You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વધતી જતી મોંઘવારી અને જીએસટીના વિરોધમાં વિપક્ષનું વિરોધ પ્રદર્શન - પ્રેસ રિવ્યૂ
ખાવાપીવાના સામાન પર જીએસટી લગાવવા અને મોંઘવારીના મુદ્દે વિપક્ષી પાર્ટીઓએ સંસદ પરિસરમાં મહાત્મા ગાંધીની પ્રતિમા સામે વિરોધપ્રદર્શન યોજ્યું હતું.
આ પ્રદર્શનમાં રાહુલ ગાંધી સહિત વિપક્ષના ઘણા નેતા જોડાયા હતા.
આ પહેલાં વિપક્ષે મંગળવારે સંસદમાં વિરોધ કર્યો હતો. જેને લીધે કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી.
વિપક્ષનું કહેવું છે કે જીએસટીના નવા દરોથી મોંઘવારી વધી છે.
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં જીએસટી કાઉન્સિલે પૅકેજ્ડ દહીં, પનીર, છાશ, મધ, સોયાબીન, મમરા જેવાં ઉત્પાદનો પર પાંચ ટકા જીએસટી લગાવવાનો નિર્ણય કર્યો હતો.
જીએસટી લગાવવા પર નાણામંત્રીનું કહેવું હતું કે આ નિર્ણય કોઈ એક સદસ્યનો નહીં પરંતુ સમગ્ર કાઉન્સિલનો હતો.
ત્રણ વર્ષમાં ચાર લાખ જેટલા લોકોએ ભારતની નાગરિકતા છોડી
મંગળવારે સંસદમાં પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે છેલ્લાં ત્રણ વર્ષમાં 3.9 લાખ લોકોએ ભારતની નાગરિકતા છોડી છે.
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે, બહુજન સમાજવાદી પાર્ટીના સાંસદ હાજી ફઝલુર રહમાનના પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ માહિતી આપી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મોટા ભાગના લોકોની પ્રથમ પસંદ અમેરિકા હતી. વર્ષ 221માં જ 1.63 લાખ લોકોએ ભારતીય નાગરિકતા છોડી હતી. જેમાંથી 78,000 લોકોએ અમેરિકાનું નાગરિકત્વ સ્વીકાર્યું હતું.
અમેરિકા બાદ લોકોની બીજી પસંદ ઑસ્ટ્રેલિયા છે. ગયા વર્ષે 23,533 ભારતીયોને ઑસ્ટ્રેલિયાનું નાગરિકત્વ મળ્યું હતું. જ્યારે 2020માં 13,518 ભારતીયોએ ઑસ્ટ્રેલિયન નાગરિકત્વ સ્વીકાર્યું હતું.
કૅનેડામાં મોટી સંખ્યામાં ભારતીય લોકો નોકરી અને અભ્યાસ માટે જાય છે પરંતુ વર્ષ 2021માં 21,597 લોકોને જ કૅનેડાનું નાગરિકત્વ મળ્યું હતું.
ગુજરાતમાં ફેલાઈ રહેલા લમ્પી વાઇરસને પહોંચી વળવા સરકાર શું કરી રહી છે?
ગુજરાતના વિવિધ જિલ્લામાં લમ્પી વાઇરસના કેસો વધી રહ્યા છે ત્યારે પશુઓમાં આ રોગ વધુ ન ફેલાય તે માટે સરકાર દ્વારા રસીકરણની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
ઇન્ડિયન ઍક્સપ્રેસના અહેવાલ મુજબ, રાજ્ય સરકારે 'ગોટ(બકરી) પૉક્સની રસી'ના 11 લાખ ડોઝ ખરીદવાનો નિર્ણય કર્યો છે.
કૃષિમંત્રી રાઘવજી પટેલને ટાંકીને અખબાર લખે છે, "ઘણા સમયથી પશુઓમાં બીમારીનું કારણ બનેલા આ વાઇરસને નિયંત્રણમાં લેવા સૌરાષ્ટ્ર અને કચ્છમાં યુદ્ધના ધોરણે રસીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે."
રાઘવજી પટેલે મીડિયાને સંબોધતાં કહ્યું હતું કે જ્યાં-જ્યાં આ બીમારી જોવા મળી છે, ત્યાં-ત્યાં રસીકરણ હાથ ધરાઈ રહ્યું છે. પશુઓના મૃત્યુનો ચોક્કસ આંકડો તો નથી પણ મૃત્યુ થઈ રહ્યા છે એ વાત સત્ય છે.
તેમણે વધુમાં જણાવ્યું, "અત્યાર સુધી અમે ત્રણ લાખ પશુઓને રસી આપી છે. હાલ અમારી પાસે બે લાખ ડોઝ ઉપલબ્ધ છે. વધુ ડોઝની જરૂર હોવાથી 11 લાખ ડોઝ ખરીદવાનો નિર્ણય પણ લીધો છે."
પાકિસ્તાની યુવકની ધરપકડ, નૂપુર શર્માની હત્યા માટે આવ્યો હોવાનો પોલીસનો દાવો
રાજસ્થાન પોલીસે મંગળવારે એક પાકિસ્તાની યુવકની ધરપકડ કરી છે. પોલીસનો દાવો છે કે તે ભાજપના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માની હત્યા માટે ભારત આવ્યો હતો.
શ્રીગંગાનગરના પોલીસ અધીક્ષક આનંદ શર્માએ બીબીસીને જણાવ્યું, "પકડાયેલો યુવક 16-17 જુલાઈની રાત્રે બૉર્ડર પીલર ઓળંગીને ફૅન્સિંગ પાસે આવી ગયો. આ ઘટના બીએસએફની ખક્કા ચૅકપોસ્ટ પાસે બની હતી. "
"બીએસએફે યુવાનને પકડીને પોલીસહવાલે કર્યો હતો. પોલીસે વિવિધ કલમો અંતર્ગત ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે."
તેમણે વધુમાં કહ્યું, "પકડાયેલા યુવકની પૂછપરછ માટે વિવિધ એજન્સીઓની એક સમિતિ બનાવવામાં આવી છે. જે 18 જુલાઈથી પૂછપરછ કરી રહી છે. "
"અત્યાર સુધી કરવામાં આવેલી પૂછપરછમાં પકડાયેલા યુવકે જણાવ્યું કે તેનું નામ રિઝવાન અશરફ મોહમ્મદ છે. 24 વર્ષનો રિઝવાન પાકિસ્તાનમાં કુટિયાલ શેખાનો રહેવાસી છે અને તે આઠ ધોરણ પાસ છે."
આનંદ શર્મા મુજબ, રિઝવાન અશરફ પાસેથી કેટલીક પાણીની બૉટલો, ધાર્મિક પુસ્તકો અને બે ચપ્પુ મળ્યાં હતાં.
તેણે પૂછપરછમાં જણાવ્યું હતું કે નૂપુર શર્માને તેમના નિવેદન માટે સજા આપવા માટે ભારત આવી રહ્યો હતો.
કેરળમાં વિદ્યાર્થિનીઓનાં કપડાં ઊતરાવવાની બાબતે મહિલા આયોગે શું કહ્યું?
કેરળના કોલ્લમ જિલ્લામાં આવેલા એક શૈક્ષણિક સંસ્થાનમાં રવિવારે યોજાયેલી નીટની પરીક્ષા દરમિયાન એક સૅન્ટર પર ઘણી વિદ્યાર્થિનીઓને કપડાં કઢાવવાનો મામલો સામે આવ્યો હતો.
એક વિદ્યાર્થિનીના પિતાએ કોલ્લમ રૂરલ પોલીસમથકે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, પરીક્ષાકેન્દ્ર પર બનેલી આ પ્રકારની ઘટનાથી શરમના કારણે તેમની પુત્રી રડી-રડીને બેહાલ થઈ ગઈ હતી.
રાષ્ટ્રીય મહિલા આયોગે આ ઘટનાને શરમજનક અને વિદ્યાર્થિનીઓ માટે અપમાનજનક કહી છે.
આ મામલે રાષ્ટ્રીય મહિલા આયોગના ચૅરપર્સન રેખા શર્માએ નેશનલ ટેસ્ટિંગ એજન્સીના અધ્યક્ષને વિદ્યાર્થિનીઓ દ્વારા લગાવવામાં આવેલા આરોપોની સ્વતંત્ર તપાસ કરવા કહેવાયું છે.
આ સાથે કેરળના ડીજીપીને પણ લખીને આ મામલામાં જવાબદાર લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે અને કરેલી કાર્યવાહી અંગે ત્રણ દિવસમાં જાણકારી આપવાનું જણાવ્યું છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો