You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ જે બીમારી સામે ઝઝૂમી રહ્યા છે તે શું છે અને તે કોને થઈ શકે?
- લેેખક, બર્ન્ડ ડિબસમૅન જુનિયર
- પદ, બીબીસી ન્યૂઝ, વ્હાઇટ હાઉસ
- લેેખક, ક્વાસી ક્યામ્ફી અસીડૂ
- પદ, બીબીસી ન્યૂઝ, વૉશિંગટન ડીસી
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ નસની એક બીમારીથી પીડિત છે. ગુરુવારે વ્હાઇટ હાઉસ તરફથી આ જાણકારી અપાઈ છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પની આ બીમારીને 'ક્રૉનિક વેન્સ ઇન્સફિએન્સી' કહેવાય છે.
કેટલીક તસવીરોમાં અમેરિકન રાષ્ટ્રપતિના હાથ પર નિશાન દેખાતું હતું અને આ સંદર્ભમાં વ્હાઇટ હાઉસ પ્રવક્તાને સવાલ પુછાયો હતો.
વ્હાઇટ હાઉસ પ્રેસ સેક્રેટરી કોરલાઇન લેવિટ અનુસાર, હાલમાં જ પગના સોજાની ફરિયાદ બાદ ટ્રમ્પના સ્વાસ્થ્યની ગહન તપાસ કરાઈ હતી, જેમાં નસોની તપાસ પણ સામેલ હતી.
લેવિટે કહ્યું કે હૅન્ડશેક કરવાને કારણે ત્વચાને જે નુકસાન થાય છે એ સામાન્ય છે, ખાસ કરીને ત્યારે જ્યારે તેઓ ઍસ્પિરિન લઈ રહ્યા છે. જે કે હૃદયરોગોથી બચાવ માટે સામાન્યપણે લેવાય છે.
79 વર્ષના ટ્રમ્પ સતત પોતાના સારા સ્વાસ્થ્યને પોતાના મોઢે જ પ્રશંસા કરતા રહ્યા છે અને એક વાર તો તેમણે પોતાની જાતને 'અત્યાર સુધીના સૌથી સ્વસ્થ રાષ્ટ્રપતિ' ગણાવ્યા હતા.
લેવિટે કહ્યું કે તેમનામાં 'ડીપ વેન થ્રૉમ્બોસિસ કે ધમનીઓની બીમારી'નો કોઈ પુરાવો નથી મળ્યો અને તમામ તપાસ રિપોર્ટ 'સામાન્ય સીમાની અંદર' છે.
વ્હાઇટ હાઉસના ચિકિત્સક સીન બારબાબેલા તરફથી જાહેર કરાયેલ એક નોટ પ્રમાણે, 'ખાસ કરીને 70 વર્ષ કરતાં વધુ ઉંમરના લોકોમાં આ સ્થિતિ સામાન્ય અને નુકસાન વગરની છે.'
આ અનુસાર, વધારાની તપાસમાં ટ્રમ્પમાં 'હૃદયની કમજોરી', કીડનીની કામ કરવાની ક્ષમતામાં કમી કે અન્ય કોઈ બીમારીનાં લક્ષણ નથી મળી આવ્યાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડૉ. બારબાબેલાએ પોતાના નોટમાં કહ્યું કે લેવિટની અગાઉની બ્રીફિંગથી પણ આ જ વાતની પુષ્ટિ થાય છે.
તેમણે લખ્યું કે 'કુલ્લે, ટ્રમ્પનું સ્વાસ્થ્ય અત્યંત સારું છે.'
'ક્રૉનિક વેન્સ ઇન્સફિશિએન્સી'માં પગની નસો લોહીને હૃદય સુધી પમ્પ નથી કરી શકતી, જેથી લોહી પગના નીચલા ભાગમાં જમા થવા લાગે છે અને ત્યાં સોજો ચડી જાય છે.
ટૅક્સાસ યુનિવર્સિટી, ઑસ્ટિનનાં વેસ્કુલર સર્જરીનાં આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉક્ટર મેરિલ લોગને બીબીસીને જણાવ્યું, "નસો અને તેનાં વાલ્વ લોહીને ઉપરની તરફ ધકેલે છે જેથી એ હૃદય સુધી પરત ફરી શકે."
પગથી હૃદય તરફ વહેતું લોહી ગુરુત્વાકર્ષણની વિપરીત દિશામાં જાય છે, જેથી આ પ્રક્રિયા વધુ કઠિન થઈ જાય છે.
તેમણે કહ્યું, "ક્રૉનિક વેન્સ ઇન્સફિશિએન્સી ત્યારે થઈ જાય છે જ્યારે નસો અને તેનાં વાલ્વ સારી રીતે કામ નથી કરતાં અને લોહી પાછું પગની તરફ વહેવા લાગે છે."
પગમાં સોજા, હાથ પર નિશાન
13 જુલાઈના રોજ ન્યૂ જર્સીમાં થયેલા ફીફા વર્લ્ડકપ ફાઇનલ દરમિયાન ફોટોગ્રાફરોએ ટ્રમ્પના સોજાયેલા હાથપગની તસવીરો લીધી હતી.
એના અમુક દિવસ બાદ વ્હાઇટ હાઉસમાં બહરીનના વડા પ્રધાન સલમાન બિન હમદ બિન ઈસા અલ-ખલીફા સાથે મુલાકાત દરમિયાન લેવાયેલી તસવીરોમાં તેમના હાથ પર વાદળી નિશાન દેખાયાં હતાં.
આ પહેલાં ફેબ્રુઆરીમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેનુઅલ મૅક્રોં સાથેની મુલાકાત વખતે પણ ટ્રમ્પના હાથ પર પડેલું એક નિશાન કૅમેરામાં કેદ થયું હતું.
ટ્રમ્પનાં સોજાયેલા પગ અને વાદળી નિશાન જોઈને ઑનલાઇન એવી શંકા વ્યક્ત થવા લાગી કે કદાચ રાષ્ટ્રપતિ ટ્રમ્પ કોઈ એવી બીમારી સામે ઝઝૂમી રહ્યા છે, જે અંગે જાહેર માહિતી નથી અપાઈ.
એપ્રિલમાં થયેલી વાર્ષિક સ્વાસ્થ્ય તપાસ બાદ ડૉક્ટર બારબાબેલાએ લખ્યું હતું કે ટ્રમ્પ 'માનસિક અને શારિરીક રીતે સ્વસ્થ છે.'
જાન્યુઆરીમાં જ્યારે ટ્રમ્પે પોતાના બીજા કાર્યકાલ માટે શપથ લીધા, ત્યારે તેમની ઉંમર 78 વર્ષ અને સાત મહિના હતી, આની સાથે જ તેઓ અમેરિકાના ઇતિહાસમાં શપથ લેનારા સૌથી વયોવૃદ્ધ રાષ્ટ્રપતિ બની ગયા.
ક્રૉનિક વેન્સ ઇન્સફિશિએન્સી વિશે શું કહે છે ડૉક્ટર?
ડૉક્ટરોએ બીબીસીને જણાવ્યું કે તેઓ ક્રૉનિક વેન્સ ઇન્સફિસિએન્સીની ગંભીરતા અંગે બારબાબેલાના અનુમાન સાથે સંમત છે.
વેક ફૉરેસ્ટ યુનિવર્સિટીમાં વેસ્કુલર સર્જરી વિભાગના અધ્યક્ષ ડૉ. મૅથ્યૂ ઍડવર્ડ્સે કહ્યું, "આ બાબતે કેટલીક ગંભીર સ્થિતિઓ સાથે સંકળાયેલી હોઈ શકે છે, પરંતુ સ્વતંત્રપણે આ કોઈ ગંભીર બીમારી નથી અને ખૂબ સામાન્ય છે."
તેમણે કહ્યું, "હું કહીશ કે તેમની ઉંમરના લગભગ દસથી 35 ટકા લોકોની આ સ્થિતિ હોઈ શકે છે."
વિશેષજ્ઞો પ્રમાણે અન્ય જોખમોમાં વધુ વજન, લોહીની ગાંઠ જામી જવાની હિસ્ટ્રી અને લાંબા સમય સુધી ઊભા રહીને કામ કરનારી નોકરીઓ સામેલ છે.
આ સ્થિતિને મૅનેજ કરવા માટે મેડકલી ડિઝાઇન કરાયેલા કંપ્રેશન સ્ટૉકિંગ્સ પહેરવાની સલાહ અપાય છે અને વિશેષજ્ઞ રાત્રે પગને ઉપર ઉઠાવી રાખવાની ભલામણ કરે છે.
ડૉ. લોગને કહ્યું, "હું મારા દર્દીઓને કહું છું કે તેઓ દરરોજ પગ પર સારી ક્રીમ લગાવે અને સ્થૂળતા જેવાં અન્ય સંભવિત જોખમો પર કાબૂ રાખે."
હાથ ઉપર નીલવર્ણી નિશાન
ક્રૉનિક વેન્સ ઇન્સફિસિએન્સી માત્ર શરીરના નીચેના ભાગને જ અસર કરે છે. એટલે રાષ્ટ્રપતિના હાથ ઉપર જોવા મળેલાં નીલવર્ણી નિશાનને આ બીમારી સાથે કોઈ સંબંધ નથી.
તાજેતરમાં આ નિશાન અંગે પણ વ્યાપક અટકળો વહેતી થઈ હતી.
રાષ્ટ્રપતિના તબીબના કહેવા પ્રમાણે, આ નિશાન હસ્તધૂનન કરવાને કારણે તથા ઍસ્પિરિન લેવાને કારણે થયાં છે.
ઍસ્પિરિન હૃદયરોગનો હુમલો, લોહી ગંઠાઈ જવાથી તથા સ્ટ્રૉકથી બચવામાં મદદ કરે છે.
ડૉ. ઍડ્વર્ડ્સના કહેવા પ્રમાણે, તેઓ વ્હાઇટ હાઉસના તબીબની વાત સાથે સહમત છે કે ટ્રમ્પની ઉંમર તથા ઍસ્પિરિન લેવાને કારણે આવાં નિશાન પડી શકે છે.
ડૉ. ઍડ્વર્ડ્સના કહેવા પ્રમાણે, "જેમ-જેમ આપણી ઉંમર વધતી જાય, તેમ-તેમ આપણાં શરીર ઉપર નીલવર્ણી નિશાન પડવાની શક્યતા વધતી જાય છે. વિશેષ કરીને જે લોકો ઍસ્પિરિન અથવા તો બ્લડ થિનિંગની દવાઓ લેતા હોય."
ડૉ. ઍડ્વર્ડ્સે કહ્યું, "જો કોઈ તમારો હાથ જોરથી દબાવી દે તો પણ નિશાન પડી જાય છે. હું માનું છું આવું થઈ શકે છે. એમણે ખૂબ જ જોરદાર રીતે હાથ મીલાવ્યા હશે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન