઠાવ્યા છે.

એક નિવેદનમાં તેમણે કહ્યું છે, "અહીં રહેઠાણના પ્રમાણપત્રની માગમાં વધારાથી સંકેત મળે છે કે બીજા દેશોમાંથી મોટી સંખ્યામાં લોકો આવ્યા છે. અમને શંકા છે કે કિશનગંજમાં બાંગ્લાદેશ, નેપાળ અને ભુતાનના નાગરિકો મોટી સંખ્યામાં હોઈ શકે છે.''

''કિશનગંજ પર વધુ ધ્યાન આપવું જોઈએ. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને ચૂંટણીપંચે તપાસ કરવી જોઈએ કે અહીં વિદેશીઓ છુપાઈને તો નથી રહેતા ને."

એઆઇએમઆઇએમના ધારાસભ્ય અખ્તરુલ ઈમાન કહે છે, ''અહીં ગરીબી અને નિરક્ષરતા છે. બિહારમાં સૌથી વધારે અભણ લોકો સીમાંચલમાં જ છે. આ પુર-પ્રભાવિત વિસ્તાર છે.''

''અમારા વિસ્તારમાં જન્મ-મૃત્યુની પણ યોગ્ય રીતે નોંધણી નથી થઈ શકી અને તેનું પ્રમાણપત્ર માગવામાં આવી રહ્યું છે. આ વિશેષ ગહન સમીક્ષા દરમ્યાન કિશનગંજ અને સીમાંચલના લોકોને ઘણા પ્રકારના પડકારોનો સામનો કરવો પડે છે."

અખ્તરુલ ઈમાનનું કહેવું છે, "2003માં પણ આ સમીક્ષા કરવામાં આવી હતી, પરંતુ ત્યારે એવા સવાલ ઊભા નહોતા કરાયા જેવા આ વખતે કરવામાં આવ્યા છે. 11 દસ્તાવેજ માગવામાં આવ્યા છે. લોકોને એવું લાગી રહ્યું છે કે આ સમીક્ષા નહીં, બલકે ચોર દરવાજે એનઆરસી (નૅશનલ સિટિઝનશિપ રજિસ્ટર) છે."

એવું પહેલી વાર નથી બનતું જેમાં મોટી મુસલમાન વસ્તી ધરાવતા સીમાંચલની બાબતમાં સવાલ ઊભા થઈ રહ્યા હોય. કિશનગંજ સીમાંચલમાં જ છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે લોકસભા ચૂંટણીપ્રચાર દરમિયાન પૂર્ણિયામાં કહેલું, "વોટબૅંકની રાજનીતિ કરનારાઓએ પૂર્ણિયા અને સીમાંચલને ગેરકાયદે ઘૂસણખોરીનું સ્થળ બનાવીને અહીંની સુરક્ષાને દાવમાં મૂકી છે."

'મૈં મીડિયા'ના સંસ્થાપક અને પત્રકાર તંઝીલ આસિફ કહે છે, "વડા પ્રધાનથી લઈને કેન્દ્રીય મંત્રી અને સ્થાનિક નેતાઓ સીમાંચલ અને કિશનગંજની બાબતમાં નિવેદનબાજી કરતા રહ્યા છે.''

''આ વિસ્તારને ઘૂસણખોરીનો અડ્ડો ગણાવાતા રહ્યા છે. એ જ કારણે સ્થાનિક મતદારોમાં એવી બીક છે કે જો તેમનું નામ મતદાર યાદીમાં નહીં આવે, તો તેમના પર સવાલ ઊભા થઈ શકે છે.''

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન