You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગાંધીનગર : ગટરનું પાણી પીવાના પાણીમાં ભળી જતાં 100થી વધુ લોકો બીમાર થયા? શું છે સમગ્ર મામલો?
ગાંધીનગરમાં ટાઇફૉઇડની બીમારીના એકસાથે 100થી વધુ શંકાસ્પદ કેસ સામે આવ્યા છે, દર્દીઓમાં મોટી સંખ્યામાં બાળકો છે.
આ સ્થિતિને પગલે તંત્ર દોડતું થયું છે. રાજ્યના નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવી પણ શનિવારે ગાંધીનગર સિવિલ હૉસ્પિટલ પહોંચ્યા હતા.
ગાંધીનગર શહેરના સૅક્ટર 24, 28 અને આદિવાડા વિસ્તારમાં પાણીની પાઇપલાઇન લીક થવાના કારણે દૂષિત પાણીને લીધે ટાઇફૉઇડના કેસ નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે.
ગાંધીનગર કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહનો મતવિસ્તાર છે. તેમણે આ બાબતની નોંધ લઈને હર્ષ સંઘવી સાથે ચર્ચા કરી હતી અને યુદ્ધના ધોરણે કામગીરી કરવાની સૂચના આપી હતી.
બાળકો અને કિશોરોને ટાઇફૉઇડની અસર
જે દર્દીઓઓમાં શકાસ્પદ લક્ષણો જોવા મળ્યાં છે, તેમાં બાળકો અને કિશોરોની સંખ્યા નોંધપાત્ર છે.
ગાંધીનગર સિવિલ હૉસ્પિટલનાં સુપરિન્ટેન્ડન્ટ ડૉ. મિતા પરીખે મીડિયાને જણાવ્યું હતું કે, "ટાઇફૉઇડનાં લક્ષણો ધરાવતા મોટા ભાગના દર્દીઓ બાળકો છે. તેમની વય 1થી 16 વર્ષની છે. બાળકોને સારવાર આપવા માટે હૉસ્પિટલમાં એક અલાયદો વૉર્ડ શરૂ કરવામાં આવ્યો છે."
"હાલ તમામ બાળકોની તબિયત સ્થિર છે અને તેઓ સારવાર હેઠળ છે. દર્દીઓ ભારે તાવ સાથે આવ્યા હતા. કેટલાકને દુખાવા અને ઊલટીની પણ ફરિયાદ છે."
ગાંધીનગરમાં જે વિસ્તારમાંથી ટાઇફૉઇડના કેસ સામે આવ્યા છે ત્યાંના પાણીમાં બીમારીનાં લક્ષણો જોવાં મળ્યાં છે. ડૉ. મિતા પરીખે જણાવ્યું હતું કે, ગાંધીનગરમાં સેક્ટર 24, 28 અને આદિવાડામાંથી પાણીના નમૂના લેવાયા છે અને પરીક્ષણમાં સામે આવ્યું છે કે પાણી પીવાલાયક નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તંત્ર અને સરકાર શું કરી રહ્યાં છે?
નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવીએ સિવિલ હૉસ્પિટલની મુલાકાત લીધી હતી અને આ અંગે તેમણે મીડિયાને જણાવ્યું હતું કે, "22 ડૉક્ટરોની ટીમ કામે લાગી છે. નાયબ કલેક્ટરને પણ જવાબદારી સોંપવામાં આવી છે. અમિત શાહ પણ આ મુદ્દે મંત્રીઓ તેમજ આરોગ્ય વિભાગ સાથે સતત ચર્ચા કરી રહ્યા છે."
"કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ત્રણેક વખત રિવ્યૂ લીધા છે અને દર્દીઓને સારવાર મળી રહે તેમજ દર્દીના પરિવારને કોઈ તકલીફ ન પડે તે માટે સૂચના આપી છે."
તો આ બીજી તરફ સ્માર્ટ સિટી અંતર્ગત 24 કલાક પાણી આપવાની ગુલબાંગો વચ્ચે નાગરિકોને નળમાં ગંદું અને પીવા માટે અયોગ્ય પાણી મળી રહ્યું છે, જે શાસકો અને વહીવટી તંત્રની નિષ્ફળતા છતી કરે છે એવા આક્ષેપ કૉંગ્રેસના પ્રદેશ પ્રવક્તા મનીષ દોશીએ કર્યા હતા.
દોશીએ કહ્યું હતું કે, "ગાંધીનગરમાં દૂષિત પાણીને કારણે ટાઇફૉઇડનો વિસ્ફોટ થયો છે, જેમાં 100થી વધુ બાળકો સહિત અનેક લોકો સિવિલ હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે. છેલ્લા ત્રણ દિવસમાં પોઝિટિવ કેસોના દરમાં 50 ટકાનો ઉછાળો આવતાં હાહાકાર મચી ગયો છે. સ્માર્ટ સિટી યોજના હેઠળ કરોડોના ખર્ચે નખાયેલી નવી પાઇપલાઇનોમાં ગટરનું પાણી ભળી જવાની ગંભીર બેદરકારી સામે આવતાં સેક્ટર-24, 28 અને આદિવાડા જેવા વિસ્તારો રોગચાળાની લપેટમાં આવ્યા છે."
આ મામલે રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી વિજ્ઞપ્તીમાં લિકેજ થયું હોવાની તથા તેને દુરસ્ત કરવાની વાત કહેવામાં આવી છે, પરંતુ તે લિકેજ કેવા પ્રકારનું હતું તથા તે ક્યાં-ક્યાં થતું હતું, તેના વિશે કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી.
આરોગ્ય અધિકારીઓને ટાંકતા ન્યૂઝ એજન્સી પીટીઆઈ લખે છે કે મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા રોગચાળાને નાથવા અસરગ્રસ્ત વિસ્તારોમાં ડોર-ટુ-ડોર સર્વે હાથ ધરવામાં આવ્યો છે. કૉર્પોરેશન દ્વારા પાણીની ટાંકીઓની સફાઈ માટે ક્લોરિનની ગોળીઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. લોકોને પાણી ઉકાળીને પીવા માટે તથા ઘરનો રાંધેલો ખોરાક જ ખાવા માટે તાકીદ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે હાલમાં જ મધ્ય પ્રદેશના ઈન્દોરમાં પ્રદૂષિત પાણી પીવાથી લોકોનાં મૃત્યુ થયાંનો અને અનેક લોકો ગંભીર રીતે બીમાર થયા હોવાનો મામલો સામે આવ્યો હતો. જેમાં 212 જેટલા લોકોને હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.
મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે આ બીમારીને લીધે ચાર લોકોનાં મૃત્યુ થયા હોવાનું જણાવ્યું હતું. જોકે, કેટલાક અહેવાલોમાં મૃત્યુઆંક દસ હોવાનો દાવો કરાયો હતો.