You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાણીપુરી ખાવાથી કઈ ત્રણ ગંભીર બીમારી થઈ શકે છે?
- લેેખક, અપૂર્વ અમીન
- પદ, બીબીસી ગુજરાતી
ગાંધીનગરમાં દૂષિત પાણીને કારણે ગયા અઠવાડિયે ટાઇફોઇડના ઘણા કેસ નોંધાયા હતા, જેના કારણે કેટલાક લોકોને હૉસ્પિટલમાં દાખલ પણ થવું પડ્યું હતું. દર્દીઓમાં મોટી સંખ્યામાં બાળકો હતાં.
આ સ્થિતિને પગલે તંત્ર હરકતમા આવ્યું અને રાજ્યના નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવી પણ શનિવારે ગાંધીનગર સિવિલ હૉસ્પિટલ પહોંચ્યા હતા.
દરમિયાન અમદાવાદમાં પણ દક્ષિણ, પૂર્વ અને મધ્ય - એમ ત્રણ ઝોનમાં પાણીજન્ય એવા ટાઇફોઇડ, કમળો, કોલેરા અને ઝાડા-ઊલટી સહિતના કેસમાં વધારો થતા કૉર્પોરેશને 6 જાન્યુઆરીએ શહેરના વિવિધ વિસ્તારમાં પાણીપુરી વેચનારા સામે હેલ્થ વિભાગે ચેકિંગની કાર્યવાહી કરી હતી.
કૉર્પોરેશનના હેલ્થ વિભાગમાં ઘણા સમયથી 'નિષ્ક્રિયતાની ફરિયાદ' હતી. આ અંગે મ્યુનિસિપલ કમિશનરે પણ ઇન્ચાર્જ મેડિકલ ઑફિસર ઑફ હેલ્થને શહેરમાં વધતા જતા પાણીજન્ય રોગના કેસને નિયંત્રણમાં લેવા માટે ટકોર કરેલી છે.
તાજેતરમાં મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા દક્ષિણ, પૂર્વ, અને મધ્ય સહિત ત્રણ ઝોનના વિવિધ વિસ્તારમાંથી સડેલા બટાકા, ચટણી સહિતનો 544 કિલોગ્રામ અને 428 લિટર પાણીજન્ય ખોરાકનો જથ્થો (જે ખરાબ હતો) નાશ કરાયો હતો.
મધ્ય ઝોનમાં 64, દક્ષિણ ઝોનમાં 48 અને પૂર્વ ઝોનમાં 30 લારીવાળાની તપાસ કરી 90 નોટિસ અપાઈ હતી. પાણીપુરી માટે તૈયાર કરવામાં આવેલાં પાણી, રગડા અને ચટણીના 428 લીટર જથ્થાનો નાશ કરી રૂપિયા 21 હજારથી વધુ વહીવટી ચાર્જ વસૂલ કરાયો હતો.
આ ઉપરાંત ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા એફએસએસએ ફૂડ સેફ્ટી ઍન્ડ સિક્યૉરિટી ઍક્ટ 2006 હેઠળ ખાવાલાયક ન હોય તેવા ખોરાકને પબ્લિક હેલ્થ લૅબોરેટરી ખાતે મોકલ્યો હતો.
પાણીપુરીથી કેવા ગંભીર રોગ થાય?
ભારતમાં પાણીપુરી એ સૌથી ફેવરિટ સ્ટ્રીટફૂડ પૈકીની એક છે, પરંતુ તેની ગુણવત્તા અંગે હંમેશાં સવાલો થાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા એજન્સીના ચૅરમૅન જશવંતસિંહ વાઘેલા બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવે છે કે, "ઇન્દોર અને ગાંધીનગરમાં જે દૂષિત પાણીના કારણે જે ટાઇફોઇડના કેસ નોંધાયા તેને કારણે તંત્ર ઍલર્ટ થયું છે. પાણીપુરી સ્ટ્રીટફૂડ હોવાથી તેને ચેક કરવાની જાહેરાત કરી હતી."
તેઓ કહે છે કે, "તેમાં સૌથી વધુ પાણીપુરી અને મિનરલ વૉટરની બૉટલનું પૅકિંગ થતું હોય ત્યાં પણ ધ્યાન રાખી શકે છે. તે લોકો સેમ્પલ લઈને કૉર્પોરેશનની લૅબોરેટરીમાં મોકલી આપતા હોય છે."
"તળેલા બટાકાનું મટીરિયલ જો ખાવાલાયક ન હોય તો તે સ્થળ પર જ નાશ કરતાં હોય છે."
ત્યારે સૌથી અગત્યનો સવાલ થાય કે પાણીપુરી જ કેમ?
પાણીપુરીમાં એવું શું હોય છે કે જે આટલા મોટા રોગચાળાને નોતરે છે. અન્ય ખોરાક સિવાય પાણીપુરીની લારીઓ પર આવેલી તવાઈ બાબતે બીબીસી ગુજરાતીએ આરોગ્ય નિષ્ણાતોના અભિપ્રાય લીધા હતા
મેડિકલ કન્સલ્ટન્ટ ડૉ. અજય પરમાર બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવે છે કે, પાણીપુરીમાં જે પાણી ઉપયોગમાં આવતું હોય તે ગંદું હોઈ શકે છે. અમુક વાઇરસ જેમ કે, હિપેટાઇટીસ-એ અને હિપેટાઇટીસ-ઇને પ્રોત્સાહન આપે છે. આ વાઇરસ કમળો થવા પાછળ કારણભૂત છે.
"કમળો પાણીજન્ય રોગ છે. તે સિવાય સાલ્મોનેલા જેવા બૅક્ટેરિયા ટાઇફી, તે ટાઇફોઇડ થવા માટે કારણભૂત હોય છે. ઉપરાંત ઇ-કોલાઈ નામના બૅક્ટેરિયાના કારણે ઝેરી ઝાડા થતા હોય છે અને ક્યારેક કોલેરા અને જો ધ્યાન ન આપવામાં આવે તો લોહીના ઝાડા પણ થતા હોય છે."
વાસી પાણીપુરી ખાવાથી શું થઈ શકે?
ફૂડ્સ અને ન્યુટ્રિશન વિષયમાં પીએચ.ડી. (ડાયેટ અને ન્યુટ્રિશન કન્સલ્ટન્ટ) ડૉ. પૂર્વી પરીખ બીબીસી ગુજરાતીને જણાવે છે કે, સ્ટ્રીટ પર મળતી પાણીપુરીના સ્વાસ્થ્ય જોખમો સોર્સિંગ અને સ્વચ્છતામાં રહેલા છે.
ડૉ. પૂર્વી જણાવે છે કે, "મોટા ભાગના વેન્ડર્સ હવે સેન્ટ્રલ સપ્લાયર્સ પાસેથી પુરીઓ મેળવે છે, જે પૂરીઓ પામોલીન કે વનસ્પતિ તેલમાં બલ્ક-ફ્રાય કરવામાં આવે છે, જેથી વારંવાર ગરમ કરવામાં આવે છે. આવા તેલ ઑક્સિડાઇઝ્ડ ચરબી પેદા કરે છે, જે એસિડિટી, ઇન્સ્યુલિન પ્રતિકાર અને લિપિડ અસંતુલનમાં વધારો કરવા માટે જાણીતા છે."
"બીજું જોખમ ખરાબ રીતે સ્ટોર કરેલા કે આંશિક રીતે બગડેલા બટાકાનો ઉપયોગ છે. જ્યારે બટાકા ફૂટે છે અથવા સડે છે અને જ્યારે તેણે વારંવાર ખાવામાં આવે ત્યારે કુદરતી ગ્લાયકોઆલ્કલોઇડ ઝેર, સોલેનાઇનનું સ્તર વધે છે. સોલેનાઇનનો સંપર્ક આંતરડામાં બળતરા, ઊબકાં, માથાનો દુખાવો અને ન્યુરોલૉજિકલ સ્ટ્રેસ સાથે સંકળાયેલા છે."
"તે ઉપરાંત હલકી કક્ષાનો લોટ (મેદો), કૃત્રિમ સ્વાદ અને અસંગત પાણીની ગુણવત્તા ઝાડા, ટાઇફોઇડ અને હિપેટાઇટિસ-એ સહિત જઠરમાં ચેપનું કારણ બની શકે છે."
ડૉ. અજય પરમાર કહે છે, પાણીપુરીના કારણે વધુ પાણીજન્ય રોગો થતા હોય છે.
તેઓ કહે છે કે, લારીવાળા લીંબુને બદલે સાઇટ્રિક ઍસિડ અથવા સસ્તું ટાર્ટરિક ઍસિડ જેવી આર્ટિફિશિયલ વસ્તુઓ વાપરે ત્યારે ગળાના ભાગે સોજો, યુઆરટીઆઇ (અપર રેસ્પિરેટરી ટ્રેક્ટ ઇન્ફેક્શન), શરદી, ઉધરસ શ્વાસ લેવામાં તકલીફ પણ પડી શકે છે.
કેવી પાણીપુરી ખાવી ફાયદાકારક છે?
ડૉ. પૂર્વી કહે છે, "હું પાણીપુરીને દુશ્મન તરીકે નથી જોતી, પરંતુ તેની ગુણવત્તા અને બનાવટની પ્રક્રિયામાં સ્વચ્છતા રાખવી જોઈએ.. તેને ક્યારેક ક્યારેક ખાવી યોગ્ય છે, પણ નિયમિત નાસ્તા તરીકે ઉપયોગમાં લઈ શકાય નહીં, અને શક્ય હોય ત્યાં ઘરે બનાવેલી પાણીપુરી ખાવી જોઈએ."
તેઓ કહે છે કે, "કાળજીપૂર્વક તૈયાર કરેલી ઘરે બનાવેલી પાણીપુરી - તાજો ફુદીનો, ધાણા, મસાલા, બાફેલા ચણા, સ્વચ્છ બટાકા અને ફિલ્ટર કરેલા કે બાફેલા બટાકામાંથી બનેલી પાણીપુરી પાચનમાં સહાયક બની શકે છે."
ફુદીનો અને ધાણા આંતરડામાં પાચનમાં મદદ કરે છે, જીરું અને આદું પાચન ઉત્સેચકોને ટેકો આપે છે અને ચણા ફાઇબર અને પ્રોટીન દ્વારા સ્થિર ઊર્જા પૂરી પાડે છે.
તો ડૉ. અજય પરમાર કહે છે, "સ્ટ્રીટફૂડમાં સ્વચ્છતા જાળવવી ખૂબ અઘરી છે. પાણીપુરી બનાવતી વખતે કોઈ કેપ અને માસ્ક વાપરતું હોય, સાદા પાણીની જગ્યાએ મિનરલ વૉટર વપરતું હોય તેવી જગ્યાએ જ જવું જોઈએ."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન