You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ત્રણ વર્ષથી 'લાપતા થયેલા દાદા' સીધા સરકારની જાહેરાતમાં દેખાયા
- લેેખક, ટીમ બીબીસી મરાઠી
- પદ, નવી દિલ્હી
“મારા પિતા છેલ્લાં ત્રણ વર્ષથી લાપતા છે અને તેઓ એકનાથ શિંદે સરકારની જાહેરાતમાં જોવા મળ્યા.”
ભરત તાંબે આ વાત બીબીસીને જણાવી રહ્યા હતા. ભરત તાંબેના પિતા જ્ઞાનેશ્વર તાંબે છેલ્લાં ત્રણ વરસથી લાપતા છે. તેમનો પરિવાર છેલ્લાં ત્રણ વર્ષથી તેમની તલાશ કરી રહ્યો હતો. જોકે, તાંબે પરિવારને તેમના વિશે કોઈ માહિતી ન હતી.
ત્યારબાદ જ્ઞાનેશ્વર તાંબે સીધા જ મહારાષ્ટ્ર સરકારની જાહેરાતમાં દેખાયા હતા. આ મહારાષ્ટ્ર સરકાર તરફથી સાર્વજનિક કરાયેલી તીર્થ પર્યટન ક્ષેત્રોની જાહેરાત હતી.
મહારાષ્ટ્રમાં અષાઢી વારીના અવસરે મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારે વરિષ્ઠ નાગરિકો કે વૃદ્ધો માટે ‘મુખ્ય મંત્રી તીર્થયાત્રા દર્શન’ યોજનાની જાહેરાત કરી હતી.
મહારાષ્ટ્ર સરકારે આ યોજનાનો પ્રચાર કરવા માટે જાહેરાતો પણ બહાર પાડી છે. તેમાંથી એક જાહેરાત પર લાપતા જ્ઞાનેશ્વર તાંબેની તસવીર છપાયેલી છે.
આ જાહેરાતને ઇન્સ્ટાગ્રામ પર શિવસેના (શિંદે જૂથ)ના અધિકૃત હૅન્ડલ પર શૅયર કરવામાં આવી હતી. તેને તાંબે પરિવારના એક પરિચિતે જોઈ અને તાંબે પરિવારને તેના વિશે જાણકારી આપી. ત્યારબાદ વધુ ખુલાસો થયો.
‘જાહેરાતમાં જોયા, હવે તેઓ મળી જાય તો સારું’
બીબીસીએ જ્ઞાનેશ્વર તાંબેના પુત્ર ભરત તાંબે સાથે પણ વાતચીત કરી હતી.
ભરત તાંબે કહે છે કે, “જાહેરાતમાં ઉપયોગ કરવામાં આવેલી તસવીર અમારા પિતાની નવી તસવીર છે. એ જોઈને અમને લાગે છે કે આ તસવીર થોડા દિવસો પહેલાં જ જાહેરાત માટે પડાવવામાં આવી હતી. અમને એટલે આશા જાગી છે કે તેઓ સુરક્ષિત છે. અમે ઇચ્છીએ છીએ કે તેમને શોધવામાં આવે અને તેઓ પાછા અમને મળી જાય.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જ્ઞાનેશ્વર તાંબે વિશે મીડિયામાં સમાચારો આવ્યા પછી પુણે ગ્રામીણ પોલીસ અધિક્ષક પંકજ દેશમુખે ભરત તાંબેનો સંપર્ક કર્યો અને ભરત તાંબેને જણાવ્યું કે જ્ઞાનેશ્વર તાંબેની તલાશ કરવા માટે સ્પેશિયલ ટીમ મોકલવામાં આવી છે.
બીબીસી ગુજરાતીની વૉટ્સઍપ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અહીં ક્લિક કરો
ભરત તાંબે કહે છે કે પુણે ગ્રામીણ પોલીસ અધિક્ષક પંકજ દેશમુખે આશ્વાસન આપ્યું છે કે અમે જ્ઞાનેશ્વર તાંબેની તલાશ માટે અન્ય ટીમ પણ મોકલીશું.
જોકે, આ જાહેરાત પ્રસિદ્ધ કરનાર મહારાષ્ટ્ર સરકારે હજુ સુધી તાંબેના પરિવારનો સંપર્ક કર્યો નથી.
જ્ઞાનેશ્વર તાંબેની ઉંમર આ સમયે લગભગ 65થી 68 વર્ષની છે. તેમના પુત્ર ભરત તાંબેએ બીબીસીને જણાવ્યું હતું કે તેઓ વર્ષોથી ચાલવાની આદત ધરાવે છે.
જ્ઞાનેશ્વર તાંબેના બે પુત્રો ભરત તાંબે અને સચીન તાંબે છે. આ પરિવાર શિરુરના વરુડે ગામમાં રહે છે. આ પરિવારની આજીવિકા જુવારની ખેતી પર આધારિત છે.
ગ્રામીણો શું કહે છે?
શિરુરના વરુડે ગામના પોલીસ પાટીલ ભાઉસાહેબ શેવાલે કહે છે કે, “જ્ઞાનેશ્વર વિષ્ણુ તાંબે અમારા ગામનાં જ રહેવાસી છે. પત્નીનાં મૃત્યુ બાદ તેમનું ગામમાં રહેવાનું ઓછું થઈ ગયું હતું. પછી તેઓ ગામ છોડીને જતા રહેતા, અમુક સંબંધીઓ સાથે રહેવા જતા, પછી પાછા આવી જતા હતા. જોકે, એક વખત તેઓ ગામ છોડીને ચાલ્યા ગયા અને પછી ક્યારેય પાછા ન આવ્યા.”
તેઓ કહે છે, “થોડા મહિનાઓ પહેલાં આલંદીમાં ધાબળાંઓનું વિતરણ થયું હતું ત્યારે પણ તેઓ છાપાંઓની જાહેરાતમાં દેખાયા હતા. પણ હવે અમે તેમને શિંદે સરકારના વિજ્ઞાપનમાં જોઈને ચકિત છીએ. જોકે, અમને આશા છે કે હવે તેમની ભાળ મળી જશે અને તેઓ અમારા ગામમાં પાછા આવી જશે.”
તાંબે પરિવારના એક પાડોશીનું કહેવું છે કે, “જ્ઞાનેશ્વર તાંબે લાપતા છે, એટલે અમને દુ:ખ થઈ રહ્યું હતું. હવે અચાનક તેમના સામે આવવાથી અમને થોડી આશા જાગી છે.”
વરુડે ગામનાં લોકોને એ આશા છે કે જ્ઞાનેશ્વર તાંબે મળી જશે અને તેઓ પરત ફરશે. તેમની આ આશાને મહારાષ્ટ્ર સરકારની જાહેરાતે વધુ મજબૂત કરી દીધી છે.
જોકે, આ જાહેરાતને લઈને રાજકીય ટીકાટિપ્પણી પણ શરૂ થઈ ગઈ છે.
‘આ જાહેરાતોની સરકાર છે’
આ મુદ્દે શિવસેના (યુબીટી) પક્ષનાં નેતા સુષમા અંધારેએ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને મહારાષ્ટ્ર સરકાર પર નિશાન તાક્યું છે.
સુષમા અંધારેએ કહ્યું, “મુખ્ય મંત્રી ગમે તેટલું કહે કે આ સરકાર સામાન્ય લોકોની સરકાર છે પણ તેમની કાર્યશૈલીથી એ સ્પષ્ટ થાય છે કે આ સરકાર લોકકલ્યાણ માટે નથી. આ સરકાર પૈસાદારો અને ઠેકેદારોની છે. આ પ્રચારકોની સરકાર છે.”
“સરકારના પ્રવાસન મંત્રાલયે પોતાની પીઠ થપથપાવતાં એ ધ્યાન પણ ન રાખ્યું કે તે પોતાની જાહેરાતમાં એક લાપતા વ્યક્તિનો ફોટો લગાવી રહ્યું છે.”
“છેલ્લાં ત્રણ વર્ષથી તાંબે પરિવાર જ્ઞાનેશ્વર તાંબેને શોધી રહ્યો છે. આ પ્રકારની જાહેરાત સામે આવવાથી એવું લાગે છે કે સરકાર પોતાની જાહેરાત માટે લોકોની ભાવનાઓ સાથે પણ રમી રહી છે.”
બીબીસીએ મહારાષ્ટ્ર સરકારના પ્રવાસન મંત્રી ગિરીશ મહાજનનો પણ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમનો પક્ષ જાણી શકાયો નથી. જ્યારે સરકારનો પક્ષ મળશે ત્યારે આ અહેવાલને અપડેટ કરવામાં આવશે.