You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'હું વહેલી સવારે જ સેક્સ માટે નીકળી જતી', એવી દવા જેની આડઅસરમાં સેક્સની તીવ્ર ઇચ્છા પેદા થાય છે
- લેેખક, નોએલ ટિએથ્રિઝ અને કર્ટિસ લૅન્કેસ્ટર
- પદ, બીબીસી સંવાદદાતા
અનેક લોકોને પોતાના પગ હલાવવાની આદત હોય છે. સામાન્ય રીતે આ વિકારને રેસ્ટલેસ લેગ સિન્ડ્રોમ કહેવાય છે. જ્યારે એક કંપનીએ તેના માટે દવા બનાવી ત્યારે સામે આવ્યું કે આ દવા લેનાર લોકોની જાતીય ઇચ્છાઓ અને દૃષ્ટિકોણમાં તેનાથી બહુ મોટો ફેર પડ્યો છે.
20 મહિલાઓએ બીબીસીને જણાવ્યું છે કે રેસ્ટલેસ લેગ સિન્ડ્રોમ માટે તેમને આપવામાં આવતી દવાઓના લીધે તેમને હલનચલનની અદમ્ય ઇચ્છા થાય છે અને આ ઇચ્છાઓએ તેમના જીવનને બરબાદ કરી દીધી છે.
દવા ઉત્પાદક કંપની જીએસકેનો એક અહેવાલ દર્શાવે છે કે 2003માં ડોપામાઇન ઍગોનિસ્ટ દવાઓ તરીકે ઓળખાતી દવાઓ અને 'વિચલિત' જાતીય વર્તણૂક વચ્ચે જોડાણ હોવાનું સામે આવ્યું છે. આ અહેવાલમાં એક કેસ સ્ટડી પણ છે જેમાં પાર્કિન્સન્સ માટે આ પ્રકારની દવાઓ લઈ રહેલા એક પુરુષે બાળક પર જાતીય ત્રાસ ગુજાર્યો હતો.
વળી, એ વાત પણ નોંધવી રહી કે દર્દીઓને આપવામાં આવતી પત્રિકાઓમાં આ પ્રકારની આડઅસરનો કોઈ સ્પષ્ટ ઉલ્લેખ નથી. બ્રિટનના મેડિસિન રેગ્યુલેટરે બીબીસીને જણાવ્યું હતું કે, "તેમાં કામવાસના વધવી અને હાનિકારક વર્તણૂક વિશે સામાન્ય ચેતવણી હતી."
જ્યારે જીએસકે કહે છે કે પત્રિકાઓમાં 'બદલાતી' જાતીય રુચિના જોખમનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
જોખમી જાતીય વર્તણૂક તરફ આકર્ષાયાનું વર્ણન કરતા કેટલીક મહિલાઓએ અમને કહ્યું હતું કે તેમને ખબર નહતી પડતી આમ થવાનું કારણ શું છે. અન્ય લોકોએ કહ્યું કે તેમની જિંદગીમાં આવી પ્રવૃત્તિઓનો કોઈ ઇતિહાસ ન હોવા છતાં તેઓ જુગાર રમવા માટે પ્રેરાતી હતી અને મજબૂર થતી હતી. એક મહિલાને તો આના કારણે 1.68 કરોડ રૂપિયાથી વધુનું દેવું થઈ ગયું હતું.
'હું વહેલી સવારે જ સેક્સ માટે નીકળી જતી'
ઘણી મહિલાઓની જેમ ક્લેરને પણ ગર્ભાવસ્થા દરમિયાન પગ હલાવવાનો વિકાર થયો હતો. અવિરત હલનચલનની ઇચ્છા થતી હોવાને કારણે તેમને અનિદ્રાની મુશ્કેલી અને ત્વચાની અંદર જાતજાતની સંવેદનાઓ અનુભવાતી.
બાળકના જન્મ પછી પણ તેમની પરિસ્થિતિમાં કોઈ સુધાર ન થયો અને તેમને ડોપામાઇન ઍગોનિસ્ટ દવા રોપિનીરોલ આપવામાં આવી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ કહે છે કે, "મને ડૉકટરો દ્વારા આ દવાની કોઈપણ આડઅસરની ચેતવણી આપવામાં આવી ન હતી. શરૂઆતમાં આ દવા રેસ્ટલેસ લેગ સિન્ડ્રોમની મુશ્કેલી માટે અજાયબ રીતે કામ કરે છે પરંતુ એક વર્ષ પછી મને પહેલાં ક્યારેય ન થઈ હોય તેવી જાતીય ઇચ્છાઓ થવા લાગી."
"હું આનું વર્ણન એવી રીતે કરી શકું છું કે આ વિચલિત કરનારું હતું." - અહીં એ નોંધવું જોઈએ કે વિચલિત શબ્દનો ઉપયોગ કરતી વખતે તેમને જીએસકે દ્વારા કરવામાં આવેલા સંશોધનનો ખ્યાલ નહોતો.
ક્લેર કહે છે કે, "મેં વહેલી સવારે સેક્સ માટે ઘરની બહાર નીકળવાનું શરૂ કરી દીધું હતું. હું પારદર્શક ટોપ અને જેકેટ પહેરતી હતી. મને જે પુરુષ મળતો તેને હું મારી છાતી બતાવતી હતી. મારે જીવનસાથી હોવા છતાં હું નિયમિતપણે આવું કરવા લાગી હતી. સેક્સ માટે હું એવાં સ્થળોએ પણ જતી થઈ ગઈ હતી કે જ્યાં જવામાં જોખમ હતું."
"તમારા મગજમાં એક તત્ત્વ રહેતું હોય છે કે જે જાણે છે કે તમે જે કરી રહ્યા છો તે ખોટું છે. પરંતુ આવી ચીજોનો પ્રભાવ એટલો વધારે હોય છે કે તમને ખબર જ નથી પડતી કે તમે આમ કરી રહ્યા છો."
ક્લેરનું કહેવું છે કે આ ઇચ્છાઓને તેમની દવા સાથે કોઈ સંબંધ છે તેવું સમજતાં તેમને વર્ષો લાગ્યાં.
જ્યારે તેણે આ દવાઓ લેવાનું બંધ કર્યું ત્યારે આ ઇચ્છાઓ લગભગ તરત જ અદૃશ્ય થઈ ગઈ. તેઓ હવે તેમના જોખમી વર્તન અંગે 'શરમ' અનુભવે છે.
'દવાથી કામવાસનામાં વધારો'
જુગાર અને કામુકતામાં વધારો થવા જેવી વર્તણૂકો પહેલેથી જ ડોપામાઇન ઍગોનિસ્ટ દવાની પત્રિકાઓમાં આડઅસરો તરીકે સૂચિબદ્ધ કરવામાં આવી છે.
યુકે હેલ્થ ગાઇડન્સ બોડી એનઆઈસીઈ અનુસાર, આ દવા આરએલએસના દર્દીઓમાંથી 6 ટકા થી 17 ટકા દર્દીઓને આવી અસર કરે છે તેમ માનવામાં આવે છે. જ્યારે નૅશનલ હૅલ્થ સર્વિસ અનુસાર કોઈપણ દવાની 'સામાન્ય' આડઅસર ફક્ત એક ટકા લોકોને અસર કરતી હોય છે.
આ દવાઓનો ડોપામાઇનના વર્તનની અદ્દલ નકલ કરીને કામ કરે છે. ડોપામાઇન એ આપણા મગજમાં રહેલું એક કુદરતી રસાયણ છે જે હલનચલનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તેને 'ખુશીનું હોર્મોન' તરીકે પણ ઓળખવામાં આવે છે. એ ત્યારે સક્રિય થાય છે જ્યારે આપણી સાથે કંઈક આનંદદાયક બનતું હોય.
શિક્ષણવિદોના મતે ઍગોનિસ્ટ દવાઓ આવી લાગણીઓને વધુ પડતી ઉત્તેજિત કરી શકે છે અને તે પરિણામો પ્રત્યે બેદરકારી દાખવવાનું વલણ પણ ઊભું કરી શકે છે. જે છેવટે આવેગપૂર્ણ વર્તન તરફ દોરી જાય છે.
2003 ના જીએસકે રિપોર્ટમાં વિચલિત વર્તન કરતા હોવાના કેસોમાં બે પુરુષોનો પણ સમાવેશ થાય છે. જેમને પાર્કિન્સન્સ રોગ માટે રોપિનીરોલ આપવામાં આવી હતી.
એક કેસમાં 63 વર્ષીય પુરુષે સાત વર્ષની છોકરી પર જાતીય હુમલો કર્યો હતો. જેના કારણે તેને કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો.
દસ્તાવેજો અનુસાર સારવારમાં રોપિનીરોલ લેવાથી શરૂઆતમાં ગુનેગારની કામવાસનામાં નોંધપાત્ર વધારો થયો હતો. પરંતુ દવાની માત્રા ઘટાડ્યા પછી તેમની 'કામવાસનાની સમસ્યા ઉકેલાઈ ગઈ' હતી.
બીજા કિસ્સામાં 45 વર્ષીય પુરુષે 'અભદ્ર વર્તન સાથે અનિયંત્રિત કૃત્યો' કર્યાં હતાં. રોપિનીરોલ આપવામાં આવે તે પહેલાં તેની સેક્સ ડ્રાઇવ વધી ગઈ હોવાનું નોંધાયું હતું પરંતુ સારવાર પછી તેની આ ઇચ્છાઓ વધુ 'તીવ્ર' થઈ ગઈ હતી.
કૅમ્બ્રિજ યુનિવર્સિટીના ન્યુરોસાયકિયાટ્રીના પ્રોફેસર વેલેરી વૂનના મતે, જીએસકે જેને 'વિચલિત' જાતીય વર્તણૂકો કહે છે અને તે દવાઓના કારણે થાય છે તેના વ્યાપક દરથી આપણે અજાણ છીએ. અને જેઓ તેનો અનુભવ કરે છે તે લોકો આને રિપોર્ટ કરતા નથી.
તેઓ કહે છે, "આની સાથે કલંક અને શરમ જોડાયેલી છે. લોકોને ખ્યાલ નથી હોતો કે આ વર્તણૂક દવા સાથે સંકળાયેલી છે,"
'હું સેક્સ વીડિયો વેચવા લાગી, લાખોનું દેવું થઈ ગયું'
પ્રોફેસર વૂન માને છે કે ફક્ત વધેલી કામવાસના ઉપરાંત યુકેની નૅશનલ હેલ્થ સર્વિસએ જોખમી જાતીય વર્તણૂકો અંગે ખાસ ચેતવણી આપવી જોઈએ અને તેની તપાસ પણ કરવી જોઈએ. કારણ કે આની અસર 'વિનાશક' બની શકે છે.
પગ હલાવવાનો વિકાર એ 20 માંથી એક પુખ્ત વ્યક્તિને અસર કરે છે તેવું માનવામાં આવે છે. અને મહિલાઓ પુરુષો કરતાં લગભગ બમણી સંખ્યામાં પીડાય તેવી શક્યતા ધરાવે છે.
અમે જે 20 પીડિતો સાથે વાત કરી હતી તેમણે જણાવ્યું હતું કે ડૉક્ટરો તેમને દવાઓની સંભવિત ગંભીર આડઅસરો વિશે જણાવવામાં નિષ્ફળ ગયા હતા. તેઓ પછીથી તેમના શરીર પર દવાની અસરની સમીક્ષા કરવામાં પણ નિષ્ફળ ગયા હતા.
સારાહ 50 વર્ષનાં હતાં જ્યારે તેમણે એક અલગ ઉત્પાદક દ્વારા બનાવેલી બીજી ડોપામાઇન ઍગોનિસ્ટ દવા આપવામાં આવી હતી.
તેઓ કહે છે કે, "પહેલાં તો જો બ્રેડ પિટ પણ નગ્ન થઈને મારા રૂમમાં ફરતો હોય તો પણ મને કોઈ અસર ન થઈ હોત એવી સ્થિતિ હતી. પરંતુ આ દવાઓએ મને એવી એક ગુસ્સેલ મહિલા બનાવી દીધી હતી કે જે તેના જાતીય વ્યસનને સંતોષવા આગળ વધતી હતી."
સારાહ વપરાયેલ અન્ડરવેર અને સેક્સ કૃત્યોના વીડિયો ઑનલાઇન વેચવા લાગ્યાં હતાં.
અજાણ્યા લોકો સાથે તેમણે ટેલિફોન સેક્સનું કામ પણ શરૂ કર્યું. તેને હવે શોપિંગનો પણ ચસકો લાગ્યો હતો. પરિણામે તેને અંદાજે 34 લાખ રૂપિયાનું દેવું થયું.
ડોપામાઇન ઍગોનિસ્ટની અસરોનો સામનો કરવા માટે તેણે પીડામાં રાહત આપતી ઓપીઑઇડ્સ અને ઊંઘની ગોળીઓ જાતે લેવાનું શરૂ કર્યું હતું. તેમને રિહેબિલિટેશન માટે દાખલ પણ કરવા પડ્યા તેનું ડ્રાઇવિંગ લાઇસન્સ છીનવી લેવામાં આવ્યું અને તેમણે નોકરી પણ ગુમાવી દીધી.
તેણે બીબીસીને કહ્યું, "હું એવી વસ્તુઓ તરફ વળી જે સ્વાસ્થ્યપ્રદ ન હતી. હું જાણતી હતી કે આ વર્તન મારું નથી પરંતુ હું તેને નિયંત્રિત કરી શકતી નહોતી."
સુ નામનાં ત્રીજાં મહિલા પણ તેમનો અનુભવ જણાવતાં કહે છે કે તેમને બે અલગ અલગ ડોપામાઇન ઍગોનિસ્ટ દવાઓ આપવામાં આવી હતી.
પરંતુ બંને વખતે તેમને વર્તનની આડઅસરો વિશે ચેતવણી આપવામાં આવી ન હતી. જ્યારે બીજી દવા સૂચવવામાં આવી ત્યારે તેમણે જુગાર રમવાનાં વર્તનનો પણ ઉલ્લેખ કર્યો.
તેમણે કહ્યું કે આના લીધે તેમને અંદાજે 90 લાખ રૂપિયાનું દેવું થઈ ગયું.
"મારા પરિવાર પર આની ભયાનક અસર થઈ. આ નાણાં ગુમાવવાથી મારું જીવન બદલાઈ ગયું. પરંતુ તે સમયે મને ખબર નહોતી કે તે આ મારી પોતાની ભૂલ નથી."
'સમલૈંગિક ઇચ્છાઓ, બિલાડીઓને ત્રાસ આપવા' જેવી ભયાનક ફરિયાદો
પાર્કિન્સન રોગના ચાર પીડિતો દ્વારા 2011માં જીએસકે સામે ગ્રૂપ કાર્યવાહી કરવામાં આવી હતી એવું બીબીસીને જાણવા મળ્યું છે. તેમણે દાવો કર્યો હતો કે રોપિનીરોલ જુગારના દેવા અને તૂટતા સંબંધો તરફ દોરી જાય છે.
તેમણે એવી પણ ફરિયાદ કરી હતી કે 2000 ની શરૂઆતમાં તબીબી અભ્યાસોમાં આવા જોખમી વર્તન અને દવા વચ્ચેની કડી સ્થાપિત થઈ હોવા છતાં જીએસકે કંપનીએ માર્ચ 2007 સુધી તેના ઉત્પાદન સાહિત્યમાં કોઈ પણ ચેતવણીઓ સામેલ કરી નહોતી. કાર્યવાહીમાં સમાધાન થયું હતું પરંતુ જીએસકેએ જવાબદારી લેવાનો ઇનકાર કર્યો હતો.
પાર્કિન્સન્સ રોગ માટે દવાઓના ઉપયોગના સંદર્ભમાં અન્ય દેશોમાં પણ આવી ગંભીર આડઅસરોના કિસ્સાઓ નોંધાયા છે.
ફ્રાન્સમાં એક કોર્ટે બે બાળકોના પિતાને વળતર આપવાનો હુકમ કર્યો હતો. જેમણે ફરિયાદ કરી હતી કે રોપિનીરોલે તેનામાં સમલૈંગિક ઇચ્છાઓ જગાવી હતી.
જ્યારે ગુનાહિત રેકૉર્ડ વિનાના બીજા એક પુરુષે બિલાડીઓને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.
અમેરિકન ઍકેડેમી ઑફ સ્લીપ મેડિસિન ભલામણ કરે છે કે આ દવાઓનો ઉપયોગ ફક્ત ટૂંકા ગાળાની સારવાર માટે થવો જોઈએ, જેમ કે જીવનના અંતે સંભાળ માટે.
બીબીસીએ જે સ્ત્રીઓ સાથે વાત કરી હતી તેમાંથી ઘણાંએ ફરિયાદ કરી હતી કે દવાઓના લાંબા સમય સુધી ઉપયોગથી તેમના હલનચલનના વિકારની સ્થિતિ વધુ બગડી હતી. તેનો અર્થ એ થયો કે તેમની દવાની માત્રામાં વધારો કરવામાં આવ્યો હતો જેના કારણે તેમના ફરજિયાત જોખમી વર્તનમાં વધારો થયો હતો.
એક કન્સલ્ટન્ટ ન્યુરોલૉજીસ્ટ ડૉ. ગાય લેસ્ઝીનર કહે છે કે, "દવાઓ હજુ પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે પરંતુ તેમનું માનવું છે કે દવા કંપનીઓ, આરોગ્ય અધિકારીઓ અને ડૉકટરોએ દર્દીઓને આની આડઅસરો વિશે વધુ સારી રીતે ચેતવણી આપવાની જરૂર છે."
તેઓ કહે છે, "કોઈ નથી જાણતું કે (આ દવાઓ લેવાથી) કેવા પ્રકારના નાટકીય ફેરફારો થઈ શકે છે."
દવા બનાવનાર કંપનીએ શું કહ્યું?
એક નિવેદનમાં જીએસકે બીબીસીને જણાવ્યું હતું કે, "રોપિનીરોલ 17 મિલિયનથી વધુ સારવાર માટે સૂચવવામાં આવી છે અને તે 'વ્યાપક ક્લિનિકલ ટ્રાયલ'માંથી પસાર થઈ છે."
તેમણે ઉમેર્યું હતું કે, "આ દવા અસરકારક સાબિત થઈ છે અને 'સેફ્ટી પ્રોફાઇલ' ધરાવે છે.
"બધી દવાઓની જેમ, આની સંભવિત આડઅસરો અંગે સ્પષ્ટપણે જાણકારી આપવામાં આવી છે."
2003ના સંશોધનના જવાબમાં 'વિચલિત' જાતીય વર્તણૂક સાથે કડી મળી હતી.
જીએસકે અમને જણાવ્યું હતું કે આને આરોગ્ય અધિકારીઓ સાથે શેર કરવામાં આવ્યું હતું અને પ્રિસ્ક્રાઇબિંગ માહિતીમાં પણ આ ઉમેરણ કરવામાં આવ્યું હતું. જેમાં 'બદલાતી અથવા વધતી જાતીય રુચિ' અને 'નોંધપાત્ર ચિંતાજનક વર્તણૂંક' ને આડઅસરો તરીકે સૂચિબદ્ધ કરવામાં આવી હતી.
રોપિનીરોલની વર્તમાન દર્દી માહિતી પત્રિકામાં પાંચ વખત જાતીય રુચિમાં થતા ફેરફારોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જે સંભવિત 'અસામાન્ય રીતે ઉચ્ચ', 'અતિશય' અથવા 'વધારે' જેવી લાગણીઓની વિશે ચેતવણી આપે છે.
યુકેની મેડિસિન અને હેલ્થકેર પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી એજન્સી (MHRA) એ જણાવ્યું હતું કે ચેતવણીઓમાં 'વિચલિત' જાતીય વર્તણૂકનો ચોક્કસ સંદર્ભ શામેલ નથી. પરંતુ આવા આવેગ અલગ અલગ હોય છે અને તે હાનિકારક હોઈ શકે તેવી પ્રવૃત્તિઓ વિશે સામાન્ય ચેતવણી શામેલ છે.
તેમણે એમ પણ કહ્યું હતું કે વ્યાવસાયિકોએ દર્દીઓને સંભવિત જોખમ અંગે સમજાવવું જરૂરી છે. અને બધાને આ પ્રકારની આડઅસરો થતી નથી.
યુકેના 'ડિપાર્ટમેન્ટ ઑફ હેલ્થ ઍન્ડ સોશિયલ કેરે' આ અંગે ટિપ્પણી કરવાનો ઇન્કાર કર્યો હતો.
( લોકોની ઓળખને સુરક્ષિત રાખવા માટે આ લેખમાં કેટલાક નામ બદલવામાં આવ્યા છે.)
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન