You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એક મહિલાનો મૃતદેહ સળગાવી દીધો, પણ એક વીડિયો કૉલથી 'મૃત મહિલા' કેવી રીતે જીવતી થઈ?
મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના મંગલવેઢા તાલુકામાં એક પરિણીત મહિલા અને તેમના પ્રેમી પર પ્રેમસંબંધમાં પોતાના પ્રેમી સાથે આજીવન સાથે રહેવા માટે ભાગી જવા માટે પોતાની આત્મહત્યાનું નાટક કરીને એક અસહાય મહિલાની હત્યાનો આરોપ લાગ્યો છે.
મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના મંગલવેઢા તાલુકામાં એક મહિલાનું ઘાસની ગંજીમાં આગ લાગવાથી સળગી જવાને કારણે મૃત્યુ થયું.
ઘટનાસ્થળેથી પોલીસને મહિલાનો સળગી ગયેલો મોબાઇલ ફોન મળી આવ્યો હતો. જેની કૉલ ડિઇટેલ તપાસ કરતાં એક મહત્ત્વપૂર્ણ કડી મળી હતી.
આ આધારે આગ લાગવાથી 'મૃત્યુ પામેલાં મહિલા' વીડિયો કૉલ ઉપર સામે આવ્યાં હતાં.
તપાસ કરતાં આ હત્યા પાછળ પરિણીત મહિલા અને યુવક સાથેનું પ્રેમપ્રકરણ કારણભૂત હોવાનું સામે આવ્યું હતું.
બીબીસી મરાઠીએ પરિણીત મહિલા તથા તેમના પ્રેમીના પરિવારજનોનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમનો સંપર્ક નહોતો થઈ શક્યો. તેમની પ્રતિક્રિયા મળ્યે અહીં ઉમેરવામાં આવશે.
આત્મહત્યાનું નાટક કરવાનો કારસો ઘડ્યો
કિરણ સાવંત નામનાં 23 વર્ષીય મહિલાનાં મંગલવેઢા તાલુકાના પાટકલ ગામ ખાતે લગ્ન થયાં હતાં. કિરણે બાળકીને જન્મ આપ્યો, જે બે વર્ષની છે.
કિરણને તેમના ગામના જ 20 વર્ષીય યુવક નિશાંત સાવંત સાથે પ્રેમ થઈ ગયો. ગામમાંથી નાસી છૂટવા તથા હંમેશાં સાથે રહી શકાય એ માટે તેમણે ભયાનક કારસો ઘડ્યો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પોલીસના કહેવા પ્રમાણે, કિરણ તેમની ખોટી આત્મહત્યાનો તખતો ઘડ્યો. આ માટે તેમને અન્ય કોઈ વ્યક્તિનાં શરીરની જરૂર હતી.
આ માટે કિરણ અને નિશાંતે બેઘર અને સક્રિય મહિલાની શોધખોળ હાથ ધરી. આઠ દિવસના અંતે પંઢરપુરના ગોપાલપુર ખાતેનાં એક મહિલા વિશે માહિતી મળી.
પોલીસના કહેવા પ્રમાણે, આ મહિલાનો દીકરો ગુમ થઈ ગયો હતો. નિશાંત આ મહિલાને બાળક શોધી આપવાની લાલચ આપીને પાટકલ લાવ્યાં અને બે દિવસ બાદ ગળું દબાવીને તેમની હત્યા કરી નાખી.
14મી જુલાઈના સવારે મહિલાના મૃતદેહને કિરણના ખેતરમાં ઘાસની ગંજીમાં રાખી દેવામાં આવ્યો અને તેને આગ લગાડી દીધી. આત્મહત્યા વાસ્તવિક લાગે તે માટે કિરણે પોતાનો મોબાઇલ પણ મૃત મહિલાના શરીરની ઉપર મૂકી દીધો હતો.
ઘાસની ગંજીને આગ લગાડતાં પહેલાં કિરણે ઘર છોડી દીધું અને દાડમનાં બગીચામાં છુપાઈ ગયાં. આગને જોઈને આજુબાજુનાં લોકો ત્યાં એકઠાં થયાં. તેમને લાગ્યું કે કિરણે આત્મહત્યા કરી લીધી છે. કિરણના પતિ નાગેશ સાવંત તથા અન્ય લોકો પણ ત્યાં પહોંચ્યા હતા.
'આત્મહત્યામાં પરિણીત મહિલાનું મૃત્યુ નથી થયું અને તે જીવિત છે'
કિરણના પિતાને તેમની પુત્રીના મૃત્યુ અંગે શંકા ઊભી થઈ હતી, એટલે તેમણે પોલીસને ઊંડી તપાસ હાથ ધરવા વિનંતી કરી હતી.
સળગી ગયેલા મૃતદેહની પાસે મોબાઇલ જોઈને તપાસનીશ પોલીસ અધિકારીઓને શંકા જાગી હતી.
પોલીસે કિરણના ફોનની કૉલની ડિટેઇલ્સના આધારે નિશાંત સાવંતની ધરપકડ કરી હતી. શરૂઆતમાં તો તેમણે પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એ પછી તેમણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો.
નિશાંતે પોલીસને જણાવ્યું હતું, "આત્મહત્યામાં પરિણીત મહિલાનું (કિરણ) મૃત્યુ નથી થયું અને તે જીવિત છે."
આ વાત સાંભળીને પોલીસને આંચકો લાગ્યો હતો. નિશાંતની મદદથી પોલીસે કિરણને વીડિયો કૉલ કર્યો હતો. તેમને જીવિત જોઈને પોલીસ પણ ચોંકી ગઈ હતી. પોલીસે તરત જ નિશાંતની અને પછી કરાડથી કિરણની અટકાયત કરી.
મંગલવેઢા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર દત્તાત્રેય બોરીગિડ્ડેએ જણાવ્યું, "14 જુલાઈના રોજ પાટકલ ગામ ખાતે ઘાસની ગંજીમાં સળગી જવાથી પરિણીત મહિલાનું મૃત્યુ થયું હોવાની માહિતી મળી હતી."
"જેના આધારે અમે ત્યાં પહોંચ્યા હતા અને ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું હતું. ત્યાં જઈને અમને માહિતી મળી હતી કે મૃતકનું નામ કિરણ સાવંત છે તથા સળગી જવાથી તેમનું મૃત્યુ થયું છે."
"કિરણ સાવંતના પિતાની ફરિયાદને આધારે અકસ્માતે મૃત્યુનો કેસ દાખલ કર્યો હતો. જોકે, તપાસ દરમિયાન અમને માલૂમ પડ્યું હતું કે મૃતક મહિલા કિરણ સાવંત નહીં, પરંતુ અન્ય કોઈ અજ્ઞાત મહિલા હતાં અને કિરણ હયાત છે."
'મને લાગ્યું કે તે મારાં પત્નીનો મૃતદેહ છે, પરંતુ પછી...'
પોલીસે ઊંડી તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે કિરણ તથા તેમના પ્રેમી નિશાંત સાવંતે ગામમાંથી નાસી છૂટવા તથા હંમેશાં સાથે રહી શકાય તે માટે પરિવારજનોને કિરણના મૃત્યુનો વિશ્વાસ અપાવવા માગતાં હતાં.
તેમણે અજ્ઞાત મહિલાની હત્યા કરી હતી અને તેમણે ઘટનાસ્થળે કચરાપેટીમાં તેમનો મૃતદેહ રાખ્યો હતો. તેમણે પુરાવાનો નાશ કરવાના હેતુસર કિરણના મોબાઇલને પણ મૃતદેહની સાથે સળગાવી દીધો હતો.
પીઆઈ દત્તાત્રેય બોરીગિડ્ડેના કહેવા પ્રમાણે, "હાલમાં બંને આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે તથા મૃતક મહિલાની ઓળખને પ્રસ્થાપિત કરવા માટે પ્રયાસ ચાલુ છે."
મહિલાના પતિ નાગેશ સાવંતના કહેવા પ્રમાણે, "સવારે અમારા ખેતરની ઘાસની ગંજીમાં સવારે આગ લાગી હતી. અમને જ્યારે આના વિશે માહિતી મળી, તો અમે ત્યાં ધસી ગયા હતા અને આગને ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. અમને તેમાંથી મૃતદેહ મળ્યો હતો."
"મને લાગ્યું કે તે મારાં પત્નીનો મૃતદેહ છે, પરંતુ પછી અમને ખબર પડી હતી કે તે કિરણનો નથી. અમારો પરિવાર ભયમાં છે. અમે આરોપી તથા તેના સાગરિતો સામે કડક કાર્યવાહીની માગ કરીએ છીએ. અમારા પરિવારને ન્યાય મળવો જોઈએ."
પોલીસે કિરણ સાવંત તથા નિશાંત સાવંતની સામે હત્યાનો કેસ દાખલ કરીને તેમની ધરપકડ કરી છે. હવે આગમાં મૃત્યુ પામનારાં મહિલાની ઓળખ પ્રસ્થાપિત કરીને તેમના પરિવારજનોને શોધવાની કવાયત હાથ ધરી છે.
બીબીસી માટે કલેકટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન