સલમાન રશ્દી પર હુમલો કરનારા હાદી મતર અંગે શું જાણકારી મળી?

ઇમેજ સ્રોત, PA Media

- ભારતીય મૂળના જાણીતા લેખક અને બુકર પ્રાઇઝથી સન્માનિત સલમાન રશ્દી પર અમેરિકાના ન્યૂયૉર્ક ખાતે એક સમારોહમાં હુમલો થયો
- તેઓ હાલ ગંભીર હાલતમાં વૅન્ટિલેટર પર સારવાર હેઠળ છે
- સેટેનિક વર્સિસ પુસ્તકથી વિવાદમાં સપડાયેલા સલમાન રશ્દી પર ઘણા મુસ્લિમ દેશોમાં ઈશનિંદાના આરોપો લગાવાયા હતા
- પોલીસે ન્યૂજર્સીના ફૅરવ્યૂથી 24 વર્ષીય હાદી મતર નામની એક સંદિગ્ધ વ્યક્તિની અટકાયત કરી છે

બુકર પુરસ્કાર વિજેતા અને 'ધ સેટેનિક વર્સિસ'ના લેખક સલમાન રશ્દી પર અમેરિકાના ન્યૂયૉર્કમાં ચપ્પુ વડે હુમલો થયો છે.
જીવલેણ હુમલા બાદ જાણીતા લેખક સલમાન રશ્દીની હાલત હાલ નાજુક છે. તેમને વૅન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે અને તેમની એક આંખ ગુમાવવાનો ખતરો છે.
આ હુમલો એ સમયે થયો જ્યારે તેઓ ન્યૂયૉર્કના ચૌટાઉકા સંસ્થાનના એક કાર્યક્રમમાં વક્તા તરીકે હાજર હતા. આ હુમલામાં રશ્દીનું ઇન્ટરવ્યૂ લઈ રહેલી વ્યક્તિ પણ ઘાયલ થઈ હતી.
રશ્દીના એજન્ટે જણાવ્યું કે સલમાન રશ્દીના સ્વાસ્થ્યને લઈને હાલ જે જાણકારી આવી રહી છે તે ખૂબ સારી નથી. ન્યૂયૉર્ક સ્ટેટમાં ચપ્પુ વડે હુમલો થયા બાદ સલમાન રશ્દીની હાલત નાજુક છે.
તેમણે જણાવ્યું કે તેઓ હાલ વૅન્ટિલેટર પર છે અને બોલી નથી શકી રહ્યા.
એન્ડ્ર્યૂ વાઇલીએ જણાવ્યું, "સલમાન પોતાની એક આંખ પણ ગુમાવી શકે છે. તેમના ખભે પણ ગંભીર ઈજા થઈ છે અને આ હુમલાના કારણે તેમના લીવર પર પણ ઈજા થઈ છે."
ઑનલાઇન પોસ્ટ કરાયેલા કરાયેલ એક વીડિયોમાં ઘટનાની બિલકુલ બાદ ત્યાં હાજર લોકો મંચ પરથી ભાગતાં નજરે પડી રહ્યા છે. આ બાદ ઘટનાસ્થળે હાજર લોકોએ હુમલાખોરને સ્થળ પર જ પકડી પાડ્યો હતો.
પોલીસે ન્યૂજર્સીના ફૅરવ્યૂથી 24 વર્ષીય હાદી મતર નામની એક સંદિગ્ધ વ્યક્તિની અટકાયત કરી છે. સલમાન રશ્દી પાછલાં ઘણાં વર્ષોથી જીવના જોખમ અંગેની ધમકીઓનો સામનો કરી રહ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

હુમલા બાદ અત્યાર સુધીમાં શું થયું?

ઇમેજ સ્રોત, Getty Images
રશ્દી પરના હુમલા અંગે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેનુએલ મેક્રોંએ પણ નિવેદન આપ્યું હતું.
મેક્રોંએ આ હુમલા પર ટ્વીટમાં લખ્યું છે કે, "33 વર્ષથી સલમાન રશ્દીએ આઝાદી માટે અવાજ બુલંદ કર્યો છે અને રૂઢિવાદ વિરુદ્ધ લડાઈ લડી છે. તેઓ નફરત અને બર્બરતાને પ્રોત્સાહન આપનારાના કાયરતાપૂર્ણ હુમલાના શિકાર થયા છે. તેમની લડાઈ અમારી લડાઈ છે. તે સાર્વભૌમ છે. હવે અમે પહેલાંથી વધુ મજબૂતી સાથે તેમની સાથે ખડેપગ છીએ."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
ન્યૂયૉર્કનાં ગવર્નર કૅથી હોચુલે સ્પષ્ટતા કરી હતી કે સલમાન રશ્દી હાલ પણ જીવિત છે.
તેમણે કહ્યું, "રશ્દીને હૉસ્પિટલે લઈ ગયા બાદ યોગ્ય સારવાર અપાઈ રહી છે. ગુનેગાર વિશે વધુ માહિતી એકત્રિત કરાઈ રહી છે."
સલમાન રશ્દી પર જ્યાં હુમલો થયો ત્યાં હાજર ડૉક્ટરે ન્યૂયૉર્ક ટાઇમ્સને જણાવ્યું કે સલમાન રશ્દી પર છરી વડે હુમલો થયા બાદ તેમણે સારવારમાં મદદ કરી હતી.
રિટા લૅન્ડમેને કહ્યું કે, "રશ્દીને અનેક ઘા મારવામાં આવ્યા હતા. જેમાં એક ગળાના જમણી બાજુના ભાગે પણ ઘા મારવામાં આવ્યો હતો."
તેમણે વધુમાં કહ્યું કે તેમના શરીરની આજુબાજુમાં લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું હતું.
સ્ટેટ પોલીસ ન્યૂયૉર્કના ચૌટાઉકા ખાતેની ચૌટાઉકા ઇન્સ્ટિટ્યૂટમાં આયોજિત કાર્યક્રમમાં થયેલા હુમલાની તપાસ કરી રહી છે.
ન્યૂયૉર્કનાં ગવર્નર કૅથી હોચુલે હુમલા પછી તાત્કાલિક પ્રતિક્રિયા આપતાં અને ન્યૂયૉર્ક પોલીસનો આભાર માનતાં સોશિયલ મીડિયા સાઇટ ટ્વિટર પર લખ્યું, "આ ભયાનક ઘટના પછી હવે અમારી સહાનુભૂતિ સલમાન અને તેમના પ્રેમીઓની સાથે છે. મેં સ્ટેટ પોલીસને તપાસમાં વધુ જરૂર પડે તો મદદ કરવાનો નિર્દેશ આપ્યો છે."
જાણીતાં લેખક તસલીમા નસરીને કહ્યું, "સલમાન રશ્દી પર ન્યૂયૉર્કમાં હુમલો થયાની જાણકારી મને મળી. મને ખૂબ આઘાત લાગ્યો છે. ક્યારેય નહોતું વિચાર્યું કે આવું થશે. તેઓ લાંબા સમયથી પશ્ચિમના દેશમાં રહેતા હતા અને 1989થી તેમને રક્ષણ મળેલું હતું. જો તેમના પર હુમલો થઈ શકે છે, તો જે કોઈ પણ ઇસ્લામની ટીકા કરે છે તેમની પર હુમલો થઈ શકે છે. મને ચિંતા છે."

પ્રત્યક્ષદર્શીઓએ શું કહ્યું?

એક સ્થાનિક પત્રકાર માર્ક સોમરે અનેક નજરે જોનારાઓ સાથે વાતચીત કરી.
તેમણે બીબીસીને કહ્યું કે હુમલાખોર દર્શકોની વચ્ચે કાળું માસ્ક પહેરીને બેસેલો હતો. કાળું માસ્ક પહેરેલી વ્યક્તિ કૂદીને સ્ટેજ પર ચડી ગઈ અને રશ્દી પર હુમલો કર્યો. આ પછી સલમાન રશ્દીને સાંભળવા આવેલા 10-15 લોકો સ્ટેજ પર પહોંચી ગયા અને તેમણે હુમલાખોરને કાબૂમાં લીધો.
રશ્દી પાંચ મિનિટ સુધી જમીન પર પડ્યા રહ્યા. પછી તેમને ઊંચકવામાં આવ્યા અને સ્ટેજની બહાર લાવવામાં આવ્યા. પછી તેમને હેલિકૉપ્ટર દ્વારા હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા.
સોમરે કહ્યું કે રશ્દી સાથે સામાન્ય રીતે ખૂબ સિક્યૉરિટી હોય છે.
સોમરે બીબીસીને કહ્યું, "આ માનવું મુશ્કેલ છે કે તેમની પાસે પૂરતા પ્રમાણમાં સુરક્ષા ન હતી. કદાચ હુમલો કાર્યક્રમ શરૂ થવાની કેટલીક સેકન્ડ પહેલાં જ થઈ ગયો હતો."
હુમલાને નજરે જોનાર એક વ્યક્તિએ બીબીસી ન્યૂઝ ચેનલને કહ્યું કે જે લોકો ત્યાં હાજર હતા તે પણ આઘાતમાં હતા.

હુમલાખોર વિશે અત્યાર સુધી શું જાણવા મળ્યું?

પોલીસે જણાવ્યું કે સલમાન રશ્દીના ગળામાં છરી વડે ઘા કરવામાં આવ્યા છે અને હુમલાખોર હવે પોલીસ કસ્ટડીમાં છે.
પોલીસના જણાવ્યા અનુસાર હુમલાખોરનું નામ હાદી માતર છે અને તે 24 વર્ષનો છે. હુમલાખોર ન્યૂ જર્સીનો રહેવાસી છે.
પોલીસનું કહેવું છે કે હુમલાખોરનો હેતુ હજુ જાણી શકાયો નથી અને હુમલા પાછળનું કારણ જાણવા એફબીઆઈની મદદ પણ લેવાઈ રહી છે.
શકમંદ હાદી માતર પાસે કાર્યક્રમનો પાસ હતો અને તે એકલો જ આવ્યો હતો. પોલીસે હજુ માતર સામે આરોપો ઘડ્યા નથી.
શંકાસ્પદ હાદી માતર કૂદીને સ્ટેજ પર ગયો હતો અને સલમાન રશ્દીના ગળા અને પેટમાં કમસે કમ એક વાર કર્યો હતો.

કોણ છે સલમાન રશ્દી?

ઇમેજ સ્રોત, Getty Images
ભારતીય મૂળના નવલકથાકારને 1981માં 'મિડનાઈટ ચિલ્ડ્રન'થી ખ્યાતિ મળી હતી. માત્ર યુકેમાં તેની દસ લાખથી વધુ નકલો વેચાઈ હતી.
1988માં રશ્દીનું ચોથું પુસ્તક ધ સેટેનિક વર્સિસ પ્રકાશિત થયું હતું. આ નવલકથાથી કેટલાક મુસલમાનોમાં આક્રોશ પેદા થયો હતો.
તેમણે પુસ્તકની કથાવસ્તુને ઈશનિંદા ગણાવી હતી. કેટલાક દેશોમાં તેના પર પ્રતિબંધ હતો.
પુસ્તકના પ્રકાશનના એક વર્ષ પછી ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ ખોમૈનીએ રશ્દી વિરુદ્ધ મોતનો ફતવો બહાર પાડ્યો હતો.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ












