You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સાપને મફલરની જેમ ગળામાં વીંટાળીને દીકરાને સ્કૂલે લેવા જતા 'સર્પમિત્ર' સાથે શું થયું?
- લેેખક, શુરૈહ નિયાઝી
- પદ, બીબીસી હિંદી માટે, ભોપાલથી
મધ્ય પ્રદેશના ગુના જિલ્લાના રાઘૌગઢમાં એક 'સર્પમિત્ર'નું મૃત્યુ થયું છે, કથિત રીતે જીવલેણ બેકાળજીને કારણે દીપક મહાવરનું મૃત્યુ થયું હતું.
દીપકે પકડાયેલા સાપને જંગલમાં છોડી મૂકવાને બદલે ગળામાં વીંટાળી લીધો, આ દરમિયાન સાપે દીપકને ડંખ દીધો હતો.
દીપકે પહેલાં તો સમગ્ર ઘટનાક્રમને હળવાશથી લીધો અને પ્રાથમિક સારવાર લઈને ઘરે પરત ફર્યા.
આ દરમિયાન તેમણે વધુ કથિત રીતે વધુ એક ભૂલ કરી હતી, જેના કારણે ધીમે-ધીમે ઝેરે અસર દેખાડવાનું શરૂ કર્યું અને મોડી રાત્રે તેમની તબિયત કથળી ગઈ.
દીપકને ફરીથી હૉસ્પિટલે લઈ જવામાં આવ્યા, જ્યાં તેમનું મૃત્યુ થયું હતું.
ગળામાં સાપ વીંટાળી નીકળી પડ્યા
આજુબાજુના વિસ્તારોમાં દીપક સાપ પકડનાર તરીકે વિખ્યાત હતા. રાઘૌગઢની જેપી કૉલેજમાં તેમને સાપ પકડવા માટે રાખ્યા હતા.
દીપક ઉપર સોમવારે બપોરે લગભગ 12 વાગ્યે રાઘોગઢના એક ઘરમાં સાપે દેખા દીધી હોવાનો ફોન આવ્યો હતો. દીપક ત્યાં પહોંચ્યા હતા અને સાપને પકડી લીધો હતો.
આ દરમિયાન દીપકની ઉપર દીકરાની સ્કૂલેથી ફોન આવ્યો હતો કે સ્કૂલ છૂટી ગઈ છે અને તેને લઈ જવો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દીપકે ઉતાવળમાં સાપને એક ડબ્બામાં બંધ કરવાને બદલે ગળામાં વીંટાળ્યો અને મોટરસાઇકલ ઉપર પોતાના દીકરાને લેવા સ્કૂલે પહોંચ્યા હતા.
દીપક તેમના 12 વર્ષીય દીકરાને પાછળ બેસાડીને ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે જ રસ્તામાં ગળામાં લટકેલા સાપે તેમને જમણા હાથ ઉપર ડંખ દીધો હતો.
સર્પદંશ પછી હૉસ્પિટલે પહોંચ્યા
દીપકે સાપના ડંખ પછી તરત જ પોતાના એક મિત્રને બોલાવ્યા હતા, જે દીપકને નજીકની હૉસ્પિટલે લઈ ગયા હતા. તબીબોએ રાઘૌગઢમાં પ્રાથમિક સારવાર આપી, એ પછી તેમને ગુના રિફર કર્યા હતા.
આ અરસામાં દીપકની તબિયતમાં સુધાર થવા લાગ્યો હતો, એટલે તેઓ હૉસ્પિટલેથી પરત ફર્યા. તેમણે ઘરે ભોજન લીધું અને ઊંઘી ગયા. જોકે, રાત્રે દીપકની તબિયત બગડી હતી અને સવારે તેમનું અવસાન થયું.
રાઘૌગઢ પ્રાથમિક ઉપચાર કેન્દ્રના ડૉક્ટર દેવેન્દ્ર સોનીએ બીબીસીને જણાવ્યું, "જ્યારે તેમને (દીપકને) અમારી પાસે લાવવામાં આવ્યા, ત્યારે તેમની સ્થિતિ સામાન્ય હતી. તેમનાં મહત્ત્વપૂર્ણ અંગો બરાબર રીતે કામ કરતાં હતાં. તેઓ સામાન્ય વાતચીત કરી રહ્યા હતા અને સંપૂર્ણપણે ભાનમાં હતા."
"અમે તરત જ સ્ટાન્ડર્ડ પ્રોટોકૉલ મુજબ સારવાર શરૂ કરી હતી. તેમને આઈવી ફ્લૂઇડ, ઝેરવિરોધી ઇન્જેક્શન તથ અન્ય જરૂરી દવાઓ આપી હતી. એ પછી તેમને ગુના રિફર કર્યા હતા, કારણ કે અમારા કેન્દ્રમાં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ નથી."
ડૉ. દેવેન્દ્ર સોનીના કહેવા પ્રમાણે, ગુનામાં અમુક કલાક રહ્યા બાદ દીપક ઘરે પરત ફર્યા હતા, કારણ કે તેમને તબિયતમાં સુધારો જણાતો હતો.
ડૉ. દેવેન્દ્ર સોની ઉમેરે છે, "સાપ કોબ્રા હોય તેમ જણાતું હતું, જેનું ઝેર ધીમે-ધીમે અસર કરે છે. એવામાં દરદી ઓછામાં ઓછા 24 કલાક તબીબોના નિરીક્ષણ હેઠળ રહે તે જરૂરી છે. જો તેઓ (દીપક) રેફરલ સેન્ટર ખાતે ઑબ્ઝર્વેશનમાં રહ્યા હોત અને પરત ફર્યા ન હોત, તો તેમનો જીવ બચી શક્યો હોત."
સાપ પકડવાના હુન્નરે નોકરી અપાવી
દીપક છેલ્લાં અનેક વર્ષોથી રાઘૌઘઢસ્થિત જેપી કૉલેજમાં 'સર્પમિત્ર' તરીકે કાર્યરત્ હતા. તેઓ સાપ પકડવા માટે આજુબાજુનાં ગામોમાં પણ નિયમિત રીતે જતા.
દીપકને બે દીકરા છે, જેમની ઉંમર 14 તથા 12 વર્ષ છે. લગભગ 10 વર્ષ અગાઉ તેમનાં પત્નીનું નિધન થયું હતું.
આ ઘટના ઘટી ત્યારે દીપક તેમના નાના દીકરાને લેવા સ્કૂલે ગયા હતા. દીપકના નાના ભાઈ નરેશ મહાવરે બીબીસીને જણાવ્યું, "દીપક અનેક વર્ષોથી સાપ પકડવાનું કામ કરી રહ્યા હતા. તેમણે કોઈકની પાસેથી આ કામ શીખ્યું હતું. છેલ્લાં કેટલાંક વર્ષો દરમિયાન દીપકે આ કામમાં નિપુણતા મેળવી લીધી હતી. આને કારણે જ તેમને જેપી કૉલેજમાં નોકરી મળી હતી. આ કૉલેજ બહારના વિસ્તારમાં છે, જ્યાં વારંવાર સાપ નીકળે છે."
નરેશે ઉમેર્યું, "દીપકને અગાઉ પણ અનેક વખત સાપે ડંખ આપ્યા હતા. ઘણી વાર તેઓ જાતે જ જડીબુટ્ટીથી પોતાનો ઈલાજ કરી લેતા. જોકે, એક વખત તેમણે હૉસ્પિટલમાં જવું પડ્યું હતું. આ વખતે પણ લાગતું હતું કે સામાન્ય સોજો છે અને તરતજ ઠીક થઈ જશે, એટલે તેમણે ગંભીરતાથી ન લીધો."
નરેશ માહવરે કહ્યું, "અમારી તમને એટલી જ અરજ છે કે જ્યારે તમે આ ઘટના વિશે લખો, ત્યારે માનવીય સંવેદના રાખજો. ભાઈ જતા રહ્યા, હવે તેમના બે દીકરા જ રહ્યા છે. જો સરકાર આ કેસને માનવીય દૃષ્ટિકોણથી જુએ, તો કદાચ કંઈક મદદ મળે, જેથી કરીને બાળકોનું ભવિષ્ય સુરક્ષિત બને."
તેમણે કહ્યું, "ગેરસમજોથી દૂર, દીપક સારા માણસ હતા. જેમમે અનેક વખત પોતાનો જીવ જોખમમાં મૂકીને બીજાની મદદ કરી હતી."
ભારતમાં દર વર્ષે હજારોનાં મૃત્યુ
સર્પદંશથી થતાં મૃત્યુની બાબતમાં ભારત વિશ્વભરમાં અગ્રેસર છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના આંકડા પ્રમાણે, ભારતમાં દર વર્ષે સર્પદંશના લગભગ 50 લાખ કેસ નોંધાય છે, જેમાંથી 25 લાખ કેસમાં લોકોને ઝેરી અસર થાય છે.
ડબલ્યુએચઓના કહેવા પ્રમાણે, રિપોર્ટ થયેલા કેસના આધારે જ સર્પદંશને કારણે ભારતમાં દર વર્ષે લગભગ એક લાખ લોકોનાં મૃત્યુ થાય છે. આ સિવાય ચાર લાખ લોકોમાં શરીરના કોઈ ને કોઈ અંગને અસર થાય છે. જે કાયમી ધોરણે કામ કરવાનું બંધ કરી દે છે.
બીબીસીના વર્ષ 2020ના એક અહેવાલમાં પણ ભારતમાં દર વર્ષે એક લાખ કરતાં વધુ લોકોનાં સર્પદંશથી મૃત્યુ થતાં હોવાનું જણાવવામાં આવ્યું હતું.
દેશભરમાં મધ્ય પ્રદેશને સાપના ડંખની બાબતમાં સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાંથી એક માનવામાં આવે છે. જો પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં વ્યક્તિનું મૃત્યુ સર્પદંશથી થયું હોવાનું પુરવાર થાય તો રાજ્ય સરકાર આવા પરિવારોને વળતર આપે છે.
'ધ રૉયલ સોસાયટી ઑફ ટ્રૉપિકલ મેડિસિન ઍન્ડ હાઇજીન' જર્નલમાં વર્ષ 2024માં પ્રકાશિત એક અભ્યાસમાં વળતર અંગે એક વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. જેમાં વર્ષ 2020- '21 તથા 2021- '22 માટે મધ્ય પ્રદેશ સરકારના આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલા આંકડાની સમીક્ષા કરવામાં આવી હતી.
અભ્યાસના તારણ મુજબ, બે વર્ષ દરમિયાન પાંચ હજાર 728 પરિવારોને રાજ્ય સરકાર દ્વારા રૂ. 229 કરોડ જેટલી રકમ સહાય પેટે ચૂકવવામાં આવી હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન