You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં આવેલી તેલ કંપની પર પ્રતિબંધ મુકાયો, આખા દેશ પર શું અસર થશે?
- લેેખક, રજનીશકુમાર
- પદ, બીબીસી સંવાદદાતા
યુરોપિયન યુનિયન (ઈયુ)એ નાયરા ઍનર્જી લિમિટેડની માલિકી ધરાવતી ગુજરાતમાં આવેલી વાડીનાર રિફાઇનરી પર પ્રતિબંધ લાગુ કરવાની જાહેરાત કરી છે.
ઈયુએ શુક્રવારે રશિયાના ઍનર્જી સેક્ટરને ટાર્ગેટ કરતા નવા પ્રતિબંધોની જાહેરાત કરી હતી અને ગુજરાતની રિફાઇનરી પણ આ પ્રતિબંધમાં સામેલ છે.
ઈયુએ આ જાહેરાત ત્યારે કરી છે, જ્યારે અમેરિકન કૉંગ્રેસમાં રશિયામાંથી તેલ ખરીદતા દેશો પર આકરા પ્રતિબંધો લાગુ કરવાની વાત ચાલી રહી છે.
અમેરિકાના કેટલાક સેનેટર તો રશિયામાંથી તેલ ખરીદવાના બદલે ભારત પર 500 ટકા ટૅરિફ લગાવતા બિલની તૈયારી કરી રહ્યા છે.
આ ઉપરાંત, આ અઠવાડિયે નૉર્થ એટલાન્ટિક ટ્રિટી ઑર્ગેનાઇઝેશન એટલે કે નાટોના પ્રમુખ માર્ક રૂટે ચીન, બ્રાઝિલ અને ભારતને કહ્યું હતું કે તેઓ યુક્રેનમાં યુદ્ધ બંધ કરવા માટે રશિયા પર દબાણ કરે, નહીંતર, અમેરિકન પ્રતિબંધ માટે તૈયાર રહે.
અંગ્રેજી અખબાર ઇકૉનૉમિક ટાઇમ્સે પોતાના રિપોર્ટમાં લખ્યું છે, "ઈયુના પ્રતિબંધ નાયરા ઍનર્જી માટે તો ઝટકો છે જ, પરંતુ રશિયન કાચા તેલમાંથી બનતા ઈંધણ પર પ્રતિબંધથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માટે પણ પડકારો વધશે."
વિશ્લેષકોનું કહેવું છે કે, બંને કંપનીઓ પર ઈયુના બજારમાંથી બહાર થવાનું જોખમ તોળાઈ રહ્યું છે. એવા મીડિયા રિપોર્ટ્સ આવી રહ્યા હતા કે રશિયન ઊર્જા કંપની રોઝનેફ્ટ નાયરામાં પોતાની 49 ટકા ભાગીદારી વેચવાની તૈયારીમાં છે.
એ સ્થિતિમાં ઈયુના પ્રતિબંધથી આ સંભવિત સોદો જટિલ થઈ ગયો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઈએલ) અને નાયરા ભારતની ટોચની બે ઈંધણ નિકાસકાર કંપનીઓ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શું બીજી કંપનીઓ પર પણ અસર થશે?
ઈટીએ પોતાના રિપોર્ટમાં લખ્યું છે, "રિલાયન્સે રશિયન ઍનર્જી કંપની રોઝનેફ્ટમાંથી કાચું તેલ ખરીદવા માટે ડીલ કરી હતી. હવે ઈયુના પ્રતિબંધ પછી તેની સામે મુશ્કેલ વિકલ્પ છે– કાં તો રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદવાનું બંધ કરી દે અથવા તો પછી, યુરોપના લાભકારક ડીઝલ માર્કેટમાંથી બહાર થઈ જાય. બંને વિકલ્પ રિફાઇનિંગ બચત પર અસર કરી શકે છે."
ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિએટિવના ફાઉન્ડર અજય શ્રીવાસ્તવને બીબીસીએ પૂછ્યું કે, ઈયુના પ્રતિબંધની અસર ફક્ત નાયરા પર પડશે કે બીજી રિફાઇનરી કંપનીઓ ઉપર પણ પડશે?
અજય શ્રીવાસ્તવ કહે છે, "આજે આપણે તે યોગ્ય રીતે કહેવાની સ્થિતિમાં નથી કે ઈયુના પ્રતિબંધની લપેટમાં કઈ-કઈ કંપનીઓ આવશે. ભારત પોતાની જરૂરિયાતના લગભગ 40 ટકા તેલની આયાત રશિયામાંથી કરે છે, પરંતુ આપણને તે ખબર નથી કે કઈ-કઈ કંપની કેટલું તેલ ખરીદે છે."
"નાયરાનું નામ એટલા માટે આવે છે, કેમ કે, તેમાં રશિયન તેલ કંપની રોઝનેફ્ટની 49 ટકા ભાગીદારી છે. બાકીની ભાગીદારીમાં પણ રશિયન ફર્મોના પૈસા રોકાયેલા છે. આ ઉપરાંત, પ્રાઇવેટ ઇક્વિટી પણ છે."
અજય શ્રીવાસ્તવ કહે છે, "આપણને તેનો યોગ્ય જવાબ ત્યારે મળશે, જ્યારે સરકાર જણાવશે કે કઈ કંપની રશિયામાંથી કેટલું તેલ આયાત કરી રહી છે અને તે તેલને રિફાઇન કરીને કેટલું અને ક્યાં નિકાસ કરી રહી છે. એવી પણ શક્યતા છે કે ઘણી કંપની રશિયામાંથી તેલ ખરીદે છે, પરંતુ તેની નિકાસ ક્યાંય બહાર નથી કરતી. તેનો ડેટા સાર્વજનિક નથી."
બ્લૂમબર્ગના ગયા મહિનાના રિપોર્ટ અનુસાર, ચાલુ વર્ષે જૂન મહિના સુધીમાં રશિયન કાચા તેલની સમુદ્રમાર્ગે થયેલી કુલ નિકાસના 80 ટકા તેલ ભારત આવ્યું હતું.
કેપલરના અહેવાલ મુજબ, 24મી જૂન સુધીમાં ભારતે ચાલુ વર્ષે 23.1 કરોડ યુરાલ (રશિયન ક્રૂડઑઈલ) ખરીદ્યું, જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તથા નાયરાનો હિસ્સો 45 ટકા જેટલો હતો.
યુરોપનાં બજારમાં પહોંચ પર પ્રતિબંધ
અજય શ્રીવાસ્તવ કહે છે, "ભારત સરકાર માત્ર એ જણાવે છે કે રશિયામાંથી કેટલું તેલ ભારત આવ્યું. અમારી પાસે તે ડેટા પણ નથી કે રશિયાનું કેટલું તેલ ભારતમાંથી રિફાઇન થઈને યુરોપ જઈ રહ્યું છે. ભારત સરકાર કોઈ પણ ખાનગી કંપનીનો ડેટા નથી જણાવતી નથી."
"એ ખરું કે મોટા પ્રમાણમાં રશિયન તેલ ભારતમાંથી રિફાઇન થઈને યુરોપમાં જતું હતું, પરંતુ કઈ કંપનીનું કેટલું હતું, તેનો ડેટા નથી."
ઈયુના પ્રતિબંધ પછી રશિયાનું જે કાચું તેલ ભારતમાં રિફાઇન થઈને યુરોપ જાય છે તે હવે શક્ય નહીં બને.
અજય શ્રીવાસ્તવ કહે છે, "પ્રતિબંધ તાત્કાલિક અસરથી લાગુ થઈ ગયો છે. હવે રશિયાનું કાચું તેલ ભારતમાં રિફાઇન થઈને યુરોપિયન યુનિયનના દેશોમાં નહીં જઈ શકે. ભારતની કુલ આયાતનું એક તૃતીયાંશ તેલ રશિયામાંથી આવતું હતું અને તેનો મોટો ભાગ યુરોપના બજારમાં રિફાઇન થઈને જતો હતો. ઈયુના પ્રતિબંધ પછી યુરોપમાં ભારતની પેટ્રોલિયમ નિકાસને ખરાબ રીતે અસર થશે."
બ્લૂમબર્ગે પોતાના રિપોર્ટમાં લખ્યું છે, "રશિયન ઍનર્જી કંપની રોઝનેફ્ટની યોજના ભારતની નાયરા ઍનર્જી લિમિટેડમાં પોતાની હિસ્સેદારી વેચવાની હતી, પરંતુ ઈયુના પ્રતિબંધ પછી આ યોજના અધ્ધરતાલ થઈ શકે છે."
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના રિપોર્ટ અનુસાર, રોઝનેફ્ટ મુકેશ અંબાણીની માલિકી ધરાવતી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પાસેથી નાયરામાં પોતાની ભાગીદારી વેચવાની વાતચીત કરી રહી હતી.
પરંતુ, ઈયુના પ્રતિબંધોના કારણે રિલાયન્સ માટે પોતાની હરીફ કંપનીમાં ભાગીદારી ખરીદવાનું મુશ્કેલ થઈ જશે, કેમ કે, તેનાથી યુરોપમાં કંપનીના કારોબાર પર જોખમ ઊભું થઈ શકે છે. યુરોપ એવું માર્કેટ છે, જ્યાં નિયમિત રીતે ડીઝલ સહિત ભારતીય ઈંધણ વેચવામાં આવે છે.
રશિયા મુદ્દે ભારત સામે વધતું સખત વલણ
બ્લૂમબર્ગે પોતાના રિપોર્ટમાં લખ્યું છે, "નાયરા પ્રતિદિન ચાર લાખ બૅરલ ઉત્પાદનક્ષમતાવાળી એક રિફાઇનરીનું સંચાલન કરે છે અને આખા ભારતમાં તેના લગભગ 7,000 ઈંધણ આઉટલેટ છે."
"તે પોતાની રિફાઇનરીની બાજુમાં એક પેટ્રોકેમિકલ પ્લાન્ટ પણ બનાવી રહી છે. દુનિયાનું સૌથી મોટું રિફાઇનિંગ કૉમ્પ્લેક્સ, રિલાયન્સ જામનગર પ્રોસેસર, નાયરાના વાડીનાર યુનિટથી થોડા જ કિલોમીટર દૂર છે."
સમગ્ર મામલે નાયરા કે રિલાયન્સ તરફથી કંઈ પણ કહેવાયું નથી, પરંતુ ભારતના વિદેશ મંત્રાલયે ઈયુના નિર્ણયની ટીકા કરી છે.
વિદેશ મંત્રાલય તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે, "ભારત કોઈ પણ એકતરફી પ્રતિબંધને માનતું નથી. અમે એક જવાબદાર દેશ છીએ અને પોતાની કાનૂની જવાબદારી પ્રત્યે પ્રતિબદ્ધ છીએ."
"ભારતની સરકાર ઊર્જા સુરક્ષાની જવાબદારીને ખૂબ મહત્ત્વપૂર્ણ માને છે અને તે અમારા નાગરિકોની પાયાની જરૂરિયાત છે. અમે ફરી એ વાતનો પુનરુચ્ચાર કરી છીએ કે ઊર્જા વેપારની બાબતમાં બેવડા માપદંડ ન અપનાવવા જોઈએ."
અજય શ્રીવાસ્તવ કહે છે, "ભારત સંયુક્ત રાષ્ટ્રના પ્રતિબંધોને માને છે, તેથી તેને એકતરફી પ્રતિબંધ કરી કહી રહ્યું છે, પરંતુ ભારત ટીકા સિવાય કંઈ પણ કરી શકતું નથી. યુરોપ સતત પોતાનું બજાર બંધ કરી રહ્યું છે. સ્ટીલની બાબતમાં પણ આવું જ થયું છે. યુરોપમાં ભારતની ઊર્જા નિકાસ પણ સતત ઘટી રહી છે."
બ્લૂમબર્ગે સ્થાનિક મીડિયાનો ઉલ્લેખ કરીને લખ્યું છે, રોઝનેફ્ટ ભારતમાંથી નીકળવા માગે છે, કેમ કે, કંપની પ્રતિબંધોના લીધે પોતાની કમાણી વતન પાછી મોકલી નથી શકતી.
ઇકૉનૉમિક ટાઇમ્સના રિપોર્ટ અનુસાર, રોઝનેફ્ટની સાઉદી અરબની સરકારી કંપની અરામકો સહિત અનેક ખરીદનાર સાથે વાતચીત ચાલી રહી છે. રોઝનેફ્ટ અને તેના સહયોગીઓએ 2017માં નાયરાને એસ્સાર ગ્રૂપ પાસેથી 12.9 અરબ ડૉલરમાં ખરીદી હતી.
ઈયુએ કોઈ ત્રીજા દેશ દ્વારા રશિયન તેલની આયાત પર પ્રતિબંધ લગાવી દીધો છે. તેનાથી યુરોપમાં ભારતની ઈંધણ નિકાસ પર પણ અસર થશે, તે નક્કી છે.
કેપ્લરના ડેટા અનુસાર, ભારતમાંથી ઈયુને રિફાઇન પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસ 2023માં એક વર્ષ પહેલાંની સરખામણીએ બે ગણી થઈ ગઈ હતી. 2023માં મહિનામાં દરરોજ સરેરાશ બે લાખ બૅરલથી પણ વધુ પેટ્રોલિયમ ઉત્પાદનની નિકાસ થઈ.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન