ગુજરાતનાં મહિલાને 'ગંદા પાણી'ને કારણે વિશ્વમાં દુર્લભ ગણાતો કરોડરજ્જુનો રોગ થયો, કેવી રીતે થઈ સારવાર?

    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી સંવાદદાતા

50 વર્ષીય મધુ કરકરને પહેલાં તાવ આવ્યો, દવા લીધી અને પછી સારું થવા લાગ્યું, પરંતુ ધીમે ધીમે તેમને થાક લાગવા લાગ્યો અને પછી શરીરના નીચેના ભાગમાં દુખાવો થવા લાગ્યો.

તેમનો દુખાવો તેમની પીઠ સુધી પહોંચ્યો અને તે એટલો વધી ગયો કે તેઓ પથારીમાંથી ઊઠી પણ શકતાં નહોતાં.

તેઓ કહે છે કે આ પહેલાં તેમણે દૂષિત પાણી પીધું હતું અને તેમના સમાજના લોકો ઊલ્ટી અને ઝાડાની ફરિયાદ કરતા હતા.

તેઓ અમદાવાદના નિકોલ વિસ્તારમાં એક સોસાયટીમાં રહે છે.

ગંદાં પાણીથી થઈ બીમારી

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં મધુબહેન કરકરએ કહ્યું, "હું મે મહિનાથી પથારીવશ છું. મને 15 દિવસથી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. મારા કરોડરજ્જુના મણકાની ગાદીમાં પરુ થઈ જતાં બે સર્જરી કરાવવી પડી છે."

"આ સારવાર પર અત્યાર સુધીમાં 8.5 લાખ રૂપિયા ખર્ચ થઈ ગયા છે. મારે 15 દિવસ હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ થવું પડ્યું હતું. આ સિવાય 17 દિવસ સુધી સતત ઘરે બૉટલ ચડાવતા હતા. આ સિવાય એમઆરઆઈ, સોનોગ્રાફી અને લોહી અને પેશાબના અલગ-અલગ રિપોર્ટ કરાવવા પડતા હતા."

તેઓ જણાવે છે કે, "અમારા વિસ્તારમાં ગટર લાઇનનું કામ ચાલી રહ્યું હતું. જે લાઇનમાંથી પીવાનું પાણી આવે છે તે તૂટી ગઈ હતી."

તેમને એવી પણ શંકા છે કે ગટરનું ગંદું પાણી પીવાના પાણીમાં ભળી ગયું હશે કારણ કે પાણીના નળમાંથી દુર્ગંધ આવતી હતી અને ત્યાર બાદ તેમની સોસાયટીના કેટલાક લોકોને ઊલ્ટી થવા લાગી અને ઝાડાની ફરિયાદો પણ આવી."

"મને પણ બીજા દિવસે તાવ આવતા મેં અમારા ફેમિલી ફિઝિશિયન પાસેથી દવાઓ લીધી. દવા લીધા બાદ બીજા દિવસે મને તાવ ઊતરી ગયો હતો. જોકે, ચારથી પાંચ દિવસ બાદ મને ખૂબ જ થાક લાગતો હતો."

''કમરથી પગ સુધી થોડો દુખાવો થવા લાગ્યો હતો. પાંચેક દિવસના દુખાવા બાદ તો એક દિવસ મારો દુખાવો એટલો અસહ્ય થઈ ગયો કે હું જમીન પર પગ પણ મૂકી શકતી ન હતી. મને બીપી ડાયાબિટીસ કે અન્ય કોઈ બીમારી નથી. તેમજ હું ક્યારેય આટલી ગંભીર રીતે બીમાર પડી ન હતી.''

કેવી રીતે પકડાઈ બીમારી

મધુબહેનના પતિ પ્રવીણ કરકરએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે, "પાણી ભરી લીધા બાદ તેમાંથી દુર્ગંધ આવતી હોવાથી અમે પાણીનાં માટલાં પણ ખાલી કરી દીધાં હતાં. જોકે તે પહેલાં પાણી પીધું હતું."

પ્રવીણ કરકરએ વધુમાં જણાવ્યું કે "અમે પરિવારમાં પાંચ લોકો છીએ. હું હીરાના કારખાનામાં કામ કરું છું. મારો દીકરો ખાનગી કંપનીમાં નોકરી કરે છે. મારી પત્નીને અવારનવાર હૉસ્પિટલમાં દાખલ કરવી પડતી હતી. જેથી અમે બે મહિના સુધી અમારા કામ પર પણ ધ્યાન આપી શક્યા ન હતા. અમને આર્થિક અને માનસિક હેરાનગતી થઈ હતી."

તેઓ આગળ કહે છે કે, પરંતુ એક આશ્ચર્યજનક ઘટના બની જ્યારે તેને કમરમાં દુખાવો થવા લાગ્યો અને તે એટલો તીવ્ર હતો કે તે પથારીમાંથી ઊઠી પણ શકતી ન હતી.

મધુ કરકર કહે છે કે "અમે સ્પાઇન સર્જન ડૉ. બિરેન શાહ પાસે સારવાર માટે ગયા હતા. ડૉક્ટરે અમને એમઆરઆઈ રિપોર્ટ તેમજ સિટી સ્કૅન રિપોર્ટ કરાવ્યો હતો. જોકે રિપોર્ટમાં કંઈ દેખાતું ન હતું. પરંતુ મને કમરમાં અસહ્ય દુખાવો હતો. સારવાર ચાલુ હતી તો પણ મારો દુખાવો ઓછો થતો ન હતો. MRI, સોનોગ્રાફી અને લોહી અને પેશાબના અલગ રિપોર્ટ કરાવવા પડ્યા. MRI અને અન્ય રિપોર્ટ કરાવવાનો એકવારનો ખર્ચ 20 થી 25 હજાર સુધી થતો હતો. પરંતુ મારી બીમારી દૂર થતી નહોતી."

દુર્લભ માનવામાં આવતી બીમારીનું નિદાન કેવી રીતે કરવામાં આવ્યું?

મધુબહેન કરકરની સારવાર કરનાર સ્પાઇન સર્જન ડૉક્ટર બિરેન શાહે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે, "મધુબહેનને કમરમાં દુખાવો હતો પરંતુ તેમના સોનોગ્રાફી, સિટીસ્કૅન કે એમઆરઆઈ રિપોર્ટમાં કંઈજ દેખાતું ન હતું."

"અમે આ દર્દીને માસ્ટરલી ઑબ્ઝર્વેશનમાં રાખ્યાં હતાં. જેમાં દર્દીના સમયાંતરે તેમના એમઆરઆઈ, સિટીસ્કૅન રિપોર્ટ કરીને તેમાં થતા ફેરફારો અંગે તપાસ કરવામાં આવે છે."

ડૉ. બિરેન શાહ કહે છે કે, "એકવાર એમઆરઆઈ રિપોર્ટ કરાવ્યાના 12 દિવસ બાદ દર્દીનું બીજીવાર અને એના થોડાક દિવસ બાદ ત્રીજી વાર એમઆરઆઈ રિપોર્ટ કરાવ્યા હતા. ત્રીજી વારના એમઆરઆઈના રિપોર્ટમાં મણકામાં ફૅટ સ્ટ્રેન્ડિંગ( સોજો કે ઇન્ફેક્શન દેખાવું ) દેખાતું હતું."

ડૉ.બિરેન શાહે વધુમાં જણાવ્યું કે, "એ નક્કી થયું કે તેમને મણકાની ગાદીમાં ઇન્ફેકશન છે. પરંતુ આ ઇન્ફેક્શન કયા પ્રકારનું છે તે અંગે તપાસ કરવા માટે અમે દર્દીના લોહીનો કલ્ચર રિપોર્ટ કરાવ્યો હતો. લોહી કલ્ચર રિપોર્ટમાં તેમના શરીરમાં સાલ્મોનેલા બૅક્ટેરિયા હોવાનું નિદાન થયું હતું."

ડૉ.બિરેન શાહ જણાવે છે કે,"એ પ્રમાણે મધુબહેનના બ્લડ કલ્ચર રિપોર્ટમાં તેમને સાલ્મોનેલા બૅક્ટેરિયાનું ઇન્ફેક્શન હોવાનું નિદાન થયું હતું. સાલ્મોનેલા બૅકટેરિયા તમારા આંતરડામાં હોય તો તે તમને ઝાડા, ઊલ્ટી, તાવ વગેરે સમસ્યા કરી શકે છે. પરંતુ જો તે તમારા કરોડરજ્જુના મણકા સુધી પહોંચી જાય તો તે તમને સાલ્મોનેલા ટાયફી વર્ટેબ્રલ ઑસ્ટિયોમાયલાઇટીઝ (Salmonella Typhi vertebral osteomyelitis ) નામની બીમારી કરી શકે છે. આ ખૂબ જ રેર બીમારી છે."

સાલ્મોનેલા બૅકટેરિયા શું હોય છે? તેનાં લક્ષણો શું છે?

સાલ્મોનેલા બૅકટેરિયા વિશે અંગે સમજીએ તો વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના જણાવ્યા પ્રમાણે ટાઇફૉઇડ તાવ એ જીવલેણ ચેપ છે જે સાલ્મોનેલા ટાઇફી નામના બૅક્ટેરિયાથી થાય છે. તે સામાન્ય રીતે દૂષિત ખોરાક અથવા પાણી દ્વારા ફેલાય છે. એકવાર સાલ્મોનેલા ટાઇફી બૅક્ટેરિયા શરીરમાં પ્રવેેશ્યા પછી તેની સંખ્યા વધે છે અને લોહીના પ્રવાહમાં ફેલાઈ જાય છે.

લક્ષણો જોઈએ તો, સાલ્મોનેલા ટાઇફી ફક્ત મનુષ્યોમાં જ રહે છે. ટાઇફોઇડ તાવ ધરાવતી વ્યક્તિના લોહીના પ્રવાહમાં અને આંતરડાના માર્ગમાં આ બેક્ટેરિયા વહન કરે છે. લાંબા સમય સુધી તાવ, થાક, માથાનો દુખાવો, ઉબકા, પેટમાં દુખાવો અને કબજિયાત અથવા ઝાડાની સમસ્યા રહે છે.

કેટલાક દર્દીઓને ફોલ્લીઓ પણ થઈ શકે છે. ગંભીર સ્થિતિમાં દર્દીનું મૃત્યુ પણ થઈ શકે છે. બ્લડ ટેસ્ટ દ્વારા ટાઇફૉઇડ તાવની પુષ્ટિ કરી શકાય છે.

ડૉક્ટર બિરેન શાહે કહ્યું કે, "મધુબહેનને આ પહેલાં કોઈ બીમારી ન હતી. તેમને પ્રિડિસ્પોઝિંગ કંન્ડિશન ન હતી."

આ કેસમાં તપાસ દરમિયાન, ડૉક્ટરે મધુબહેનને પૂછ્યું કે શું તેમણે વાસી કે બગડેલો ખોરાક ખાધો છે, ત્યાર બાદ તેમણે પાણી વિશે માહિતી આપી.

ડૉક્ટરની સલાહ મુજબ, મધુબહેનનો બ્લડ કલ્ચર રિપોર્ટ કરવામાં આવ્યો. બ્લડ કલ્ચર રિપોર્ટ એ શરીરમાં કયા પ્રકારના બૅક્ટેરિયા ચેપનું કારણ બની રહ્યા છે તે તપાસવા માટે કરવામાં આવતો રિપોર્ટ છે.

ડૉ. બિરેન શાહ જણાવે છે કે "બૅક્ટેરિયા કરોડસ્તંભ સુધી પહોંચી ગયા હોવાથી મધુબહેનને મણકાની ગાદીમાં પરુ થઈ ગયું હતું. મણકાની ગાદીમાં એકવાર પરુ થાય એટલે સર્જરી કરીને પરુ કાઢવું જ પડે છે. જેમાં ગાદીને સાફ કરીને ફિક્સેસન ફ્યુઝન સર્જરી કરવામાં આવે છે."

મધુબહેન કહે છે કે "મારી એકવાર સર્જરી કરી જો કે તેના એક અઠવાડિયા બાદ તેમાં પણ પરુ થવા લાગ્યું એટલે બીજી વાર સર્જરી કરવી પડી હતી. બે મહિના કરતાં વધારે સમય થયો મને સ્વાસ્થ્ય સુધારા પર છે. મારી પીઠમાં જે અસહ્ય દુખાવો હતો તે દૂર થઈ ગયો છે. સર્જરીને કારણે થોડીક અશક્તિ છે.

ડૉ. બિરેન શાહ ઉમેરતા કહે છે કે, "સાલ્મોનેલા ટાઇફી વર્ટેબ્રલ ઑસ્ટિઑમાયલાઇટીઝ (Salmonella Typhi vertebral osteomyelitis ) આ બીમારી દુનિયાભરમાં રેર છે. આ બીમારીનું યોગ્ય નિદાન કરીને સારવાર કરવામાં આવે તો દર્દી સાજો થઈ જાય છે."

સારવાર કેવી રીતે થાય છે

દાયકાઓથી આ બીમારીના કેસ નોંધાય છે પરંતુ આ બીમારી રેર (દુર્લભ) છે. દુનિયાભરમાં આ બીમારીના આંગળીના વેઢે ગણી શકાય તેટલા કેસ નોંધાય છે.

ડૉ. બિરેન શાહ જણાવે છે કે "આ બીમારીમાં દર્દીને અસહ્ય કમરમાં દુખાવો થાય છે. પરંતુ શરૂઆતમાં એમઆરઆઈ કે સિટીસ્કૅનના રિપોર્ટમાં કંઈ જોવા મળતું નથી."

"દર્દીને કમરનો દુખાવો થતો હોય અને રિપોર્ટમાં કંઈ ન આવે તો તે દર્દીને માસ્ટરલી ઑર્બજર્વેશનમાં રાખીને થોડા થોડા દિવસે તેમના રિપોર્ટ કરાવવા જોઈએ. આ રિપોર્ટમાં થતાં ફેરફાર જોઈને નિદાન કરી શકાય છે."

ડૉ. બિરેન શાહ કહે છે કે, "આ બીમારીનાં ટીબી જેવાં જ લક્ષણો દેખાતા હોવાથી ટીબી હોવાનું પણ માની લેવાય છે. જેથી આ પ્રકારના ઇન્ફેક્શન કનફર્મ કરવા માટે બ્લડ કલ્ચરનો રિપોર્ટ કરાવવો ખૂબ જ જરૂરી હોય છે. આ રિપોર્ટથી ક્યા બૅક્ટેરિયાને કારણે ઇન્ફેકશન થયું હોવાનું જાણી શકાય છે."

"બૅક્ટેરિયાનું ઑર્ગેનિઝમ જાણ્યા બાદ જ દવા કરવી જરૂરી છે. ઍન્ટીબાયોટિકના વધારે ઉપયોગથી શરીરમાં ઍન્ટીબયોટિક્સનું રેઝિસ્ટન્ટ આવી જાય છે. જેથી બૅક્ટેરિયાનું ચોક્કસ ઑર્ગેનિઝમ જાણી તે મુજબ દવા કરવી જરૂરી છે."

ડૉ. બિરેન શાહ જણાવે છે કે "મારી પાસે થોડાક સમય પહેલાં એક દર્દી ભોપાલથી આવ્યા હતા. તેઓ ભોપાલમાં પાણીપુરીનો વ્યવસાય કરે છે. તેમને મહિનાઓથી કમરનો અસહ્ય દુખાવો હતો. તેઓ દુખાવાની ફરિયાદ સાથે આવ્યા હતા."

તેમના પણ રિપોર્ટમાં કમરની સમસ્યા જોવા મળતી ન હતી. તેમનો બ્લડ કલ્ચર રિપોર્ટ કરી નિદાન કરી ઍન્ટીબાયોટિકની સારવારથી સાજા થઈ ગયા હતા."

સારવાર અંગે ડૉ બિરેન શાહ કહે છે કે "સાલ્મોનેલા બૅક્ટેરિયા કરોડરજ્જુ સુધી પહોંચી ગયા હોવાનું નિદાન વહેલા થાય તો તેને ઍન્ટીબાયોટિક દવાથી સાજા કરી શકાય છે."

"પરંતુ જો બૅક્ટેરિયા વધારે ફેલાઈ ગયા હોય તો ઍન્ટીબાયોટિક ઇન્જેકશન મારફતે સીધા લોહીમાં આપવાના હોય છે."

મધુબહેનને 45 દિવસ સુધી દિવસમાં ત્રણ વાર ઍન્ટીબાયોટિક્સના ઇન્જેક્શન આપવામાં આવ્યાં હતાં. જો બૅક્ટેરિયાને કારણે પરુ થઈ જાય તો તે પરુ કાઢવા માટે સર્જરી કરવી પડે છે.

દૂષિત પાણી અંગે એએમસીએ શું કહ્યું?

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના પૂર્વ ઝોનમાં આવતા નિકોલના અધિકારીઓ કહે છે કે તેમને દૂષિત પાણી અંગે ફરિયાદો મળી હતી અને તેમણે તેના પર કાર્યવાહી પણ કરી છે.

પૂર્વ ઝોનના ડૅપ્યુટી સિટી ઍન્જિનિયર મહેશ હડીયલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે "લગભગ બે મહિના પહેલાં નિકોલ વિસ્તારમાં ડ્રેનેજ લાઇન નાખવા માટેનું કામ ચાલુ હતું. કામગીરી દરમિયાન પાણીની લાઇનમાં ભંગાણ થતાં ઇશ્વરવિલા સોસાયટી અને આસપાસના વિસ્તારમાં દૂષિત પાણી આવતું હોવાની ફરિયાદ મળી હતી."

"ફરિયાદ મળતાં જ પાણીની લાઇન રિપેર કરવામાં આવી હતી. હાલ આ વિસ્તારમાં દૂષિત પાણીની કોઈ સમસ્યા નથી."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન